- ચશ્મીશ નહીં....
- એક સમય એવો હતો જ્યારે યુવતીઓ માટે ચશ્મા અભિશાપ સમાન ગણાતા. ચશ્મા પહેરતી છોકરીઓને ચશ્મીશ કહીને ચીડવવામાં આવતી. જેમની આંખોના નંબર વધુ હોય તેમને જાડા કાચના ચશ્મા પહેરવા પડતા. તે વખતે હજી સોફિસ્ટિકેટેડ ગ્લાસ નહોતા શોધાયા. આવા ચશ્મા પહેરનારી યુવતીઓ માટે એમ કહેવાતું કે તેના ચશ્માના કાચ સોડાવૉટરના ગ્લાસ જેવા છે. ખેર.., હવે એ સમય વિતી ગયો છે. હવે ચશ્મા પહેરતી યુવતીઓને ચશ્મીશ કહીને ચીડવવામાં નથી આવતી, બલ્કે તેના દેખાવને 'ચશ્મા લુક' કહેવામાં આવે છે.
'ચશ્મા લુક' નવી ફેશન બની ગઈ છે, તે એક પ્રકારની સ્ટાઈલ બની ગઈ છે. ફેશનિસ્ટો કહે છે કે ચશ્મા જે તે માનુનીનું મેકઓવર કરવામાં મદદ કરે છે. કદાચ એટલે જ જેમને ચશ્માની બિલકુલ જરૂર ન હોય એવી પામેલાઓ સુધ્ધાં માત્ર નોખા દેખાવ માટે ચશ્મા ચડાવે છે.
આ ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે તેનું કારણ છે જાણીતી રમણીઓની ચશ્મા પ્રત્યેની ઘેલછા. તાજેતરમાં એક રીઆલિટી શોના નિર્ણાયક અને કોરિયોગ્રાફર ગીતા માએ ચશ્મા લુકમાં દેખા દીધી હતી. જ્યારે સારા અલી ખાન અને અનન્યા પાંડે જેવી અભિનેત્રીઓ ઘણી વખત એરપોર્ટ પર ચશ્મા લુકમાં દેખાઈ છે. થોડા સમય પહેલા દીપિકા પાદુકોણે એક બૉલીવૂડ પાર્ટીમાં ચશ્મા પહેર્યાં હતાં. જ્યારે કંગના રણૌત ફેશન ઇવેન્ટ્સ, મૂવી સ્ક્રીનિંગ કે ગેટ ટુગેધર્સમાં અવારનવાર ચશ્મા ચડાવીને આવે છે.
ફેશનિસ્ટો કહે છે કે ચશ્મા માત્ર સોબર લુક નથી આપતાં, બલ્કે પ્રોફેશનલ લુક પણ આપે છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જણાઈ આવ્યું હતું કે ચશ્મા આસાનીથી પ્રોફેશનલ લુક આપે છે. નોકરી અપાવતી ઘણી વેબસાઈટ્સે પણ માન્યું હતું કે ચશ્મા તાત્કાલિક પ્રોફેશનલ લુક આપે છે. તાજેતરમાં ઇંગ્લેન્ડમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં પણ જણાવવામાં આવ્યું હતું કે એકચતુર્થાંશ યુવાનો માને છે કે ચશ્મા તેમને પ્રોફેશનલ લુક આપે છે. જ્યારે ૫૫ ટકા યુવાનોએ કહ્યું હતું કે ચશ્મા પહેરવાથી તેઓ બુધ્ધિશાળી દેખાય છે.
જોકે ચશ્મા ખરીદતી વખતે તમારા ચહેરાના આકારને અચૂક ધ્યાનમાં લો. જો તમારો ચહેરો ગોળ હોય તો નેરો ફ્રેમના ચશ્મા ખરીદો. જ્યારે ચોરસ ચહેરો ધરાવતી માનુનીને એંગ્યુલર સ્ટાઈલના ચશ્મા વધુ શોભશે.
- વૈશાલી ઠક્કર


