ગામઠી જેલી
સામગ્રી: એક લિટર શેરડીનો રસ, દોઢ કપ દૂધ, એક કપ ચોખાનો ઝીણો લોટ, કિસમિસ, કાજુના ટુકડા, મગજતરીના બી, ખસખસ, ખમણેલું સૂકું કોપરું (સુકા કોપરાનું ખમણ), ૩-૪ નાના તજના ટુકડા, ૬-૭ લવિંગ, ૫-૬ એલચી, થીજેલું ઘી અને ૬-૭ નાના રકાબીઓ.
રીત: કાજુના ટુકડા અને મગજતરીને ઘીમાં ગુલાબી સાંતળી લેવા. તજ, લવિંગ, એલચી, જાયફળનો ખાંડીને પાઉડર બનાવી લેવો. શેરડીના રસમાં, દૂધ અને ચોખાનો લોટ બરાબર ભેળવી દેવો. ગેસ પર મૂકી સતત હલાવતા રહેવું. શરૂઆતમાં વધારે તાપ રાખવો. ઊકળવના માંડે એટલે તાપ ઓછો કરવો. ધીમે- ધીમે ઘાટુ થવા માંડશે. બધી ડિશમાં જરા- જરા ઘી ચોપડી લેવું. એક ડિશમાં નાની ચમચી જેલી કાઢી લગાવી જોવું. ઠંડી પડતાં આંગળીએ અને ડિશમાં ચોપડયા વિના રબરની જેમ સહેલાઈથી ઉખડી જાય તો જેલી તૈયાર થઈ ગઈ સમજવું. જેલી બનતા છાંટા ઉડશે તો સાચવવું. બધી રકાબીમાં થોડી- થોડી જેલી નાખી બરાબર પ્રસારી દેવી. ઉપર થીજેલું રવાદાર ઘી બ્રેડ પર માખણ લગાવીએ એમ લગાવવું. તેની ઉપર કાજુના ટુકડા, મગજતરીના બી અને કિસમિસ વ્યવસ્થિત સુશોભિત રીતે ગોઠવી હલકે હાથે દબાવવું. જેથી જેલીને મેવો ચોંટી જાય. ઉપર ખસખસ છાંટી તજ- લવિંગનો ભૂકો છાંટવો. જરા- જરા ખમણેલું કોપરું છાંટવું. બધી ડિશ ફ્રીજમાં મૂકી દેવી. બહાર પણ રાખી શકાય. પીરસતી વખતે ચાકુની અણીથી પહેલાં રકાબીની આજુબાજુથી ઉખાડી પછી હળવેથી આખી જેલી ઉખાડી પીરસવાની ડિશામાં ગોઠવવી.
અંજીરની માવા સેન્ડવીચ
સામગ્રી : ૧૨ સૂકા અંજીર, ૨૦૦ ગ્રામ ઘરનું બનાવેલું કડક પનીર, ૧૦૦ ગ્રામ દળેલી સાકર, ૫૦ ગ્રામ સાકર, ૧ કપ દૂધ થોડા ટીપાં ગુલાબજળ, સજાવવા માટે રંગીન, મીઠી વરિયાળી અને સૂકા મેવાની કાતરી.
રીત : પહેલાં સુકા અને અંજીરને નવશેકા દૂધમાં પલાળવા. અંજીર બરાબર પલળી જાય પછી તેને હથેળીથી દબાવીને એમાં શોષાયેલું દુધ નિતારી લેવું. હવે થોડાં પાણીમાં સાકર ભેળવીને આંચ ઉપર મૂકવું. એમાં અંજીર પણ નાખી દેવા. જ્યારે અંજીર સાકર શોષી લે ત્યારે મિશ્રણને આંચ પરથી નીચે ઉતારી ઠંડુ પડવા દેવું. આ દરમ્યાન એક થાળીમાં પનીરને બરાબર મસળી એમાં દળેલી સાકર અને ગુલાબજળ ભેળવીને લગભગ એક ડઝન જેટલા નાના લૂઆ તૈયાર કરવા. હવે ધારદાર ચપ્પુથી અંજીરને વચમાંથી એ રીતે કાપવા કે તેનાં બે પડ બને, આ રીતે ૨૪ પડ બનશે. હવે દરેક બે પડની વચ્ચે પનીરના લૂઆ મૂકી ધીમેથી દબાવી તેને ચપટો આકાર આપી સેન્ડવીચ તૈયાર કરવી. ત્યારબાદ તેને ફ્રીઝમાં ઠંડી કરવા મૂકવી. પીરસતા પહેલાં રંગીન વરિયાળી, પીપર અને સુકા મેવાની કતરીથી સજાવીને પીરસવી.
પૌષ્ટિક ડ્રાયફ્રૂટસ બોલ્સ
સામગ્રી : ૨૦૦ ગ્રામ ખારેક, ૨૦૦ ગ્રામ બદામ, ૨૦૦ ગ્રામ કાજુ, ૨૦૦ ગ્રામ કિસમિસ, ૧૦૦ ગ્રામ ચારોળી, ૨૦૦ ગ્રામ ખસખસ, ૨૦૦ ગ્રામ કોપરું, ૧ કિલો સાકર, બે લિટર દૂધ, ૫૦૦ ગ્રામ ઘી, થોડું કેસર, સુગંધ માટે એલચી, ચાંદીનો વરખ.
રીત : સૌપ્રથમ કિસમિસ સિવાયના બધા સુકા મેવાને જુદા- જુદા સાફ કરી, પાણીથી ધોઈ દુધમાં જુદા- જુદા પલાળવા. પલાળેલી બદામને છોલી નાખવી અને ખારેકમાંથી ઠળિયા કાઢી લેવા. બધા મેવાને પહેલાં જુદા- જુદા અને પછી એક સાથે ભેળવીને મિક્સરમાં બારીક પીસી લેવા. જેથી ઘટ્ટ પેસ્ટ જેવું બની જશે. હવે કડાઈમાં ઘી ગરમ કરવું અને આખી કડાઈને ઘીવાળી ચીકણી કરવી. એમાં મેવાની પેસ્ટ નાખીને ધીમી આંચ પર સોનેરી રંગની થાય ત્યાં સુધી શેકવું. પેસ્ટ તળિયે ચોંટી ન જાય તે માટે તેને સતત હલાવતાં રહેવું. હવે બરાબર શેકાઈ જાય એટલે કડાઈમાંથી કાઢી લેવું. એજ કડાઈમાં સાકર અને પાણી નાખીને તેની બે તારી ચાસણી બનાવવી. એમાં મેવાનું શકેલું મિશ્રણ નાખીને ઝડપથી હલાવવું. મિશ્રણ ઘટ્ટ થવા આવે એટલે તેને નીચે ઉતારીને દૂધમાં ધોળેલું કેસર, એલચી અને કિસમિસ નાખવી. સહેજ ઢીલું હોય ત્યારે જ એના નાના બોલ્સ બનાવવા તેની પર ચાંદીનો વરખ ચોંટાડી દેવો. મિશ્રણ જ્યારે બરાબર જામી જાય ત્યારે આ બોલ્સને હવાબંદ ડબ્બામાં ભરી લેવા. આ એક પૌષ્ટિક મીઠાઈ છે.
બ્રેડના રબડી બોલ્સ
સામગ્રી: બે કપ બ્રેડનો ભૂકો, બે કપ માવો, ૧-૧/૪ કપ દૂધ, ૧/૨ કપ મિક્સ સમારેલો મેવો, ૧ નાની ચમચી એલચીનો ભૂકો, થોડા ટીપાં ગુલાબજળ, ૧/૨ કિલો સાકરની બે તારી ગરમ ચાસણી મનપસંદ બીબાં (બજારમાં મળે છે તે).
પીરસવા માટે: બે કપ રબડી અથવા ફ્રીઝમાં ઠંડી કરેલી મલાઈ, સજાવટ માટે લાલ કેંડી.
રીત: બ્રેડને ઘી વગર જ ગુલાબી થાય ત્યાં સુધી શેકવા. એને બહાર કાઢી દૂધમાં પલાળવા. માવાને મસળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવો. સાંતળેલી બ્રેડનો ભૂકો અને માવાને ભેળવી એક-બે મિનિટ સુધી ફરી સાંતળવો. હવે એને ઠંડુ કરવા રાખી દેવો. ગુલાબજળમાં એલચીનો ભૂકો મેળવી દેવો. બીબાં અનુસાર આ મિશ્રણના ગોળા બનાવી લેવા. દરેક ગોળામાં થોડોક સૂકોમેવો ભરવો. બીજું ચીકણું કરી એમાં ગોળા મૂકી દબાવવા. આ પ્રાણે જુદા- જુદા આકારવાળા બધા બોલ્સ તૈયાર કરવા. પીરસવા માટે એને એક ઊંડી પ્લેટમાં રાખવા. પીરસવાની એક મિનિટ પહેલાં જ સાકરની ગરમા- ગરમ ચાસણી તેની ઉપર રેડવી. નાની પ્લેટમાં એક અથવા બે બોલ્સ મૂકવા. તેની ઉપર એક ચમચો રબડી અથવા મલાઈ નાખો. સૌથી ઉપર લાલ કેંડીથી સજાવીને પીરસો.
સ્વીટ જેલી બરફી
સામગ્રી: એક મોટો ચમચો જીલેટીન, ૧ ગ્લાસ સંતરાનો રસ, એક નાનો મિલ્કમેડનો ડબ્બો, સજાવટ માટે ખમણેલી ચોકલેટ અને બદામ.
રીત: ચાર મોટા ચમચા પાણી ગરમ કરી તેમાં જીલેટીન નાખી ખીરું બનાવવું અને તેને ઠંડુ કરવું. સંતરાના રસમાં ઠંડું કરેલું જેલીનું મિશ્રણ મિક્સ કરી ઘટ્ટ બનાવવું. એક ઠંડા વાસણમાં મિલ્કમેક નાખી તેને ઘાટું થાય ત્યાં સુધી ફીણવું. (ખાલી વાસણ ફ્રીજમાં મૂકી ઠંડુ કરવું) મિલ્કમેડ ફીણતાં- ફીણતાં તેમાં જેલીવાળો સંતરાનો રસ ભેળવતા જવું. પછી બાઉલમાં કાઢી તેની ઉપર ખમણેલી ચોકલેટ અને બદામની સુશોભિત કરી પીરસવી.
- હિમાની


