ઠંડી સામે રક્ષણ આપતી કલરફુલ કેપ .
શિશિર ઋતુમાં ઠંડીના ચમકારા બરાબર દેખાઈ રહ્યા છે. પરિણામે ગરમ કપડાં પણ અભેરાઈ, સૂટકેસ કે કબાટમાંથી બહાર નીકળી રહ્યાં છે. આજકાલ યુવાનોને સ્વાસ્થ્યની ચિંતા તો છે જ પણ સાથે તેમને સ્ટાઈલ પણ જોઈએ. આવામાં સ્વેટર્સ તો અવનવી સ્ટાઈલનાં મળતાં જ હોય છે. તેની સાથે જો કલરફુલ ટોપી પહેરવામાં આવે તો ઓર સ્ટાઈલિશ દેખાવ લાગે!
આજકાલના માત્ર ઊનની જ નહીં, પરંતુ ફરની અલગ-અલગ સ્ટાઈલની કેપ બજારમાં મળે છે. તેમાં બિન્ની કેપ, બેરેટ્સ, ક્લોચે હેટ અને ન્યૂઝબોય જેવી કેપ લોકપ્રિય બની છે.
પ્રીમિયમ ક્વોલિટીની કેપ જાડા અને નરમ ઊનમાંથી બનેલી હોય છે. તે આરામદાયકની સાથે સાથે ટ્રેન્ડી લુક પણ આપે છે. વિન્ટર કેપ ઘણાં રંગોમાં ઉપલબ્ધ છે, પરંતુ તેમાં કાળા, ખાખી, નેવી બ્લૂ અને ગ્રે રંગની ટોપીની વધુ માગ રહે છે. રશિયાની ફર કેપ વિશ્વના અનેક દેશોમાં લોકપ્રિય બની છે. ભારતીયો પણ આ ફર કેપના દીવાના બન્યા છે.
અગાઉ શિયાળાની ઠંડીમાં મહિલાઓ સ્કાર્ફ સાથે જોવા મળતી. ટોપી પર માત્ર પુરુષોનો ઈજારો હોય તેમ લાગતું. એમાંય વળી સાદી ટોપી અને વાંદરાટોપી (મન્કી કેપ) સિવાય બીજી પેટર્ન મળતી નહીં, પરંતુ હવે ફેશનના કારણે લોકોની પસંદ બદલાઈ છે. સામે વિકલ્પો પણ ઘણા પ્રાપ્ય છે. જુદાં-જુદાં શહેરોમાં પ્રદર્શનોના કારણે વિદેશી ડિઝાઈન ઉપરાંત જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણાના કારીગરો દ્વારા બનાવાતી સારી ક્વોલિટીના ઊનની ટોપી હેન્ડીક્રાફ્ટ બજારમાં જોવા મળે છે. શિયાળામાં પોતાની હેલ્થ પ્રત્યે જાગ્રત લોકો દિવસની શરૂઆત મોર્નિંગ વોક કે પછી એક્સર્સાઈઝથી કરતા હોય છે. તેના માટે સ્વેટર, શાલ અને મફલરની જેમ ટોપી પણ એક અનિવાર્ય પરિધાન કહી શકાય. ગુજરાતીઓ આ મોસમમાં અન્ય રાજ્યોની બનાવટ એવી યુનિક સ્ટાઈલની કેપ્સમાં રૂચિ વધારી રહ્યા છે.
સ્ટાઈલ પે ચાન્સ
બિન્ની કેપ : જાડા ઊનમાંથી બનેલી આ કેપ અવનવા કલર્સમાં ઉપલબ્ધ હોય છે જે ટ્રેન્ડી લુક આપે છે.
બેરેટ્સ : તેના મટીરિયલ કરતાં તેની ડિઝાઈન માટે આ કેપ વધુ લોકપ્રિય બની છે. ડિઝાઈનના શોખીનો માટે આ પ્રકારની કેપ યોગ્ય રહેશે.
ક્લોચે હેટ : ફ્રેન્ચ ભાષામાં તેનો અર્થ થાય છે બેલ. એટલે કે, ઘંટડી આકારની આ હેટ ખાસ યુવતીઓની પસંદ છે.
ન્યૂઝબોય કેપ : આ સ્ટાઈલની કેપ માત્ર શિયાળામાં જ નહિ, પરંતુ આખું વર્ષ તમે પહેરી શકો છો. ઊનમાંથી બનેલી આ કેપમાં ઈલાસ્ટિક બેન્ડ પણ હોય છે જેને કારણે તેનું ફિટિંગ સારું રહે છે.