વાઈ અને આંચકી સંબંધિત પ્રચલિત ગેરમાન્યતાઓ
વાઈ અને આંચકી સંબંધિત જાગૃકતાનો અભાવ એક આશ્ચર્યજનક વાસ્તવિક્તા છે જે ઘણીવાર ધ્યાન બહાર રહી જાય છે. સમાજના મોટાભાગના લોકોને જ્યારે વાઈ વિશે સામાન્ય જાણકારી જ હોય છે ત્યારે વાઈથી પીડાતી વ્યક્તિઓના જીવન પર તેની અસર અને વાઈ વિશેની સમજ વિશે મોટો તફાવત નજરે પડે છે.
એ જાણવું મહત્વનું છે કે વાઈ માત્ર ક્યારેક અનુભવાતી આંચકીઓ જ નથી પણ તેની વ્યક્તિની શારીરિક, માનસિક અને ભાવનાત્મક સુખાકારી પર ગાઢ અસર પડે છે. શહેરના વરિષ્ઠ ન્યુરોલોજીસ્ટ જણાવે છે કે વાઈ વિશે જાગૃકતાના અભાવને કારણે તેના દર્દીઓએ અપમાન અને ભેદભાવનો સામનો કરવે પડે છે જે તેમના દૈનિક અનુભવોને વધુ ગૂંચવણભર્યા બનાવે છે.
વાઈ વિશેની અધૂરી જાણકારીને કારણે આવી સ્થિતિ સાથે ઝઝૂમતા લોકોની સારવારમાં વિલંબ થાય છે અથવા તેમને યોગ્ય સારવાર નથી મળતી. નિષ્ણાંતોએ વાઈ અને આંચકી ફરતે વીંટળાયેલી ગેરમાન્યતાઓને ખોટી પાડીને તેના વિશે સ્પષ્ટતાઓ આપી છે.
પ્રથમ ગેરમાન્યતા : વાઈ બહુ ઓછા લોકોને થાય છે :
હકીકત : વાસ્તવિક્તા એ છે કે દેશના લાખો લોકો વાઈથી પીડાય છે અને તે એક પ્રચલિત ન્યુરોલોજિકલ અવ્યવસ્થા છે. માથા પરની ઈજા, મગજમાં ચેપ, સ્ટ્રોક, મગજમાં ગાંઠ, આલ્ઝાઈમર્સ, મગજની વિકૃતિ અને જેનેટીક સમસ્યા જેવા પરિબળોને આ બીમારી માટે જવાબદાર માનવામાં આવે છે. આ સમસ્યા તમામ વય જૂથમાં જોવા મળે છે.
બીજી ગેરમાન્યતા : વાઈ અને આંચકી બંને એક જ બાબત છે :
હકીકત : મગજની વિદ્યુત કાર્યપ્રણાલીમાં કામચલાઉ વિક્ષેપ થાય ત્યારે આંચકી આવે છે. ઘણા લોકોએ તેમના જીવનમાં કોઈ સમયે આંચકીનો અનુભવ કર્યો હશે. નોંધનીય છે કે એકાદ વાર આંચકી આવે તેને વાઈનો હુમલો ન કહી શકાય. વાઈ એક ન્યુરોલોજિકલ વિકૃતિ છે જેમાં વારંવાર આંચકી આવે છે.
ત્રીજી ગેરમાન્યતા : વાઈમાં હમેંશા આંચકી આવે છે જેમાં વ્યક્તિને ધૂ્રજારી અને ખેંચ આવે છે :
હકીકત : આંચકી ભિન્ન પ્રકારની હોય છે અને પ્રત્યેકના વિશિષ્ટ લક્ષણો હોય છે. એમાં ઘણીવાર શરીરમાં ધૂ્રજારી થાય છે, સ્નાયુઓમાં નબળાઈ અથવા જડતા આવે છે. આંચકીના અન્ય પ્રકારમાં લાંબો સમય સુધી તાકતા રહેવું, સંવેદનશીલતા, લાગણી, વિચારવાયુ અને મગજની કામગીરીમાં ફેરફાર તેમજ હલનચલનનો અભાવ જેવા લક્ષણો પણ હોય છે.
ચોથી ગેરમાન્યતા : વાઈના હુમલા લાઈટના ઝબકારા અને વીડિયો ગેમ અથવા તાણથી આવે છે :
હકીકત : વાઈનો આ પ્રકાર સામાન્યપણે યુવાનોમાં પ્રચલિત હોય છે અને વય સાથે તેમાં ઘટાડો થાય છે. આંચકીના પ્રકાર પ્રત્યેક વ્યક્તિએ અલગ હોય છે અને ઓછી ઊંઘ, તણાવ, દારૂ અથવા ડ્રગ, તાવ અથવા બીમારી, હોર્મોન ફેરફાર, પોષણ તેમજ અમુક દવાની અસર જેવા પરિબળોથી પ્રભાવિત થાય છે.
પાંચમી ગેરમાન્યતા : વાઈ એક મનોરોગ છે :
હકીકત : વાઈ મગજની અસામાન્ય વિદ્યુત પ્રવૃત્તિને કારણે થતી ન્યુરોલોજિકલ ગેરવ્યવસ્થા છે અને ઘણીવાર તેની સાથે હતાશા અને તણાવ સામેલ હોય છે. આંચકીની અનિશ્ચિતતા અને ભદેભાવનો ભય વાઈથી પીડાતા લોકોના જીવન પર વિપરીત અસર કરે છે.
વાઈ મનોરોગના વર્ગમાં આવતી બીમારી નથી. વાઈથી પીડાતા દર્દી હતાશા અને તાણનો સામનો કરતા હોય છે, આથી તેને મનોરોગ ગણવામાં આવે તો તેમની ગૂંચવણમાં વધારો થાય છે. વાઈને ન્યુરોલોજિકલ અવ્યવસ્થા ગણીને તેના ફરતે પ્રચલિત ગેરમાન્યતા નાબુદ કરવી જોઈએ જેથી એક વધુ સમાવિષ્ટ અને સમર્થનકારી સમાજની રચના થઈ શકે.
- ઉમેશ ઠક્કર