Get The App

દાવત : મજેદાર પરપ્રાંતીય વાનગીઓ

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
દાવત : મજેદાર પરપ્રાંતીય વાનગીઓ 1 - image


રબડી

 સામગ્રી : ૨ લીટર ફૂલ ક્રીમવાળું દૂધ, ચપટી ખાવાનો સોડા, ૧૦૦ ગ્રામ ખાંડ, ૧ ચમચો કોર્ન ફલોર, ૨ ચપટી કેસર, ૮-૧૦ બદામના ઝીણા ટુકડા, ૮-૧૦ કાજુના ઝીણા ટુકડા, ૮-૧૦ પિસ્તાના ઝીણા ટુકડા.

 રીત : એક પહોળી કડાઈમાં દૂધ ઉકાળો તેમાં ખાવાનો સોડા નાખી લગભગ ૨૦-૨૫ મિનિટ મધ્યમ આંચ રાખી હલાવતાં રહો પછી તેમાં ખાંડ નાખો. ૧/૪ કપ પાણીમાં કોર્નફલોર ઘોળીને તેમાં નાખો તથા ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો પછી તેમાં કેસર અને સૂકો મેવો નાખીને ૫ મિનિટ ઉકળવા દો. ઠુડું કરીને પીરસો.

અરસા

સામગ્રી : ૨ કપ ચોખા, ૧૫૦ ગ્રામ ગોળ, ૪ ચમચા પીસેલી બદામ, ૪ ચમચા પીસેલાં કાજુ, ૪ ચમચા ટોપરાનું છીણ તથા તળવા માટે તેલ.

રીત : ચોખાને ૭-૮ કલાક પાણીમાં પલાળીને બારીક પીસી લો. પછી તેમાં કાજુ, બદામ તથા ટોપરાનું છીણ મિક્સ કરો.

એક જાડી કડાઈમાં ગોળ નાખી ગરમ કરો. કડાઈ નીચે ઉતારી તેમાં ચોખાનંુ મિશ્રણ નાખી હલાવો પછી તેની નાની નાની ટિક્કી વાળીને ગરમ તેલમાં સોનેરી રંગે તળી લો.

મલાઈ પેંડા

સામગ્રી : ૧ લીટર દૂધ, ૫૦ ગ્રામ ખાંડ, ચપટી ફટકડી પાઉડર, ૨ ચપટી કેસર, ૪ લીલી એલચી પાઉડર, ૨-૩ ટીપાં પીળો અથવા કેસરી કલર.

રીત : એક વાસણમાં દૂધ ઉકાળો. ઉકળતાં દૂધમાં ફટકડી નાખી હલાવતાં રહો. ૧/૪ ભાગ જેટલું દૂધ રહે એટલે બાકીની સામગ્રી નાખી ઘટ્ટ થાય એટલે ગેસ પરથી નીચે ઉતારી ઠંડું કરો. તેના ગોળ ગોળ પેંડા બનાવો.

ગોવાનીઝ કરી

 સામગ્રી : ૪ મધ્યમ ગાજર, ૧૦૦ ગ્રામ બીન્સ, ૧૦૦ ગ્રામ વટાણા. 

મસાલા માટે સામગ્રી : ૧ કપ ડુંગળી ચોરસ સમારેલી, ૧ આદુનો ટુકડો, ૬ કળી લસણ, ૪ ચમચા નાળિયેરનું છીણ, ૪ લાલ મરચાં, ૨ ચમચા કોથમીર, ૧/૪ ચમચી હળદર, ૪-૫ મરી, ૧ મોટી એલચી, ૪ લવિંગ, ૧ ટુકડો તજ, ૧ ચમચી મીઠું, ૪ ચમચા તેલ, ૧ ચમચી આંબલીની પેસ્ટ અથવા ૨ ચમચા વિનેગર.

 રીત : ગાજર તથા બીન્સ સમારી લો. મરી, લવિંગ, એલચી તથા તજને શેકો. હવે ડુંગળી સિવાયના બધા મસાલા પીસી નાખો. તેલ ગરમ કરીને ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. પછી બધો મસાલો નાખીને તેલ છૂટે ત્યાં સુધી સાંતળો-તેમાં બધાં શાક નાખી નરમ થાય ત્યાં સુધી ચડવા દો. ગેસ પરથી નીચે ઉતારતી વખતે આંબલીની પેસ્ટ અથવા વિનેગર નાખી સરખી રીતે મિક્સ કરી ગરમાગરમ સર્વ કરો.

જલેબી

સામગ્રી : ૧ કપ મેદો, ૨ ચમચા દહીં, ૧ ચમચો ચણાનો લોટ, ચપટી ખાવાનો સોડા, ૩૦૦ ગ્રામ ખાંડ, ૨ ચપટી કેસર, ૨-૩ ટીપાં પીળો રંગ, તળવા માટે ઘી.

રીત : મેંદા તથા ચણાના લોટમાં ખાવાનો સોડા તથા દહીં નાખી પાણીથી ઘટ્ટ ખીરું બનાવી આખી રાત ઢાંકીને રાખી મૂકો. સવારે તેમાં આથો આવી જશે. તેમાં પીળો રંગ નાખી ખૂબ ફીણો. ચપટી કડાઈમાં ઘી ગરમ કરી કોનમાં પ્રમાણસર કાણું પાડી મિશ્રણ ભરી ગોળ ગોળ જલેબી તળી લો. ખાંડની એક તારની ચાસણી બનાવી તેમાં કેસર નાખી ગરમ જલેબી તેમાં નાંખો ૧૦-૧૫ મિનિટ પછી તેને ઉલટસૂલટ કરીને ચાળણીમાં કાઢી લો. જેથી વધારાની ચાસણી નીકળી જાય. સાદા દહીં અથવા ગરમ દૂધ સાથે પીરસો.

પપૈયા ખાર

સામગ્રી : ૧/૨ કિલો કાચું પપૈયું, ૧ ચમચો સરસિયું, ૧/૨ ચમચી રાઈ, ૧/૨ ચમચી જીરું, ૧ ચમચી મીઠું, ચપટી બેકિંગ પાઉડર, ૨ ચમચી કોથમીર ઝીણી સમારેલી  ૧/૪ ચમચી મરી પાઉડર.

રીત : પપૈયાને છોલીને સમારી લો. પછી કડાઈમાં તેલ ગરમ કરી રાઈ તથા જીરાનો વઘાર કરી સમારેલું પપૈયું નાખો, મીઠું મરી પાઉડર તથા બેકિંગ પાઉડર નાખી સરખી રીતે મિક્સ કરી ઢાંકીને ચડવા દો. નરમ થાય એટલે કોથમીર નાખી ભાત સાથે પીરસો.

સેપૂ વડી

 સામગ્રી : ૧૧/૨ કપ ફોતરાવાળી અડદની દાળ, ૧ કપ દહીં, ૧ કપ ઝીણી સમારેલી પાલક, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી લાલ મરચું, ૧/૪ ચમચી હળદર, ૧/૨ ચમચી જીરા પાઉડર, ૧/૨ ચમચી વરિયાળીનો પાઉડર, ૧ ચમચી મીઠું, સરસિયું અંદાજે તથા ૨ ચમચા ઘી.

 રીત : અડદની દાળને ૪-૫ કલાક પાણીમાં પલાળીને તેના ફોતરાં ઉતારી ઝીણા પીસી લો. તેમાં ગરમ મસાલો, લાલ મરચું, હળદર તથા ૧/૨ ચમચી મીઠું મિક્સ કરો. આને ફીણવું નહીં. દાળને મલમલના કપડામાં બાંધીને ઉકળતાં પાણીમાં ૧/૨ કલાક ઉકાળો. પછી તેને બહાર કાઢી કાપીને તેલમાં તળી લો. ૧ ચમચા તેલમાં પાલક નરમ થાય ત્યાં સુધી ચડવા દો. કડાઈમાં ઘી ગરમ કરી બાકીના મસાલા નાખી તેમાં વડી, પાલક તથા દહીં નાખી હલાવો ધીમી આંચે ૧/૨ કલાક ચડવા દો. જો ગ્રેવી થોડી વધારે રાખવી હોય તો છેલ્લે ૧/૨ કપ પાણી નાખો અને ગરમાગરમ પીરસો.

પૂરણ પોળી

 સામગ્રી : ૨ કપ મેંદો, ૪ ચમચા તેલ, ચપટી હળદર, પૂરણ  માટે સામગ્રી - ૧ કપ ચણાની દાળ, ૧/૨ કપ મગની મોગર દાળ, ૧ કપ ગોળ, ૪ લીલી એલચી પાઉડર, ચપટી જાયફળનો પાઉડર, ૧૦૦ ગ્રામ માખણ અથવા ઘી.

 રીત : ચણા તથા મગની દાળને ૪ કલાક પલાળી રાખો. પછી તેને પ્રેશર કૂકરમાં બાફી લો. વધારાનું પાણી કાઢી તેને પીસી લો.  જાડી કઢાઈમાં ગોળ તથા દાળની પેસ્ટ નાખીને ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો. એલચી તથા જાયફળ પાઉડર નાખીને ગેસ પરથી નીચે ઉતારી ઠંડુ કરો. હવે મેદામાં તેલ તથા હળદર નાખીને પાણીથી નરમ લોટ બાંધી લો. તેના નાના લૂઆ બનાવી વચ્ચે પૂરણ ભરી હળવા હાથે વણો. પછી ગરમ તવા પર બન્ને તરફ સોનેરી રંગે શેકી ઘી સાથે ગરમાગરમ પીરસો.

પેઠા

સામગ્રી : ૧૧/૨ કિલો ગ્રામ સફેદ કોળું, ૧ કિલોગ્રામ ખાંડ, ૧૦ ગ્રામ ચૂનો, ૨ ચમચા ગુલાબજળ.

રીત : કોળાને છોલીને તેના બી કાઢી નાખો. તેને ૨ ઈંચના ટુકડામાં સમારી ચૂનાના પાણીમાં ૮-૧૦ કલાક પલાળી રાખો. તે પછી ૩-૪ વખત ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. ત્યાર પછી ટુકડાને હળવા હાથે મસળી ઉકળતા પાણીમાં નાખી સહેજ નરમ થાય ત્યાં સુધી ઉકાળો. ખાંડ અને પાણી મિક્સ કરી ચાસણી બનાવો. તેમાં થોડું દૂધ નાખો.

ચાસણીમાં કોળાના ટુકડા નાખી ૧૫ મિનિટ સુધી આંચે ચડવા દો. બીજા દિવસે ટુકડા કાઢી ચાસણી ઘટ્ટ કરો. ટુકડા તેમાં નાખી ફરીથી ચડવા દો. તેને આખી રાત રાખી મૂકો. પછી ત્રીજા દિવસે તેને એવી રીતે ચડવા દો કે ચાસણી નીચેથી બળી ન જાય અને પેઠાના ટુકડા પર સુકાઈ પણ ન જાય. તેમાં ગુલાબ જળ નાખીને ઠંડા કરીને ડબ્બામાં ભરી દો.

- હિમાની

Tags :