Get The App

દાવત : ગરમીમાં શીતળતા બક્ષતા ઠંડા પીણાં અને આઈસ્ક્રીમ

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
દાવત : ગરમીમાં શીતળતા બક્ષતા ઠંડા પીણાં અને આઈસ્ક્રીમ 1 - image

ખટમીઠો ગ્રેપજ્યુસ

 સામગ્રી : ૧૦૦ ગ્રામ કાળી દ્રાક્ષ, બે ઝુડી ફુદીનો, ૫૦ ગ્રામ આમલી (ઠળિયા વગરની), ૧ ચમચી ચાટ મસાલો, ૧ લીંબુનો રસ, ભૂકો કરેલો બરફ.

  સામગ્રીસજાવટ માટે : ફુદીનાનાં પાન,

 રીત :  આમલીને પલાળી દો. પછી હાથથી ચોળીને મસળીને ગરણીથી ગાળી લો, પછી દ્રાક્ષનો જ્યૂસ કાઢી લો. ફુદીનાનાં પાન ધોઈને મિક્સરમાં ક્રશ કરો. તેને પણ ગરણીથી ગાળી લો. તેમાં દ્રાક્ષનો જ્યૂસ નાખી ઉપરથી ચાટ મસાલો અને લીંબુનો રસ નાખો. સર્વ કરતી વખતે તેમાં બરફનો ભૂકો નાખો.

કોકટેલ પાઈનેલ,પપૈયાનું પાલક સાથે

 સામગ્રી : અડધું પાઈનેપલ, અડધું પપૈયું, ૧૦ પાન પાલકનાં, ૪ મોટી ચમચી ખાંડ, બરફનો ભૂકો.

 રીત : પાઈનેપલ અને પપૈયાની છાલ ઉતારી નાખો. પાલકને ઝીણી સમારીને બાફી લો. પછી તેને ઠંડી કરી મિક્સરમાં વાટીને ગાળી લો. પાઈનેપલના નાના નાના ટુકડા કાપીને મિક્સરમાં નાખી તેમાં  ખાંડ નાખી તેને પણ ક્રશ કરો. પછી તેને ગાળી લો. પપૈયાના ટુકડાને પણ મિક્સરમાં ક્રશ કરો.  ત્રણેયને સારી રીતે મિક્સ કરીને તેમાં બરફ નાખી સર્વ કરો.

શાહી દહીં મિજાજ

 સામગ્રી : ૫૦૦ ગ્રામ દહીં, ૧૦-૧૨ દ્રાક્ષ, ૧/૨ કપ ઝીણી સમારેલી શક્કર ટેટી, ૧/૨ કપ ઝીણી સમારેલી પાકી કેરી, ૧૦-૧૨ સ્ટ્રોબેરી.

 રીત : દહીંને ચોખ્ખા કપડામાં બાંધીને ૨-૩ કલાક સુધી લટકાવી દો. ફળો સમારી લો. દહીંનું બધું પાણી નીતરી જાય પછી તેને કપડામાંથી કાઢીને બાઉલમાં નાખો. તેમાં સમારેલા ફળ સારી રીતે મિક્સ કરો. શક્કર ટેટી અને પપૈયાની ૧-૧ ચીરી લગાવીને ફ્રૂટ-કર્ડ ક્રીમ સર્વિંગ ડિશમાં લગાવો. ૧/૨ કલાક સુધી ફ્રીઝરમાં મૂકી ઠંડુ ઠંડુ સર્વ કરો.

અંગૂરી રસમલાઈ

 સામગ્રી : ૧૦-૧૨ નાનાં રસગુલ્લાં, ૨ કપ દ્રાક્ષ, ૧ કપ ખાંડ, ૧ લીટર દૂધ, ૧ ચમચી મિક્સ ફ્રૂટ એસેન્સ.

 રીત : દ્રાક્ષ ધોઈને મિક્સરમાં ક્રશ કરો. તેને ગાળીને અડધી ખાંડ નાખી આંચ ઉપર મૂકો. બીજી બાજુ દૂધ અને વધેલી ખાંડ નાખીને ઉકાળો. દૂધ અડધું થઈ જાય ત્યારે રસગુલ્લાં નાખીને હલાવતાં રહો. જ્યારે દ્રાક્ષનો સોસ તૈયાર થઈ જાય ત્યારે તેને આંચ પર મૂકેલી રસમલાઈમાં નાખો. ૨-૪ મિનિટ હલાવીને નીચે ઊતારો. ઠંડી થઈ ગયા પછી એસેન્સ નાખીને ફ્રિજમાં એક દિવસ સુધી મૂકી રાખો જેથી દ્રાક્ષનો જ્યૂસ તેમાં સારી રીતે મિક્સ થઈ જાય.

દહીં કાકડી 

સામગ્રી : ૧ કાકડી, ૧ કપ દહીં,  ૪-૫ લસણની કળી, ૧/૨ ચમચી સંચળ, ૧ લીંબુનો રસ, ૧/૨ ચમચી મીઠું, બરફનો ભૂકો

 સજાવટ માટે : કાકડીનો બી વગરનો ભાગ લઈને તેને થોડો વાંકો બનાવી ટૂથપિકની મદદથી વાટકીની ઉપર સજાવીને સર્વ કરો.

 રીત : કાકડીની છાલ ઉતારીને છીણી લો. લસણને ઝીણા સમારી મિક્સરમાં દહીં, લસણ, કાકડી, લીંબુનો રસ, સંચળ નાખીને ૨-૩ વાર ચલાવો. ત્યારબાદ બરફનો ભૂકો નાખી ફુદીનાના પાનથી સજાવીને પીરસો.

આઈસ્ક્રીમ સેવૈયા 

સામગ્રી : ૧૦૦ ગ્રામ વર્મિસેલી, ૫૦૦ ગ્રામ ક્રીમવાળું દૂધ, ૧ વાટકી ખાંડ, ૧ ચમચી એલચી પાઉડર, ૧ વાટકી મિક્સ ડ્રાયફ્રૂટ ઝીણા સમારેલાં, ૧૦૦ ગ્રામ ક્રીમ.

રીત : દૂધને ગરમ કરી  તેમાં વર્મિસેલી નાખીને થોડીવાર ફૂલવા દો. પછી મિશ્રણ ઠંડુ કરો. તેમાં ખાંડ, ડ્રાયફ્રૂટ, એલચી પાઉડર અને ક્રીમ નાખીને મિક્સરમાં ફીણો. પછી ફ્રીઝરમાં આઈસ્ક્રીમ જામવા મૂકી દો. ઠંડો ઠંડો આઈસ્ક્રીમ મહેમાનોને ખવડાવો.

આલુ બદામનું શરબત

સામગ્રી : ૧૦૦ ગ્રામ આલુબદામ (સૂકા જરદાળુ), ૧ લીંબુનો રસ, ૮ મોટા ચમચા ખાંડ

રીત : આલુબદામને ૬-૭ કલાક સુધી ૧ ગ્લાસ પાણીમાં પલાળીને મૂકી દો. તેમાંથી ઠળિયા કાઢીને મસળી ગરણીથી ગાળી લો. જો જરૂર જણાય તો મિક્સરમાં ક્રશ કરી શકો છો. ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરી  ફ્રિઝમાં ઠંડુ કરો. સર્વ કરતી વખતે ૨ ગ્લાસ ઠંડુ પાણી નાખો.

સોલ્ટી ફ્રૂટી ડ્રિંક

સામગ્રી : ૧ કપ દ્રાક્ષનો તાજો રક, ૧/૨ કપ સફરજનનો પ્રિઝર્વ રસ, ૧/૨ કપ સમારેલાં  કેળાં અને દ્રાક્ષ, ૧/૨ ચમચી સંચળ, ૧/૨ ચમચી સાદું મીઠું, ૧/૨ ચમચી મરી પાઉડર, બે ચમચા ખાંડ.

રીત : ફળોને ગ્લાસમાં નાખી દો. થોડો બરફનો ભૂકો પણ નાખો. બાકીની સામગ્રીને એક ગ્લાસ પાણીની સાથે મિક્સ કરી ઉપરથી નાખો. પીરસતી વખતે મીઠું મરચું ભભરાવો.

મેંગો કોકોનટ કસ્ટર્ડ

સામગ્રી : ૧ કપ મેંગો જ્યૂસ, ૪ ચમચી ખાંડ, ૧/૨ નાળિયેરની છીણ, ૨ કપ દૂધ, બે ચમચા ગુલાબી રંગનો કસ્ટર્ડ પાઉડર, ૧/૨ કપ પાણી

રીત : દૂધને ઉકાળી  તેમાં  ખાંડ નાખીને હલાવો. પછી પાણીમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરો. દૂધ ધીમા તાપે ઉકાળો. પછી તેમાં કસ્ટર્ડ પાઉડરનું મિશ્રણ મિક્સ કરીને ચમચાથી સારી રીતે હલાવો. પછી તેમાં નાળિયેરની છીણ નાખી પાંચ મિનિટ સુધી ધીમા તાપે મૂકી રાખો. આંચ બંધ કરી કસ્ટર્ડને ઠંડુ થવાદો. જ્યારે તે બિલકુલ ઠંડુ થઈ જાય ત્યારે તેમાં કેરીનો રસ મિક્સ કરી ફ્રિજમાં ઠંડુ થવા મૂકી દો. મહેમાનોને ઠંડુ ઠંડુ સર્વ કરો.

અંગૂરી સોડા

સામગ્રી : બે ગાજર, બે ચમચી ખાંડ, ૧૦૦ ગ્રામ કાળી દ્રાક્ષ, ૧ સોડાની બોટલ, ૧ કપ બરફનો ભૂકો.

રીત : જ્યૂસરમાં ગાજરનો રસ કાઢી લો. દ્રાક્ષનો રસ પણ કાઢી લો. તેમાં ખાંડ નાખી ૨-૩ વાર મિક્સરમાં ચલાવો. જેથી ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય. સર્વ કરતી વખતે બરફનો ભૂકો અને સોડા નાખો.

- હિમાની