- આરોગ્ય સંજીવની
'બાળક' એ પરમાત્માએ આપેલી ખૂબ જ અમૂલ્ય ભેટ છે. તેનું લાલન-પાલન અને ઉછેર ખૂબ જ કાળજીપૂર્વક અને સાવધાનીથી કરવો જોઈએ. પોતાનાં બાળકોનું આરોગ્ય જળવાઈ રહે અને તેમનો સર્વાંગીવિકાસ સરળ રીતે થાય તે જોવાની દરેક માતા-પિતાની નૈતિક ફરજ છે. પરંતુ આજનાં ભાગ-દોડ ભર્યા જીવનમાં માતા-પિતા બાળક ઉપર જોઈએ તેટલું ધ્યાન આપતા નથી કે આપી શકતા નથી. પરિણામે બાળકોમાં અનેક ઉણપો કે રોગો જોવા મળતા હોય છે.
આજે 'આરોગ્ય સંજીવની'માં બાળકોની તકલીફો રોગો અને સારવાર વિશે જ મારે વાત કરવી છે. આજ-કાલ બાળકોમાં પથારીમાં પેશાબ, આંખોનાં નંબર, તાવ-શરદી- ખાંસી, ઊંચાઈ બરાબર ન વધવી, કૃમિ, યાદશક્તિ ઓછી હોવી, બાળકને દાંત આવતી વખતે થતી તકલીફો અનિંદ્રા, પેટમાં દુ:ખાવો વગેરે તકલીફો સામાન્ય રીતે જોવા મળતી હોય છે.
દુર્બળ બાળકોને પુષ્ટ બનાવવા માટે :
૧) ૧ ચમચી પાલખનો રસ મધ મેળવીને પીવડાવવો.
૨) તુલસીનાં પાનનોં રસ પાંચથી દસ ટીપાં પાણીમાં મેળવીને પીવડાવવાથી બાળક જલદી ચાલતાં શીખે છે. તેનાં સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે.
૩) ખજૂરની એક પેશી મીક્ષચરમાં ક્રશ કરી (થોડું પાણી નાંખવું) ચોખાનાં ઓસાપણમાં મેળવીને બાળકને રોજ આપવાથી સાવ કંતાઈ ગયેલા, દૂબળાં બાળકો પણ હુષ્ટ-પુષ્ટ અને ભરાવદાર બને છે. જો તકલીફ વધારે હોય તો બલ્ય ઔષધો પણ વૈદ્યની સલાહ પ્રમાણે બાળકને આપી શકાય છે.
બાળકને પુષ્ટ કરવા ખોરાક ઉપરાંત તેના નબળા પડી ગયેલાં અવયવો માટે બલ્ય- ઔષધતેલથી હળવે હાથે માલિશ કરવી.
- બાળકની યાદશક્તિ વધારવા :
બાળકની યાદશક્તિ વધારવા આયુર્વેદમાં 'સુવર્ણપ્રાશન સંસ્કાર'બતાવ્યો છે. જે ૧ મહિનાનો બાળકથી લઈ ૧૨ વર્ષ સુધીનાં બાળકને કરાવી શકાય છે. 'સુવર્ણપ્રાશન'થી બાળકની યાદશક્તિ તો વધે જ છે. સાથે-સાથે તેની રોગ-પ્રતિકારક શક્તિ પણ ખૂબ વધે છે. પરંતુ માતા-પિતાએ એ ધ્યાન રાખવું કે 'સુવર્ણપ્રાશન' અસલ સુવર્ણભસ્મ થી બનેલું હોવું જોઈએ. જો સુવર્ણપ્રાશનમાં 'સુવર્ણ' જ ન નાખેલ હોય તો આવાં 'સુવ્રણપ્રાશન' થી બાળકને ફાયદો થતો નથી.
- આ સિવાય બદામ બાળકની ઉંમરનાં પ્રમાણમાં મધ કે સાકર સાથે ઘસારો કરી (પલાળીને) પીવાથી બાળક તેજસ્વી બુદ્ધિવાળું થાય છે.
- બાળકની ઊંચાઈ વધારવા :
- જે બાળકોની ઊંચાઈ ન વધતી હોય તેમને કાંદો અને ગોળ ખવડાવવો.
- અશ્વગંધાનું ચૂર્ણ વૈદ્યની સલાહ મુજબ ઘી કે સાંકરમાં આપવું.
- પુલપ્સ કરાવવાથી પણ ઊંચાઈમાં વધારો થાય છે.
- ખોરાકમાં બાળકોને કેળા અને દૂધ આપવાં.
- બાળકોનાં સાઈકલની સીટ ઊંચી કરાવી પગ ખેંચાય તે રીતે સાઈકલીંગ કરવાની સલાહ આપવી આ સિવાય વૈદ્યની સલાહમુજબ આયુર્વેદીક ઔષધ પણ આપી શકાય છે.
- પેટમાં કૃમિ હોય તો :
- બાળકનાં પેટમાં કૃમિ થયા હોય તો તેને છાશમાં વાવડીંગનું ચૂર્ણ વૈદ્યની સલાહ મુજબ આપવું.
- રાત્રે વાવડીંગ ચૂર્ણ ગોળમાં આપવું અને સવારે હરડેનોં ઘસારો વૈદ્યની સલાહ મુજબ આપવો.
- વારંવાર શરદીથી ભરાઈ જતાં બાળક માટે :
- તુલસીનો રસ + મધ ચમત્કારિક લાભ આપે છે.
- વધારે શરદી રહેતી હોય તો આદુનો રસ કાઢી થોડીવાર ઠરવા દો. પછી તેનો ઉપરનો રસ ૨ ટીપાં થી ૧૦ ટીપાં ઉંમરનાં પ્રમાણમાં મધ મેળવી પીવડાવો.
- બાળકને અપાતાં દૂધમાં સૂંઠ, વાવડીંગ, ગંઠોડા, જાવંત્રી અને થોડુંક કેસર મેળવી ચૂર્ણ બનાવી રાખો. આ ચૂર્ણ બાળકનાં દૂધમાં બાળકની ઉંમર પ્રમાણેની માત્રામાં મેળવો અને હૂંફાળું દૂધ આપો. હળદર મેળવશો તો અતિ ઉત્તમ લાભ થશે.
- બાળકનાં દાંત સહેલાઈથી આવી જાય તે માટે :
- વસ્ત્રગાળ કરેલું ચપટી સિંધાલૂણ મધમાં મેળવી હળવા હાથે બાળકનાં પેઢા ઉપર માલીશ કરવી.
- તુલસીનાં પાનનોં રસ મધ મેળવી પેઢા ઉપર રોજ હળવે હાથે માલિશ કરવાથી દાંત ખબર પણ ન પડે તેટલી સરળતાથી આવી જાય
- આ સિવાય ચપટી લીંડીપીપરચૂર્ણ અને ચપટી ફૂલાવેલાં ટંકણખારનું ચૂર્ણ મધમાં મેળવી તેની દાંતનાં પેઢા ઉપર હળવા હાથે માલિશ કરવાથી પણ દાંત ખૂબ સરળતાથી આવી જાય છે.
ઉપરોક્તમાંથી કોઈ પણ એક પ્રયોગ નિયમિત રૂપો કરવાથી બાળકને દાંત આવવાની સમસ્યામાંથી સહેલાઈથી છૂટકારો મળે છે. આ સિવાય નાની ઉંમરમાં બાળકને ચશ્માનાં નંબર આવી ગયા હોય તો, 'તર્પણ ચિકિત્સા શાસ્ત્રોક્ત રીતે કરાવવાથી ઘણો જ ફાયદો થઈ શકે છે.' છેલ્લે હું દરેક માતા-પિતાને એટલું સૂચન અવશ્ય કરીશ કે અતિલાડમાં બાળકોની પ્રકૃતિ અને સ્વાસ્થ્યને અનુકૂળ ન આવે તેવા કોઈ પદાર્થો ખવડાવવાનાં બદલે આરોગ્યલક્ષી કાળજી લેશો તો બાળકનાં સ્વાસ્થ્યની ચિંતામાં ચોક્કસ ઉજાગરા નહીં કરવા પડે.
- જહાનવીબેન ભટ્ટ


