સફેદ અને કાળા ટપકાંવાળા નાનકડા ચિયા બીજ તેના પ્રભાવશાળી આરોગ્ય લાભને કારણે પોષણની દુનિયામાં ચકચાર જગાવી રહ્યું છે. ફાલૂદા અથવા વિવિધ હેલ્થ ફૂડમાં નજરે પડતા આ ઝીણા જેલ જેવા દાણા જોઈને આશ્ચર્ય થાય કે શા માટે તેને આટલા મહત્વના માનવામાં આવે છે.
સેલ્વિયા હિસપેનિકા છોડમાંથી મળી આવતા ચિયાના બીજનો માયા અને એઝટેકની પ્રજાતિમાં ધરબાયેલો સમૃદ્ધ ઈતિહાસ છે જેમણે આ બીજના પોષક અને ઔષધીય ગુણોને ઓળખી કાઢ્યા હતા. આજે જરૂરી પોષક તત્વો ધરાવતા ચિયા સીડ્સને સુપરફૂડ તરીકે માનવામાં આવે છે જેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. ચિયા સીડ્સના પૂરતા લાભ મેળવવા તેના સેવનની યોગ્ય રીત પણ જાણી લેવી જોઈએ.
પોષક તત્વોનો અમૂલ્ય ભંડાર
પ્રાચીન સમાજમાં પોતાના મૂળ ધરાવતા ચિયા સીડ્સ પોષક તત્વોનો ખજાનો છે તેની જાણ હવે વિશ્વને થઈ ચુકી છે. ચિયા સીડ્સનું મૂળ વતન છે દક્ષિણ અને મધ્ય અમેરિકા, ખાસ કરીને ગોટેમાલા અને મેક્સિકોમાં તેનો ઉદ્ભવ થયો હોવાનું માનવામાં આવે છે. માયા અને એઝટેક પ્રજાએ તેની ઊર્જા અને શક્તિ આપવાના ગુણ ઓળખી કાઢ્યા હોવાથી તેમના રોજિંદા ખોરાકમાં ચિયા સીડ્સનો ભરપૂર ઉપયોગ થતો હતો. ચિયા શબ્દનો અર્થ જ માયાની ભાષામાં શક્તિ એવો થાય છે. આ જ બાબત તેમની સંસ્કૃતિમાં આ બીજના મહત્વને ઊજાગર કરે છે. માયાની સંસ્કૃતિમાં ચિયા સીડ્સનો ઉપયોગ ખોરાક ઉપરાંત ધાર્મિક વિધિઓ તેમજ ચલણના રૂપમાં પણ થતો હતો.
પ્રાચીન મૂળ હોવા છતાં ચિયા સીડ્સની મહત્તા તાજેતરના વર્ષોમાં જ જાણીતી બની છે. આધુનિક પ્રજા હવે આરોગ્ય પ્રત્યે જાગૃત બની હોવાથી તેને સુપરફૂડ્સમાં વધુ રસ જાગ્યો છે. આ નાનકડા બીજમાં અતુલ્ય પોષણ તત્વો છે જેના માત્ર નાનકડા હિસ્સામાં ઉચ્ચ કક્ષાનું પ્રોટીન, ફાઈબર, ઓમેગા-૩ ફેટી એસિડ્સ અને વિવિધ જરૂરી ખનિજો પૂરા પાડે છે. જો કે ચિયા સીડ્સના પૂરા લાભ લેવા હોય તો તેના સેવનનો યોગ્ય પ્રકાર જાણી લેવો જોઈએ.
ચિયા સીડ્સનો યોગ્ય પ્રકાર પસંદ કરવો
ચિયા સીડ્સની પસંદગી કરતી વખતે તેની ગુણવત્તા, પરિપકવતા ધ્યાનમાં રાખવી જોઈએ.પરિપકવ ચિયા સીડ્સ વિશિષ્ટ રીતે કાળા અને સફેદ હોય છે અને તેના ટપકા સ્પષ્ટ દેખાતા હોય છે. આ બીજ પોષક તત્વોથી યુક્ત હોય છે અને તે સ્વાદહીન હોવાથી વિવિધ ડિશોમાં સરળતાથી ભળી જાય છે.
જો કે કેટલાક વિક્રેતા અપરિપકવ, કાચા, બ્રાઉન રંગના ચિયા સીડ્સને ખરા હોવાનું કહીને પધરાવી દેતા હોય છે. બ્રાઉન રંગના ચિયા સીડ્સમાં પોષક તત્વો ઓછા હોય છે તેમ જ તે સ્વાદમાં પણ કડવા હોય છે. શક્ય હોય ત્યાં સુધી ગુણવત્તા અને ખરાપણાની ખાતરી આપતા હોય તેવી નામાંકિત બ્રાન્ડના ચિયા સીડ્સ ખરીદવા.
ચિયા સીડ્સનો સંગ્રહ
ચિયા સીડ્સની સૌથી મહત્વની બાબત છે કે તેને લાંબો સમય સુધી સાચવી શકાય છે. યોગ્ય રીતે સાચવવામાં આવે તો ચિયા સીડ્સ તેના પોષક તત્વો ગુમાવ્યા વિના મહિનાઓ સુધી સારા રહી શકે છે. ચિયા સીડ્સને તાજા રાખવા તેને એરટાઈટ કન્ટેનરમાં ઠંડી અને સુકી જગ્યામાં સીધા સૂર્ય કિરણોથી દૂર રાખવા જોઈએ. એનાથી તે વાસી નહિ થાય અને તેના પોષક તત્વો લાંબો સમય જળવાઈ રહેવાની ખાતરી મળશે.
ચિયા સીડ્સનું સેવન
ચિયા સીડ્સ અભૂતપૂર્વ રીતે વર્સેટાઈલ છે અને તેેને અનેક પ્રકારની ડિશોમાં સામેલ કરી શકાય છે. જો કે આરોગ્ય સામે કોઈપણ જોખમ નિવારવા તેનું યોગ્ય રીતે સેવન કરવું જરૂરી છે. ચિયાના બીજને પાણીમાં પલાળી રાખવાથી તે પોતાના વજનથી દસ ગણુ પ્રવાહી શોષી લે છે અને જેલ જેવો પદાર્થ બની જાય છે. આ જેલ જેવો પદાર્થ ખાવામાં તો સ્વાદિષ્ટ છે સાથે તે પાચન ક્રિયા અને પોષક તત્વોના શોષણમાં પણ સહાય કરે છે.
મહત્વની વાત છે કે ક્યારે પણ સૂકા ચિયા સીડ્સ પાણી સાથે સીધા ગળવા નહિ. એનાથી ક્યારેક અન્નનળીમાં ચિયા સીડ્સ વિસ્તરી જતા અવરોધ સર્જાય છે જેના માટે ક્યારેક સર્જરી પણ કરવી પડે છે. આવું ટાળવા હમેંશા ચિયા સીડ્સનું સેવન કરવા અગાઉ તેને પાણીમાં પલાળી રાખવા અથવા તે સુરક્ષિત પણે પ્રવાહીનું શોષણ કરે તેવી ડિશમાં ભેળવી દેવા. સામાન્યપણે ચિયા સીડ્સ ખીર, પેન કેક, મફીન્સ, બ્રેડ તેમજ બિસ્કિટમાં ભેળવીને અથવા તેની સ્મૂધી બનાવીને આરોગી શકાય છે.
ચિયા સીડ્સના આરોગ્ય લાભ
૧. પોષણમાં સમૃદ્ધ
માત્ર બે ચમચી અથવા લગભગ ૨૮ ગ્રામ ચિયા સીડ્સમાં ૪ ગ્રામ પ્રોટીન, ૯ ગ્રામ સ્વસ્થ ચરબી (ઓમેગા-૩ ફેટી એસિડ્સ), ૧૧ ગ્રામ ફાઈબર અને કેલ્શિયમ, મેગનેશિયમ, મેન્ગેનીસ અને ફોસફરસ નોંધપાત્ર પ્રમાણમાં હોય છે. પોષક તત્વોના આવા પ્રમાણને કારણે ચિયા સીડ્સ વિટામીન અને ખનિજ તત્વોનું સેવન વધારવા માગતા લોકો માટે આદર્શ પસંદગી બની રહે છે.
૨. એન્ટીઓક્સિડન્ટ્સનું વધુ પ્રમાણ
ચિયા સીડ્સમાં એન્ટીઓક્સીડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે જે કોષોને નુકસાન પહોંચાડતા તેમજ વય વૃદ્ધિ અને કેન્સર જેવી બીમારીમાં ફાળો આપતા મુક્ત રેડિકલ્સથી શરીરનું રક્ષણ કરે છે. ચિયા સીડ્સ જેવા એન્ટીઓક્સીડન્ટથી ભરપૂર ખોરાક રોજિંદા આહારમાં સામેલ કરવાથી મુક્ત રેડિકલ્સની હાનિકારક અસરોથી બચી શકાય છે અને એકંદર સ્વાસ્થ્યને લાભ થાય છે.
૩. ઉચ્ચ ગુણવત્તાના પ્રોટીનનો સ્રોત
ચિયા સીડ્સમાં તેના વજનના ૧૪ ટકા પ્રોટીન હોવાથી તે છોડ આધારીત પ્રોટીનનો ઉત્તમ સ્રોત બને છે. ખાસ કરીને શાકાહારીઓ અને વેગન આહારનું પાલન કરનારા માટે આ મહત્વનું છે. પેશીઓના નિર્માણ અને સમારકામ માટે પ્રોટીન આવશ્યક છે, અને તે તંદુરસ્ત ચયાપચય જાળવવામાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તદુપરાંત, ચિયાના બીજમાં ઉચ્ચ પ્રોટીનની માત્રા ભૂખ ઘટાડવામાં મદદ કરતી હોવાથી વજન ઘટાડવાના આહારમાં ચિયાના બીજ મૂલ્યવાન સાબિત થઈ શકે છે.
૪. વેગનો માટે કેલ્શિયમનો ઉત્તમ સ્રોત
કેલ્શિયમ યુક્ત આહાર મોટાભાગે પ્રાણીજન્ય હોવાથી વેગન આહારનું પાલન કરનારા માટે કેલ્શિયમ મેળવવું મુશ્કેલ હોય છે. ચિયા સીડ્સના માત્ર ૨૮ ગ્રામમાં લગભગ દૈનિક જરૂરીયાતનું ૧૮ ટકા કેલ્શિયમ હોવાથી તે છોડ આધારિત કેલ્શિયમનો ઉત્તમ સ્રોત છે. ઉપરાંત જેને દૂધની એલર્જી હોય તે પણ ચિયા સીડ્સમાંથી તેની કેલ્શિયમની જરૂરીયાત પૂરી કરી શકે છે.
આમ ચિયાના બીજ કોઈપણ આહારમાં સરળતાથી સામેલ કરી શકાતા અત્યંત વર્સેટાઈલ અને પોષક તત્વોથી સમૃદ્ધ આહાર છે. તેને ખીર, પૂડીંગ, સ્મૂધી, પેન કેક, બ્રેડ અથવા બિસ્કિટમાં સરળતાથી ઉમેરી શકાય છે. ઉચ્ચ ગુણવત્તાના ચિયાના બીજ મેળવવા, તેનો યોગ્ય રીતે સંગ્રહ કરવો અને સુરક્ષિત તેમજ સ્વાદિષ્ટ રીતે તેનું સેવન કરીને એકંદર સ્વાસ્થ્ય માટે તેને મહત્તમ લાભ મેળવી શકાય છે.
- ઉમેશ ઠક્કર


