આલુપાલક પસંદીદા કટલેસ
સામગ્રી : ૫૦૦ ગ્રામ બાફેલા બટાકા, ૧૦૦ ગ્રામ પાલક, ૨૦૦ ગ્રામ પનીર, સ્વાદ મુજબ સિંધાલુણ, અડધી ચમચી લાલ પીસેલું મરચું. અડધી ચમચી ગરમ મસાલો, બે મોટી ચમચી ચોખાનો લોટ, જોઈતા પ્રમાણમાં તળવા માટે તેલ...
રીત : બાફેલા બટાકાને છોલીને મસળી નાખો. એમાં બારીક કાપેલી પાલક, મસળી નાખેલું પનીર, મીઠું, લાલ પીસેલું મરચું, ગરમ મસાલો અને લોટ મેળવીને ગૂંદી લો. આ મિશ્રણને કટલેસના આકારમાં બનાવી લો અને તેલમાં લાલ થાય ત્યાં સુધી તળી લો.
કોપરા ધમાલ
સામગ્રી :- સૂકા નારિયેળની છીણ અડધો કપ, પિપરમિન્ટની નાની ગોળીઓ પા કપ, પા કપ વરિયાળી, પા કપ. મીઠી નાની સોપારી, બે મોટી ચમચી બુરા ખાંડ.
રીત :- બધી જ સામગ્રીને મેળવીને એક બાટલીમાં ભરીને મૂકી દો દાવત પછી મહેમાનોને પીરસવામાં આ ખોપરા ધમાલ ખૂબ જ મજેદાર રહે છે.
ફેવરીટ ફ્રુટ કપ
સામગ્રી:- બે કપ જાડું દહીં, એક કેળું, એક સફરજન, ૫૦ ગ્રામ પાઈનેપલ, એક-બે ચીકુ, અડધા દાડમના દાણા, એક ચમચી મધ, મધ્યમ કદના ત્રણ કાચના ગ્લાસ તેમજ જરૂર મુજબ બરફ.
રીત :- બધી જ સામગ્રીને મિકસરમાં ફેરવી લો. પછી ઠંડુ કરીને કાચના ગ્લાસમાં નાખીને પીઓ.
જાયકેદાર જીરા રાઈસ
સામગ્રી :- ૨૦૦ ગ્રામ બાસમતી ચોખા, ૧૦ ગ્રામ જીરું, ૧૦ ગ્રામ દેશી ઘી, સ્વાદ મુજબ મીઠું.
રીત :- બાસમતી ચોખાને ૧૫ મિનિટ સુધી પલાળીને મૂકી દો. પછી ચોખાને પકાવી લો. પછી કડાઈમાં દેશી ઘી ગરમ કરીને એમાં જીરાનો વધાર કરો હવે એમાં ચોખા અને મીઠું નાખીને સારી રીતે મેળવીને ખાવ.
ગ્રીન પુલાવ
સામગ્રી : બે કપ ચોખા, નારિયેળનું દૂધ અને પાણી, બે મોટી ચમચી જીરું, થોડો મીઠો લીમડો, એક ઝીણી કાપેલી ડુંગળી, છ મોટી ચમચી તેલ, બે નાની ચમચી ખાંડ, સ્વાદ મુજબ મીઠું. લીલા મસાલા માટે સામગ્રી :- બે કપ કોથમીર, એક કપ ફુદીનો, પાંચ-છ લીલા મરચાં, ચાર-પાંચ લસણની કળી, એક નાનો ટુકડો આદું.
રીત : ચોખાને ધોઈને ૧૫ મિનિટ માટે અલગ મૂકી દો, પછી લીલા મસાલાની બધી જ સામગ્રી પીસી નાખો. પછી એક મોટા વાસણમાં તેલ ગરમ કરો. પછી મીઠો લીમડો અને જીરું નાખો. પછી ડુંગળી નાખીને આછું સોનેરી થાય ત્યાં સુધી વઘારો, લીલા મસાલા નાખીને તેલ છૂટે ત્યાં સુધી વઘારો. હવે એમાં ચોખા નાખીને સારી રીતે મેળવો. પછી નારિયેળનં દૂધ, પાણી, મીઠું અને ગરમ મસાલો નાખો આઠ-દસ મિનિટ સુધી ઢાંકીને પકાવો. દસ મિનિટ પછી સજાવીને પીરસો.
કેળાની કસદાર બરફી
સામગ્રી :- ચાર મોટા પાકેલા કેળા, દોઢ કપ દૂધ, બે કપ ખાંડ, બે મોટી ચમચી ઘી, ૭૫ ગ્રામ નારિયેળ, અડધો કપ કાપેલા અખરોટ.
રીત :- કેળાની છાલ કાઢીને એમાં દૂધ મેળવીને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી બધુ દૂધ સૂકાઈ ન જાય. એમાં ઘી મેળવીને લાલ થાય ત્યાં સુધી હલાવતા રહો. પછી નાળિયેરની છીણ અને અખરોટ મેળવીને હલાવી નાખો. પછી આંચ પરથી ઉતારીને થાળીમાં ઘી લગાવીને આ મિશ્રણને એના પર પલટી નાખો. ધ્યાન રહે કે એની જાડાઈ અડધો ઈંચ હોવી જોઈએ. તમે તમારી ઇચ્છા મુજબ કાપીને બરફી બનાવી લો. ઠંડુ થાય પછી સૂકા મેવાથી સજાવીને પીરસો.
મિક્સ મસ્તી મિલ્ક
સામગ્રી :- બે ગ્લાસ દૂધ, એક નાની ચમચી પીસેલા કાળા મરી,
ત્રણ મોટી ચમચી મધ, બે નાની ચમચી બારીક કાપેલું આદુ, બે ચમચી ખાંડ, એક નાની ચમચી પીસેલી ઇલાયચી, બે નાની ચમચી દેશી ઘી.
રીત :- એક તપેલીમાં દૂધમાં ખાંડ મેળવીને ઉકાળી લો. પછી ઇલાયચી, કાળા મરી અને આદુમાં થોડું દૂધ નાખીને એકદમ રબડી બનાવી લો. પછી થોડું ઘી ગરમ કરીને આ રબડીને સહેજ શેકી લો. ગરમ દૂધમાં આ રબડીને નાખીને દસ મિનિટ સુધી ઉકાળો લો. પીરસતાં પહેલાં ઉકાળેલા દૂધને ગાળી લો. પછી ગ્લાસમાં એક-એક ચમચી મધ નાખીને ઉપરથી ગરમ-ગરમ દૂધ મેળવીને પીઓ.
ચટપટા ચીઝ પિત્ઝા
સામગ્રી :એક પિઝા બ્રેડ, એક ડુંગળી સ્લાઈસમાં કાપેલી, એક શિમલા મરચું સ્લાઈસમાં કાપેલું, બે ચીઝના ક્યૂબ છીણેલા, બે મોટી ચમચી સ્પેશિયલ પિઝા સોસ.
રીત : પિઝા બ્રેડ પર સોસ ફેલાવી દો. એની ઉપર ડુંગળી અને શિમલા મરચાંની સ્લાઈસ ગોઠવી દો. એ પછી ચારેય તરફ ચીઝ ભભરાવી દો. પછી ઓવનમાં ૨૦૦ ડિગ્રી ટેમ્પરેચર પર પાંચ-સાત મિનિટ સુધી બેક કરો.
લઝીઝ લસણ-ચીઝ પરોઠાં
સામગ્રી :- ૩૦૦ ગ્રામ લોટ, ૨૦ ગ્રામ લસણ, ૨૫૦ ગ્રામ ચીઝ, બે કાપેલા લીલા મરચાં, સ્વાદ મુજબ મીઠું, સ્વાદ મુજબ લાલ પીસેલું મરચું, સ્વાદ મુજબ અજમો, જરૂર મુજબ પરોઠા બનાવવા માટે તેલ.
રીત :- ચીઝને બારીક છોલી નાખો. એમાં અજમો, બારીક કાપેલું લસણ, મીઠું, મરચાંને સારી રીતે મેળવી લો. લોટ બાંધી પરોઠાનું મેળવણ તૈયાર કરી એના ચાર ભાગ પાડી નાખો. ગૂંદેલા લોટના લૂઆમાં એક-એક કરીને મિશ્રણ ભરી લો. એ પછી તેલ લગાવીને ગરમ તવા પર માખણ અથવા દહીં સાથે પીરસો.
- હિમાની


