પાપડી ચાટ
સામગ્રી :પાપડી માટે સામગ્રીઃ ૧ કપ મેંદો, ૧/૨ કપ ઝીણો રવો, ૨ ચમચાં તેલ, ચપટી ખાવાનો સોડા, ૧/૨ ચમચી મીઠું, તળવા માટે તેલ.
ચાટ માટે સામગ્રીઃ ૧કપ ઘટ્ટ દહીં, ૧/૨ કપ આંબલીની ચટણી, ૪ બાફેલાં બટાકાં, ૧ ચમચી શેકેલો જીરા પાઉડર, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ચાટ મસાલો.
રીત : મેંદા તથા રવામાં મીઠું અને ખાવાનો સોડાનાખી બે વખત ચાળી લો. પછી તેલનું મોણ દઇ નવશેકા પાણીથી લોટ બાંધી લો. ૧/૨ કલાક ઢાંકીને મૂકી દો. બીજી વખત મસળીને થોડું જાડું વણી લો. ગોળ કટરથી પાપડી કાપી લો. તેને ગરમ તેલમાં સોનેરી તળી લો. જ્યારે ચાટ તૈયાર કરવાની હોય ત્યારે થોડી પાપડી ચટણીમાં અને થોડી દહીમાં ડુબાડી રાખો. દહીમાં થોડું મીઠું નાખો પછી તેને પ્લેટમાં કાઢી ઉપર બટાકાં, ચટણી તથા થોડું દહીં નાખો. ઉપર મસાલો ભભરાવી સર્વ કરો.
સરસિયાનું શાક તથા મકાઇની રોટલી
શાક માટે સામગ્રીઃ ૧/૨ કિલોગ્રામ સરસિયાની ભાજી, ૧૦૦ ગ્રામ પાલક, ૫૦ ગ્રામ બથુવા, ૫૦ ગ્રામ સુવાની ભાજી, ૧ સલગમ, ૨ ઇંચ આદુંનો ટુકડો, ૮-૧૦ લસણની કળી, ૧ ચમચી મીઠું, ૧ ડુંગળી ચોરસ સમારેલી, ૪-૫ લીલાં મરચાં, ૨ ટામેટાં ચોરસ સમારેલાં, ૪ ચમચા માખણ અથવા રિફાઇન્ડ તેલ.
રોટી માટે સામગ્રીઃ ૨ કપ મકાઇનો લોટ, ૧ ચમચી મીઠું, ૧/૪ ચમચી જીરું, ૧/૨ ચમચી લાલ મરચું, ૧૦૦ ગ્રામ માખણ.
રીતઃ સરસિયાની ભાજી, પાલક, બથુવા તથા સુવા ભાજી ધોઇને સમારીલો. તેમાં સલગમ છીણીને મિક્સ કરો. મીઠું, લીલાં મરચાં, અડધું આદું તથા લસણ ખાંડીને નાખો. પછી તેને કૂકરમાં નરમ થાય ત્યાં સુધી ચડવા દો. થોડું ઠંડું પડે એટલે એકરસ કરો.
વધાર માટે માખણ અથવા તેલ ગરમ કરી તેમાં જીરું નાખી ડુંગળી સાંતળો. ડુંગળી સોનેરી થઇ જાય એટલે તેમાં આદું, લસણ ઝીણાં સમારીને નાખો અને થોડીવાર સાંતળો. પછી લાલ મરચું અને ટામેટાં નાખીને તેલ છૂટે ત્યાં સુધી સાંતળો તેમાં શાક મિક્સ કરો. હવે રોટી માટેની સામગ્રી મિક્સ કરી નવશેકા પાણીથી નરમ લોટ બાંધી લો. પછી નાની નાની રોટી બનાવીને ધીમા તાપે શેકો. ઉપર માખણ અથવા ઘી લગાવીને ગરમ ગરમ શાક સાથે પીરસો.
રબડી
સામગ્રીઃ ૪ કપ ખાટી છાશ, ૧ ચમચી મીઠું, ૧/૨ કપ બાજરો.
રીત : બાજરામાં ૨ ચમચા ગરમ પાણી નાખીને ૧/૨ કલાક ઢાંકીને રાખી મૂકો. પછી તેને ખાંડણિયામાં નાખી હળવા હાથે ખાંડો તેને થાળીમાં કાઢીને ઝાપટીને તેનાં ફોતરાં દૂર કરો. આમ ૨-૩ વખત કરવાથી બાજરામાં બધાં ફોતરાં નીકળી જશે. હવે તેને ફરી ખાંડો જેથી જાડો લોટ બની જાય.
પછી છાશમાં મીઠું નાખી તેમાં આ લોટ નાખી ગેસ પર ધીમા તાપે ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો. થોડું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી તાજું દહીં તથા છાશ સાથે પીરસો. અથવા આમ જ ગરમા ગરમ પીરસો.
ખમણ ઢોકળાં
સામગ્રીઃ ૧ કપ જાડો ચણાનો લોટ, ૧/૨ કપ ખાટું દહીં. ૧ ચમચી મીઠું, ૧/૨ ચમચી ખાવાનો સોડા, ૧ ચમચી આદું તથા લીલાં મરચાંની પેસ્ટ.
વઘાર માટેની સામગ્રી : ૧ ચમચો તેલ, ૧ ચમચી રાઇ, ૧ ચમચી ખાંડ, ૧ લીંબુનો રસ, ૮-૧૦ મીઠાં લીમડાનાં પાન.
રીત : ચણાના લોટમાં મીઠું, દહીં તથા થોડું પાણી નાખીને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લો. તેને ૬-૭ કલાક સુધી ઢાંકીને એક તરફ મૂકી દો. પછી બનાવતી વખતે તેમાં આદું અને લીલાં મરચાંની પેસ્ટ તથા ખાવાનો સોડા નાખીને ખૂબ ફીણો. પછી તેલ લગાવેલા વાસણમાં આ મિશ્રણ પાથરી દો. કૂકરમાં એક ગ્લાસ પાણી નાખીને સીટી વગાડયા વગર ચડવા દો. જો ઢોકળાનું સ્ટેન્ડ હોય તો તેમાં બનાવો. ૧૫-૨૦ મિનિટ પછી છરી નાખીને જોઇ જુઓ. જો તે ચોખ્ખી નીકળે તો સમજવું કે ઢોકળાં તૈયાર છે. થોડાં ઠંડાં પડે એટલે કાપી લો. હવે તેલ ગરમ કરી તેમાં રાઇ, લીમડાનાં પાન, ૧/૪ કપ પાણીમાં લીંબુનો રસ તથા ખાંડ નાખીને ઢોકળાનો વઘાર કરો પછી ઊંચા નીચા કરીને હલાવીને પીરસો.
રસમ
સામગ્રીઃ ૪ ચમચા તુવેરની દાળ, ૧ ચમચી મીઠું, ૧/૪ ચમચી હળદર, ૨ ચમચી આંબલીની પેસ્ટ, ૪-૫ દાણા મરી, ૧/૨ ચમચી જીરું, ૪-૫ કળી લસણ, ચપટી હિંગ.
વઘાર માટેની સામગ્રીઃ ૧ ચમચી તેલ, ૧/૪ ચમચી રાઇ, ૮-૧૦ મીઠાં લીમડાનાં પાન, ચપટી હિંગ.
રીત : તુવેરની દાળમાં ૪ કપ પાણી, મીઠું અને હળદર નાખીને બાફી લો. પછી તેને વલોવી નાખો. મરી, જીરું, લસણ તથા હિંગને એક સાથે પીસી લો.
એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, લીમડાનાં પાનનો વઘાર કરી તેમાં પીસેલો મસાલો અને દાળ નાખી થોડીવાર ઉકળવા દો. તેમાં આંબલીની પેસ્ટ નાખો અને વધુ એક ઊભરો આવે એટલે ઉતારી લો. ભાત અને પાપડ સાથે ગરમાગરમ પીરસો.
ભરવાં બાટી
સામગ્રીઃ ૧ કપ ઘઉંનો લોટ, ૧/૪ કપ ચણાનો લોટ, ૧ ચમચી મીઠું, ૧/૪ ચમચી હળદર, ૨ ચમચા તેલ.
પૂરણ માટે સામગ્રીઃ ૨ મોટાં બટાકાં બાફીને મસળેલાં, ૨ લીલાં મરચાં ઝીણાં સમારેલાં, ૧ લીંબુનો રસ, ૧ ચમચી મીઠું, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૪ ચમચી લાલ મરચું. થોડી કોથમીર ઝીણી સમારેલી, ૧ કપ ઘી.
રીતઃ ઉપરથી બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી પાણીથી લોટ બાંધીને ૧/૨ કલાક ઢાંકીને રાખી મૂકો.
પૂરણની બધી સામગ્રી મિક્સ કરી લોટના લૂઆમાં થોડું પૂરણ ભરી ગોળાવાળી લો. આ રીતે બધી બાટી બનાવી લો. પછી ઓવનમાં ૨૨૦ ડિગ્રી. સેન્ટિગ્રેડ ઉષ્ણતામાન પર બેક કરો. ઘી સાથે પીરસો.
-હિમાની


