આ સમર સિઝનમાં ભલે બધા રંગ ફેશન જગતમાં ઇન હોય, તોય ગ્રીષ્મની ગરમીમાં શ્વેત વસ્ત્રો પહેરવાની એક આગવી મઝા હોય છે. તન સાથે આંખોને પણ ટાઢક આપતાં સફેદ કપડાં પહેરવાનું ગમે તો ખરું, પણ તે પહેરવાની ગતાગતમ ન હોય તો વાઇટ પરિધાન એકદમ સિમ્પલ અથવા ઉદાસીનતાનું પ્રતિક બની જાય. ફેશન ડિઝાઇનરો સફેદ કપડાંને પણ કેવી કેવી સ્ટાઇલથી પહેરી શકાય તેની ટિપ્સ આપતાં કહે છે કે વાઇટ વસ્ત્રો પહેરવાની ઇચ્છા હોય તો શર્ટ અથવા ટોપ શ્વેત કલરમાં પહેરો. વાઇટ શર્ટ તમે ફોર્મલ ટ્રાઉઝર, બ્લુ ડેનિમ કે ખાખી કાર્ગો સાથે પણ પહેરી શકો છો. અલબત્ત, વાઇટ શર્ટ સાથે કોઈ પણ કલરની પેન્ટ-બોટમ સારી જ લાગશે. પણ બ્લુ ડેનિમ, બ્લુ ટ્રાઉઝર કે ખાખી કાર્ગો સાથે તે લાજવાબ લાગે છે. હા, તમારું શર્ટ બહુ ટાઇટ કે ઝાઝું લુઝ ન હોવું જોઈએ. પણ તેનું ફિટિંગ વ્યવસ્થિત હોવું જોઈએ. આ ઉપરાંત વાઇટ શર્ટ ખરીદતી વખતે તેનું ફેબ્રિક અને કટ ખાસ ધ્યાનમાં રાખો.
વાઇટ શર્ટ માટે 'મર્સિરાઇઝ્ડ' ફેબ્રિક બેસ્ટ ઓપ્શન છે. આ ફેબ્રિકમાં સુતરાઉ કપડા ઉપર એવી પ્રક્રિયા કરવામાં આવે છે જેથી કપડું મજબૂત-ટકાઉ બનવા સાથે તેમાં ચોક્કસ પ્રકારની ચમક આવે છે. આવા ફેબ્રિકમાંથી બનાવેલા શર્ટમાં નાના કોલર આકર્ષક દેખાય છે. વાઇટ શર્ટ માટે પોપ્લીન અને ઓક્સફર્ડ પણ અચ્છા વિકલ્પ છે. પોપ્લીન ૧૦૦ ટકા સુતરાઉ હોવાથી તે એકદમ કમ્ફર્ટેબલ લાગે છે. વળી તેનું વણાટ એવું હોય છે કે તેનું ફેબ્રિક સુવાળું અને થોડું ચળકતું લાગે. જ્યારે ઓક્સફર્ડનું ટેક્સચર વધું સુંવાળું હોય છે અને તેનું વણાટ બાસ્કેટ જેવી ડિઝાઇનનું હોય છે.
ફેશન ડિઝાઇનરો માને છે કે વાઇટ શર્ટ કે ટોપ પહેરવાની વાત હોય ત્યારે તમે સ્ત્રી કે પુરુષ વચ્ચે ભેદ ન કરી શકો. માનુની માટે પણ આ ઋતુમાં વાઇટ શર્ટ બેસ્ટ ઓપ્શન બની રહે છે. હા, જેમના ઉરોજો વધારે પડતાં ભરાવદાર હોય તેમણે વાઇટ શર્ટ પહેરવાનું ટાળવું. પરંતુ જે માનુનીના કોલરબોન આકર્ષક હોય તેણે યોકવાળું શર્ટ પહેરવું. યોક સાથે લોકોનું ધ્યાન સુંદર કોલરબોન પર પણ જશે.
અલબત્ત, વાઇટ શર્ટની પસંદગી કરતી વખતે તમારા બોડી ટાઇપ અને પ્રસંગને ધ્યાનમાં રાખવાનું ન ભૂલો. ફોર્મલ ઓકેઝન માટે સ્લિમ ફીટ શર્ટ અચ્છો વિકલ્પ બની રહે છે, જ્યારે કેઝ્યુઅલ લુક માટે રેગ્યુલર ફીટ શર્ટ મસ્ત દેખાશે. આ ઉપરાંત વાઇટ શર્ટના શેડની પસંદગીમાં પણ કાળજી રાખો. બ્લુ કે ગ્રીન અંડરટોન શેડ ધરાવતા વાઇટ કરતાં ક્રિસ્પ વાઇટ, આઇવરી અથવા ઓફ-વાઇટશેડ વધુ સારાં લાગશે.
જો પ્રાકૃતિક ફેબ્રિક પહેરવાની ઇચ્છા હોય તો ખાદીથી રૂડું શું? પણ તેનું સ્ટિચિંગ વ્યવસ્થિત છે કે નહીં અને ફેબ્રિક આકર્ષક લાગે છે કે નહીં તે અચૂક તપાસી લો.
વાઇટ શર્ટ કે ટોપ પેન્સિલ સ્કર્ટ સાથે બેસ્ટ લાગે છે. હા, તે શર્ટનું ફિટિંગ સરસ હોવું જોઈએ. આ સિવાય વાઇટ શર્ટમાં કલર્ડ બટન, બેલ સ્લિવ્ઝ, પોણિય બાંય પણ સુંદર લાગે છે. પરંતુ ક્લાસિક વાઇટ શર્ટની વાત કરીએ તો પુરુષોના આવા શર્ટમાં રેગ્યુલર કોલર, નિતંબ સુધીની લંબાઈ અને આખી બાંય સામાન્ય છે, જ્યારે માનુનીનું ક્લાસિક વાઇટ શર્ટ નિતંબથી થોડું ઉપર હોય છે. મહિલાઓ આવા શર્ટ પર બેલ્ટ પહેરે તોય ખૂબ આકર્ષક લાગે છે.
- ઈશિતા


