સ્ટફ્ડ નાન
સામગ્રી: ૪ કપ મેંદો, ૧/૨ ચમચી ખાવાનો સોડા, ૨ ચમચા ખાટું દહીં, ૧ ચમચી બેકિંગ પાઉડર, મોણ માટે ૨ ચમચી ઘી અથવા માખણ, ૨ ચમચા તેલ, ૧ કપ દૂધ, ૧ ચમચી મીઠું, ૨ ચમચી ખાંડ, ૧/૨ ચમચી તલ, ૧/૨ ચમચી કલોંજી, પૂરણ ભરવા માટે બાફીને મસળેલા બટાકા અથવા પનીર.
રીત: મેંદામાં મીઠું તથા સોડા નાખીને ચાળી લો. તેમાં વચ્ચે ખાડા પાડી ખાંડ, દહીં, ઘી તથા બેકિંગ પાઉડર મિક્સ કરી દૂધ નાખો. પછી જરૂર પ્રમાણે નાખી મુલાયમ લોટ બાંધી લો. તેના પર થોડું તેલ લગાવી ભીનું કાપડ ઢાંકી ઉનાળામાં એક કલાક અને શિયાળામાં ઓછામાં ઓછા ત્રણ કલાક રાખી મૂકો. જેથી આથો આવી જાય. હવે લોટના લૂઆ બનાવો. પછી તેને હાથથી સહેજ થેપી તેમાં પનીર અથવા બટાકાનો માવો ભરી ગોળો વાળી દો. તેના પર સહેજ તેલ લગાવી થોડી કલોંજી નાખીને વણો. વણતી વખતે એક બાજુથી ખેંચો જેથી ત્રિકોણાકાર થાય. પહેલેથી જ ગરમ તંદૂરમાં નાન શેકી લો. ઉપર માખણ લગાવીને ગરમાગરમ પીરસો.
લચ્છા પરોઠાં
સામગ્રી : ૨ ચમચી મેંદો, ૨ કપ લોટ, ૨ ચમચી તેલ, ૧/૨ ચમચી મીઠું, ૧/૪ ચમચી મરચુ, ૧/૪ ચમચી અજમો, ૧ ચમચી ઘી, ૧ ચમચો કોપરાનું છીણ.
રીત : લોટ ચાળી તેમાં તેલ, મીઠું, મરચું અને અજમો નાખી પાણીથી મુલાયમ લોટ બાંધી એક કલાક રાખી મૂકો. તેના લૂઆ વાળી પરોઠાં વણો. તેના પર ઘી લગાવી કોરો મેંદો ભભરાવો, તેના લૂઆ વાળી ફરીથી પરોઠા વણો. પહેલેથી ગરમ તંદૂરમાં આછા ગુલાબી રંગે શેકો. બહાર કાઢી ઉપર દેશી ઘી અને કોપરાનું છીણ ભભરાવી શાહી પનીર સાથે પીરસો.
પનીરવાળી રૂમાલી રોટી
સામગ્રી : ૧૫૦ ગ્રામ મેદો, ૫૦ ગ્રામ લોટ, ૨૦૦ ગ્રામ પનીર, ૪ લીલાં મરચાં, ૨ ચમચાં બારીક સમારેલી કોથમીર, ૧/૨ ચમચી મીઠું, ચપટી ખાવાનો સોડા.
રીત : મેંદા તથા લોટને ચાળી મિક્સ કરો. તેમાં મીઠું અને સોડા નાખી લોટ બાંધો. લીલાં મરચાંને બારીક સમારી કોથમીર સાથે ભેળવી દો. તેમાં પનીર છીણીને નાખો અને મિશ્રણમાં થોડું થોડું પાણી ભેળવો. રૂમાલી રોટી માટે એક મોટી લૂઓ લઈ તેમાં પનીરનું મિશ્રણ કરો. તેને વણો અને હાથથી જ ગોળાકારમાં મોટી બનાવતાં જાવ. ગેસ પર લોઢીને ઊંધી મૂકી અને તેના કદ જેટલી જ મોટી રોટલી બનાવો. રોટલી એકદમ રૂમાલ જેટલી જ પાતળી હોવી જોઈએ. તેને ઊંધી લોઢી પર જ ઊંધીસીધી ફેરવીને શેકો. આ જ રીતે બીજી રોટલીઓ પણ શેકો.
થેપલા
સામગ્રી : ૨ કપ લોટ, ૨ ચમચી ચણાનો લોટ, ૧ ચમચી હળદર, ૧ ચમચી આદુ-લસણની પેસ્ટ, ૧ પાકું કેળુ (ઈચ્છા પ્રમાણે), ૨ ચમચી તેલ, ૧ ચમચી મીઠું, ૨ ચમચી કેરીના અથાણાનો રસો (ઈચ્છા પ્રમાણે) થોડી મેથી, શેકવા માટે ઘી અથવા તેલ.
રીત : એક કડાઈમાં મેથીનાં પાન નાખી ધીમા તાપે દસ મિનિટ રાખો. મેથીમાંથી પાણી છૂટે એટલે ગેસ બંધ કરી મેથીનું પાણી નિચોવી લોટમાં મિક્સ કરી દો. પાણી કાઢી નાખવાથી મેથીની કડવાશ નીકળી જાય છે. જો ઈચ્છા હોય તો તેમાં એક પાકું કેળું પણ મિક્સ કરી શકો છો. પછી લોટમાં મીઠું, હળદર, આદુ-લસણની પેસ્ટ તથા તેલ નાખીને લોટ બાંધી થોેડીવાર રાખી મૂકો. લુઆ વાળીને પાતળા થેપલા વણી લો. તવા પર દેશી ઘી અથવા તેલથી થેપલા શેકી લો. ખટમીઠી ચટણી અથવા કેરીનાં અથાણાં સાથે ખાવ.
ફુદીનાનાં પરોઠાં
સામગ્રી : ૨ કપ લોટ, ૨૫૦ ગ્રામ ફુદીનો, ૧ ચમચો આદુ-લસણની પેસ્ટ, ૨ ચમચી તેલ, ૧ ડુંગળીની પેસ્ટ, ૧/૨ ચમચી લીલાં મરચાંની પેસ્ટ, ૧ ચમચી મીઠું.
રીત : ફુદીનાના પાન સમારીને લોટમાં મિક્સ કરી દો. પછી તેમાં મીઠું, ડુંગળી, આદુ-લસણ તથા લીલા મરચાંની પેસ્ટ મિક્સ કરી લોટ બાંધી લો. તેને થોેડીવાર ઢાંકીને રાખી મૂકો. પછી તેના લુઆ વાળી ગોળ અથવા ત્રિકોણ વણો. પાણીવાળા હાથ કરી પરોઠાં તંદૂરમાં નાખીને શેકો. પરોઠાં શેકાઈ જાય એટલે તંદૂરમાંથી બહાર કાઢી ઉપર દેશી ઘી લગાવો. ફુદીનાના પાનથી સજાવી સર્વ કરો.
મકાઈનો રોટલો
સામગ્રી : ૨ કપ મકાઈનો લોટ, ૧ કપ હુંફાળું પાણી.
રીત : હૂંફાળા પાણીથી થોડો ઢીલો લોટ બાંધી લો. આ લોટ પાણી શોષે છે. તેના લૂઆ બનાવી હળવા હાથે રોટલો વણો. હાથ સહેજ પાણીવાળો કરી તવામાં રોટલો નાખો. ઘી લગાવી બંને બાજુ શેકી માખણ, ગોળ, સરસવના શાક સાથી પીરસો.
બટાકાં-બાજરીની પૂરી
સામગ્રી : ૨૫૦ ગ્રામ બાજરીનો લોટ, જ મધ્યમ કદનાં બાફેલાં બટાકાં, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરીનો પાઉડર, ૧ ચમચો વાટેલાં કોથમીર લીલાં મરચાં, તળવા માટે તેલ.
રીત : લોટમાં મીઠું અને મરીનો પાઉડર ભેળવી ચાળી નાખો. અગાઉથી થોડો કોરો લોટ જુદો કાઢી લો. હવે બાફેલાં બટાકાંને છીણી નાખો અને લોટમાં બરાબર મિક્સ કરો. લીલાં મરચાં-કોથમીર નાખીને થોડું પાણી લઈને હાથથી ખૂબ રૃંપીને લૂઆ બનાવો. તેલ ગરમ કરો અને થોડીવાર પછી આંચ મધ્યમ કરી નાખો. લૂઆને હાથથી દબાવી-દબાવીને ગોળ ફેરવતાંજઈ પૂરી બનાવો અને ગરમ તેલમાં બંને બાજુએ કડક થાય એમ તળી નાખો. આ પૂરીનો કોઈ પણ કોરા કે રસાવાળા શાક, રાયતા કે દહીં સાથે સ્વાદ માણો.
મસાલેદાર પૂરી
સામગ્રી : ૪ કપ લોટ, ૧/૨ વાટકી અડદની દાળની પીઠી, ૨ લીલા મરચાં વાટેલા, ચપટી હીંગ, ૧/૨ ચમચી આદુની પેસ્ટ, ૧/૪ ચમચી વરિયાળીનો પાઉડર (ઈચ્છા પ્રમાણે), ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરચું,
રીત : લોટમાં મીઠું નાખી બાંધી લો. હવે અડદની દાળની પીઠીમાં વાટેલાં લીલા મરચાં, હિંગ, આદુની પેસ્ટ, વરિયાળીનો પાઉડર, મીઠુ તથા મરચું મિક્સ કરો. લોટના લુઆ બનાવી ગોળા વાળો. પછી તેને વચ્ચે આંગળીથી દબાવી તેમાં અડધી ચમચી દાળની પીઠી ભરી ગોળા વાળી દો. તેની પૂરી હળવા હાથે વણો. પીઠી બહાર ન નીકળી જાય તેનું ધ્યાન રાખો. ગરમ તેલમાં આ પૂરી તળી લો. આ રીતે બધી પૂરી બનાવો. મેથીનો વઘાર કરેલું બટાકાનું શાક, ગાજર, ડુંગળી અને મરચાં સાથે સર્વ કરો.
- હિમાની


