Get The App

દાવત : શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓ

Updated: Aug 11th, 2025

GS TEAM

Google News
Google News
દાવત : શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓ 1 - image


મોરૈયા - બટાટાની ખીચડી

 સામગ્રી : મોરૈયો (સામો) ૨૫૦ ગ્રામ, બટાટા ૨૫૦ ગ્રામ, શેકેલી શીંગનો ભૂકો થોડો, ઘી ૫૦ ગ્રામ, મરચું બે ચમચી, ૧ લીંબુનો રસ, મીઠુ પ્રમાણસર

 રીત : એક વાસણમાં પાણી લઈ એમાં બાટાટા નાખવા અને પછી એને ગેસ ઉપર બાફવા. બફાઈ જાય એટલે એને નીચે ઉતારી બટાટાની છાલ ઉતારી લેવી. પછી બટાટાને બારીક સમારી લેવા. ત્યારબાદ એક વાસણ લઈને એમાં થોડું ઘી નાખીને ગેસ ઉપર ચડાવવું. પછી તેમાં મોરૈયો બદામી રંગનો થાય ત્યાં સુધી શેકવો. એમાં થોડુંક પાણી છાંટવું. પછી  મોરૈયો સીઝવવો. એમાં શીંગનો ભૂકો, બાફેલા બટાટાના ટુકડા અને બધો મસાલો નાખીને બરાબર હલાવીને એક રસ બનાવવું.

સીંગદાણાની તીખી પૂરી

સામગ્રી : ૫૦૦ ગ્રામ સીંગદાણા, તલ ૫૦ ગ્રામ, મરીનો ભૂકો ૧ ચમચી, દળેલી સાકર ૨ ચમચી, મીઠું પ્રમાણસર, શેકેલા જીરાનો ભૂકો ૧ ચમચી, દૂધ પા કપ, તેલ પ્રમાણસર, તજ-લવિંગનો ભૂકો અડધી ચમચી.

રીત : સિંગદાણાને સાફ કરી મિક્સરમાં તેનો ભૂકો કરવો. પછી આ ભૂકામાં બધો મસાલો નાખી દૂધ વડે ભાખરી જેવો લોટ બાંધવો. પછી તેના લુવા કરી પ્લાસ્ટીક ઉપર રાખી તેની નાની પૂરી વણવી, લોઢી ઉપર ધીમા તાપે તેલ મૂકી બદામી રંગની સાંતળવી.

સુરણની કાતરી

સામગ્રી : સુરણ ૫૦૦ ગ્રામ, મીઠું સ્વાદાનુસાર, ઘી તળવા માટે.

રીત : સુરણને સારી રીતે ધોઈ તેની છાલ ઉતારી તેને છીણી લેવું અથવા તેની એક દોઢ ઈંચ લાંબી પાતળી ચીપ્સ બનાવવી અને બે ગ્લાસ હુંફાળા પાણીમાં મીઠું નાખી થોડીવાર રહેવા દઈ કપડાથી લૂછી લેવી અથવા કોરી કરવી.

ઘી અથવા તેલ ગરમ કરી તેમાં આ કાતરી  તળી ઉપર સંચળ, મરી, મીઠું અથવા ખાંડ ભભરાવવી. આ ચીપ્સ ટેસ્ટમાં ખૂબજ સારી લાગે છે.

શીંગના લાડુ

 સામગ્રી : શેકેલી  શીંગ ૨૫૦ ગ્રામ, ઘી પ્રમાણસર, દળેલી ખાંડ ૫૦ ગ્રામ, સૂંઠ એક ચમચી.

 રીત : શેકેલી શીંગના ફોતરાં ઉખેડી નાખવા. પછી તેને મિક્સરમાં પીસી નાંખવી.

પછી એક વાસણમાં ઘી લઈ ગેસ ઉપર ગરમ મૂકીને તેમાં શીંગનો ભૂકો દળેલી ખાંડ એ સૂંઠ નાંખીને મિક્સ કરવું. પછી ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લેવું.

પછી તેના લાડુ વાળી લેવા.

સાબુદાણા - બટાટાના વડાં

 સામગ્રી : બટાટા ૧ કિલો, સાબુદાણા ૨૫૦ ગ્રામ, કોથમીર ૧ ઝૂડી, વાટેલા ૬ લીલા મરચાં, ૧ લીંબુનો રસ, તજ ૪ ટુકડા, લીલા નાળિયેરનું ખમણ ૫૦ ગ્રામ, લવિંગનો ભૂકો ૨ ચમચી, મીઠું પ્રમાણસર.

 રીત : બટાટાને બાફીને તેની છાલ ઉતારીને તેનો છુંદો કરવો.ત્યારબાદ સાબુદાણાને ધોઈને ૨ કલાક પલાળી રાખવા. સાબુદાણા ફૂલી જાય એટલે તેને ચાળણીમાં કાઢીને કોરા કરવા.

ત્યારબાદ બટાટાના માવામાં સાબુદાણા, મીઠું વાટેલાં મરચાં, ઝીણી સમારેલી કોથમીર, કોપરાનું ખમણ, લવિંગનો ભૂકો અને તજનો ભૂકો નાંખીને મિક્સ કરવું.

પછી સહેજ તેલવાળો હાથ કરીને તેના ગોળાવાળી લેવા ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ ગેસ ઉપર ગરમ મૂકીને તેમાં આ ગોળા તળી લેવા.

ગોળા કડક બદામી રંગના થાય એટલે નીચે ઉતારી લેવા.

વડાં લીલી ચટણી અથવા મીઠી ચટણી સાથે પીરસવા.

રાજગરાની ધાણીનો ચેવડો

સામગ્રી : રાજગરાની ધાણી ૨૦૦ ગ્રામ, કિસમિસ ૨ ચમચા, મરચાંની ભૂકી એક ચમચી, ઘી તળવા માટે, દળેલી ખાંડ ૧ ચમચો, કાજુના ટુકડા ૨ ચમચા, મોટા બટાટા ૨૦૦ ગ્રામ, શીંગદાણા ૧૦૦ ગ્રામ, મીઠું પ્રમાણસર.

બનાવવાની રીત : એક વાસણમાં ઘી લઈને તેને ગેસ ઉપર ગરમ મૂકવું. પછી શીંગ, કાજુ અને કિસમિસને તળવા.ત્યારબાદ બટાટાને ખમણી વડે ખમણી લેવા અને ગરમ ઘીમાં તળી લેવા. પછી એક વાસણમાં થોડુંક ઘી મૂકીને એનો વઘાર કરવો અને તેમાં રાજગરાની ધાણી વઘારવી.પછી એક મોટી કથરોટ લઈ એમાં વઘારેલું મિશ્રણ લઈને તેમાં તળેલા કાજુ, કિસમિસ, શીંગ, મરચાંની ભૂકી, મીઠું અને ખાંડ નાખીને બરાબર હલાવવું અને ચેવડો ચટણી સાથે પીરસવો.

બટાટાનો ઠોર

સામગ્રી : શિંગોડાનો લોટ ૧૦૦ ગ્રામ, બટાટા ૫૦૦ ગ્રામ, ખાંડ ૨૫૦ ગ્રામ, સાબુદાણા ૧૦૦ ગ્રામ, તેલ તળવા માટે.

રીત : સૌપ્રથમ સાબુદાણાને ધોઈને પલાળી દેવા. પછી તેને એક ચારણીમાં નીતારીને કોરા કરવા મૂકવા.પછી બટાટા ધોઈને તેને બાફી નાંખવા પછી તેની છાલ કાઢીને તેને છુંદીને માવો બનાવવો.પછી આ માવામાં શિંગાડાનો લોટ અને સાબુદાણા ભેળવવા પછી તેની જાડી પુરી બનાવીને તેલમાં તળી લેવી.

એક તપેલીમાં ખાંડ લઈને ડૂબે એટલું પાણી નાખી એક તારી ચાસણી બનાવવી. તૈયાર કરેલી પુરી ચાસણીમાં નાખવી. પછી તેને એક થાળીમાં કાઢીને ઠરવા દેવા. વધેલી ચાસણી ઠંડી થાય પછી તેના ઉપર ચમચાથી થોડી થોડી રેડવી.તે એકદમ ઠરી જાય એટલે તેને ઉપયોગમાં લેવો.

ફરાળી ચેવડો

 સામગ્રી : બટાટા ૫૦૦ ગ્રામ, તલ ૩૦ ગ્રામ, ૫૦ ગ્રામ કાજુ, લાલ મરચું ૨ ચમચી, મીઠો લીમડો ૩-૪ પાન, બૂરું ખાંડ ૨ ચમચી, શીંગદાણા ૧૦૦ ગ્રામ, વરિયાળી ૩૦ ગ્રામ, મીઠું પ્રમાણસર, લીલાં મરચાં ૨ નંગ, તળવા માટે તેલ લીંબુનો ફુલ એક ચપટી.

 રીત : બટાટાને છોલીને છીણી નાંખવા, પછી બટાટાના છીણને પાણીમાં નાંખીને કોરા કપડા પર પાથરી દેવું.

પછી એક કડાઈમાં તેલ લઈ ગેસ ઉપર ગરમ મૂકવું. તેમાં બટાટાના છીણને તળી લેવું. બધું છીણ થઈ જાય એટલે તેને એક ડિશમાં કાઢી લેવું. પછી આ જ તેલમાં શીંગદાણા, લીલા મરચાંના ટુકડા અને કાજુને તળી લેવા. પછી એ કડાઈમાં થોડું તેલ લઈને તેમાં વરિયાળી, તલ અને મીઠો લીમડો સાંતળી લેવો. પછી તેને છીણમાં નાંખીને બરાબર હલાવવું. પછી તેમાં તળેલા કાજુ, લીલા મરચાંના ટુકડા અને શીંગદાણા નાખીને બરાબર હલાવવું.

પછી તેમાં બૂરું ખાંડ, લાલ મરચાંની ભૂકી, લીંબુના ફૂલ નાખીને હલાવી લેવું. પછી તેને બરણીમાં ભરી લેવો.

- હિમાની

Tags :