- કિશોરીઓની માનસિક અપરિપક્વતાનો લાભ ઉઠાવી બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમનો માલ ખપાવે છે દુનિયામાં બાળકોના મેકઅપનું માર્કેટ ભયજનક ગતિએ વિસ્તરી રહ્યું છે
દસ વર્ષની તન્વીએ તના નાકના આકારથી સંતોષ નહોતો એટલે તેણે એક વાર નાકના વિવિધ આકાર વિશે માહિતી મેળવવા તેના ટયુટોરિયલ્સ જોયા. થોડીવારમાં તો તેને તેના વિસ્તારમાં આવેલા ર્હાઇનોપ્લાસ્ટી ક્લિનીકની જાહેરાતો તેના મોબાઇલ પર ચમકવા માંડી.
-----
બાર વર્ષની સુરભી કોઇવાર તેના સ્માર્ટફોન પર બ્યુટી ઇન્ફલુએન્સરના વિડિયો પણ જુએ છે. આ સોશ્યલ મિડિયા પ્રવૃત્તિ થયાના કલાકમાં તો તેના મોબાઇલ પર બ્યુટી પ્રોડક્ટ્સની વિવિધ જાહેરાતો દેખાવા માંડી.
-------
કુદરતી પ્રકાશમાં તેની ત્વચાનો દેખાવ જોઇ અસંતોષ થતાં બાર વર્ષની દિક્ષાએ સતત ત્રીજી વાર તેની સેલ્ફીને ડિલિટ કરી. દિક્ષા કહે છે, મેં સેલ્ફી ડિલિટ કરી તેને એક કલાક પણ થયો નહોતો ત્યાં તો મારા ઇન્સ્ટાગ્રામ પર મને સ્કીન કેર પ્રોડક્ટ્સની જાહેરાત આવવા માંડી.
-----
આ ત્રણે સગીરોએ તેમની વય અનુસાર સોન્દર્ય પ્રસાધનો વિશેના તેમના કુતૂહલને સંતોષવા તેમના હાથવગાં સ્માર્ટફોન પર ઓનલાઇન પ્રવૃત્તિ કરી તેના પર દુનિયામાં સોન્દર્ય પ્રસાધનોનો અબજોનો કારોબાર કરતી કંપનીઓની બારીક નજર નોંધાયેલી હતી. વેલકમ ટુ ન્યુ માર્કેટ ઓફ ચિલ્ડ્રન્સ બ્યુટી પ્રોડક્ટ્સ.
દુનિયાભરમાં બાળકોને અને ખાસ કરીને આઠથી બાર વર્ષની મુગ્ધ કિશોરીઓને ટાર્ગેટ કરી સૌન્દર્ય પ્રસાધનોનો વેપાર કરવાની પ્રવૃત્તિએ જોર પક્ડયુ છે. જેને કારણે દુનિયા આખીના માતાપિતાઓ માટે તેમની કિશોરીઓની સૌન્દર્ય ઘેલછા નવું શિરદર્દ બની રહી છે. વિદેશોમાં બાળકોના સોન્દર્ય પ્રસાધનોના અલગ વિભાગોમાં ભીડ વધી રહી છે તેમ તેમ તેમના માતાપિતાઓમાં બાળકોની ત્વચાની સુરક્ષાની ચિંતા પણ વધી રહી છે. આઠથી બાર વર્ષના કિશોરોના માંકડા જેવા મનને મનાવવાનું કામ મુશ્કેલ હોય છે. તેમાં પણ સ્માર્ટ ફોનની ઉધારીની સ્માર્ટનેસ પર ઇતરાતી કિશોરીઓ સાથે પનારો પાડવો મુશ્કેલ હોય છે.
પરંતુ આ નવા પ્રવાહની શરૂઆત બ્યુટી ઇન્ફલુએન્સર્સ દ્વારા થઇ છે. રસપ્રદ બાબત એ છે કે આ બ્યુટી ઇન્ફલુએન્સર્સમાં ઘણી આઠથી બાર વયની મુગ્ધાઓ પણ સામેલ છે. આ મુગ્ધાઓ તેમના બ્ચુટી રૂટિન વિશે વિડિયો પોસ્ટ કરે છે. નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી દ્વારા ગયા જુનમાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે સ્કીન કેર વિશેના મુગ્ધાઓના ટિકટોક પર મુકવામાં આવેલાં વિડિયોમાં દર્શાવવામાં આવેલી બ્યુટી પ્રોડક્ટ્સમાં સરેરાશ ૧૧ ઉત્પાદનોેમાં સંભવિત હાનિકારક પદાર્થ હોવાનું જણાયું હતું. જેના કારણે તીવ્ર રિએક્શન આવવાનું અને આજીવન એલર્જી થવાનું જોખમ રહેલું હતું. માર્કેટ રિસર્ચ ફર્મ સ્ટેટિસ્ટાના જણાવ્યા અનુસાર સેફોરા નામની કંપનીએ યુએસમાં ગયા વર્ષે નવ અબજ ડોલર્સની બ્યુટી પ્રોડક્ટસનું વેચાણ કર્યું હતું. જ્યારે તેની સ્પર્ધક કંપની અલ્ટા બ્યુટીએ ૧૧.૩ અબજ ડોલર્સના સૌન્દર્ય પ્રસાધનોનું વેચાણ કર્યું હતું. આમ, આ બજાર કૂદકેને ભૂસકે વિક્સી રહી છે.
ભારતમાં સામાન્ય રીતે મુગ્ધાઓ તેમની માતાઓના સોન્દર્ય પ્રસાધનો વાપરવાથી શરૂઆત કરતી હોય છે પણ હવે જમાનો બદલાયો છે. આજકાલની આઠથી બાર વર્ષની કિશોરીઓ પર સોશ્યલ મિડિયાની અસર સૌથી વધારે થાય છે. સોશ્યલ મિડિયા પર સક્રિય હોવાને કારણે આ મુગ્ધાઓ હવે સૌન્દર્ય પ્રસાધનો વાપરવા માટે લલચાય છે. પણ તેમને પ્રેરણા અને મહેચ્છા વચ્ચેનો ભેદ ખબર હોતો નથી. આઠ વર્ષની કિશોરી મેક અપ કરે તેમાં અક્કલ વગરની નકલ હોય છે પણ સોળ વર્ષની ષોડશી બની ઠનીને નીકળે તેની પાછળ તેની કોઇ મહેચ્છા કામ કરતી હોય છે. આજકાલના રીલઘેલી છોકરીઓ પર પરફેક્ટ દેખાવાનું ભૂત સવાર થયેલું હોય છે. આ વયે મુગ્ધાઓ તેમની ઇચ્છાઓનો પ્રતિરોધ કરી શકતી નથી. આ બધાં પરિબળોનો સમન્વય કરી ચિલ્ડ્રન્સ બ્યુટી પ્રોડક્ટસ બનાવતી કંપનીઓ તેમનો વેપલો વધારી રહી છે.
કિશોરાવસ્થામાં થતાં અંત:સ્ત્રાવોના ફેરફારોને કારણે આ વયની મુગ્ધાઓ આજના જમાનામાં લોકો તેમને કેવી રીતે જોશે તે બાબતે ે વધારે પડતી સભાન હોય છે. પણ આ બધાંની શરૂઆત સામાન્ય રમતથી થતી હોય છે. સ્નેપચેટ અને ઇન્સ્ટા જેવા પ્લેટફોર્મ્સ પર ફિલ્ટર્સ વાપરી મુગ્ધાઓ તેમના દેખાવ વિશે જાતજાતના પ્રયોગો કરતી હોય છે. પણ આ સાથે તેમનામાં સરખામણી કરવાની વૃત્તિ પણ ઘર ઘાલવા માંડે છે. તેમાં પણ કોઇને સરસ લિપસ્ટિક વાપરવા બદલ ચાર લાઇક મળે તો પતી ગયું. તેની તસવીર સોશ્યલ મિડિયા પર ચારે બાજુ વાઇરલ થઇ જાય છે. જેના પગલે રૂપાળાં દેખાવાની લ્હાયમાં કિશોરીઓ તેમના પીઅર પ્રેશરને તાબે થઇ આ પ્રકારની પ્રોડક્ટ્સ ઢગલાંમોઢે ખરીદતી થઇ જાય છે.
આજકાલના જમાનામાં માતાપિતાઓને ચિંતા એ થવા માંડી છે કે બ્યુટી બ્રાન્ડ્સ નાની વયની કિશોરીઓનું શોષણ કરવા અરલી બ્યુટી સ્ટાન્ડર્ડઝ સેટ કરવા માંડી છે. જેના કારણે આ કિશોરીઓ પર જાણી જોઇને તેમને અસંતોષની ભોગ બનાવવાના અખતરાંઓ કરવામાં આવે છે. હાઇડ્રોજેલ જેવી પ્રોડક્ટ્સને ફન અને સેફ ગણાવી તેનું માર્કેટિંગ કરવામાં આવે છે. તેનો કિશોરીઓને પોતાની સંભાળ લેવાના સુરક્ષિત માર્ગ તરીકેે પ્રચાર કરવામાં આવે છે. પણ સાચી વાત તો એ છે કે આ વયે તેમને કોઇ સોન્દર્ય પ્રસાધનોની જરૂર જ હોતી નથી. કિશોરીઓ મુગ્ધાવસ્થામાં રમત રમતમાં તેનો ઉપયોગ કરે એ એક બાબત છે અને અમુક ચોક્કસ પ્રકારે દેખાવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે એ બીજી બાબત છે. આજના ઓનલાઇન જમાનામાં પરફેક્ટ સ્કીન અને ગ્લો પર જોરદાર જોર આપવામાં આવે છે. આ બધી ચીજોને જ્યારે બોડી ઇમેજ સાથે સાંકળીને જોવામાં આવે ત્યારે ચિંતા વળગણમાં ફેરવાઇ જાય છે. જેને કારણે વ્યાકુળતા અને વ્યગ્રતા વધતાં જાય છે અને બ્યુટી પ્રોડકટ્સ વિના નહીં જ ચાલે તેવી માનસિકતા બાળમનમાં સર્જાય છે.
આજકાલ કિશોરીઓ છૂટથી લીપ ગ્લોસ, ફેસમાસ્ક, લિપસ્ટિક અને ચમકતી આઇ શેડોઝ વાપરતી થઇ ગઇ છે. પણ આ રૂપાળાં દેખાવા માટે શું ભોગ આપવો પડે તેની તેમને જાણ હોતી નથી. કોસ્મેટિક્સનો વહેલો ઉપયોગ શરૂ કરવાથી ત્વચાને સુધારી ન શકાય તેવું નુકશાન પણ થઇ શકે છે. બાળકોમાં ત્વચા હજી પરિપક્વ થઇ હોતી નથી તેને કારણે આ પ્રકારના બ્યુટી પ્રોડક્ટસનો બેફામ વપરાશ થાય તો તેને કારણે મોટું નુકશાન થઇ શકે છે. પુખ્ત વ્યક્તિની ત્વચાની સરખામણીમાં આઠથી બાર વર્ષની કિશોરીઓની ત્વચા પાતળી અને છિદ્રાળું હોઇ તેમાંથી પાણીનું બાષ્પી ભવન પણ વધારે થતું હોય છે. ત્વચા છિદ્રાળું વધારે હોવાથી તેમાં રસાયણો વધારે ઝડપથી પ્રવેશી જાય છે જેના કારણે ખંજવાળ પણ વધી શકે છે. ત્વચાની સંભાળ બાબતે જાગરૂક હોવું અને ખીલ જેવી સમસ્યાઓનો યોગ્ય માર્ગદર્શન સાથે ઇલાજ કરાવવો સારી બાબત છે પણ છિદ્ર વિનાની ત્વચા મેળવવા જાતજાતની સ્કીન પ્રોડક્ટસ અજમાવ્યા કરવી એ તો મૂર્ખામીની પરાકાષ્ટા છે.
- વિનોદ પટેલ


