હરાભરા કબાબ રેપ
સામગ્રી : ચાર રૂમાલી રોટી, ૧૦૦ ગ્રામ ફૂદીનાની ચટણી.
હરાભરા કબાબ માટે : ૨૦૦ ગ્રામ મટર, ૨૦ ગ્રામ પનીર, છ લીલાં મરચાં, ૧૦ ગ્રામ આદુ, ૧૦ ગ્રામ લસણ, બે ટી.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર, ૧૦ થી ૧૨ ઝીણા સમારેલાં કાજુ, ૧૦૦ ગ્રામ ઝીણા સમારેલા કાંદા, ચાટ મસાલો સ્વાદાનુસાર, નમક સ્વાદાનુસાર, તેલ જરૂરિયાત મુજબ.
રીત : કબાબ બનાવવા લીલા વટાણા, લીલાં મરચાં, આદુ, લસણને મિક્સરમાં નાખી બ્લેન્ડ કરો. તેમાં પનીર, કોથમીર અને નમક નાખી કબાબનો આકાર આપો.
કબાબને સોનેરી થાય ત્યાં સુધી તળીને અલગ મુકી દો. રૂમાલી રોટી પર ફુદીનાની ચટણી લગાવી તેના ઉપર ઝીણો સમારેલો કાંદો નાખો. ત્યાર પછી ચાટ મસાલો છાંટો, તેની ઉપર કબાબ મુકી રોટલી વાળી લો. હરાભરા કબાબ રેપ તૈયાર છે.
કોફતા રેપ્સ
સામગ્રી : રેપ માટે : પોણો કપ ઘઉંનો લોટ, પોણો કપ મેંદો, એક ટે.સ્પૂન કુકિંગ ઓઈલ, પોણો કપ દહીં, નમક સ્વાદાનુસાર, પા ટી.સ્પૂન મરચું,
ભરવા માટે : એક મોટી કાકડી , બે ટામેટા, એક કાંદો, બે ટી.સ્પૂન ચાટ મસાલો, ૧૫ થી ૨૦ ફુદીનાના પાન.
વેજીટેબલ રોલ માટે : અડધો કિલો બટેટાં (બાફી, છોલીને ખમણેલાં), પા કપ મટર (બાફેલાં), ફણસી (ઝીણી સમારીને બાફેલી) પા કપ ગાજર (ઝીણું સમારીને બાફેલું), બે ટે.સ્પૂન ફૂદીનો , દોઢ ટે.સ્પૂન કોર્ન ફ્લોર, નમક સ્વાદાનુસાર, અડધી ટી.સ્પૂન ગરમ મસાલો, અડધી ટી.સ્પૂન લાલ મરચાનો પાવડર, અડધી ટી.સ્પૂન આમચૂર પાવડર.
રીત : ઘઉંનો લોટ, મેેદો, તેલ,નમક, મરચું, અને દહીં મિક્સ કરી જરૂરિયાત મુજબ પાણી નાખી લોટ બાંધો. લોટમાંથી ૧૦ થી ૧૨ લુઆ પાડી રોટલી બનાવીને કેસરોલમાં મુકી દો. વેજિટેબલ રોલની સામગ્રીને બટેટાં સાથે મસળીને તેમાં કોર્ન ફ્લોર મિક્સ કરો. એક કડાઈમાં તેલ ગરમ કરી આ રોલ સોનેરી થાય ત્યાં સુધી તળો. નીતારેલું દહીં, લીંબુનો રસ અને નમક મિક્સ કરીને ક્રીમ તૈયાર કરો. ત્યાર પછી તવી પર અડધી ચમચી તેલ ગરમ કરી વાળેલી રોટલીને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
બ્રોકલી માયો રેપ્સ
સામગ્રી : રોટલી માટે : ૩/૪ કપ મેંદો, એક ટે.સ્પૂન કુકિંગ ઓઈલ, નમક સ્વાદાનુસાર, બેકીંગ પાવડર એક ચપટી.
ભરવા માટે : (આમાંથી ચાર રેપ્સ બનશે) એક બ્રોકલી (સ્લાઈસ જેવા આકારમાં કાપેલી), કુકિંગ ઓઈલ ત્રણ ટે.સ્પૂન, એક ટી.સ્પૂન જીરું, એક કાંદો (ગોળાકાર સ્લાઈસમાં કાપેલો), એક ટામેટું (બારીક સમારેલું), અડધું ટી.સ્પૂન ધાણા પાવડર, પા ટી.સ્પૂન ગરમ મસાલો, પા ટી.સ્પૂન આમચૂર પાવડર, પા ટી.સ્પૂન હળદર પાવડર, એક ટે.સ્પૂન લીંબુનો રસ.
અન્ય સામગ્રી : મ્યોનીઝ અથવા મસ્ટર્ડ સોસ (ત્રણથી ચાર ટે.સ્પૂન જેટલું) બે ટે.સ્પૂન ટોમેટો સોસ.
પેસ્ટ માટે મેંદો : એક ટે.સ્પૂન મેંદામાં બે ટે.સ્પૂન પાણી નાંખી પેસ્ટ તૈયાર કરો.
રીત : રોટલી માટે : કુકિંગ ઓઈલ, બેકિંગ પાવડર, નમક, મેંદાને મિક્સ કરી કઠણ લોટ બાંધો. ૨૦ મિનિટ માટે ઢાંકો.
ભરવા માટે : એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં જીરું અને લસણની પેસ્ટ નાખી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. તેમાં કાંદા નાખી નરમ થાય ત્યાં સુધી સાંતડો. ત્યાર પછી બ્રોકલી નાખી પાંચ મિનિટ સુધી રાંધો. ત્યારબાદ હળદર, ધાણા, ગરમ મસાલો અને આમચૂર પાવડર નાખી હલાવો. છેવટે લીંબુનો રસ અને નમક નાખી સારી રીતે હલાવીને ગેસ પરથી ઉતારી લો.
રેપ્સ બનાવવા માટે : લોટના ચાર લુઆ બનાવી ઝીણી રોટલી વણીને ધીમા તાપે શેકી લો. દરેક રોટલી પર મ્યોનીઝ અથવા મસ્ટર્ડ સોસ પાથરો. સર્વ કરવાથી પહેલા રોટલી વચ્ચે ભરવાનો મસાલો મુકીને મનગમતા આકારમાં રોટલીને વાળો. મેંદાની પેસ્ટ અને સોસ લગાવીને વાળેલી રોટલી સીલ કરી દો.એક કડાઈમાં એક ટે.સ્પૂન તેલ ગરમ કરીને આ રેપ્સને બંને બાજુથી સોેનેરી થાય ત્યાં સુધી તળો. સોસ અથવા ચટણી સાથે ગરમ ગરમ પીરસો.
ચટપટું રોટી રેપ
સામગ્રી : રોટલી માટે ઘઉંનો લોટ બે કપ, ઘી એક ટે.સ્પૂન, નમક સ્વાદાનુસાર
ભરવા માટે : બે બટેટા (બાફી, છોલીને ઝીણા સમારેલાં), એક કાંદો (ઝીણો સમારેલો), એક ટામેટું (ઝીણું સમારેલું) એક સિમલા મરચું (ઝીણું સમારેલું), બે લીલાં મરચાં, દોઢ ટે.સ્પૂન ચાટ મસાલો, નમક સ્વાદાનુસાર અને આદુ-લસણની પેસ્ટ એક ચમચી.
રીત : રોટલી માટે : બધી સામગ્રી મિક્સ કરી લોટ બાંધીને ૧૦ મિનિટ સુધી મુકી રાખો. ત્યાર પછી લોટને બરાબર કુણવીને આઠ ગોળા બનાવો. રોટલી વણીને ધીમી આંચ પર શેકી લો. રોટલી એકબાજુ મૂકી રાખો.
ભરવા માટે : એક કડાઈમાં તેલ ગરમ કરી કાંદા નાખો. સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતડો. ત્યાર પછી સિમલા મરચું નાખી બે મિનિટ રાંધો, ત્યાર બાદ ટામેટાં, આદુ-લસણની પેસ્ટ નાખી થોડી વધુવાર રાંધો. છેવટે આમચૂર પાવડર અને ચાટ મસાલો નાખી સારી રીતે મિક્સ કરો.
ચટપટું રોટી રેપ બનાવવા : ભરવાનો મસાલો રોટીમાં સ્ટફ કરો. ઓવનમાં ૩૫૦ ડિગ્રી પર વીસ મિનિટ સુધી બેક કરો. સોસ અથવા ચટણી સાથે ગરમ ગરમ પીરસો.
જાલફ્રેઝી રેપ
સામગ્રી : ચાર રૂમાલી અથવા એકદમ પાતળી રોટલી, ત્રણ ટે.સ્પૂન કુકિંગ ઓઈલ, અડધી ટી.સ્પૂન જીરું, પા ટી.સ્પૂન રાઈ, પા ટી.સ્પૂન તજ, ૧૫ થી ૨૦ લીમડાના પાન.
મિશ્રણ માટે : પાંચ ટે.સ્પૂન ટોમેટો પ્યૂરી, એક ટે.સ્પૂન ટોમેટો કેચઅપ, બે ટી.સ્પૂન ઝીણા સમારેલા આદુ-લસણ, અડધી ટી.સ્પૂન લાલ મરચાંનો પાવડર, અડધી ટી.સ્પૂન આમચૂર પાવડર, એક ટી.સ્પૂન કોથમીર, નમક સ્વાદાનુસાર.
ભરવા માટે : ૧૫૦ ગ્રામ પનીર (પાતળા લાંબા ટુકડામાં કાપેલું) આઠથી દસ ફણસી અને એક ગાજર (લાંબા ત્રાસાં ટૂકડામાં કાપેલાં), અડધું સિમલા મરચું, (બી કાઢીને લાંબી ચીરી કરેલું), પીળાં અને લાલ શિમલા મરચાં (બંને અડધા અને બી કાઢીને લાંબી ચીરી કરેલાં), એક ટામેટું (ગરપ કાઢીને ચાર ટુકડા કરેલું)
રીત : સુકા મસાલાને ટોમેટો પ્યુરી અને કેચઅપમાં નાખી અલગ મુકી દો. એક કડાઈમાં ત્રણ ટે.સ્પૂન તેલ નાખી રાઈ, જીરા, તજનો વઘાર કરો, ત્યાર પછી લીમડો નાખો, તેમાં ટોમેટો પ્યુરી અને સુકા મસાલાનું મિશ્રણ નાખી ધીમી આંચ પર બે-ત્રણ મિનિટ સુધી રાંધો. તેમાં ફણસી અને ગાજર નાખીને એકાદ મિનિટ રાંધ્યા પછી પા કપ પાણી નાખી કડાઈ ઢાંકી દો. બધાં શાક થોડા ક્રિસ્પી રહે એટલી વાર જ રાંધો. હવે તેમાં સિમલા મરચાં, પનીર અને ટામેટાં નાખી સારી રીતે મિક્સ કરી આંચ પરથી ઉતારી લો. સોસ અથવા ચટણી સાથે ગરમ ગરમ પીરસો.
યમી નગેટ રેપ્સ
સામગ્રી : રેપ્સ માટે : એક કપ મેંદો, એક કપ ઘઉંનો લોટ, એક ટે.સ્પૂન કુકિંગ ઓઈલ, એક કપ દહીં, નમક સ્વાદાનુસાર.
ભરવા માટે : એક કપ સોેયા નગેટ્સ (ગરમ પાણીમાં અડધો કલાક સુધી ભીંજવીને નીચોવેલા), ત્રણ ટે.સ્પૂન કુકિંગ ઓઈલ, બે કાંદા, બે ટામેટાં, એક ટી.સ્પૂન સોયા સોસ, છ ટે.સ્પૂન ટોમટો સોસ, અડધી ટી.સ્પૂન વિનેગર, નમક સ્વાદાનુસાર.
મિશ્રણ માટે : દોઢ ટી.સ્પૂન આદુ-લસણની પેસ્ટ, એક ટી.સ્પૂન કોર્ન ફ્લોર, નમક સ્વાદાનુસાર.
રીત : સોયા નગેટ્સને કોર્ન ફ્લોર અને આદુ-લસણની પેસ્ટ સાથે મિક્સ કરી પંદર મિનિટ સુધી અલગ રાખી મુકો.મેંદો, ઘઉંનો લોટ, કુકિંગ ઓઈલ મિક્સ કરી લોટ બાંધો.ભરવા માટેનો મસાલો તૈયાર થાય ત્યાં સુધી લોટ મુકી રાખો.ભરવા માટેના મસાલા માટે કાંદાના આઠ ટુકડા કરી તેની એકેએક પરત છૂટ્ટી પાડી દો.
ટામેટાના આઠ ટુકડા કરી અલગ મુકો. ત્યાર પછી એક કડાઈમાં બે ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં મિક્સ કરેલાં સોયા નગેટ્સ નાખી સોનેરી રંગ થાય ત્યાં સુધી સાંતળો. નગેટ્સને એક બાઉલમાં કાઢી લો. ત્યાર પછી આ કડાઈમાં જ એક ટેબલસ્પૂન તેલ ગરમ કરી કાંદાને તેજ આંચ પર ત્રણ મિનિટ સુધી રાખો. તેમાં ટામેટાં નાખી એક મિનિટ રાંધો. ત્યારબાદ બંને પ્રકારના સોસ, એક ચપટી નમક એક ચપટી મરચું નાખીને બે મિનિટ ગેસ પર રહેવા દો. લોટામાંથી રોટલી બનાવી તેમાં આ મિશ્રણ ભરીને રોલ કરો. ગરમ ગરમ પીરસો.
- હિમાની


