Get The App

દાવત : તહેવારોમાં વિવિધ વાનગીઓની મિજબાની

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
દાવત : તહેવારોમાં વિવિધ વાનગીઓની મિજબાની 1 - image

પીઝા બાસ્કેટ

સામગ્રી :- ૨૫૦ ગ્રામ મેંદો, ૫૦ ગ્રામ સફેદ માખણ, ૫૦ ગ્રામ ઘી, ચપટી મીઠું, ઠંડું પાણી.

ભરવા માટેની સામગ્રી : ૧૫૦ ગ્રામ બાફેલા વટાણા, ૫૦ ગ્રામ પનીર, ૨ ડુંગળી, મીઠું, ગરમ મસાલો સ્વાદાનુસાર, ૫૦ ગ્રામ માખણ.

 રીત :- મેંદામાં મીઠું નાખી ચાળી લો. ઘી અને માખણ બરાબર મિક્સ કરો. મેંદાને હાથથી એટલો મસળો કે તેનો એકદમ ઝીણે ભૂકો થઈ જાય. હવે ઠંડા પાણીથી બાંધો. સ્વચ્છ કપડામાં લપેટી ૩૦ મિનિટ સુધી ફ્રિજમાં મૂકો. ભરવાની સામગ્રી માટે એક પેનમાં માખણને ગરમ કરો. ડુંગળીને સોનેરી શેકાવા દો. વટાણા અને છીણેલું પનીર, મીઠું અને ગરમ મસાલો મિક્સ કરી ઠંડું થવા દો.

મેંદો ફ્રિજમાંથી કાઢી નાના નાના લૂઆ બનાવો. નાની ગોળ રોટલી બનાવી એલ્યુમિનિયમ ટિનમાં મૂકો. પહેલેથી ૧૮૦૦ સેન્ટિગ્રેડ પર ગરમ કરેલા ઓવનમાં આ મોલ્ડ ૧૦ મિનિટ સુધી મૂકો. બહાર કાઢી મિશ્રણ ભરો. ૩૦ મિનિટ સુધી બેક કરી આ મિશ્રણમાં ઈચ્છો તો ક્રીમ લગાવી શકો છો.

ધન ગઠરી

 સામગ્રી :- ૧ કપ મેંદો, ૧/૨ કપ રવો, ૩ ચમચા ઘી અથવા રિફાઈન્ડ, ૫૦ ગ્રામ પાલક અથવા લીલો રંગ, થોડો લાલ રંગ, ૮-૧૦ લવિંગ, ભરવા માટે બટાકાની છીણ, મીઠું, મરચું અને ખટાશ.

 રીત :-પાલક બાફી લો. ઠંડી થઈ જાય પછી પીસી લો. મેંદામાં રવો, ઘી અને મીઠું મિક્સ કરો. તેમાં પાલક મિક્સ કરી લોટ બાંધો. જો પાલક ન હોય તો લીલો કલર પાણીમાં મિક્સ કરી નાખી શકો છો. થોડા મેંદામાં લાલ રંગ મિક્સ કરો.

 બટાકાની છીણ લઈ તેને બારીક કરી નાખો. તેમાં મરચું અને ખટાશ ભેળવી દો. હવે લીલા રંગના લૂઆ બનાવો. ગોળ વણીને છીણ ભરો. ઉપરથી લાલ પટ્ટી ચોંટાડો. લવિંગ લગાવી કઢાઈમાં ઘી ગરમ કરી તળી લો.  

ચોકલેટ નટ્સ બરફી

 સામગ્રી :-  ૨૫૦ ગ્રામ માવો, ૧૭૫ ગ્રામ ખાંડ, ૫ ચમચા ચોકલેટ પાઉડર, કાજુ, બદામ, ઝીણી સમારેલી, ૧/૨ કપ દૂધ. 

 રીત :-  એક કઢાઈમાં ગરમ કરી માવાને પાંચ મિનિટ શેકો. ખાંડ નાખી ફરી એટલો શેકો કે એ ભૂરા રંગનો થઈ જાય. દૂધમાં ચોકલેટ પાઉડર ઓગાળી એને માવામાં મિક્સ કરો. પાંચ-દસ મિનિટ સુધી હલાવો. ગેસ બંધ કરી કાજુ-બદામ  નાખી એક પ્લેટમાં ઘી લગાવી જમાવો. બરફીની જેમ પીસ કરો.

સ્પ્રિંગ રોલ

 સામગ્રી :-  ૧ ૧/૨ કપ મેંદો, ૩ ચમચા રિફાઈન્ડ, ચપટી ખાવાનો નારંગીનો રંગ, મીઠું સ્વાદાનુસાર.

ભરવા માટેની સામગ્રી : ૧/૨ કપ છીણેલી કોબીજ, ૧/૨ કપ બાફેલા વટાણા, ૧/૪ કપ છીણેલું ગાજર, ૧/૪ કપ ઝીણું સમારેલું ફ્લાવર, ૧ નાનું કેપ્સિકમ, ૧/૨ ડુંગળી ઝીણી સમારેલી, ૧/૪ કપ છીણેલું પનીર, મીઠું, મરચું, ખટાશ અને ગરમ મસાલો સ્વાદાનુસાર.

 રીત :- એક ચમચી ઘીમાં થોડી ડુંગળી સાંતળી લો. એમાં બધાં શાક અને મસાલા નાખી થોડા બાફી લો. ભરવા માટેની સામગ્રી થોડી ચટપટી બનાવો  અને ઠંડી થવા મૂકો.

૧ ૧/૨ કપ મેંદો ચાળી એમાં બરાબર રિફાઈન્ડ મિક્સ કરો, પછી મીઠું નાખો અને હૂંફાળા પાણીમાં સારી રીતે મિક્સ કરી પાણીને મેંદામાં નાખી એકરસ કરો. સાદા મેંદાના નાના નાના લૂઆ બનાવો. પૂરીની જેમ ગોળ વણો. એમાં મિશ્રણ ભરી લાંબા વાળી બંને તરફથી ફોલ્ડ કરી ઉપરથી નીચે મેંદાથી ચોંટાડી દો. બધા રોલ આ પ્રમાણે તૈયાર કરો. રંગીન મેંદાના લૂઆ બનાવો. ગોળ વણી ૧ સે.મી. લાંબી સ્ટ્રિપમાં કાપી લો. શરૂઆતથી અંત સુધી રોલની ચારે બાજુ લપેટી લો. છેલ્લે મેંદાના પાતળા ખીરાથી ચોંટાડી દો. કઢાઈમાં ઘી ગરમ કરીને તળી લો.

પનીર કોર્ન કટલેટ

  સામગ્રી :-  ૨૫૦ ગ્રામ પનીર, ૧૫૦ ગ્રામ મકાઈના દાણા, ૨ બટાકાં બાફેલાં, બ્રેડના ૩ પીસનો ભૂકો, લીલાં મરચાં, કોથમીર, મીઠું, મરચું સ્વાદાનુસાર, ૧ લીંબુનો રસ.

   રીત :- પનીર છીણી લો. મકાઈના દાણા બાફી ૧/૩ ભાગના દાણા રહેવા દો. બાકીના પીસી લો. બટાકાનો માવો કરો. બધાં મસાલા અને લીંબુનો રસ મિક્સ કરો. કટલેટનો શેપ આપો. બ્રેડના ભૂકામાં  રગદોળી તળી લો.

હરિયાળી ભજિયાં

   સામગ્રી :- ૧ કપ ફોતરાંવાળી મગની દાળ, ૧/૨ કપ કકરી વાટેલી મગફળી, ૧/૨ કપ ચોખાનો લોટ, ૨ કપ ઝીણી સમારેલી પાલક, ૧ કપ પનીર દાણાદાર, મીઠું અને મરચું સ્વાદાનુસાર, આદું પીસેલું, લીલાં મરચાં ઝીણાં સમારેલાં.

 રીત :-દાળને છ થી સાત કલાક પલાળી રાખો. પછી પીસી લો. એમાં ચોખાનો લોટ, પાલક, મગફળી, પનીર અને બધા મસાલા મિક્સ કરો. એક કલાક રહેવા દો. કઢાઈમાં તેલ  ગરમ કરો. ભજિયાં બનાવી તળી લો.

જામ બટર સ્કોચ ટાર્ટ

 રીત :-મેંદો ચાળી લો. એમાં માખણ અને આઈસિંગ શુગર બરાબર મિક્સ કરી ઘી નાખીને હાથથી બરાબર ભેગું કરો જેથી બ્રેડના ભૂકા જેવું દાણાદાર મિશ્રણ તૈયાર થાય. ઠંડું પાણી નાખી મુલાયમ લોટ બાંધો. બાંધેલો લોટ કપડામાં લપેટી ૧૦ મિનિટ ફ્રિજમાં રાખી મૂકો. બહાર કાઢી ૧/૨ કલાક રહેવા દો. નાના નાના લૂઆ બનાવી વણી લો. ટાર્ટ મોલ્ડમાં મૂકો. કિનારી એકસરખી કરો. એમાં જામ અને બટર સ્કોચ નટ્સ મિક્સ કરી ભરો. ઉપરથી મેંદાની પાતળી પાતળી સ્ટ્રિપ લગાવો. ૧૮૦૦ સેન્ટિગ્રેડ પર ૨૫ થી ૩૦ સુધી બેક કરો. બટર સ્કોચ નટ્સ બનાવવા માટે કડાઈમાં ચાર ચમચી ખાંડ ઓગાળો. ખાંડ ઓગાળીને આછા ઘેરા કલરની થઈ જાય એટલે એમાં થોડા કાજુ અને મગફળીના દાણા મિક્સ કરો. મિશ્રણ ઠંડું થઈ જાય પછી કરકરું પીસી લો.

 સામગ્રી :- ૨૫૦ ગ્રામ મેંદો, ૧૦૦ ગ્રામ સફેદ માખણ, ૨૫ ગ્રામ ઘી, ૫ ગ્રામ આઈસિંગ શુગર, ૧૨૫ ગ્રામ જામ, ચપટી મીઠું, બટર સ્કોચ નટ્સ, ઠંડું પાણી.

 સામગ્રી :-  ૨૫૦ ગ્રામ કાળા ચણા, ૪ બાફેલાં બટાકાં, ૩ ડુંગળી ઝીણી સમારેલી, ૫૦ ગ્રામ કમળકાકડી છીણેલી, ૧/૨ કપ મગફળીના દાણા, ૪-૫ બ્રેડના પીસનો ભૂકો, આરારૂટ, કોથમીર, આદું, લીલાં મરચાં, ખટાશ, લાલ મરચું, મીઠું, ચાટ મસાલો સ્વાદાનુસાર.

  રીત :- ચણા આખી રાત પલાળી રાખો. પછી બાફી લો. કમળકાકડી છીણીને બાફી લો. બધી સામગ્રી બરાબર મિક્સ કરો. આઈસક્રીમ સ્ટિક પર આ સામગ્રી લોલીપોપના શેપમાં ચોંટાડો  આરારૂટને એક વાટકીમાં પાણી નાખી મિશ્રણ બનાવો. એમાં લોલીપોપ ડુબાડી તળી લો.

- હિમાની