ઉનાળામાં ઈનરવેરની પસંદગી .
ઉનાળાની ઋતુમાં શરીર પરથી ટપકતો પરસેવો પરેશાનીનું કારણ બનતો હોય છે. જો મહિલાઓની વાત કરીએ તો આ પરેશાનીનો તેમણે વધારે સામનો કરવો પડે છે. આ વાતનું મહત્ત્વનું કારણ તો તેમના ઈનરવેર હોય છે. બોડી સપોર્ટ માટે ઈનરવેર જરૂરી છે જ સાથે ફેશનના દ્રષ્ટિકોણથી પણ મહિલાઓ માટે અંડરગાર્મેન્ટ્સ પહેરવા જરૂરી બની જાય છે.
પરંતુ ઉનાળાની ઋતુમાં ઈનરવેરનું ફિટિંગ સ્કિન સંબંધિત બીમારી જેમ કે અળાઈ, રેશિસ વગેરે પેદા કરે છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે આ ઋતુ માટે યોગ્ય ઈનરવેરની પસંદગી કરવામાં આવે. આવો, જાણીએ આ ઋતુ માટે મહિલાઓએ કેવા ઈનરવેરની પસંદગી કરવી જોઈએ :
યોગ્ય ફેબ્રિકની પસંદગી :
ગરમીની ઋતુમાં અંડરગાર્મેન્ટ્સ માટે યોગ્ય ફેબ્રિકની પસંદગી ખૂબ જરૂરી બની જાય છે. કેટલીક મહિલાઓ જે ઈનરવેર શિયાળામાં પહેરતી હોય છે તે જ ઉનાળાની ઋતુમાં પણ પહેરવા લાગે છે, જ્યારે સારું તો એ છે કે બંને ઋતુમાં અલગઅલગ ફેબ્રિકના ઈનરવેર પહેરવા જોઈએ. જો શિયાળાની ઋતુમાં પહેરવામાં આવતા નાયલોન અથવા સિન્થેટિક ફેબ્રિકના ઈનરવેર ઉનાળાની ઋતુમાં પણ પહેરવામાં આવે તો શરીરમાંથી વધારે પરસેવો નીકળવા લાગે છે, જેથી અળાઈ થવાનો ડર રહે છે, પરંતુ આ ઋતુમાં કોટન, લાઈક્રા અથવા નેટના અંડરગાર્મેન્ટ્સ પહેરવાથી સ્કિનને ભરપૂર ઓક્સિજન મળી રહે છે.
પેડેડ ઈનરવેર પહેરવાથી દૂર રહો :
આજકાલ મહિલાઓમાં પેડેડ ઈનરવેરનો ક્રેઝ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જો આ પેડેડ ઈનરવેરને ઉનાળાની ઋતુના દ્રષ્ટિકોણથી જોઈએ તો તે સ્કિનના સ્વાસ્થ્ય માટે બિલકુલ લાભદાયી નથી. જો પેડેડ અંડરગાર્મેન્ટ્સ પહેરવા જ પડે તેમ હોય તો માત્ર કોટનમાંથી બનાવેલા જ પહેરવા.
- પહેરો લેયર્ડ અંડરગાર્મેન્ટ્સ :
ઘણી વાર મહિલાઓ જરૂર ન હોવા છતાં પણ એક પર એક એટલે ડબલ ઈનરવેર પહેરી લે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કેટલીક મહિલાઓ બ્રાની ઉપર સ્પેગેટી પહેરતી હોય છે તો કેટલીક મહિલાઓ પેન્ટી ઉપર શેપવેર નથી હોતી. જોકે તેના ૨ નુકસાન છે. પહેલું એ કે લેયર્ડ અંડરગાર્મેન્ટ્સ ગરમીની ઋતુમાં શરીરને વધારે ગરમ કરે છે અને બીજું કે તેની ચુસ્તતાના કારણે એક વિચિત્ર પ્રકારની તકલીફ અનુભવાતી હોય છે.
સ્ટ્રેપી અને સીમલેસ પેટર્ન :
આજકાલ અનેક બ્રાન્ડ સ્ટ્રેપી અને સીમલેસ અંડરગાર્મેન્ટ્સ ડિઝાઈન કરી રહી છે. આ પ્રકારના ઈનરવેર ગરમીની ઋતુમાં ખૂબ સુવિધાજનક રહે છે. તેનું આરામદાયક ફિટિંગ બોડીને યોગ્ય શેપ આપે છે અને તેની સ્ટ્રેપી ડિઝાઈન હવાને સરળતાથી સ્કિન સુધી પહોંચવા દે છે.
બ્રાની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખો આ વાત :
* ઉનાળાની ઋતુમાં અંડરવાયર વિનાની બ્રા જ પહેરો. ટીશર્ટ-બ્રા આ ઋતુમાં સૌથી વધારે ઉત્તમ રહે છે. આ બ્રા યોગ્ય ફિટિંગની સાથેસાથે આરામદાયક પણ હોય છે. તેને કોઈ પણ ટોપ સાથે પહેરી શકાય છે.
* ગરમીની ઋતુમાં ડીપ બેક કટ ડ્રેસ સાથે બેકલેસ બ્રા પહેરી શકાય છે. મહિલાઓમાં જોકે ખોટી માન્યતા હોય છે કે બેકલેસ બ્રા માત્ર એક વાર જ પહેરી શકાય છે, પરંતુ આ વાત સાચી નથી.
એક બેકલેસ બ્રાને લગભગ ૫૦ વાર ઉપયોગમાં લઈ શકાય છે. * નાની બ્રેસ્ટ ધરાવતી મહિલાઓ પુશઅપ બ્રા પહેરી શકે છે. આ બ્રાની ખાસિયત એ છે કે જ્યારે જરૂર હોય ત્યારે તેમાં પેડ્સ લગાવી શકાય છે અને જરૂર ન રહેતા પેડ્સને કાઢી શકાય છે.