શિયાળાનાં મન-લુભાવન 'ડેઝી'નાં રંગબેરંગી સુમન
ડેઝીનાં ફૂલ શિયાળામાં ખીલે છે અને આ ઋતુમાં આવતા અન્ય ફૂલ કરતાં લાંબો સમય રહે છે. આ ફૂલ શિયાળાથી લઇને પાનખર સુધીના બેથી ત્રણ મહિના રહે છે. એ ગુલાબી, સફેદ, લાલ, ભૂરા તથા રીંગણી રંગના હોય છે. બગીચા પ્રેમીઓ ઉપરાંત બગીચાના જીવો માટે પણ ડેઝી વરદાનરૂપ સાબિત થાય છે. કારણ કે ડેઝીના ફૂલના પરાગને મધમાખીઓ તથા પતંગિયા ભેગું કરે છે.
માઇકેલ માસ ડેઝી એસ્ટરસ થોડી મોડેથી ખીલતી બારમાસીની એક પ્રજાત્તિ છે. અન્ય ડેઝી છોડોની જેમ જ એસ્ટર પણ વનસ્પતિ પરિવારનો એક મોટો છોડ છે.આ બધા છોડના ફૂલ એકબીજાથી જોડાયેલા હોય છે. આ ફૂલની રચના વીંટી જેવી દેખાય છે. પરંતુ નાના નાના ફૂલનું એક ઝૂંડ હોય છે.
આજકાલ તો આમાં કેટલીક નાની શંકરજાતિ પણ વિકસીત થઇ છે, જેના છોડ ૧થી લઇને ૩થી ૪ ફૂટ જેટલા લાંબા હોય છે. આ છોડને ક્યારીની વચ્ચે અથવા સામેની બાજુ લગાડવામાં આવે છે. આમાં કાર્નિવલ મહત્વપૂર્ણ છોડ છે. જેના ગુલાબી, લાલ ફૂલ ૬૦થી ૭૫ સેન્ટીમીટર ઉપર ખીલે છે.
ફેલોશીપ નામની જાતિનું મોટું ગુલાબી ફૂલ તથા ક્લાઇમેક્સના આછા ભૂરા રંગના ફૂલની લંબાઇ ૪ ફૂટ કે તેથી પણ વધારે હોય છે. જ્યારે સફેદ સ્નોસ્પરાઇટ પ્રજાતિ ફક્ત એક ફૂટની સફેદ રંગની હોય છે. કેટલીક પ્રજાત્તિઓને તો અમેરિકા કે ઇંગ્લેન્ડમાં વિકસિત કરવામાં આવે છે. જેમ કે એસ્ટર નોવી બેલગાઇ. આ પ્રકારના છોડ પાંચ કે છ ફૂટ લાંબા હોય છે. આ જાતિ કિનારની પાછળની તરફ લગાડવામાં ઉપયોગી છે. અને તેમાં ગુલાબી, લાલ, રીંગણી કે ભૂરા રંગના ફૂલ આવે છે.
સપ્ટેમ્બરમાં રૂબી નામની પ્રજાતિમાં ખૂબ ફૂલ આવે છે. આ લાલ રંગના ફૂલ વચ્ચે પીળો રંગ હોય છે અને ગુલાબી ફૂલ આપતી હૈરિંગટન પીંક પ્રજાત્તિ છે. જ્યારે ઇટાલિયન પ્રજાત્તિ એસ્ટર અમૈલસ રોગરહિત હોવાથી લાંબો સમય ટકે છે. તેના ફૂલની એક જ પાંખડી હોય છે. પણ ફૂલની પાંખડી બહુ મોટી હોય છે તથા તે ચમકતા ગુલાબી અને રીંગણી રંગના હોય છે. આ છોડ એકદમ ભરેલો હોય છે અને લગભગ બે ફૂટ જેટલી ફેલાયેલી હોય છે.
રીંગણી રંગના અસંખ્ય ફૂલ આપતા કીંગ જ્યોર્જ પણ મોટી સંખ્યામાં ઉગાડવામાં આવે છે. ભૂરા રંગના સુગંધી ફૂલ આપતી એસ્ટર થામોસોની જાતિ દોઢ ફૂટ લાંબી હોય છે.
ફ્રિકાર્ટી એક સંકરજાતિ છે. જેના ફૂલ હલકા ભૂરા રંગના હોય છે. આ ફૂલની પાંખડી બહુ પાતળી હોય છે. ફૂલ લાંબા સમયે ખીલે છે. આ છોડને બહુ ભીનાશ ગમતી નથી. પરંતુ માટીમાં પાણી શોષવાની ક્ષમતા હોવી જોઇએ. હારિડાંટલીસ જાતિના નાના સફેદ અને ગુલાબી ફૂલ વચ્ચે ઘેરો રંગ હોય છે. આ છોડના પાંદડા પાનખરની ઋતુમાં ઘેરા ભૂરા રંગના થઇ જાય છે અને તેથી છોડની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.
એલ્પાઇન એસ્ટર હળવા ભૂરા રંગનો છ ઇંચનો છોડ હોય છે. જો કે અન્ય પ્રજાતિઓ કરતાં આમાં ઓછા ફૂલ આવે છે. આ છોડ બગીચા તથા પહાડો પર ઉગાડવા માટે સારા ગણાય છે. માઇકલ માસ ડેઝી આસાનીથી ઉગાડી શકાય છે. પરંતુ આના બીજને ઉગાડવા થોડા મુશ્કેલ છે. એટલે તેની દાંડીઓને કાપીને જ માટીમાં રોપી દેવામાં આવે છે. થોડા દિવસમાં મૂળ આવી જાય છે. છોડ થોડો મોટો થાય શિયાળામાં 'ડેઝી'ના સુમન
ત્યારબાદ જ તેને કુંડામાંથી ક્યારીમાં રોપવો જોઇએ. એક વખત ઊગી ગયા પછી ૧-૨ વખત જ ખાતર આપવું જોઇએ. સમૂહમાં લગાડવાથી તેનો વિકાસ ઝડપી થાય છે. લાંબી જાતને ટેકાની જરૂર નથી હોતી. એટલે તેની ડાળખીઓને બાંધી દેવામાં આવે છે. આ ફૂલ માટે કોઇપણ માટી ચાલે છે. પરંતુ ચીકણી માટીમાં તે સારી રીતે ખીલે છે. જો કે ઠંડીની ઋતુમાં પાણીની વધારે જરૂર પડે છે. એટલે તેને પાણી બરોબર આપવું જોઇએ.
આને કટ ફ્લાવરની જેમ પણ ઉપયોગમાં લઇ શકાય છે. જો તેનો કટ ફ્લાવર તરીકે ઉપયોગ ન થાય તો તેના કરમાયેલા ફૂલને કાપતા રહેવું જોઇએ. એટલે છોડ પર નવા-નવા ફૂલ આવી શકે. એક વખત ફૂલ પૂરા થઇ ગયા પછી છોડને જમીન પાસેથી કાપી નાંખવો જોઇએ, એટલે તે ફરીથી ઊગી શકે.
ડેઝીને ક્યાં રોપી શકાય ?
ડેઝીના છોડને ભેજવાળી, ફળદ્રુ્રપ તથા પાણીની યોગ્ય વ્યવસ્થા હોય તથા ૫થી ૬ કલાક તડકો આવતો હોય તેવા સ્થળે રોપી શકાય છે. વરસાદની ઋતુમાં જ તેના કટીંગને તૈયાર કરી રાખવા જોઇએ તથા છોડની લંબાઇ પ્રમાણે તેમની વચ્ચે જગ્યા રાખવી જોઇએ.
આ છોડને નિયમિત પાણી આપવું જોઇએ તથા કરમાયેલા ફૂલને કાપી નાંખવા જોઇએ. જ્યાં હવા વધારે આવતી હોય ત્યાં ડાળીઓને સહારો આપવો જોઇએ. નવી ફાટ ફૂટતાં મૂળને કાપીને અલગ કરીને મૂળ સાથે જ રોપી દેવી જોઇએ. જો વધારે છોડની જરૂર હોય તો છોડના ટુકડા કરીને રોપી દેવા મૂળ આવી જશે.
એક-બે વર્ષ બાદ ડેઝીના છોડમાં ફૂલ આવવાના ઓછા થઇ જાય છે. એટલે તેના નવા છોડ તૈયાર કરવા જોઇએ અને જૂનાને કાઢી નાંખવા. છોડને માટીમાંથી કાઢીને સારા અને સ્વસ્થ છોડને અલગ કરવા. જો આ છોડને વધારે દેખભાળની જરૂર ન હોય તો ઝાડની નીચે છાણ અથવા પાંદડાનું ખાતર નાંખીને તેમને ફરી એકવાર ઉપયોગમાં લઇ શકાય છે.
ડેઝીની જાતિ આપણે આપણી ઇચ્છાનુસાર પસંદ કરી શકાય છે.
- અવન્તિકા