લેડી ડોક્ટરની વાત સાંભળી રજની જોરજોરથી રડવા લાગી તેના પતિ અભયે તેને શાંત કરાવતા કરાવતાં ડોક્ટરને કહ્યું ''ડોક્ટર સાહેબ, અમે ઘણી આશા લઈને તમારી પાસે આવ્યા હતા. પાંચ વર્ષથી દવા કરાવીએ છીએ પણ હજુ સુધી બાળક નથી થયું. અમે ધાર્યું હતું કે તમારી દવા લેવાથી ફાયદો થશે. તમારું ખૂબ નામ સાંભળ્યું હતું પણ તમે તો દવા કરવાની જ ના પાડો છો. હવે અમારે શું કરવુું? જુઓ આ રડીરડીને કેવી થઈ ગઈ છે.
ડોક્ટરે હસતાં હસતાં કહ્યું, ''હું દવા કરવાની ના નથી પાડતી. તમારી પત્નીના રિપોર્ટ જણાવે છે કે તેમને કોઈ દવાની જરૂર નથી. હું તેમનું ચેકઅપ કરીને કહી રહી છું કે તેઓ શારીરિક રીતે બિલકુલ ફિટ છે એટલે કે ગર્ભાધાન માટે બધી રીતે તૈયાર માત્ર તેમની માનસિક સ્થિતિને કારણે જ તેમને ગર્ભ નથી રહેતો. આટલા બધા ડિપ્રેશનમાં કોઈ પણ સ્ત્રી ગર્ભધારણ કરી જ ન શકે. ગર્ભાધાન માટે સ્ત્રીનું શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ હોવું જરૂરી છે. બની શકે તો તમારી પત્નીને કોઈ સારા મનોચિકિત્સક પાસે લઈ જાઓ.''
સંશોધન અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે ડિપ્રેશનને કારણે સ્ત્રીમાં વંધ્યત્વ આવી શકે છે. તાણ અને વંધ્યત્વ વચ્ચે ગાઢ સંબંધ છે. ડિપ્રેશનથી પીડિત સ્ત્રીઓમાં વંધ્યત્વની શક્યતા બમણી થઈ જાય છે. ડિપ્રેશન અથવા વિષાદ દરમિયાન સ્ત્રીઓની ગર્ભધારણ ક્ષમતા ૨૪ ટકા હોય છે. જ્યારે તેના ઉપચાર પછી આ ક્ષમતા ૬૦ ટકા થઈ જાય છે.
હવે સવાલ એ ઊભો થાય છે કે ડિપ્રેશન એક સ્ત્રીની પ્રજનન ક્ષમતા ઉપર કઈ રીતે અસર પાડે છે. કોઈ પણ પ્રકારની વ્યાકુળતા, વ્યગ્રતા, વિષાદ અથવા તાણ શરીરના પ્રતિકારક તંત્રને અંદરથી નિર્બળ બનાવી દે છે. આ નિર્બળ પ્રતિકારક તંત્ર સ્ત્રીની ગર્ભધારણ ક્ષમતા ઉપર પોતાનો ખરાબ પ્રભાવ પાડે છે. પ્રજનનતંત્ર ખૂબ જ નાજુક હોય છે. કોઈપણ જાતની માનસિક તાણ ગર્ભાવસ્થાની દરેક સ્થિતિ ઉપર પ્રભાવ પાડે છે. માનસિક તાણને લીધે હાઈપોથેલેમસથી હોર્મોનનો સ્ત્રાવ વધે અથવા ઘટે છે, જેના લીધે પિચ્યુટરી અને એડ્રિનલ હોર્મોનની ક્ષમતા ઉપર ખરાબ પ્રભાવ પડે છે. હાઈપોથેલેમસનું અસમતોલન ગર્ભાધાન, ટયૂબની કાર્યક્ષમતા અને ગર્ભાશયમાં ઈંડાના ફલીકરણ ઉપર પણ પ્રતિકૂળ અસર કરે છે.
સ્ત્રીની અદમ્ય ઈચ્છા છતાં જ્યારે ગર્ભાધાન નથી થતું ત્યારે તે અધૂરાપણાંના અહેસાસને કારણે ઉદાસ અને માનસિક રીતે વ્યગ્ર થઈ જાય છે. કોઈપણ જાતની શારીરિક ખોેડને કારણે આવેલું વંધ્યત્વ તેને વિષાદમાં ડુબાડી દે છે. ડોક્ટરી ઉપચારથી સ્ત્રી શારીરિક રીતે ફિટ પણ થઈ ગઈ હોય તો પણ માનસિકતા કે ડિપ્રેશનમાંથી બહાર આવતાં તેને ઘણો સમય લાગે છે. વંધ્યત્વનો ઉપચાર બે-ત્રણ વર્ષમાં થઈ શકે છે પણ ડિપ્રેશનનો ઉપચાર કરતાં છ વર્ષ પણ થઈ શકે છે.
કેટલાંક વૈજ્ઞાાનિક તથ્યોના આધાર પર જાણવા મળ્યું છે કે જો સ્ત્રીનો ડિપ્રેશન પહેલાં જ ઉપચાર થઈ જાય તો વંધ્યત્વ પછી પણ તે વિષાદમાં સરી નથી પડતી અને વંધ્યત્વના ઉપચાર બાદ તરત જ તે ગર્ભધારણ કરવા સક્ષમ થઈ જાય છે. કહેવાનો અર્થ એ છે કે સ્ત્રીને ડિપ્રેશનમાં આવવા દેવી ન જોઈએ.
ગર્ભધારણની તકો વધારવા માટે સ્ત્રી ડિપ્રેશનમાં ન આવી જાય તે માટે નીચે મુજબના ઉપાય કરવા જરૂરી છે.
રિલેક્સેશન ટેક્નિક
માનસિક સમતોલન જાળવી રાખવા માટે યોગ, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ ખૂબ જ અગત્યનાં છે. મનને શાંત કરવા માટે યોગ એક ઉત્તમ ક્રિયા છે. પ્રિનેટલ અને ફેમિલી ડેવલપમેન્ટમાં પીએચડી.ડૉ.ગેલે પેટરસનના મત મુજબ તેમની પાસે એવી સાયકોથેરપિ છે જેનાથી શરીરને સંમોહિત કરીને કલ્પનાશક્તિને પ્રબળ કરી શકાય છે. જે સ્ત્રીમાં વંધ્યત્વને કારણે આવેલ માનસિક તાણને દૂર કરવા માટે ખૂબ જ સચોટ સાબિત થઈ શકે છે.
સંમોહન, કલ્પનાશક્તિ અને શિથિલતા ભેગાં થઈને મગજનાં સુષુપ્ત ભાવનાત્મક કેન્દ્રોમાં સતત શક્તિનો સંચાર કરે છે. મગજનું આ કેન્દ્ર માનસિક ક્રિયાઓને સંતુલિત કરે છે.
સકારાત્મક ભાવનાઓ ઉત્પન્ન થાય છે. અને તેમને તાણથી મુક્ત કરે છે. આ ટેક્નિકમાં સ્ત્રીઓને તેમનું ગર્ભાશય એકદમ સ્વસ્થ છે એવી કલ્પના કરવાનું કહેવામાં આવે છે.
ભાવનાત્મક અભિવ્યક્તિ
કલ્પનાશક્તિ પ્રબળ બનાવીને અટકી ન જાઓ. તાણમુક્ત થવા માટે નકારાત્મક ભાવનાઓ અને મનમાં રહેલા અજ્ઞાાત ડરને બહાર કાઢવો ખૂબ જ જરૂરી છે.
અજ્ઞાાત ડર એને નકારાત્મક વિચારો જ ડિપ્રેશનનું કારણ બને છે. તમારા ડર ગુસ્સા અને નિરાશાને ઓળખવાનો પ્રયત્ન કરો. તમારી જિજ્ઞાાસા અને ભાવનાઓને પોતાના જેવા લોકો સાથે વહેંચો જ્યારે નિરાશ થઈ જાઓ ત્યારે થોડું રડી લો. ગુસ્સો આવે તો કોઈના ઉપર ઉતારી મનને શાંત કરી લો. તેને અંદર ને અંદર સળગવા ન દો. આવી રીતે નકારાત્મક ભાવનાઓ બહાર નીકળી જવાથી તમારા વિચારો આશાવાદી બની જશે.
વિચારો અને ભાવનાઓને લિખિત સ્વરૂપ આપો
પોતાનાં મનના વિચારો જો કોઈ સાથે વહેંચી ન શકો તો તેને લિખિત રૂપ આપો. તમારી પર્સનલ ડાયરીમાં તમારા વિચારો ખુલ્લા દિલથી લખો. આવું કરવાથી તમારી બધી નકારાત્મક ઊર્જા બહાર નીકળીને ડાયરીનાં પાના ઉપર આવી જશે. તમે કંઈ પણ લખી શકો છો પણ તમારું લક્ષ્ય ભૂલવું નહીં. આવા ભાવ લખતી વખતે એવું પણ લખો કે તમારે બાળક જોઈએ છે. જો તમે તમારી ભાવનાઓને નકારાત્મક વિચારો સાથે પ્રકટ કરો છો તો એ વાત નક્કી થઈ જાય છે કે તમે ખૂબ જ નિરાશ અને ગુસ્સામાં છો.
તમારી ભાવનાઓને ભવિષ્યમાં બનનારી ઘટના સાથે જોડવાને બદલે તેને ઓળખવાનો પ્રયત્ન કરો. બાળક જોઈએ છે એના બદલે લખો કે બાળક માટે જે પણ કંઈ કરવું જોઈએ તે હું કરી રહી છું.
સમૂહ સયોગ
સગર્ભા થવાની અદમ્ય ઈચ્છા હોવા છતાં સગર્ભા ન થઈ શકવાની અયોગ્યતા તમારી અંદર વિષાદ ઉત્પન્ન કરે છે. આમ પણ સ્ત્રીઓ બહુ જ જલદી હતાશ થઈ જતી હોય છે. તેઓ પોતાને ખૂબ જ જલદી અયોગ્ય અને અધૂરી સમજવા લાગે છે. આ વાત તેમના આત્મસન્માન ઉપર ઘા કરે છે અને સાથે સાથે તેમના લગ્નજીવન ઉપર પણ અસર કરે છે. તે પિડાયેલી અને તાણગ્રસ્ત થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં તેને સખીઓ, શુભચિંતકોની મદદની જોડે જોડે માનસિક ચિકિત્સકની પણ જરૂરત પડે છે.
લોકો જોડે હળોમળો તેમને તમારી જોડે વાત કરવાની તક આપો જેના દ્વારા તેઓ તમારી મદદ કરી શકે. સમાજથી દૂર ન રહો. આનંદમાં રહીને તમારી માનસિક તાણને ભૂલીને ખુશ રહેવાનો પ્રયાસ કરો.
ડોક્ટરી ઈલાજ અને તાણમુક્ત થઈને જ તમે વંધ્યત્વથી મુક્તિ પામી શકશો.
- અદિતી


