Get The App

દાવત : શિયાળામાં વિવિધ વાનગીઓની વૅરાયટી

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
દાવત : શિયાળામાં વિવિધ વાનગીઓની વૅરાયટી 1 - image

સ્ટફ મેકરોની

 સામગ્રી: ૫૦૦ ગ્રામ પાલક, ૧ પેકેટ મેકરોની, ૧ ૧/૨ કપ વ્હાઇટ સોસ, ૧ ચમચી મીઠું, ૧/૨ ચમચી વાટેલા મરી, ૧ ડુંગળી સમારેલી, ૧ બટાકું ઝીણું સમારેલું, ૧ કપ ફ્લાવર સમારેલું, ૨ ટામેટાં, ૨ ચમચા  પનીરનું છીણ.

સોસ બનાવવાની સામગ્રી: ૨ ચમચા માખણ, ૨ ચમચા મેંદો, ૨ કપ દૂધ, ચપટી મીઠું અને મરી. વ્હાઇટ સોસ બનાવવાની રીત: માખણને ગરમ કરી એમાં મેંદાને થોડો શેકી લો. દૂધ બરાબર ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. મીઠું અને મરી નાખી દો. વ્હાઇટ સોસ તૈયાર છે.

 રીત: પ્રથમ મેકરોનીને મીઠાના પાણીમાં ઉકાળી લો. પાલકને ઝીણી સમારી ઊકળતા પાણીમાં નાખી તરત જ કાઢી લો. ડુંગળી, બટાકા, ફ્લાવરને પણ ઊકળતા પાણીમાં નાખી ૧ મિનિટ ઊકળવા દઇ પાણીમાંથી કાઢી લો. 

૧ ટામેટાના ટુકડા કરી લો. બધાં શાક અને મેકરોનીને વ્હાઇટ સોસમાં ભેળવી તેમાં મીઠું અને મરી પણ નાખી દો. એક બેકિંગ ડિશમાં આ મિશ્રણ પાથરી દો. એની પર ટામેટાંના ટુકડા પાથરી દો. ચીઝ છીણીને પાથરી દો અને ૧૦-૧૫ મિનિટ સુધી ઓવનમાં બેક કરી ગરમાગરમ પીરસો.

મસાલેદાર ફાડા

 સામગ્રી: ૧ કપ ઘઉંના ફાડા, ૧/૨ કપ વટાણા, ૧ કપ બટાકા ઝીણા સમારેલા, ૧ ડુંગળી ઝીણી સમારેલી, ૧ કેપ્સિકમ સમારેલું, ૧/૨ કપ ફ્લાવર સમારેલું, થોડા શેકેલા ફોતરા વગરનાં સીંગદાણા, ૨ ટામેટાં સમારેલાં, ૧ ચમચી રાઇ, ૩-૪ સૂકાં લાલ મરચાં, ૨-૩ લીલાં મરચાં સમારેલાં, ૧/૨ ચમચી લાલ મરચું, ૧ ચમચી મીઠું, ૧ ચમચી તેલ, કોથમીર સમારેલી.

 રીત: ફાડાને કડાઇમાં કોરા જ આછા ગુલાબી શેકી લો. તેલ ગરમ કરી રાઇ અને આખાં લાલ મરચાંનો વઘાર કરો. એમાં ફાડા નાખી ૧ મિનિટ સુધી શેકો. ટામેટાં સિવાય બીજા બધાં શાક  અને મીઠું-મરચું પણ નાખી દો. ૩ વાટકી પાણી નાખી ઊભરો આવે એટલે ઢાંકીને ગેસ ધીમો કરી ૧૦-૧૨ મિનિટ સુધી ચડવા દો. બધું પાણી બળી જાય પછી ગેસ બંધ કરી ટામેટાં અને સીંગદાણા પણ નાખી દો. હવે આ મિશ્રણને એક ગોળ વાસણમાં દબાવીને ભરી ૧૦-૧૫ મિનિટ સુધી ઢાંકી રાખો. છેલ્લે એક સર્વિંગ ડિશમાં  મિશ્રણવાળું વાસણ ઊંધું પાડી મોલ્ડ કાઢી લો. કોથમીર, ટામેટાં અને કેપ્સિકમથી સજાવીને પીરસો.

રસીલા ગુલાબજાંબુ

 સામગ્રી: ૮-૧૦ બ્રેડ સ્લાઇસ, ૧/૨ કપ માવો અથવા મિલ્ક પાઉડર, ૧/૨ કપ મિક્સ ડ્રાયફ્રુટ, ૨ કપ ખાંડ, ૩-૪ લીલી એલચી, તળવા માટે જરૂરી તેલ.

 રીત: બ્રેડ સ્લાઇસની કિનારી કાપી લો. માવા અને ડ્રાયફ્રૂટને બરાબર મિક્સ કરી લો. દરેક સ્લાઇસને પાણીમાં પલાળી એમાં માવો ભરી ગોળો વાળી લો. તેલ ગરમ કરી બધા ગોળા બદામી રંગના તળી લો. ૩ કપ પાણીમાં ખાંડ નાખી ચાસણી બનાવો. એમાં એલચી નાખી દો. હવે બધા તળેલાં ગોળા ગરમ ચાસણીમાં નાખી ઢાંકીને મૂકી દો. એક કલાક પછી ગરમ કરી પીરસો.

સ્ટફ્ડ પેટીસ

 સામગ્રી : ૩ કપ બાફીને મસળેલાં બટાકાં, ૧/૨ કપ બાફેલા વટાણા, ૧/૨ કપ ગાજરનું છીણ, ૨ ચમચા ઝીંણા સમારેલાં કેપ્સિકમ, ૧ કપ ઝીણી સમારેલી ડુંગળી, ૨-૩ લીલા મરચાં સમારેલાં, ૧/૨ કપ સીંગદાણા, ૧ ચમચો ચાટ મસાલો, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી મીઠું, ૧ કપ દહીં, લીલી ચટણી, આમલીની ચટણી.

 રીત : સીંગદાણાને બારીક વાટી લો. બટાકાં, બધાં શાક, સીંગદાણા અને મસાલાને બરાબર મિક્સ કરો. ગોળ ચપટી પેટીસ બનાવી પહેલાંથી ગરમ કરેલા ઓવનમાં બેકિંગ ટ્રેમાં મૂકી ૧૫-૨૦ મિનિટ બેક કરો. દહીં, લીલી ચટણી અને આમલીની ચટણી સાથે પીરસો.

રંગીન ઇડલી

 સામગ્રી: બે કપ ચોખા, ૧ કપ અડદની ફોતરાં વગરની દાળ, ૧/૨ કપ ઝીણી સમારેલી પાલક, ૧/૨ કપ બાફેલા વટાણા, ૨-૩ લીલાં મરચાં સમારેલાં, ૨ ટામેટાં બારીક સમારેલાં, ૨ ચમચા સીંગદાણા, ૧ ચમચી રાઇ, ૧ ચમચો ચણાની દાળ, ૧ ચમચી તેલ, મીઠું.

 રીત: દાળ અને ચોખાને પાંચ-છ કલાક જુદા-જુદા પલાળી રાખી પછી એને ઝીણા પીસી લો. મીઠું નાખી બધું ખીરું બરાબર હલાવી નાખો અને આઠ-દસ કલાક ઢાંકીને મૂકી રાખી આથો લાવો. હવે એમાં બધાં શાકભાજી અને સીંગદાણા નાખી દો. ઇડલી સ્ટેન્ડમાં એક-એક ચમચો ખીરું નાંખી તેને કૂકરમાં મૂકી ઇડલી બનાવો અને ગરમા ગરમ પીરસો.

ઘઉંનો હલવો

 સામગ્રી: ૧ કપ ઘઉં, ૧/૨ કપ તેલ,  ૨ ચમચા માખણ, ૧ ૧/૨ કપ ખાંડ અથવા ૧ ૧/૨ કપ ગોળનો ભૂકો, ૧/૨ કપ છીણેલું નાળિયેર, ૧ ચમચી વાટેલી લીલી એલચી, ૧૫-૨૦ તળેલાં સમારેલા કાજુ અને ૨ ચમચા સૂકી દ્રાક્ષ.

 રીત: ઘઉંને ત્રણ-ચાર કલાક પાણીમાં પલાળી રાખ્યા પછી એને ઝીણા પીસી લો. તેલ ગરમ કર્યા પછી એ મિશ્રણ એમાં નાખી બદામી રંગનું થાય ત્યાં સુધી શેકો. એમાં પાંચ વાટકી પાણી અને ખાંડ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવો. એમાં નાળિયેર, સૂકી દ્રાક્ષ, કાજુ, ઇલાયચી અને માખણ નાખી બે-ત્રણ મિનિટ ચડવા દો. ગરમા ગરમ પીરસો.પર તેલ નાખી શેકી લો. લીલી ચટણી સાથે પીરસો. 

વેજિટેબલ બોલ્સ

 સામગ્રી: ૨ કપ બાફીને મસળેલાં બટાકાં, ૧/૨ કપ બાફેલા વટાણા, ૨-૩ લીલાં મરચાં સમારેલાં, ૨ ચમચા કોથમીર સમારેલી, ૧ ચમચી તેલ, ૧/૨ કપ શેકેલા તલ, ૧ ચમચી જીરું, ૧ ચમચી ધાણાજીરું, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી ગરમ મસાલો.

 રીત: તેલ ગરમ કરી એમાં જીરું અને ધાણાજીરું શેકી લો. હવે એમાં વટાણા, બટાકાં, મીઠું, ગરમ મસાલો, કોથમીર અને લીલાં મરચાં નાખી બરાબર મિક્સ કરી લો.  મિશ્રણના નાના-નાના ગોળા વાળી  એને તલમાં રગદોળી લો. એક પ્લેટમાં કોથમીર પાથરી  એની પર બોલ્સને સજાવી દો. લીલી ચટણી અને સોસ સાથે પીરસો. 

 - હિમાની