તલ અને બુંદીની ચીકી
સામગ્રી : ૨૫૦ ગ્રામ તલ, ૧૫૦ ગ્રામ ચણાનો લોટ, ૫૦૦ ગ્રામ ગોળ, ૨૫૦ ગ્રામ માવો, ૩-૪ ટીપાં કેવડાનું એસેન્સ, તળવા માટે જરૂરી તેલ.
રીત : તલને થોડા શેકીને એક બાજુ મૂકો. ચણાના લોટમાં પાણી નાખી બુંદીનું ખીરું તૈયાર કરો. હવે તેલ ગરમ કરી તેમાંથી બુંદી પાડો. ગોળની ચાસણી બનાવો. ચાસણી થોડી ઠંડી પડે એટલે એમાં બુંદી નાખી ૧૫-૨૦ મિનિટ સુધી રહેવા દો. હવે માવાને શેકી બરાબર મસળી નાખો. ચાસણીમાંથી બુંદી કાઢી લો. તેમાં તેલ, માવો અને એસેન્સ નાખી હલાવો. એમાં જરૂર પ્રમાણે ગોળની થોડી ચાસણી પણ નાખો. હવે બધુ બરાબર હલાવી થાળી કે ડિશમાં પાથરી દો. તે ઠરી જાય એટલે તેના ચોસલા કાપી લો. તમે ઈચ્છો તો એના લાડુ પણ વાળી શકો છો.
બદામ-મગફળીનાં બિસ્કિટ
સામગ્રી : ૨ વાટકી મેંદો, ૧/૨ વાટકી જાડી ખાંડેલી મગફળી, ૧/૪ વાટકી જાડી ખાંડેલી બદામ, ૧/૨ વાટકી ઘી/માખણ, ૧/૨ ચમચી મીઠું, ૧/૪ એલચી પાઉડર, ૧/૪ બેકિંગ પાઉડર.
રીત : મેદામાં બેકિંગ પાઉડર, મીઠું અને એલચી નાખીને ચાળી લો. તેમાં ઘી અથવા માખણ અને અડધી અડધી બદામ અને મગફળી નાખીને મિક્સ કરો. પછી જરૂર પૂરતું દૂધ લઈ મેંદાનો કણક બાંધો. પછી તેને જાડું વણો. વણેલા રોટલાનો ઉપરનો ભાગ દૂધ/ ઈંડા, ઘી વડે લીસો કરો અને બચેલાં બદામ-મગફળી ભભરાવો. ફરીથી દૂધ/ ઈંડા/ ઘીનો હાથ ફેરવો. પછી કટરની મદદથી મનગમતા આકારમાં બિસ્કિટ કાપો. તેલ-ઘી ચોપડેલી બેકિંગ ટ્રેમાં બિસ્કિટ મૂકીને પહેલાથી ગરમ કરેલા ઓવનમાં બેક કરો. બદામ-મગફળીનાં બિસ્કિટ તૈયાર છે.
તલની મધુર ખીર
સામગ્રી : ૧ લીટર દૂધ, ૧ કપ તલ, ૧ વાટકી મિક્સ સૂકો મેવો (સમારેલો), ૫ નાની એલચી, ૨ ચમચી ખાંડ.
બનાવવામાં લાગતો સમય : ૩૦ મિનિટ
રીત :પહેલાં તલને સાફ કરીને શેકી લો. અડધા તલને અધકચરા વાટી લો અને અડધાને આખા જ રહેવા દો. દૂધને ધીમી આંચે ઉકાળો. દૂધ પર આવતી મલાઈ ઉતારી નાખો. દૂધ ઘટ્ટ થઈ જાય ત્યારે એમાં મિક્સ મેવો અને અધકચરા વાટેલા તલ નાખી ૫ મિનિટ સુધી ઊકળવા દો. પછી તેમાં ખાંડ નાખી હલાવો. છેલ્લે આખા તલ અને એલચી ભભરાવી ગરમ ગરમ પીરસો.
તલ-ચીઝના બોન્ડા
સામગ્રી: ૧/૨ કપ સફેદ તલ, ૨ કપ વેસણ, ૩ ચમચા ચીઝ, ૪ બ્રેડ સ્લાઈસ, તળવા માટે જરૂરી તેલ, ૧ ચમચી મીઠું, ૩-૪ સમારેલા લીલાં-મરચાં, થોડી સમારેલી કોથમીર, ૧/૨ ચમચી જીરું.
બનાવવામાં લાગતો સમય : ૩૦ મિનિટ.
રીત : પહેલાં તલને સાફ કરી કડાઈમાં શેકી લો. તેને ઠંડા થવા દો. વેસણમાં મીઠું, તલ, જીરું, ચીઝ નાખી મસળી નાખો. હવે બ્રેડ સ્લાઈસની ચારે કિનારી કાપી નાખો. એને પાણીમાં પલાળો. પછી બંને હાથથી દબાવી તેમાંથી પાણી કાઢી નાખો. એ બ્રેડ સ્લાઈસને વેસણના મિશ્રણમાં મિક્સ કરો.
ચટપટા તલ
સામગ્રી : ૨ મોટાં બટાકાં, ૨ મોટાં ગાજર, ૧ કોબી, ૧ વાટકી વટાણા, ૪ ટામેટા, ૧ વાટકી સફેદ તલ, ૧ ઝૂડી સરસિયાની ભાજી, ૧ ઝૂડી કોથમીર, ૪ લીલા મરચાં, ૧/૨ વાટકી તેલ, ચપટી હીંગ, ૧ ચમચી હળદર, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૪ ચમચી મરચું, ૧ ચમચી મીઠું, ૧ ચમચી હળદર, ૨ ચમચી જીરું.
રીત : બધાં શાકભાજીને ધોઈને સમારી લો. તલને સાફ કરીને કડાઈમાં શેકી લો. તેલ ગરમ કરી એમાં હિંગ અને જીરાનો વઘાર કરો. (ઈચ્છો તો ડુંગળી, લસણ પણ વાપરી શકો છો.) બધા મસાલા નાખી શેકો. પછી એમાં શાકભાજી અને મીઠું નાખી બરાબર મિક્સ કરો. બધાં શાક બરાબરા ચડી જાય પછી તેમાં તલ અને કોથમીર નાખી ૧૦ મિનિટ સુધી કડક શેકાવા દો. તેમાંથી સુગંધ આવે એટલે આંચ પરથી ઉતારી લો. પૂરી, પરોઠાં કે રોટલી સાથે ગરમાગરમ શાક પીરસો.
બટાકાં-બાજરીની પૂરી
સામગ્રી : ૨૫૦ ગ્રામ બાજરીનો લોટ, જ મધ્યમ કદનાં બાફેલાં બટાકાં, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરીનો પાઉડર, ૧ ચમચો વાટેલાં કોથમીર લીલાં મરચાં, તેલ.
રીત : લોટમાં મીઠું અને મરીનો પાઉડર ભેળવી ચાળી નાખો. અગાઉથી થોડો કોરો લોટ જુદો કાઢી લો. હવે બાફેલાં બટાકાંને છીણી નાખો અને લોટમાં બરાબર મિક્સ કરો. લીલાં મરચાં-કોથમીર નાખીને થોડું પાણી લઈને હાથથી ખૂબ રૃંપીને લૂઆ બનાવો. તેલ ગરમ કરો અને થોડીવાર પછી આંચ મધ્યમ કરી નાખો. લૂઆને હાથથી દબાવી-દબાવીને ગોળ ફેરવતાંજઈ પૂરી બનાવો અને ગરમ તેલમાં બંને બાજુએ કડક થાય એમ તળી નાખો. આ પૂરીનો કોઈ પણ કોરા કે રસાવાળા શાક, રાયતા કે દહીં સાથે સ્વાદ માણો.
- હિમાની


