ઘરની સજાવટમાં 'કુશન'ની પસંદગી
- ઓરડાના કદ, ફર્નિચર અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી કુશન પસંદ કરવાં
આજકાલ ઘરની સજાવટ તથા ઇન્ટિરીયર માટે ગૃહિણી એકદમ સજાગ થઈ છે. આ જ કારણે બજારમાં ઇન્ટિરીયર એસેસરીઝનું પ્રમાણ પણ વધી ગયું છે. તહેવારોમાં ઘરને નવું અને ટ્રેન્ડી લુક આપવાની ઇચ્છા થવી સહજ છે. પણ મધ્યમવર્ગીય ગૃહિણી મોંઘવારીને કારણે આ ઇચ્છા પૂરી કરી શકતી નથી. જોકે ઘરને અનોખો દેખાવ આપવા માટે ઘણો ખર્ચો કરવો પડે તે જરૂરી નથી. જરૂર છે ગૃહિણીએ પોતાની સૂઝ અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરવાની. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે માત્ર કુશન (નાના તકિયા)ની મદદથી ઘરને ટ્રેડીશનલ તથા મોડર્ન સ્પર્શ આપી શકાય છે. કુશનથી ઇન્ટિરીયરનો દેખાવ એકદમ વૈભવી બની જાય છે. આજે બજારમાં ઘણા પ્રકારના કુશન્સ ઉપલબ્ધ છે. ઓરડાના કદ અને સ્ટાઈલ તથા પોતાની જરૂરિયાત અનુસાર તે પસંદ કરી શકાય છે.
જો ઘરનું ડેકોર એકદમ સાધારણ હોય અને ફર્નીચર એકદમ જૂનું હોય તો કુશન મૂકીને ઇન્ટિરીયરને વાઈબ્રેન્ટ બનાવી શકાય છે. સોફા સાથે મેચ થતાં રંગના કુશન પસંદ કરવા. વધુ પડતાં કોન્ટ્રાસ્ટ કે ભડકીલા રંગ પસંદ કરવા નહિ. મિક્સ એન્ડ મેચ કરવાથી સારું પરિણામ મળશે. જો સોફા પર ફૂલોની ડિઝાઈન હોય તો કુશન પ્લેન લેવા. જો કુશન પણ ડિઝાઈનવાળા હશે તો બન્નેની સુંદરતા ખત્મ થઈ જશે.
ઓરડાના આકાર, લાઈટીંગ તથા ફર્નીચરને આધારે કુશન પસંદ કરવા. સામાન્ય રીતે બ્લેક, રેડ કે ડાર્ક બ્લુ જેવા રંગના કુશન સુંદર દેખાય છે અને તેનાથી રૂમ આકર્ષક દેખાય છે. હાલમાં ફૂલોની ડિઝાઈનવાળા ઘેરા શેડના કુશનનું ચલણ જોવા મળે છે. ક્યારેય એક જ સાઈઝના બધા કુશન ન લેવા. જો ડ્રોઈંગરૂમના સોફાના કવર પ્રિન્ટેડ હોય તો પ્લેન સાટીન કુશન કવર સરસ દેખાશે. કુશન ફેન્સી દેખાય તે માટે તેની પાછળ સિલ્કની મોટી દોરીઓ પણ લગાડી શકાય છે.
સામાન્ય રીતે કોટન, લિનન, સિલ્ક, બ્રોકેટ, મસ્લીન અને સાટીન જેવા ફેબ્રિકના કુશન જ વધારે પસંદ કરવામાં આવે છે. બેઠક ખંડમાં સુતરાઉ તથા પોલિસ્ટર ફેબ્રિકના બનેલા કુશન મૂકવા. સુતરાઉ અને પોલિસ્ટરના કુશનને જાળવવા સહેલા પડે છે. જો તમે ઇચ્છો તો વેલ્વેટના કુશન પણ મૂકી શકો. વેલ્વેટ કુશન અત્યંત સુવિધાજનક લાગે છે. સિલ્ક કુશનથી વૈભવશાળી દેખાય છે. આથી ઘણા લોકો સિલ્કના કુશન જ પસંદ કરે છે.
જો ચોક્કસ થીમ અનુસાર ઘરની સજાવટ કરી હોય તો તે અનુરૂપ કુશન પસંદ કરવા. વળી મહત્ત્વની વાત એ છે કે કુશનનો પ્રયોગ ઘરના ઓરડા સુધી જ સીમિત રહેતો નથી. પણ બાલ્કની, ગાર્ડન વગેરેમાં પણ કુશનની સજાવટ કરી શકાય છે. બાળકો હંમેશા જમીન પર બેસીને રમવાનું કે ટીવી જોવાનું પસંદ કરે છે. પરંતુ લાંબા સમય સુધી જમીન પર બેસી રહેવાથી શારીરિક દુખાવો થઈ શકે છે. આથી ફલોર કુશન્સનો ઉપયોગ કરવો. ફલોર કુશન્સ સામાન્ય કુશન કરતાં ઘણા મોટા હોય છે. અને મોટે ભાગે તો ફર્નીચર સાથે મેચ થતાં ફલોર કશન્સ મળે જ છે. જેમ કે જો ફર્નીચર લેધરનું હોય તો લેધર કુશનનો ઉપયોગ કરી શકાય છે.
હાલમાં વર્કવાળા કુશન્સનો ટ્રેન્ડ છે. મિરર વર્ક, બીડ વર્ક, ઝરદોશી, બ્રોકેડ, આરી જેવા વર્ક સાથે શેડેડ, પ્રિન્ટેડ, સ્ટ્રાઈપ્સ, ભૌમિતિક, ેએપ્લીક તથા મેટાલીક સ્પર્શવાળા કુશનનું ચલણ વધુ જોવા મળે છે. ગૃહ સજાવટમાં કુશન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે તેના આકારની સાથે પણ અનેક પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. રાજસ્થાની તથા ગુજરાતી સ્ટાઈલના મિરર વર્કના કુશન એથનીક લુક આપે છે. સામાન્ય રીતે તો સોફા પર મુકવા ચોરસ કુશનની માગ વધુ જોવા મળે છે. જોકે ચોરસ ઉપરાંત ગોળ, લંબગોળ જેવા આકારમાં પણ કુશન મળે છે. વળી કુશનને સજાવવા માટે દોરી, લેસ, મોતી, આભલા, બટન વગેરેનો પણ પ્રયોગ કરી શકાય છે. પેચવર્કના કુશનથી ઘરને એથનીક લુક મળે છે. પેચવર્ક પર બીડવર્ક અને સિકવન્સ હોય તો તે કોઈપણ પ્રકારના ઇન્ટિરીયર સાથે મેચ થાય છે.
ધ્યાનમાં રાખવા જેવી વાત :
* પ્રકૃતિ પ્રેમીઓ ફૂલ, પાંદડા, વૃક્ષની પ્રિન્ટ ધરાવતાં કુશન ડ્રોઈંગરૂમમાં મૂકી શકે છે. મ્યુટેડ બ્રાઉન, ગ્રીન તથા મસ્ટર્ડ કલરના કુશન સરસ દેખાય છે.
* ટપકાંની જેમ સ્ટ્રાઈટસ તથા બોર્ડરવાળા કુશન રૂમના દેખાવને વાઈબ્રન્ટ બનાવે છે. તેને અનોખી પેટર્નવાળા કુશન સાથે મૂકી શકાય છે.
* નાના-મોટા, ચોરસ કે હૃદય આકારના રંગીન કુશનને મિક્સ એન્ડ મેચ કરીને રૂમના એક ખૂણામાં અથવા જુના સોફાસેટ પરમૂકો.
* બાળકોના રૂમમાં પશુ-પક્ષીના કે કાર્ટુનપાત્રોના આકારના અથવા ભૌમિતિક ડિઝાઈનના કુશન સારા દેખાય છે. બ્રાઈટ ચેક્સ અથવા પોલ્કા ડૉટવાળા કૉટન ફેબ્રિકના કુશન ત્યાં ગોઠવી શકાય.
* સિલ્કની જુની સાડી કે પંજાબી સૂટમાંથી બનેલા કુશન બેડરૂમ અથવા ડ્રોઈંગરૂમમાં મૂકવાથી દેખાવ મનમોહક બની જશે.
* ઘેરા રંગની કાંજીવરમ સાડી જુની થઈ ગઈ હોય તો તેના નાના-નાના કુશન બનાવી દીવાન અથવા સોફા પર મૂકવા.
* કુશન કવરમાં જુની સાડીની બોર્ડર પણ લગાડી શકાય છે.