દેશ-વિદેશના પામેલાઓમાં પ્રિય થઇ પડી છે
ચોમાસું બરાબરનું જામી ગયું છેતેથી દરિયાકાંઠે ફરવા જવાના દિવસો પૂરાં થઈ ગયાં છે. પરંતુ ઊનાળા દરમિયાન બીચ વેકેશન માણવા ગયેલા લોકોએ શરૂ કરેલી છીપલામાંથી બનાવેલી વિવિધ ડિઝાઈનની જ્વેલરી પહેરવાનો ટ્રેન્ડ જારી રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે ફેશન શોઝમાં અને રેડ કાર્પેટ પર પણ છીપલાં, શંખ જેવી દરિયાઈ વસ્તુઓમાંથી બનાવેલા ઘરેણાં અને મરમેડ (માછલીના આકારની) પેટર્નના પોશાક આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. હોેલીવૂડ અને બોલીવૂડ સેલિબ્રિટીઓ શંખ-છીપલાં - કોડી ઈત્યાદિમાંથી બનેલા આભૂષણો પહેરીને ફૂલી નથી સમાતી.
જો કે ગુજરાતી લોકોને એમ ખાસ કંઈ નવું ન લાગે એવું બને. આપણે ત્યાં નોરતામાં કન્યાઓ અને યુવતીઓ વર્ષોથી કોડીથી બનલા વિવિધ પ્રકારના આભૂષણો પહેરતી આવી છે. તેમના ચણિયા-ચોળી-ઓઢણીમાં પણ ભરતકામ સાથે કોડીઓ જડેલી જોવા મળે. તેવી જ રીતે માછલાની ડિઝાઈન ધરાવતાં વિંછિયા, હાથના કડાં, વીંટી, કાન (કાન પર બંધ બેસી જાય એવું કાનની ડિઝાઈનનું ઘરેણું) પહેરવાની પરંપરા. સેંકડો વર્ષથી ચાલી આવે છે. પણ જ્યારે હોલીવૂડ-બોલીવૂડ સેલિબ્રિટીઓ છીપલાં, નાના-મોટાં શંખ-કોડી જેવી દરિયાઈ વસ્તુઓમાંથી બનાવેલી જ્વેલરી પહેરવા લાગી છે. ત્યારથી ચોરેનેચૌટે તેની ચર્ચા ચાલી છે.
સ્ટાઈલિસ્ટો કહે છે કે સેલિબ્રિટીઓ છીપલાં ઉપરાંત સ્ટારફિશ, જેલીફિશ ડિઝાઈનની એક્સેસરી ખૂબ પસંદ કરી રહી છે. જેલીફિશ અને સ્ટારફિશ ડિજાઈનના પેન્ડન્ટ, શેલ, એટલે કે છીપલાંના નેકલેસ અત્યંત સુંદર લાગે છે. હવે સેલિબ્રિટીઓએ પહેરેલી શેલ જ્વેલરીની વાત કરીએ તો....
કિયારા અડવાણીએ ગુલાબી રંગના કો-ઓર્ડ સેટ સાથે છીપલાંની ઈયરરિંગ પહેરી હતી. જ્યારે પ્રિયંકા ચોપરાએ સ્લિપ ડ્રેસ સાતે છીપલાંની લાંબી બુટ્ટી પહેરી હતી.
બીચ પર વેકેશન માણવા માટે જાણીતી સારા અલી ખાને નારંગી બિકિની સાથે છીપલાંથી બનાવેલું સુંદર નેકપીસ ધારણ કર્યું હતું. કરીના કપૂર તેમના કરતાં ચાર કદમ આગળ રહી હતી. તેણે તાઈવાનના શેલ પર્લ્સનું સેમી પ્રેસિયસ સ્ટોન સાથેનું અત્યંત આકર્ષક નેકલેસ પહેરીને પોતાની નોખી પસંદનો પરિચય આપ્યો હતો.
હોલીવૂડ સેલિબ્રિટીઓની વાત કરીએ તો કાર્ડી બી, સ્કારલેટ જ્હોન્સને છીપલાંની વિવિધ પ્રકારની ડિઝાઈનની ઈયરરિંગ્સ પહેરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જ્યારે કેટ બ્લેનચેટે તો મરમેઈડ કટ ડ્રેસ પર વિવિધ આકારના
નાના-મોટા છીપલાંનું ભરચક વર્ક કરાવ્યું હતું. તેના ડ્રેસનો નેક જોતાં એવું લાગતું હતું જાણે તેણે છીપલાંની હાંસડી પહેરી છે. તેની સાથે નાના નાના શંખથી કરેલું ડિઝાઈનર વર્ક અને કટિની બંને બાજુ મોટા શંખ ગજબનું આકર્ષણ ઊભું કરતાં હતાં.
જ્વેલરી ડિઝાઈનરો કહે છે કે ડાર્ક કલરના પોશાક સાથે છીપલાંના સંખ્યાબંધ પેન્ડન્ટ સાથેનું નેકલેસ ખૂબ જચે છે. જ્યારે સિલ્વર કે ગોલ્ડ બેંગલ પર કરાવવામાં આવેલી છીપલાં-કોડીની ડિઝાઈન એકદમ નોખી તરી આવે છે.
તેઓ વધુમાં કહે છે કે બર્થડે, વેડિંગ એનિવર્સરી કે વેલેન્ટાઈન - ડે વખતે ભેટ આપવા માટે છીપલાંની વિવિધ ડિઝાઈનની ઈયરરિંગ્સ અચ્છો વિકલ્પ ગણાય. જ્યારે રોજેરોજ પહેરવા માટે નાના નાના શંખ અને સ્ટોન્સ ધરાવતાં ટ્રેડિશનલ એન્કલેટ બેસ્ટ ચોઈસ રહેશે.
છેલ્લાં કેટલાંક સમયથી સમુદ્રી વસ્તુઓમાંથી જે રીતે આકર્ષક અલંકારો બનાવવામાં આવે છે તે જોતાં એમ કહેવું વધારે પડતું નહીં ગણાય કે તે હવે દરિયાના મોજાની જેમ માનુનીઓના અંગો પર ઉછળે છે.
- વૈશાલી ઠક્કર


