Get The App

દાવત : વિદેશી વાનગીઓનો રસથાળ

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
દાવત : વિદેશી વાનગીઓનો રસથાળ 1 - image

કેસર પિસ્તા લસ્સી

 સામગ્રી : ૨૫૦ ગ્રામ દહીં, ૧૫-૨૦ પિસ્તા,૧/૨ કપ ખાંડ, ૧/૨ ચમચી એલચીનો ભૂકો, ચપટી કેસર, ૧ કપ બરફનો ભૂકો.

 રીત : કેસરને ૧૦ મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખો. અડધા પિસ્તાને ઝીણા સમારી લો અને અડધાને વાટી લો. વાટેલાં પિસ્તા, એલચી, બરફ, ખાંડ, કેસર અને દહીંને મિકસરમાં ફીણી લો. હવે સમારેલાં પિસ્તાં નાખીને બીજી વાર થોડું ફીણી લો. ગ્લાસમાં નાખીને પિસ્તા, કેસર અને એલચીથી સજાવીને સર્વ કરો.

કાકડી અને દહીંનું પૌષ્ટિક પીણું

 સામગ્રી : ૧૦૦ ગ્રામ કાકડી, ૨૫૦ ગ્રામ દહીં, ૧ ચમચી સમારેલી કોથમીર, મીઠું સ્વાદ પ્રમાણે, ૧ કપ બરફનો ભૂકો, ૧ ચમચી શેકીને પીસેલું જીરું, ૧/૨ ચમચી મરી, થોડાં ફુદીનાનાં પાન, નાનું લીલું મરચું (ઈચ્છા હોય તો)

 રીત : કાકડીને છોલીને ઝીણી સમારી લો. પછી બધી સામગ્રીને મિકસ કરીને મિકસરમાં ક્રશ કરી લો. ગ્લાસમાં નાખીને ફુદીનાનાં પાન અને શેકેલા જીરાથી સજાવીને સર્વ કરો.

મેંગો લસ્સી

 સામગ્રી : ૨૫૦ ગ્રામ દહીં, ૧ મોટી વધુ પાકેલી કેરી, ૧ કપ બરફનો ભૂકો, ૧ચમચો ખાંડ.

 રીત : કેરીના નાના ટુકડા કરી લો. પછી તેને મિકસરમાં ફીણો, ત્યારબાદ તેમાં જ બરફ, દહીં અને ખાંડ નાખીને ફરીથી મિકસર ચલાવો. ગ્લાસમાં નાખીને કેરીના ટુકડાથી સજાવીને સર્વ કરો.

સફરજન અને માવાની પેસ્ટ્રી

આ મીઠી વાનગીમાં સૌ પ્રથમ સમોસાની જેમ કવર બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેમાં સામગ્રી ભરવામાં આવે છે.

 કવર બનાવવા માટે સામગ્રી : ૨૨૫ ગ્રામ મેંદો, ૧૦૦ ગ્રામ માખણ અથવા માર્જરિનના નાના ટુકડા, ચપટી મીઠું.

 પૂરણ માટેની સામગ્રી : ૨ લીલાં સફરજન છોલેલાં અને નાના ચોરસ આકારમાં સમારેલાં, ૧૨૫ ગ્રામ મોટી સૂકી દ્રાક્ષ, ૧૨૫ ગ્રામ માર્જીપેન, ૧ ચમચી દળેલી ખાંડ, ૧/૪ ચમચી તજનો ભૂકો. ૧ ચમચી દૂધમાં ફીણેલું યીસ્ટ.

 કવર બનાવવાની રીત : મેંદામાં મીઠું નાખીેને ચાળી લો. તેમાં, માખણના ટુકડા નાખીને આંગળીથી સારી રીતે હલાવી લો. જયારે આ મિશ્રણ બ્રેડ ક્રંબ્સ જેવું થઈ જાય ત્યારે  તેમાં જરૂરિયાત અનુસાર પાણી નાખીને કઠણ લોટ બાંધી લો. આ લોટને એક મુલાયમ ભીના કપડામાં લપેટીને અડધો કલાક ફ્રિજમાં મૂકી દો.

 માર્જીપેન બનાવવાની રીત : જયાં સુધી કવરનો લોટ તૈયાર થાય ત્યાં સુધી તેમાં ભરવા માટે માર્જીપેન બનાવી લો. એના માટે ૨૨૫ ગ્રામ બદામ વાટી લો. તેમાં ૨૨૫ ગ્રામ દળેલી ખાંડ અને તેટલા જ માપની ચાળેલી આઈસિંગ શુગર મિકસ કરી લો. તેમાં યીસ્ટ અને ૫-૬ ટીપાં બદામનું એસેન્સ મિકસ કરીને લોટની જેમ બાંધી લો. આ મિશ્રણ કઠણ હોવું જોઈએ. તેને હાથેથી વધુ સમય સુધી મસળવું નહીં. નહીંતર બદામમાંથી તેલ છૂટશે. તેને ૧ કલાક સુધી ફ્રિજમાં મૂકયા પછી તેના નાના નાના ચોરસ ટુકડા કરી લો.

પેસ્ટ્રી બનાવવાની રીત : સૌ પ્રથમ એક ડિશમાં સફરજનના ચોરસ ટુકડા, માર્જીપેન, મોટી સૂકી દ્રાક્ષ, દળેલી ખાંડ અને તજના ભૂકાને મિકસ કરી લો. પછી લોટને ફ્રિજમાંથી કાઢીને અટામણની મદદથી ૬ ઈંચ + ૮ઈંચ આકારના કવર વણી અને ચીકાશ લગાવેલી બેકિંગ ટ્રેમાં મૂકો. આ કવરની બન્ને લાંબી બાજુ તરફ લગભગ ૨ ઈંચ લાંબી ૧/૨ ઈંચ પહોળી ૧૦-૧૨ આડી પટીઓ કાપી લો. (આ બન્ને બાજુની પટીઓ પેસ્ટ્રીની વચ્ચેના ભાગ સાથે જોડાયેલી રહેશે. તે પછી પેસ્ટ્રીના કવરના મધ્ય ભાગમાં સફરજન વગેરેનું પૂરણ સારી રીતે ફેલાવી દો. 

બન્ને છેડા પર લગભગ ૩/૪ ખાલી જગ્યા છોડી દો. પછી બન્ને બાજુની પટ્ટીઓને વારાફરતી એકબીજાની ઉપર મૂકી હળવેથી દબાવો. 

અંતમાં એક કિચન બ્રશની મદદથી યીસ્ટ અને દૂધનું મિશ્રણ પેસ્ટ્રીના બહારના પડ પર સારી રીતે લગાવી દો. અગાઉથી ૨૨૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ગરમ કરેલા ઓવનમાં પેસ્ટ્રીને ૧૫ મિનિટ સુધી અથવા સોનેરી થાય ત્યાં સુધી બેક કરો.

પીટા બ્રેડ

 સામગ્રી : ૨ ચમચી ડ્રાઈ યીસ્ટ, ૧ કપ નવ શેકું પાણી, ૩ કપ મેંદો, ૧ ચમચી મીઠું, ૧ ચમચી ખાંડ.

 રીત : નવશેકા પાણીમાં યીસ્ટ અને ખાંડ નાખીનેઉપર પરપોટા વળી જાય ત્યાં સુધી રાખી મૂકો. મેંદામાં મીઠું નાખીને યીસ્ટનું મિશ્રણ તેમાં મિક્સ કરી દો. હવે લોટના છભાગ કરીને દરેક ભાગ હાથેથી અથવા વેલણથી પાંચ ઈંચ ગોળાકારમાં વણી લો. (આશરે અડધો ઈંચ જાડું રાખો.) ચીકાશ વગરની બેકિંગ ડિશમાં ૨૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર પ્રીહીટેડ ઓવનમાં આછા સોનેરી રંગે બેક કરી લો. પીટા બ્રેડ તૈયાર છે.

ઘઉંના ફાડાનું સેલડ

  સામગ્રી : ૧/૨ કપ ફાડા (પલાળેલા) ઈચ્છો તો સ્ટીમ કરી લો, ૧ ૧/૨ કપ ઝીણા સમારેલી કોથમીર અથવા પાર્લે, ૨ મોટાં ટામેટાં ઝીણાં સમારેલાં, ૩ મોટી કાકડી ઝીણી સમારેલી. ૧/૪ કપ લીંબુનો રસ, મીઠું તથા મરી પાઉડર સ્વાદ મુજબ, ૨-૩ કળી વાટેલું લસણ, ૨-૩ ચમચી ઓલિવ ઓઈલ, ૨૩ચમચી વિનેગર, ૧ ચમચી મધ.

 રીત : બધી સામગ્રી મિક્સ કરીને ઠંડી કરીને પીરસો.

સ્ટ્રોબેરી લસ્સી

 સામગ્રી : ૧ કપ સ્ટ્રોબેરીનો માવો, ૨૫૦ ગ્રામ દહીં, ૨ ચમચા ખાંડ, ૧ કપ બરફનો ભૂકો.

 રીત : સ્ટ્રોબેરી, દહીં, ખાંડ અને બરફને મિકસરમાં ફીણી લો. ગ્લાસમાં નાખીને સમારેલી સ્ટ્રોબેરી અને ફુદીનાના પાનથી સજાવીને સર્વ કરો.

 તડકા લસ્સી

 સામગ્રી : ૨૫૦ ગ્રામ દહીં અથવા બે ગ્લાસ છાસ, ૧/૨ ચમચી જીરુ, ૧/૨ ચમચી રાઈ, ૧ કપ બરફનો ભૂકો, ૧ ગ્લાસ પાણી (જો દહીં વાપરો તો જ), ૧/૨ ચમચી શેકીને વાટેલું જીરું, ૧ ચમચી મીઠું, ૧ લીલું મરચું ઝીણું સમારેલું, થોડાં ફુદીનાનાં પાન, થોડા મીઠા લીમડાનાં પાન, ચપટી મરચું, ૧/૨ ચમચી તેલ.

 રીત : દહીં, પાણી, બરફ, શેકેલું જીરું, મીઠું અને મરચાંને મિકસરમાં ફીણી લો.

તેલ ગરમ કરીને તેમાં જીરું, રાઈ સમારેલું મરચું અને મીઠા લીમડાના પાનનો વઘાર કરો. લાલ મરચું નાખી લસ્સીમાં મિકસ કરી દો. ગ્લાસમાં નાખીને ફુદીનાના પાનથી સજાવીને સર્વ કરો.

- હિમાની