Get The App

ઉનાળાનું આરામદાયક અને આકર્ષક ચીકનકારી પરિધાન

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
ઉનાળાનું આરામદાયક અને આકર્ષક ચીકનકારી પરિધાન 1 - image

- સામાન્ય કારીગરથી આધુનિક ફેશન ડિઝાઈનરને પ્રિય સદીઓ પુરાણું ચીકનકારી ભરતકામ

ગ્રીષ્મ ઋતુમાં દેહને ટાઢક આપતાં વસ્ત્રો  પહેરવાનું ગમે તે સ્વાભાવિક છે. પણ ફેશનથી આઘા રહીને સીધાસાદા કપડાં પહેરવાનું કોને ગમે? ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફેશનેબલ છતાં  આરામદાયક પરિધાન પર પસંદગી ઉતારવાની હોય તો ચીકનકારી વસ્ત્રો સૌથી પહેલા નંબરે આવે. વળી આજે ઝીણા ચીકનકારી વર્ક સાથે  આભલા અને ઝરદોશી વર્કનું મિશ્રણ કરીને તેને વધુ આકર્ષક બનાવવામાં આવે છે.

ચીકનકારીની કળા આજકાલની નથી. આ ભરતકામ સદીઓ પુરાણું છે. કહેવાય છે કે ભારતમાં ઈ.સ.પૂર્વે ત્રીજી સદીમાં એક વિદેશી પ્રવાસીએ ચીકનકારી ભરતકામ શરૂ કરાવ્યું હતું. એક દંતકથા મુજબ તે લખનઉના એક ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તરસ્યા પ્રવાસીએ એક ગરીબ ખેડૂત પાસેથી પીવાનું પાણી માગ્યું. કિસાનની આગતા સ્વાગતાથી ગદ્ગદિત થઈ ઉઠેલા પ્રવાસીએ તેને ચીકનકારી ભરતકામ શીખવ્યું, જેથી તેને ક્યારેય ભૂખે મરવાની નોબત ન આવે. કારીગરો આજે પણ માને છે કે આ મુસાફર પયંગબર હતા.

જ્યારે ઘણાં  લોકો ચીકનકારીની લોકપ્રિયતાનો યશ મોગલોના જનાનખાનાને આપે છે. ચિકન શબ્દ પર્શિયન શબ્દ ચિકિન પરથી આવ્યો છે. ચિકિન એટલે તેન્ઝેબ નામે ઓળખાતા સફેદ મલમલના કાપડ પર સોયથી  કરવામાં આવતું ભરતકામ. પર્શિયામાં આ એમ્બ્રોઈડરી ચાર રૂપિયામાં વેંચાતી.

એમ પણ કહેવાય છે કે ૧૭મી અને ૧૮મી સદીમાં મોગલ બાદશાહ જહાંગીરની ખૂબસુરત બેગમ નૂરજહાં આ ટર્કીશ ભરતકામથી અત્યંત પ્રભાવિત થઈ હતી અને તેણે આ કળાને વેગ આપવામાં  મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પરંતુ ૧૭મી અને ૧૮મી સદીમાં અવધનું ચીકનકારી ભરતકામ સોળે કળાએ ખીલ્યું હતું. અવધના ચીકનકારી ભરતકામે યુરોપની સુંદર લેસોને માત આપી દીધી હતી. આમ ચીકનકારી ભરતકામનો આરંભ ભારતના અવધમાં થયો હતો તેથી તે દેશની પૌરાણિક કળાઓમાંનું એક છે એમ માનવામાં આવે છે.

ફેશન ડિઝાઈનરો કહે છે કે આ એક એવું ભરતકામ છે જે તમે સ્કાર્ફ, સ્ટોલ, ટયુનિક, પંજાબી સૂટ, ચુડીદાર-કુર્તી, સાડી,  હેન્ડબેગ અને પગરખાં સુધ્ધામાં કરાવી શકો.

ચીકનકારી વર્ક સુતરાઉ  કાપડ, લીનન, શિફોન  જેવા દરેક પ્રકારના ફેબ્રિક પર કરી શકાય. આ બધા ફેબ્રિક ત્વચા પર ચોંટતા નથી પણ દેહથી અળગા રહે છે તેથી ઊનાળામાં અત્યંત આરામદાયક લાગે છે. તેમાં ફૂલ,પાન, પક્ષી, માછલી, પતંગિયા જેવી અનેક પ્રકારની પ્રાકૃતિક ડિઝાઈન બનાવી શકાય છે. ફત્તેહપૂર સીક્રીનું ચીકનકારી વર્ક લાજવાબ ગણાય છે.

આધુનિક ફેશન ડિઝાઈનરોએ આ સદીઓ પુરાણા ચીકનકારી ભરતકામને એટલી ખૂબસુરતીથી તેમના ડિઝાઈન કરેલાં વસ્ત્રો પર ઊતાર્યું છે કે બોલીવૂડ અભિનેત્રીઓ જયા બચ્ચન, ડિમ્પલ કાપડિયા, કરીના કપૂર, કરિશ્મા કપૂરથી લઈને હોલીવૂડ અભિનેત્રી ડેમી જુડી ડેંચ સુધ્ધાં ચીકનકારી વસ્ત્રો પહેરવા લલચાઈ છે. કપૂર  બહેનોના ચીકનના શોર્ટ કુર્તા અને પાયજામાં અત્યંત લોકપ્રિય બન્યા છે. આધુનિક ફેશન ડિઝાઈનરોએ કાળા રંગના કપડાં પર તેમ જ વિવાહના પરિધાનમાં સોના-ચાંદીના તારથી ચીકનકારી કામ કરાવીને તેને અનોખી ઊંચાઈ આપી છે. અલબત્ત, આ પરિધાન અત્યંત મોંઘા પણ છે. આ રીતે તૈયાર કરવામાં આવતા એક એક વસ્ત્રને મહિનાઓનો સમય લાગી જાય છે.

જોકે એક ફેશન ડિઝાઈનરે આ કામ ઝડપથી કરવા માટે ચીકનકારી ભરતકામ કરતું મશીન સુધ્ધાં બનાવી લીધું છે. ઘણાં ડિઝાઈનરોએ અંતરિયાળ વિસ્તારમાં વસતા કારીગરોને મહાનગરોમાં લાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો જેથી તેમનું ક્રિએશન કોઈ જોઈ ન શકે. જોકે તેમનો પ્રયાસ સફળ નહોતો થયો. આનું કારણ એ હતું કે મોટાભાગનું ચીકનકારી વર્ક સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે.

તમે ચીકનકારી વર્ક કરેલા ફેશન ડિઝાઈનરોેએ બનાવેલા મોંઘાદોટ વસ્ત્રો પહેરો કે નિયમિત બજારમાં મળતાં થોડાં સસ્તા ડ્રેસ ખરીદો, ચાહે તે જિન્સ ઉપર  પહેરવામાં આવતી કુર્તી હોય કે પંજાબી સૂટ, તે તમને અત્યંત આકર્ષક લુક આપશે એ વાતમાં બે મત નથી.