મરચી વડાં
સામગ્રી: ૮ મોટા લીલા મરચાં અથાણાનાં, ૫૦૦ ગ્રામ, બાફેલા બટાકાં, ૩૦૦ ગ્રામ ચણાનો લોટ, ચપટી ખાવાનો સોડા, ૧/૪ ચમચી મીઠું, ૧/૪ ચમચી લાલ મરચું, તળવા માટે તેલ.
રીત: બટાકાંને મસળી તેમાં મીઠું તથા મરચું મિક્સ કરો. ચણાના લોટમાં મીઠું, સોડા અને પાણી નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરો. લીલા મરચાં વચ્ચેથી ચીરીને અંદરથી પોલાં કરી નાખો. હવે બધાં મરચાંની અંદર બટાકાંનું મિશ્રણ ભરીને મિશ્રણ મરચાંની ચારે બાજુ લગાવો.
હવે ખીરામાં આ મરચાં બોળી ગરમ તેલમાં સોનેરી રંગે તળો. પછી તેને કડાઈમાંથી બહાર કાઢી હાથેથી થોેડા દબાવી દો અને ફરીથી ગરમ તેલમાં તળી લો. તેલમાંથી બહાર કાઢી ગળી ચટણી સાથે સર્વ કરો.
સ્પેશિયલ કચોરી
સામગ્રી: સામગ્રી : ૨૫૦ ગ્રામ મેંદો, ૬૦ ગ્રામ તેલ, ૧ સમારેલી ડુંગળી, ૨ બાફેલાં બટાકાં, ૧ ચમચી વાટેલું મરચું, ૧ ચમચી વાટેલી કોથમીર-૧ ચમચી મીઠું, ૧ ચમચી વાટેલું મરચું, ૧ ચમચી મરી પાઉડર, ચપટી હિંગ, થોડું જીરું, ૧/૨ ચમચી ગરમ મસાલો તથા તળવા માટે તેલ.
રીત : મેંદાને ચાળીને તેમાં તેલ તથા અડધી ચમચી મીઠું નાખીને લોટ બાંધી લો. કડાઈમાં એક-બે ચમચા તેલ ગરમ કરો. હિંગ, જીરું તતડાવો. ડુંગળી સાંતળી લો. પછી તેમાં મસળેલાં બટાકાં તથા બધા મસાલા નાખી બે મિનિટ હલાવો. મિશ્રણ ઠંડુ પડવા દો. હવે મેંદાના લોટમાંથી લીંબુ આકારના ગોળા બનાવો. દરેક ગોળાને હાથેથી દબાવીને તેમાં એક ચમચી પૂરણ ભરી ગોળા વાળી દો. દરેક ગોળાને હાથેથી દબાવી સહેજ વણી લો. કડાઈમાં તેલ ગરમ કરી ધીમા તાપે બધી કચોરી સોનેરી રંગે તળી લો. લીલી તથા મીઠી ચટણી સાથે ગરમાગરમ પીરસો.
મસ્ત માલપૂઆ
સામગ્રી: ૨૫૦ ગ્રામ માવો, ૧૦૦ ગ્રામ મેંદો, ૩૦૦ ગ્રામ ખાંડ, ૧/૨ ચમચી એલચી પાઉડર, ૨૦ ગ્રામ સમારેલાં પિસ્તાં.
રીત: માવાને મસળી તેમાં મેંદો તથા ૨૦૦ મિલિલીટર પાણી મિક્સ કરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. ખાંડમાં ૩૦૦ મિલિલીટર પાણી નાખી પાતળી ચાસણી બનાવો. હવે ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરી એક ચમચો ખીરુ પેનમાં નાખો. ધીમા તાપે બંને બાજુ ઊલટાવીને સોનેરી રંગ શેકી લો. પછી તેને ખાંડની ચાસણીમાં નાખી દો. સર્વ કરતી વખતે પ્લેટમાં સમારેલાં પિસ્તા તથા એલચી ભભરાવી રબડી સાથે સર્વ કરો.
ચટપટાં વડા
સામગ્રી: ૨૫૦ ગ્રામ ચણાની દાળ, ૧ ચમચી ચણાનો લોટ, મીઠું સ્વાદ મુજબ, ૧ ઈંચ આદુનો ટુકડો, ૨ લીલા મરચાં, ૧ ચમચી આખા મરી, ૧/૨ ચમચી લાલ મરચું, ૧ ૧/૨ ચમચી આખા ધાણા, તળવા માટે તેલ અથવા ઘી.
રીત: ચણાની દાળને આખી રાત પલાળી રાખો. સવારે દાળનું બધું પાણી નિતારી દાળ મિક્સીમાં પીસીને પેસ્ટ બનાવી લો. તેમાં બધી સામગ્રી અને મસાલા નાખી ફીણો. જો આ મિશ્રણને ઘટ્ટ કરવું પડે તો તેમાં ચણાનો લોટ પણ નાખી શકો છો. એક કડાઈમાં તેલ ગરમ મૂકો. તૈયાર મિશ્રણમાંથી એક મુઠ્ઠી જેટલું મિશ્રણ લઈ તેને હાથેથી ઈંડા જેવો આકાર આપો. અને તેલમાં તળો. આ રીતે બધાં વડાં સોેનેરી રંગના તળીને બહાર કાઢી લો. હવે તેમાંથી અડધો ઈંચ જેટલો ગોળ ભાગ ફરીથી ગરમ તેલમાં તળો. વડાં લાલ રંગના કરકરા થઈ જાય એટલે તેલમાંથી બહાર કાઢી લો. થોડો ચાટ મસાલો ભભરાવી લીલી ચટણી સાથે પીરસો.
મિક્સ ડ્રાયફ્રૂટ્સ
સામગ્રી : ૧/૨ છીણેલું કોપરું, ૧/૨ કપ મીંજ, ૧ કપ મિક્સ અધકચરો ખાંડેલો સૂકો મેવો (કાજુ, બદામ, અખરોટ, પિસ્તાં અને કિસમિસ) ૫-૬ ખજૂર લબી સમારેલી, ૧ કપ ખાંડ, ૧ ચમચો દેશી ઘી, ૧/૨ ચમચી એલચી પાઉડર, ૧/૨ કપ પાણી.
રીત : સૌપ્રથમ મીંજ શેકી લો. હવે પાણીમાં ખાંડ નાખી ચાસણી બનાવો. ચાસણીમાં પરપોટા વળે એટલે બધો સૂકો મેવો, મીંજ તથા ખજૂર મિક્સ કરી ગેસ બંધ કરી સતત હલાવો. જ્યારે મિશ્રણ જામવાલાયક બની જાય એટલે પ્લેટમાં ઘી લગાવી પાથરી દો. પછી તે જામી જાય એટલે ઈચ્છા મુજબ આકારમાં કાપી સર્વ કરો.
વેજકોન
સામગ્રી : ૧ કપ મગની મોગર દાળ, ૧/૪ કપ ચોખાનો લોટ, ૩/૪ ચમચી મીઠું, ૨ ચમચા કોથમીર, થોેડું માખણ અથવા તેલ.
પૂરણ માટેની સામગ્રી : ૧/૨ કપ છીણેલાં ગાજર, ૨-૩ કેપ્સિકમ ઝીણાં સમારેલાં, ૧/૨ કપ તાજું ઝીણેલું નાળિયેર, ૧/૨ કપ ઝીણેલું કોબીજ, ૧/૪ કપ પનીરના ટુકડા, ૨ ચમચા તેલ, ૧ ચમચી મીઠું, ૧/૪ ચમચી મરી પાઉડર, ૪ ચમચા ટોમેટો સોસ, ૧ ચમચો ગ્રીન ચિલી સોસ.
રીત : દાળને ચાર-પાંચ કલાક પાણીમાં પલાળી વાટી લો. તેમાં ચોેખાનો લોટ, મીઠું તથા કોથમીર નાખી ખીરું બનાવી લો. અડધા કલાક પછી તેમાંથી પેન કેક બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી બધાં શાકભાજી નાખી એક મિનિટ સુધી સાંતળો. પછી તેમાં બધા મસાલા કરી ગેસ પરથી ઉતારી પેન કેકમાં ભરો. હવે તેનો રોલ વાળી ગરમ ગરમ સર્વ કરો.
- હિમાની


