Get The App

દાવત : ઓછા તેલવાળાં આરોગ્યપ્રદ અથાણાં

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
દાવત : ઓછા તેલવાળાં આરોગ્યપ્રદ અથાણાં 1 - image

કાકડીના ખારિયા

 સામગ્રી :  પાંચ કિલો કાકડી, ૫૦૦ ગ્રામ મીઠું, ૫૦૦ ગ્રામ દળેલી રાઇ, ૧ ચમચી હળદર, ૫૦૦ ગ્રામ તેલ, ગોળ ૧ કિલો.

 રીત :  કાકડીના ટુકડા કરી મીઠું નાખી દેવું. બે દિવસ કાકડીના કકડાને મીઠાના પાણીમાં રહેવા દઇ ત્રીજે દિવસે તડકામાં સૂકવવા. સાંજે દળેલી રાઇ, ગોળ, હળદર, તેલ એ બધાંને સારી રીતે ફીણી કાકડીને રગદોળવા અને બરણઈમાં ભરી દેવા.

ગાજરનું અથાણું  

(મેથીના મસાલાવાળા)

 સામગ્રી : ગાજર ૧ કિલો, મીઠું ૩૦ ગ્રામ, મેથીનો મસાલો ૨૦૦ ગ્રામ, તેલ ૧૫૦ ગ્રામ.

 રીત : ગાજરની ચીરીઓ કરી મીઠું ચોળી એક દિવસ રહેવા દેવી.  બીજે દિવસે એક કલાક તડકે સૂકવીને પછી મેથીનોે મસાલો અને તેલમાં  રગદોેળી બરણીમાં ભરી લેવા.

બોળ ગુંદા

 સામગ્રી : ૧ કિલો મોટાં અને તાજાં ગુંદાના ઝુમખાં, આશરે બે લીટર કેરીનું ખાટું પાણી, ૧૦૦ ગ્રામ મીઠું.

 રીત : ગુંદાના ઝુમખાને કેરીના પાણીમાં નાખવા સાથે મીઠું પણ નાખવું. ગુંદા ડૂબેલાં જ રહે તેનું ધ્યાન રાખવું. પંદરેક પછી ગુંદા પર કરચલીઓ પડી જશે ત્યારે તે ખાવાના ઉપયોગમાં લેવાં. આ રીતે ગુવાર, લીલા મરચાં વગેરે પણ ખાટા પાણીમાં નાખીને તેનું અથાણું બનાવી શકાય છે. સ્વચ્છ બરણીમાં ભરવું જરૂર લાગે તો થોડું તેલ ઉમેરવું.    

ગાજરનું અથાણુ

 સામગ્રી :  ૧ કિલો ગાજર, પાંચ-સાત લીંબુ, ૨૦ ગ્રામ  હળદર, ૧ ટે.સ્પૂન મીઠું, સ્વાદ પ્રમાણે રાઈના કુરીયા ૧૦૦ ગ્રામ, તેલ ૧૫૦ ગ્રામ.

 રીત : સારા લાલ કુણા ગાજર પસંદ કરવા તેને ધોઈ સ્વચ્છ કરી છાલ ઉતારી તેની એકથી દોઢ ઈંચની ચીરીઓ કરવી. હળદર મીઠું, અને લીંબુનો રસ ભેગા કરી તેમાં ગાજરની ચીરીઓ રગદોળી ઢાંકીને રહેવા દેવું, બીજે દિવસે લીંબુ મીઠામાંથી કાઢી ગાજર સુકવવા, બહુ ચવડ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન ન રાખવું, તેલ અને  રાઈ ફીણી, લીંબુ મીઠામાં ભેળવી દેવું. તેમાં ગાજરની ચીરીઓ રગદોળી બરણીમાં ભરી લેવું.

પાકી કેરીના વઘારિયા

 સામગ્રી : પાકેલી પણ કડક કેરી ૧ કિલો, ગોળ-૧  કિલો, તેલ ૨૫૦ ગ્રામ. આખા લાલ સૂકા મરચાં પાંચથી છ, હીંગ ચપટી, મેથી-૧/૨ ચમચી, મેથીની દાળ ૨ ટે.સ્પૂન, મીઠું, સ્વાદ પ્રમાણે.

 રીત : કેરીને છોલીને કકડા કરવા, તેલનોે વઘાર મૂકી તેમાં આખી મેથી, સૂકા મરચા અને હીંગનો વઘાર કરવો.કેરીના કકડા વઘારી ઉપર ઝીણો સમારેલો ગોળ, મીઠું, મરચું,  હળદર અને મેથીના કુરીયા નાંખી  કેરીના કકડા બહુ ભાંગે નહીં તે રીતે હલાવવું. ગોળ સારી રીતે ખદખદવા લાગે અને તેલ ઉપર તરી આવે ત્યાં સુધી ખદખદાવવું. નીચે ઉતારી  ઠંડુ પડવા દેવું.   સ્વચ્છ જંતુરહિત કરેલી બરણીમાં ભરવું. 

ફ્લાવરનું અથાણું

 સામગ્રી :  ફ્લાવર ૧ કિલો, મેથીના કુરીયા ૧૦૦ ગ્રામ, હળદર ૧ ચમચી, ૧ ચમચી લાલ મરચું, મીઠું સ્વાદ મુજબ,  ચપટી હીંગ, વરીયાળી -મરી  ૧ ચમચી, તેલ ૨ ચમચા, લીંબુ ૨૦૦ ગ્રામ, ૨૦૦  તેલ મિક્સ કરવાથી મેથીનો મસાલો બનશે.

 રીત : ફ્લાવરના  ફૂલ આખા ડાંડા સાથે છૂટા કરી સારી રીતે ધોઈ સ્વચ્છ કરી તેના ઊભા લાંબા ચીરા કરવા. લીંબુના રસમાં થોેડું મીઠું હળદર ભેળવી તેમાં ફ્લેવર રગદોળવું અને બે-ત્રણ દિવસ રહેવા દેવું રોેજ ઉછાળવું. ત્રીજે દિવસે ફ્લાવર લીંબુ- મીઠાના પાણીમાંથી કાઢી તડકે એક કલાક સૂકવવું. લીંબુ-મીઠાના પાણીમાં  બધો મસાલો, તેલ અને ફ્લાવર ભેળવીને બરણીમાં ભરવું (એક મહિનોે સારું રહે છે)

કેરી-મેથીનું રસાદાર અથાણું

 સામગ્રી : કાચી કેરી - ૨૫૦ ગ્રામ મેથી ૪ ટે.સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી, સૂકા લાલ મરચા ચાર-પાંચ નંગ, ગોળ ૩૦૦ ગ્રામ, લાલ મરચું સ્વાદ પ્રમાણે, તેલ ૪ ચમચાં.

 રીત : કેરીને ધોઈ સ્વચ્છ કરી તેની છાલ ઊતારી નાના ટુકડા કરવા. એક વાસણમાં પોણો કપ પાણી નાંખી તેમાં કેરીના કકડા અને આખી મેથી નાંખી પ્રેશર કૂકરમાં ઢાંકીને બાફવું. ત્રણ વ્હીસલ થવા દેવી (પાંચ મિનિટ)  એક વાસણણાં તેલનો વઘાર મૂકી  હીંગ મરચાંનો વઘાર કરી બાફેલી કેરી-મેથી વઘારવી ગોળ (અથવા) ખાંડ ઉપર નાંખવા મીઠું-મરચું સ્વાદ પ્રમાણે ઉમેરી ધીમે તાપે ખદખદાવવું.  તેલ છૂટે ત્યાં સુધી પકાવવું. ઉતારી ઠંડુ પડે ત્યારે સ્વચ્છ બરણીમાં ભરવું જરૂર લાગે તો થોડું તેલ ઉમેરવું.    

ફણસીનું અથાણું

 સામગ્રી : ૧ કિલો ફણસી મીઠું ૧ ટી. સ્પૂન, રાઈ ૧/૨ વાટકી, હળદર ૧/૨ ચમચી, રાઈનું તેલ જરૂર પ્રમાણે લગભગ એક કપ.

 રીત : ફણસીને ધોઈ તેના ડીંટા કાઢી બાજુની નસ કાઢવી અને આખી રાખવી, ફણસીને ઉકળતા પાણીમાં ચારથી પાંચ મિનિટ બાફવી અને નીતારી લેવી. ફણસીને છાંયડામાં બે કલાક કોરી થવા દેવી (સુકવવી) અન ેપછી તેમાં બધોે મસાલો ભેળવવો, બરણીમાં નીચે થોડું તેલ નાંખી આ મસાલાવાળી ફણસી નાંખવી ઉપર બાકીનું તેલ રેડવું. બે દિવસ પછી વાપરવું.  

- હિમાની