આજકાલ હોળીના તહેવારોમાં બધાં એકબીજાને પકડીને રંગની કોઠીઓમાં નાખીને - રંગીને આનંદ મેળવે છે. એકબીજા પર રંગની છોળો ઉડાડીને આ હોળીનો તહેવાર ઉજવે છે.
આજે તો હવે રંગ આપણી રહેણી-કરણી અને ખાણીપીણીમાં પણ રંગાઈ ચૂક્યો છે.
ટૂંકમાં વાત કરીએ તો દુનિયા આખી ચારે તરફ રંગથી રંગીન બનેલી છે. ઘાસ, ઝાડ, આકાશ, ધરતી ત્યાં સુધી કે ધૂળભર્યું વાવાઝોડું પણ કોઈક ને કોઈક રંગે રંગાયેલું છે.
આદિ યુગથી જ રંગો સાથેનો માનવીનો સંબંધ રહ્યો છે. જોકે, આજ જેવા તડકીલા ને ભડકીલા રંગો નહોતા.
કદાચ સહુ પહેલા માનવીએ રંગનો ઉપયોગ પોતાના શરીરને સજાવવા, ધજાવવા, એની પર સિંહ કે પછી ચમકતી વીજળીનું ચિત્ર બનાવવા માટે કર્યો હતો. આ આકૃતિઓ બનાવવા પાછળની મૂળ ભાવના એ જ રહી હશે કે માણસમાં પણ એ જ રીતની શક્તિ-તાકાત આવી જાય.
કદાચ પહેલો રંગ લોહીનો હશે. ચૂલાના ધુમાડાની કાળાશ પણ તો એક રંગ હતો જે શરીર, ઘર, ગુફાઓ, વાસણો અને કપડાંને રંગથી રંગવા માટે કામમાં આવતો હતો. બાકી બધાં રંગ કુદરતમાંથી- ખાસ કરીને વનસ્પતિમાંથી મળતા હતા.
વનસ્પતિમાંથી બનનારા રંગ સિંધુ ઘાટીની પ્રાચીન સભ્યતા સમયએ ઉપયોગમાં લેવામાં આવતા હતા. મોહન-જો-દડોમાંથી મળેલા રંગીન સુતરાઉ કપડાં પરથી પણ આ વાતની સાબિતી મળે છે. મહાભારતમાં પણ રંગીન કપડાં અને રંગોના સામાજિક અને ધાર્મિક મહત્ત્વનું વર્ણન છે.પાંચમી સદી સુધી ભારતના શિલ્પીઓએ રંગકામ માટે જાત-જાતના રંગ બનાવવા-પકાવવામાં ઉસ્તાદી મેળવી લીધી હતી. શિલ્પીઓમાં વનસ્પતિ અને જીવ-જંતુની દુનિયામાંથી રંગો મેળવવામાં કાબેલિયત આવી ગઈ હતી. આ જ રીતે કુદરતી સાધનોથી રંગો બનાવવાના વિજ્ઞાાનએ જન્મ લીધો.
ઐતિહાસિક પુસ્તકોમાં ત્રણસોથી વધુ એવા છોડનો ઉલ્લેખ છે, જે રંગ બનાવવામાં કામમાં આવતા હતા. આમાં ફળ, ફૂલ, ઝાડની છાલ, છોડવાઓનો રસ, પહાડીઓ પર ઉગનારી વનસ્પતિ વગેરે આવે છે.
ગુફાઓના ચિત્રો અને સંગ્રહાલયોમાં રાખવામાં આવેલા પ્રાચીન વસ્ત્રોના ચોખ્ખા અને ચટ રંગ એ વાતના પૂરાવો છે કે, કુદરતી રંગ લાંબા સમય સુધી ખરાબ થતા નથી.
જોકે, રાસાયણિક અને કૃત્રિમ રંગોના આગમન તેમ જ એમની સરખામણીમાં કુદરતી રંગો વધુ મોંઘા હોવાને કારણે કુદરતી રંગો ધીમે-ધીમે ગાયબ થવા લાગ્યા. પાછલા વીસ વરસમાં વિશેષજ્ઞાો એ ભૂલાયેલા કુદરતી રંગોની ટેકનિકને ફરીથી વિકસિત કરવાની કોશિશ કરી રહ્યા છે.
રંગોને બનાવવામાં કામ આવનારી કુદરતી સામગ્રી ખેતરોમાં, બગીચાઓમાં, આપણાં રસોડામાં, બધી જ જગ્યાએ મળે છે. ડુંગળીના છીલટા, 'ચા'ની પત્તી, કોફી, ફૂલ વગેરેને આખી રાત પાણીમાં રાખવાથી રંગ બને છે. ઝાડની છાલ, ઝાડના મૂળ વગેરે પણ રંગ બનાવવાના કામમાં લાગે છે, પરંતુ આનાથી રંગ બનાવવામાં વધુ મહેનત કરવી પડે છે. આકાશનો રંગીન ઇન્દ્રધનુષ, બાગ-બગીચાઓમાં ફરત રંગબેરંગી પતંગિયા, ફૂલદાનીમાં ગોઠવાયેલા આકર્ષક ફૂલ ફક્ત મનને જ રંગીન નથી બનાવતા પરંતુ શરીરની કામગીરીમાં પણ પોતાની અસર કરે છે.
શરીરની તંદુરસ્તી, ગમગીની, સ્વભાવ અને ચરિત્રનો રંગ સાથે નજીકનો નાતો છે. રંગ સાથે નજીકનો નાતો છે. રંગ મનોવૈજ્ઞાાનિક અને રાસાયણિક ફેરફારોના જોર પર માનવીના જીવનમાં જરૂરી અંગ બની ગયો છે. અમુક રંગની પસંદ નાપસંદથી માણસના મનની વાત જાણી શકાય છે.
રંગોનું જન્મ સ્થળ સૂર્ય છે. આની કિરણો મારફત બધાં સાત રંગ વાયુમંડળમાં ફેલાયેલા રહે છે. સૂર્ય ઉપરાંત બીજા ગ્રહ પણ પોતાના ખાસ રંગની કિરણોથી માનવીના જીવન પર અસર કરે છે. ચંદ્રનો સફેદ, મંગળનો લાલ, બુધનો લીલો, બૃહસ્પતિનો પીળો અને શનિનો વાદળી રંગ છે. દરેક રંગની પોતપોતાની ભાષા હોય છે - ખૂબ હોય છે.
સફેદ રંગ સારા વિચારો પેદા કરનારો અને શાંતિદાયક છે.
એ તનમાં શીતળતા અને મનમાં નવીનતા પેદા કરે છે. સફેદ કપડાં, ચમેલીના ફૂલ, દૂર અને મોતી માનસિક વિકૃતિ, હૃદયને ગભરાહટ અને બેચેની દૂર કરવા કરવાને કાબેલ છે. આધુનિક વૈજ્ઞાાનિકોએ ચંદ્રની સફેદ કિરણોને ગર્ભવતી સ્ત્રી-ઓ માટે ખૂબ જ ઉપયોગી માની છે.
લાલ રંગ ગરમ અને ગુસ્સાના ભાવનો સૂચક તેમ જ ઉત્પાદક છે.
લોહીનો લાલ રંગ મનમાં ડર અને નિરાશા પેદા કરે છે. બેડરૂમમાં પડદા, દીવાલ અને બલ્બનો લાલ રંગ મીઠી નિંદરમાં ખલેલ પહોંચાડે છે. અને ખરાબ સપનાઓ તેડી લાવે છે.
પીળો રંગ ત્યાગ અને સંતોષનો પ્રતિક છે.
ગુલાબી રંગ પ્રસિદ્ધિ, માનસિક શાંતિ આપનારો છે.
વાદળી રંગ શરીરમાં પૌરુષ તેમ જ અનેક રોગનો સામનો કરનારી શક્તિ પેદા કરનારો છે.
ધરતીના ખોળામાં ખિલતો-ખેલતો લીલો રંગ સુખ-સમૃદ્ધિ અને આત્મવિશ્વાસ જગાવે છે. આ રંગથી માણસનું મન મોટું થાય છે. હાઈબ્લડ પ્રેશર, શ્વાસનો રોગ અને આંખોની તકલીફોમાં લીલો રંગ ઉત્તમ સાબિત થાય છે.
આજકાલ હોળીના તહેવારોમાં રંગની છોળો ઊડે છે. રંગવા-રંગાવવામાં સહુને આનંદ આવે છે. હોળીમાં રાસાયણિક રંગો જ ઉપયોગમાં વધારે લેવાય છે. આ રંગો આપણી તંદુરસ્તી માટે નુકસાનકારક છે. આમ તો ખાવાની વસ્તુઓમાં નંખાનારો રંગ પણ આપણાં શરીરમાં રોગને જન્મ આપે છે.


