રાસબરી શેક
સામગ્રી : ૨૫ રાસબરી, ૨ કપ દૂધ, ૪ મોટી ચમચી ખાંડ, ૨ મોટી ચમચી દૂધનો પાઉડર, બરફ.
રીત : રાસબરીને સારી રીતે ધોઈ, બે ટુકડા કરી મિક્સરમાં ક્રશ કરો. હવે તેમાં દૂધ અને ખાંડ નાખી ૨-૩ વખત ફરીથી મિક્સરમાં મિક્સ કરો. જ્યારે બરાબર મિક્સ થઈ જાય ત્યારે તેમાં બરફના ટુકડા નાખી દો. દૂધનો પાઉડર નાખી ૨-૩ વખત ફરીથી મિક્સર ચલાવો. રાસબરી શેક ગ્લાસમાં કાઢી પીરસો.
અંગૂફી
સામગ્રી : ૨૫૦ ગ્રામ લીલી દ્રાક્ષ, ૨ મોટી ચમચી કોફી, ૪ મોટી ચમચી ખાંડ, ૫૦૦ ગ્રામ દૂધ, ૧ કપ બરફ નાના ટુકડા, ૨ મોટી ચમચી દૂધનો પાઉડર, ૧/૨ નાની ચમચી કોકો પાઉડર.
રીત : દ્રાક્ષને ધોઈ તેનો રસ કાઢો. તેને ગાળી લો. પછી તેમાં ખાંડ અને કોફી નાખી હલાવો. ત્યારબાદ રસને ગેસ પર મૂકી થોડો ઘટ્ટ થવા દો.
પછી ઠંડા થવા દો. મિક્સરમાં ઠંડુ દૂધ, કોફી અને દ્રાક્ષનું મિશ્રણ, બરફના ટુકડા તથા દૂધનો પાઉડર નાખી મિક્સ કરો તે વધુ ગળ્યો લાગે તો થોડું દૂધ ઉમેરો ગ્લાસમાં ભરી કોકો પાઉડર નાખી ઠંડુ ઠંડુ પીરસો.
જ્યૂસીહની સોડા
સામગ્રી : ૧ લીંબુનો રસ, ૪ સંતરાનો રસ, ૧/૪ નાની ચમચી મીઠું, ૧/૮ નાની ચમચી વાટેલા મરી, બરફના ટુકડા, ૧/૮ નાની ચમચી સંચળ, સોડા, ૫ નાની ચમચી મધ.
રીત : લીંબુના રસમાં સંતરાનો રસ તથા મસાલો નાખી હલાવો. ગ્લાસમાં બરફના ટુકડા નાખો રસ અને સોડા મિક્સ કરો એમાં મધ નાખી ઠંડુ ઠંડુ પીરસો.
ગ્રીનજ્યૂસ
સામગ્રી : ૨ કપ દહીં, ૧ કપ સમારેલી કાકડી, ૧/૨ કપ સમારેલી કોબીજ, ૧/૨ લીલું મરચું, ૧ મોટી ચમચી સમારેલા કોથમીર અથવા ફુદીનો, ૧ નાની ચમચી ખાંડ, ૧/૨ નાની ચમચી મીઠું, ૧/૨ નાની ચમચી સંચળ, ૧/૨ નાની ચમચી મરીનો પાઉડર.
રીત : દહીં, કાકડી, કોબીજ, લીલાં મરચાં તથા કોથમીર વગેરે મિક્સરમાં સારી રીતે ક્રશ કરો. તેમાં ખાંડ, બરફ, તથા બાકીનો વધેલો મસાલો નાખી એકવાર ફરી મિક્સર ચલાવો. છેલ્લે ફુદીનાથી સજાવી ઠંડુ ઠંડુ પીરસો.
મસાલેદાર કોલ્ડ ટી
સામગ્રી : ૨ નાની ચમચી ચા, ૫૦ ગ્રામ લીલી દ્રાક્ષ, ૫૦ ગ્રામ કાળી દ્રાક્ષ, ૪ મોટી ચમચી ખાંડ, બરફના ૧૦-૧૨ ટુકડા.
રીત : ૩ કપ પાણી ઉકાળી ચા નાખો. પછી ૩૦ મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ ગેસ બંધ કરી ચા ઢાંકી દો. ૧૦ મિનિટ સુધી રહેવા દો. પછી તેને ગાળીને તેમાં ખાંડ નાખી ઠંડીકરો. દ્રાક્ષનો રસ કાઢી ચામાં ભેળવી દો. બરફના ટુકડા નાખો. ત્યારબાદ ઉપર ચા રેડો. ફરીથી વધારે બરફ નાખો અને ઉપર દ્રાક્ષ મૂકી શણગારો બસ, ઠંડી ચા મહેમાનોને પીરસો.
સીતાફળનો ક્રિમી મિલ્ક શેક
સામગ્રી : ૨ નાની વાટકી બાફેલા સીતાફળ, ૧ ૧/૨ નાનો કપ ખાંડ, ૪ કપ દૂધ (ક્રીમ સાથે) ૨ મોટી ચમચી દૂધનો પાઉડર, ૧ કપ ક્રીમ, ૧ ચમચી એલચીનો પાઉડર અને બરફનો ટુકડા.
સજાવટ માટે : પિસ્તા સમારેલા.
રીત : બાફેલા સીતાફળને ગરમ કરેલા દૂધમાં નાખી તેમાં ખાંડ, ક્રીમ તથા દૂધનો પાઉડર નાખી મિક્સરમાં ખૂબ સારી રીતે ફીણો. તેમાં બરફના ટુકડા તથા એલચીનો પાઉડર નાખી ઉપર પિસ્તાથી સજાવો. હવે તૈયાર શેકનો સ્વાદ માણો.
સંતરાની છાલનું શરબત
સામગ્રી : ૧ સંતરાની છાલ, ૩ કપ પાણી, ૩ મોટી ચમચી ખાંડ, ૧/૨ નાની ચમચી ચા પત્તી, ૧/૨ સંતરાની છોલેલી ચીરી, ૧/૨ નાની ચમચી લીંબુનો રસ.
રીત : સંતરાની છાલને ૨-૩ દિવસ તાપમાં સૂકવી નાના ટુકડા કરી વાટી લો. તેને પાણીમાં નાખી ૨ મિનિટ સુધી બાફો. એમાં ચા નાખી ગેસ બંધ કરી ૩-૪ મિનિટ સુધી સુધી ઢાંકી રાખો. ખાંડ મેળવી ગાળી લો. ત્યારબાદ એને ઠંડુ થવા દો. એમાં લીંબુનો રસ મેળવો. સંતરાની ચીરીથી સજાવી બરફ નાખી પીરસો.
કેવડા શરબત
સામગ્રી : ૧૦-૧૫ ટીપાં કેવડાનો રસ, ૪ ગ્લાસ પાણી, ૧ કપ ખાંડ, બરફના ટુકડા, ૧ ટીપું ખાવાનો રંગ.
રીત : ૪ ગ્લાસ સાદા પાણીમાં ખાંડ નાખી હલાવો. હવે ખાવાનો રંગ અને કેવડાનો રસ નાખો ત્યારબાદ ગાળી લો. પછી તેમાં બરફના ટુકડા નાખી ફુદીનાથી સજાવીને મહેમાનને આપો.
કોકોનટ સોડા ડિલાઈટ
સામગ્રી : ૧ નાળિયેર, ૧ નાનો ટુકડો આદુ, ૧/૨ કપ દૂધ , ૨ મોટી ચમચી દહીં, ૧/૨ કપ ખાંડ, ૧ કપ બરફના નાના ટુકડા, કોકાકોલા
રીત : નાળિયેરના ટુકડા કરી મિક્સરમાં ક્રશ કરો. તેમાં ૧ ગ્લાસ પાણી રેડી ફરીથી ૨-૩ મિનિટ સુધી મિક્સર ચાલુ રાખો. તેમાં આદુના ટુકડા પણ નાખો. હવે એને ગળણીથી ગાળી લો. તેને ધીમી આંચે મૂકો. હવે તેમાં ૧/૨ કપ દૂધ અને દહીં નાખી તેનું પનીર બનાવો. તેમાં ખાંડ નાખી ઠંડુ થયા પછી ફ્રીઝરમાં બે કલાક સુધી જામવા માટે મૂકી રાખો. ત્યારબાદ ખમણેલા બરફની સાથે પનીરના ગોળા બનાવો.
ગ્લાસમાં નાખી ઉપરથી કોકાકોલા નાખી ઠંડુ ઠંડુ પીરસો.
- હિમાની


