દાવત : ગરમીમાં પેટને ટાઢક પહોંચાડે મેંગોમસ્તી
કેરીનાં ઢોકળાં
સામગ્રી :૧૦૦ ગ્રામ કેરીનો પલ્પ, ૫ ગ્રામ મરચું (૧/૨ ચમચી), ૧/૨ ચમચી ઈનો, ૧ સ્લાઈસ તાજી કેરીના ટુકડા, ૬૦ ગ્રામ ચોખા, ૪૦ ગ્રામ અડદની દાળ, ૨૦ ગ્રામ તાજું દહીં, મીઠું સ્વાદ પ્રમાણે.
રીત : દાળ અને ચોખાને મિક્સરમાં પીસી જાડું ખીરું બનાવો, દહીં ઉમેરી એમાં ઈનો નાખી એ મિશ્રણને સારી રીતે હલાવો. હવે આ મિશ્રણને આથો લાવવા માટે લગભગ ૪ થી ૬ કલાક સુધી ઢાંકી રાખો. ત્યાર પછી કેરીનો પલ્પ અને પાકી કેરીના સમારેલા ટુકડા ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી સ્વાદાનુસાર મીઠું નાખી નાના નાના મોલ્ડમાં નાખી સ્ટિમ કરો.
કાચી કેરીના પરોઠા
સામગ્રી : ૧/૪ કપ કાચી કેરીનું છીણ, ૧/૪ કપ કપ તાજું છીણેલું પનીર અથવા ૧/૪ કપ તાજું ખમણેલું નારિયેળ, ૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, ૧ ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, ૧/૮ ટીસ્પૂન હળદર, એકથી દોઢ ચમચી દળેલી ખાંડ, ૧/૨ કપ ઘઉંનો લોટ, જરૂર પૂરતું ચોખાનું અટામણ, તળવા માટે તેલ.
રીત : સૌ પ્રખમ કેરીના છીણમાં પનીર અને બધા મસાલા મિક્સ કરો. પછી તેમાં ઘઉંનો લોટ નાખી કણક લોટ બાંધો. પનીરને કારણે પાણીની જરૂર નથી પડતી અને પડે તો થોડુંક પાણી છાંટો. આ લોટના એક સરખા ભાગ કરી દરેકના પરોઠા બનાવો. આ પરોઠાને તવા પર તેલ નાખી તળી લો. ગરમાગરમ પરોઠા ટમેટાંના સૂપ સાથે અથવા તો દહીં સાથે પીરસો. આ પરોઠા ટેસ્ટી હોવાની સાથે-સાથે પૌષ્ટિક પણ છે.
કેવડાનું શરબત
સામગ્રી : કેવડાનો અર્ક ૩ થી ૪ ટીપાં, જીવનજલ ૧ ગ્લાસ, નાળિયેરનું દૂધ ૧/૪ગ્લાસ, સંતરાનો રસ ૧/૨ ગ્લાસ, જરૂરત મુજબ અલ્પ માત્રામાં પતાસાનો પાવડર.
રીત : પતાસાના પાવડરમાં જીવનજલ મીક્સ કરો. તેમાં નાળિયેરનું દૂધ સંતરાનો રસ કેવડાનો અર્ક ઉમેરીને ગાળીને તરત તરત પીવાના ઉપયોગમાં લો.
પાકા બીલાનું શરબત
સામગ્રી : પાકા બીલાનો ગર ૧ વાટકી, ખાંડ ૨ વાટકી, ૧ નંગ લીંબુ
રીત : બીલાને સાફ કરીને હાથ વડે મસળી લો અને તને ગાળી લો. ખાંડની બે તારની ચાસણી બનાવો તેમાં લીંબુનો રસ નાખી કાઢીને ચાસણીને એકદમ ઠંડી પાડી ગાળી લો. તેમાં ગાળેલા બીલાનો ગર ઉમેરી બરાબર મીક્સ કરી બોટલમાં ભરો કુદરતી સ્વાદ અને સોડમવાળું ગુણકારી શરબતને જરૂરત મુજબ પાણીમાં નાંખીને પીવાના ઉપયોગમાં લો. આ શરબત લૂ લાગી હોય તો પીવથી અસરકારક છે. મરડા જેવી બીમારીમાં ૨ થી ૩ ડોઝ શરબતના અક્સીર છે. આ શરબત પીવાથી ઉનાળામાં પેટની ગરમી કે દાહ દૂર થશે. અને ઉનાળાની ગરમીમાં બહારથી ઘરમાં આવતાં આ શરબત પાણીની જગ્યાએ લેવાથી એકદમ ઠંડક આપશે.
રોઝ મેરી શરબત
સામગ્રી :ગુલાબ ૮ નંગ, રોઝ મેરીના બારીક ટુકડા ૧ કપ, ખડી સાકર ૩ કપ, ૧ નંગ બીટ, લીંબુ ૧/૨ નંગ.
રીત : રોઝ મેરી અને ગુલાબનાં પાંદડાને ૨ થી ૩ કલાક પાણીમાં પલાળો. તેમાં બીટને છોલીને તેના ટુકડા ઉમેરો. ખડી સાકરને પાણીમાં ઓગાળી તેની દોઢ તારની ચાસણી બનાવો. તેમાં લીંબુ અને તૈયાર ગુલાબ અને રોઝ મેરી વાળુ પાણી ગાળીને ઉમેરો. ફરીથી બે તારની ચાસણી બનાવીને ઠંડી પાડો. ગાળીને બોટલમાં ભરો જરૂરત મુજબ પાણીમાં નાખીને પીરસો.
લીલી શતાવરી તથા આમળા અને કાળી દ્રાક્ષનું શરબત
સામગ્રી : શતાવરીના ટુકડા ૧ કપ, આમળા
રીત : આમળા અને શતાવરીને બાફી લઈ મેશ કરો. કાળી દ્રાક્ષને આગલી રાતે પલાળી બીજા દિવસે મસળી લો. આ ત્રણેયને ભેગાં કરો. ખાંડની બે તારની ચાસણી બનાવી તેમાં ઉમેરીને થોડું વધારે ગરમ કરો. ઠંડુ પડયે ગાળી લો. જરૂરત મુજબ પાણી ઉમેરીને સર્વ કરો.
શરબત એ ખાસ
સામગ્રી : લીલી વરિયાળી ૧૦૦ ગ્રામ, ખસનો વાળો ૧૦ ગ્રામ, ફુદીનો ૨ થી ૪ પાન ખાંડ ૨૦૦ ગ્રામ થોડા લીંબુના ફુલ
રીત : વરિયાળી અને ખસવા વાળાને અલગ અલગ પાણીમાં પલાળો. બીજા દિવસે બંનેને નીચોવીને ગાળી લો. ખાંડની બે તારની ચાસણી બનાવો. તેમાં થોડાં લીંબુના ફુલ નાખો અને આ ગાળેલું પાણી ઉમેરો. ફરીથી બે તારની ચાસણી થાય એટલે તાપ પરથી ઉતારી ચાસણી ઠંડી પાડો અને ગાળી લો. પીરસતી વખતે નાળિયેરનું પાણી અને ફુદીનાના પાનને વાટીને મીક્સ કરી પીરસો.
- હિમાની