મિક્સ ફ્રુટ જેલી ક્રીમ પુડીંગ
સામગ્રી : ૧ પેકેટ પાઈનેપલ જેલી, ૧ પેકેટ સ્ટ્રોબેરી જેલી, ૧ મોટું એપલ, ૩ રીંગ પાઈનેપલ, ૧ કેળું, ૧/૨ કપ મલાઈ, ૨ ચમચી ખાંડ, દ્રાક્ષ અખરોટનો ભુકો, કાજુના ટુકડા ૧/૨ કપ.
રીત : બંને જેલીને અલગ અલગ બનાવી સહેજ ઠંડી પડવા દો. એક પહોળા વાસણમાં કે બેકિંગ ટ્રેમાં એક જેલી રેડી સાધારણ સેટ થવા દો. તે પછી તેની ઉપર છીણેલું એપલ પાથરો તેની ઉપર બીજી જેલીનું મિશ્રણ રેડો. થોડું સેટ થયેલું હોવું જોઈએ જેથી બધું ભળી ન જાય. આ સેટ થવા ફરી ફ્રીઝમાં મૂકો. સેટ થયા પછી તેની ઉપર વચ્ચે વચ્ચે ખાંડ-મલાઈ ફીણી પાથરી દો. સેટ થવા દો. પીરસતી વખતે અખરોટનો ભૂકો બાઉલ ઉપર ભભરાવો.
સ્વીડીશ સફરજન પુડિંગ
સામગ્રી : ૧ કિલો કૂકિંગ સફરજન, ૧/૨ ચમચી તજ અને જાયફળનો ભૂકો, ૧/૨ કપ માખણ, ૩/૪ કપ પાણી, ૨૦૦ ગ્રામ ક્રીમ, ૧ લીંબુનો રસ, ૨ કપ બ્રાઉન સાકર, ૧/૨ કપ કાજુ - અખરોટના બારીક ટુકડા, ૧ કપ બ્રેડક્રમ્સ (તાજા) ઓવનમાં મૂકવા માટે પ્લેટ ૨૦ સે.મી. ટ ૨૦ સેં.મી. (૮''ટ૮'')
રીત : સફરજનની છાલ કાઢી ટુકડા કરવા. પાણીમાં લીંબુનો રસ નાંખી, ગરમ કરવા મૂકવું. બ્રાઉન સાકર નાંખી, હલાવી, ઊકળે પછી સફરજનના ટુકડા નાંખવા. દસ મિનિટ મધ્યમ તાપે ઉકાળવું. નીચે ઉતારી ઠંડુ પડે પછી લિક્વિડાઈઝ કરવું અથવા સૂપના સંચાની વચલી જાળીથી છીણવું. તેમાં તજ અને જાયફળનો ભૂકો નાંખવો. એક વાસણમાં માખણ ધીમા તાપે પિગળાવવું. તેમાં બ્રેડક્રમ્સનો ભૂકો નાંખવો. હલાવી નીચે ઉતારવું. ઓવન ડિશને ગ્રીઝ કરવી. અડધા બ્રેડક્રમ્સ પાથરવા. તેની ઉપર સફરજનનો માવો નાંખી પાથરવું. તેની ઉપર બ્રેડક્રમ્સ નાંખી હલકા હાથે દબાવવું. ગરમ ઓવનમાં ૩૦ મિનિટ રાખવું. બહાર કાઢી, ઠંડુ પાડી, ફ્રીજના કોઈ પણ ખાનામાં રાખવું. કાજુ અખરોટના ટુકડા પાથરવા. ક્રીમ સિંગલ વ્હીપ કરી, સાકર નાંખી, ઠંડુ કરવું. ગરમ પુડિંગ પણ ક્રીમ નાંખી આપી શકાય. સફરજન લાલ લીલા રંગના ગોળાકાર કુકિંગ એપલ બજારમાં મળે છે. ન મળે તો આમરી સફરજન વાપરી શકાય. રવાદાર સફરજન વાપરવા નહીં.
લેમન એન્ડ ગ્રેપ્સ પુડિંગ
સામગ્રી : અડધું પેકેટ લેમન જેલી, ૧ ૧/૨ ટી. કપ દૂધ, ૩ ટે.સ્પૂન સાકર, ૧/૨ બેગ જિલેટીન ૧/૨ ટી. કપ લીંબુનો રસ, ૧૫૦ ગ્રામ ક્રીમ, ૧ ટે.સ્પૂન કસ્ટર્ડ પાઉડર, ૧૦૦ ગ્રામ લીલી દ્રાક્ષ ૧ ટી.કપ પાણી જેલી માટે ૧/૨ ટી.કપ પાણી જિલેટીન માટે. ૧/૨. ટે.સ્પૂન સાકર દૂધ માટે.
ડેકોરેશન માટે : ૫૦ ગ્રામ ડબલ ક્રીમ, ૧ ૫ ગ્રામ પિસ્તાનો અધકચરો ભૂકો, ૧/૨ ટે.સ્પૂન આઈસીંગ સાકર, ૧/૨ પેકેટ રાસ્બેરી જેલીના નાના ટુકડા.
રીત : ૧ કપ ઊકળતા પાણીમાં લેમન જેલી પાઉડર નાખી હલાવવું. જિલેટીન ઠંડા પાણીમાં હલાવી ગરમ જેલીવાળા પાણીમાં તરત જ નાખી હલાવવું. લીંબુનો રસ અને સાકર નાખી હલાવવું પછી ૧ કપ દૂધ ગરમ મૂકવું. બાકીના દૂધમાં કસ્ટર્ડ પાઉડર ઓગાળવો. દૂધમાં એક ચમચો સાકર નાખવી. ગરમ દૂધમાં ક્સટર્ડવાળું ઠંડુ દૂધ દૂધ નાખીને હલાવવું. દ્રાક્ષ નાખી હલાવી મોલ્ડમાં મૂકી ફ્રીઝરમાં ૪૦ મિનિટ રાખવું. બહાર કાઢી અનમોલ્ડ કરવું. ઉપર પિસ્તા પાથરવા. આજુબાજુ સેટ કરેલી રાસ્બરી જેલીના ટુકડા મુકવા.
રાસ્બરી જેલી બનાવવા માટે અડધું પેકેટ જેલી રાસ્બરી અથવા બીજી કોઈ બનાવવી હોય તો સ્ટ્રોબેરી અથવા ચેરી જેલી લેવી. આ પુડિંગમાં પીળો નીચે તેની ઉપર પિસ્તાનો લીલો રંગ તથા ફરતો ચેરીનો ટુકડાનો લાલ રંગ ખૂબ જ આકર્ષક લાગશે.
થ્રી ઈન વન પુડિંગ
સામગ્રી: ૧ પેકેટ કસ્ટર્ડ વેનિલા ફ્લેવર, ૧ પેકેટ ચાઈનાગ્રાસ ચોકલેટ ફ્લેવર, ૧ પેકેટ ઓરેન્જ જેલી.
રીત: પહેલા જેલીનું પાણી તૈયાર કરવું. પછી કસ્ટર્ડ તૈયાર કરવું.
કસ્ટર્ડ માટેની સામગ્રી : ૨ ટી. કપદૂધ, ૨ ટે.સ્પૂન વેનિલા કસ્ટર્ડ પાવડર, ૨ ટે.સ્પૂન ખાંડ, ૧૦૦ ગ્રામ ક્રીમ, ૫૦ ગ્રામ અખરોટના ટુકડા, ૨ ટી.સ્પૂન વેનિલા એસેન્સ. અડધા કપ દૂધમાં કસ્ટર્ડ પાઉડર ઓગાળીને બાકીનું દૂધ ગરમ કરવા મૂકવું. તેમાં ખાંડ નાખવી. ગરમ થાય એટલે કસ્ટર્ડવાળું દૂધ નાખીને હલાવવું. ઘટ્ટ થાય એટલે ઉતારીને અખરોટના ટુકડા તથા એસેન્સ નાખવા. આ કસ્ટર્ડને બાઉલમાં નાખી દેવું. થોેડીવાર પછી તેની પર જેલીનું પાણી રેડી દેવું અને તેને સેટ કરવા ફ્રીઝમા મૂકો.
ચાઈના ગ્રાસ માટે સામગ્રી : ૫૦૦ ગ્રામ દૂધ, ૪ ટે.સ્પૂન સાકર, ૧ ટી.કપ ક્રીમ, ચોકલેટ ચાઈનાગ્રાસ પેકેટ.
રીત : ૫૦૦ ગ્રામ દૂધને ગરમ કરવું. ચાઈનાગ્રાસને પાણીમાં ઓગાળીને તેમાં સાકર નાખીને હલાવવું. ઘટ્ટ થાય એટલે ઉતારવું ઠંડુ થાય પછી ક્રીમ બીટ કરીને તેમાં નાખવું. આ મિશ્રણ સેટ થયેલી જેલી પર પાથરવું. ફરી વાર સેટ કરવા મૂકવું ઉપર કાજુ તથા ચેરી ગોઠવવા.
માર્બલ પૂડિંગ પી
સામગ્રી : ૩૦ ગ્રામ કુકિંગ ચોકલેટ, ૧ કપ ક્રીમ, ૬ ચમચી સાકર, ૮૫ ગ્રામ વેનિલા, ૧ પેકેટ ઈન્સ્ટેન્ટ પૂડિંગ , ૧ કપ દૂધ, ૧/૨ ચમચી વેનીલા એસેન્સ.
રીત : નાની સોસપેનમાં ચોકલેટ નાખી ગેસ પર સહેજ ગરમ કરો. ઓગળી જાય એટલે ગેસ પરથી ઉતારી લો. બીજી તપેલી લઈ તેમાં ક્રીમ સાકર નાખી સરખી રીતે મિક્સ કરો. ઈન્સ્ટન્ટ પુડિંગ-પેકેટ પર આપેલી સૂચનાઓ પ્રમાણે એક પેકેટ લઈ પુડિંગ બનાવવું. ૨ ચમચી પુડિંગ લઈ ઓગાળેલા ચોકલેટમાં નાખવું. બાકીના પુડિંગમાં ક્રીમ મિક્સ કરી દેવું. હવે ચોકલેટને નાના નાના ગોળ સંચામાં નાખો અને ઉપરથી પુડિંગથી સજાવટ કરી ફ્રીઝમાં ઠંડુ થવા રાખી દો. નાના નાના બાળકોને એવી રીતે પુડિંગ બહુ જ ભાવશે.
વ્હીપ્ડ ક્રીમ ફોેસ્ટીંગ (પ્લેન કેક માટે)
સામગ્રી : ૨૫૦ ગ્રામ ક્રીમ, ૩ ટે.સ્પૂન આઈસીંગ શુગર, ૧/૨ ટી. સ્પૂન જીલેટીન, ૧ ટે.સ્પૂન પાણી, થોડા ટીપાં વેનિલા એસેન્સ.
રીત : જીલેટીનને વાટકીમાં મૂકો, પાણી નાખી પાંચ મિનિટ પલાળવું. ક્રિમને ઠંડુ મૂકવું, જીલેટીનને ધીમા તાપે ગરમ કરવું (એકાદ મિનિટ) ઠંડુ પડે પછી ઠંડા ક્રીમમાં મિક્સ કરીને, બરાબર હલાવીને ફ્રીજમાં એકાદ કલાક મૂકવું. પછી બહાર કાઢીને સંચાથી બીટ કરવું. એકદમ જાડું અને ઘટ્ટ થાય પછી આઈસીંગ સુગર નાખતા જવું અને બીટ કરતાં જવું. ઘટ્ટ થાય પછી એસેન્સ ઉમેરીને કોનમાં ભરીને છરીથી કેક પર પાથરવું કે ચોપડવું આ માપ કેકની ઉપર તથા સાઈડ પુરતુ છે. જોે ફિલીંગ વ્હીપ્ડ ક્રીમનું લેવું હોય તોે રેસીપી ડબલ લેવી.
સ્ટ્રોબેરી ફ્રોઝન કેક
સામગ્રી : ૧, બોટલ એરેટેડ રાસબરી, ૮ ડઝન સ્ટ્રોબેરી, ૮ ચમચા સાકર, ૧૦૦ ગ્રામ ડાયજેસ્ટિવ બિસ્કિટ, ૨બેગ જિલેટીન, ૨૦૦ ગ્રામ ક્રીમ, ૨ કપ પાણી જિલેટીન માટે
શોભા માટે : ૧ ડઝન સ્ટ્રોબેરી, ૧૦૦ ગ્રામ ડબલ વ્હીપ, ૨ ચમચા આઈસીંગ સુગર, પાઈપિંગ બેગ નોઝલ સાથે, ટુથપીક્સ
રીત : સ્ટ્રોબેરી ધોઈને કરવી. સાકર નાંખી હલાવવું. જિલેટીન ઠંડા પાણીમાં હલાવી, ગરમ કરી સ્ટ્રોબેરી પર નાંખવું. સંચોે ફેરવવો. એરેટેડ બોટલ રાસબરી નાંખી હલાવવું. ક્રીમ વ્હીપ કરી નાંખવું. બિસ્કિટનો ભૂકો નાંખી, સંચોે ફેરવી હલાવવું, ગોળ અથવા ચોરસ મોલ્ડમાં મૂકી બરફના ખાનામાં ૪૦ મિનિટ રાખવું સેટ થાય પછી અનમોલ્ડ કરી પાઈપિંગ બેગમાં સાકરવાળું ડબલ વ્હીપ ક્રીમ ભરી પાઈપીંગ નોઝલથી ડિઝાઈન કરવી. વચમાં ટુથપીક્સ સ્ટ્રોબેરીમાં ખોસી મૂકવી. બિસ્કિટનો ભૂકો બારીક કરવો જેથી જલ્દીથી ભળી શકે. દેખાવમાં આકર્ષક અને સ્વાદિષ્ટ લાગે છે સ્ટ્રોબેરીની આખી બાસ્કેટ લાવવી.
- હિમાની


