નારીના લોચનોની પ્રશંસા કરતી સેંકડો કવિતાઓ કવિઓ લખી ચૂક્યા છે. નારીની ખૂબસુરત આંખો કવિની કલ્પનાને પાંખો આપવા પૂરતી છે. નયનો માત્ર મનનું દર્પણ જ નથી પરંતુ સુંદરતાનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે એ વાત સમજાવવાની જરૂર નથી. આજે મેકઅપની કળાને કારણે નિસર્ગે બક્ષેલી સુંદરતાને ઓર નિખારી શકાય છે. આંખોની સુંદરતા વધારવા માટે આ લેખમાં આપેલા કેટલાક સૂચનોનો અમલ કર્યા પછી તમને ફરિયાદ કરવાનો મોકો નહીં મળે એ વાતની ગેરન્ટી છે.
મસ્કરાની પસંદગી
તમારા માથાના વાળની જેમ આંખની પાંપણોને પણ શુષ્કતાનો સામનો કરવો પડે છે. ઓછી ગુણવત્તા ધરાવતી મસ્કરાનો ઉપયોગ કરવામાં આવેતો પાંપણો સૂકાઇને તૂટી જવાની શક્યતા છે. હા, મનની ઇચ્છા પૂરી થાય છે કે નહીં એ જાણવા માટે ખરી પડેલો પાંપણનો એકાદ વાળ જ પૂરતો છે. પાંપણના બધા વાળ ખરી પડે તો મસમોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. આથી પાંપણોની સુંદરતા જળવાઇ રહે એ માટે વિટામીનો તેમજ મીણયુક્ત મસ્કરાનો જ ઉપયોગ કરવો. પાંપણો ઘટ્ટ બનાવવાનો વિકલ્પ પણ બજારમાં ઉપલબ્ધ છે. આ એક રેસાયુક્ત વસ્તુ છે. જો કે સંવેદનશીલ લોકોને આ વાપરવાથી તકલીફ થઇ શકે છે. આથી ખાસ પોલિમરથી બનાવેલી બનાવટી પાંપણો વાપરવી જેને કારણે વેદનાનો અનુભવ કરવો પડે નહીં.
રંગીન મસ્કરા
પાંપણને પોશાક સાથે મેળ ખાતો રંગ આપવા માટે પણ બજારમાં વિવિધ વિકલ્પ મોજુદ છે.
મસ્કરા લગાડવાનું બ્રશ
બલ્બ જેવું ગોળાકાર બ્રશ- આ બ્રશ દ્વારા એક સાથે જ રંગનો ઘટ્ટ થર લગાડી શકાય છે.
સીધું અને પાતળું બ્રશ- પાંપણના મૂળ સુધી આ બ્રશ પહોંચી શકે છે.
વળાંકવાળું બ્રશ- આ પ્રકારના બ્રશના વાળ એક સાથે જ બધા વાળને સ્પર્શ કરતા હોવા છતાં પણ તમને પાંપણના વાળના મૂળને ઘટ્ટ કરવાની જરૂરિયાત જણાય તો નવાઇ નહીં.
લાંબા- ટૂંકા વાળ ધરાવતું બ્રશ- લાંબા અને ટૂંકા વાળને કારણે આ બ્રશ ટૂંકી પાંપણોને પણ રંગી શકે છે.
સ્ક્રુ જેવું બ્રશ- ટૂંકી અથવા ઝીણી પાંપણો માટે આદર્શ છે.
હા, મસ્કરા વાપરતી વખતે એક વાત ધ્યાનમાં રાખવી કે મસ્કરાનું આયુષ્ય લગભગ ત્રણ મહિના જેટલું જ હોય છે. આ સમય પૂરો થતા જ મસ્કરાને કચરા ટોપલીમાં ફેંકી દેવી.
પાંપણ સુંદર બનાવ્યા પછી પોપચા પણ સુંદર બનાવવાની જરૂર છે. પોપચાની સુંદરતા વધારવા આઇશેડો મહત્ત્વનો ભાગ ભજવે છે એ વાતથી મેકઅપ શોખીન યુવતી અજાણ નહીં જ હોય. વેલ, આઇશેડો બે પ્રકારના છે. પાવડર અને ક્રીમ ટુ પાવડર.
પાવડર આઇશેડો- આ પ્રકારના આઇશેડોમાં રંગસૂત્રોને એકઠા કરી એક બ્લોક બનાવવામાં આવે છે. આમાં ઇમોલિયન્ટ ઉમેરવામાં આવે છે જેથી આઇશેડો લગાડવામાં સરળતા પડે છે. ત્વચા પર કરચલી પડી હોય તો આઇશેડોમાં ફાઉન્ડેશન ભેળવીને લગાડવાની સલાહ સૌંદર્ય નિષ્ણાતો આપે છે. રંગ લગાડવા માટે સ્પોન્જ ધરાવતા બ્રશનો ઉપયોગ કરવો પરંતુ બ્લેન્ડ કરવા માટે નરમ બ્રશનો ઉપયોગ કરવો.
ક્રીમ ટુ પાવડર આઇશેડો- આ પ્રકારના આઇશેડોમાં કેટલાક તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ આઇશેડો ચમક આપે છે. કરચલી ધરાવતા પોપચા પર પણ આસાનીથી વાપરી શકાય છે. તૈલી પોપચા પર પણ આ આઇશેડો આદર્શ છે. સ્પોંજ ધરાવતા બ્રશથી લગાડયા પછી હાથની આંગળીઓના ટેરવાથી પોપચા પર પ્રસરાવો.
આજકાલ પોપચા રંગવાની ફેશન છે. પરંતુ આ ફેશન કરતા પૂર્વે એક વાત ધ્યાનમાં રહે કે નુકસાન કરે એવા રસાયણો વાપરવાને બદલે શાકભાજીના વપરાશથી બનાવવામાં આવેલા રંગનો ઉપયોગ કરવો.
આ ઉપરાંત પાંપણોને વળાંક આપતા પૂર્વે મસ્કરા લગાડવાનું ભૂલવું નહીં. આ દરમિયાન કર્ર્લ્સ પાંપણના મૂળ સુધી પહોંચે એ વાતનો ખ્યાલ રાખવો.
કૃત્રિમ પાંપણો વાપરવી હોય તો ટૂંકી પાંપણો જ વાપરવી. જો કે આ પાંપણોને તમે મસ્કરાના ઉપયોગથી આકર્ષક બનાવી શકો છો. હા, મેકઅપ કરતા પૂર્વે જ બનાવટી પાંપણો લગાડી દેવી અને આ દરમિયાન ત્વચા કોરી હોવી જોઇએ. ભેજ શોષવા માટે થોડો પાવડર ચોપડી શકાય છે.
મસ્કરા સૂકાઇ જાય તો પાણીનો ઉપયોગ કરવો નહીં. તેને ફેંકી નવી ખરીદી લેવી અને હા, ક્યારેય પણ બીજાની મસ્કરા વાપરવી નહીં કે તમારી મસ્કરા બીજાને આપો નહીં. આ કારણે ચેપ લાગવાની શક્યતા છે.
આઇશેડોની પસંદગી- આઇશેડોની પસંદગી કરતી વખતે તમારી આંખ અને પોપચાના આકારનો ખ્યાલ રાખો. તમારી આંખો વધુ પડતા મેકઅપથી કુરૂપ ન લાગે એ વાતનું પણ ધ્યાન રાખો.
* તમારી ત્વચાને મેળ ખાતા હલકા અને સૌમ્ય રંગ પસંદ કરો. પાવડર શેડો વાપરવામાં સરળ પડે છે જ્યારે મોટી ઉંમરની નારીઓ માટે ક્રીમ શેડો આદર્શ છે. ચોકલેટી (ન્યુટ્રલ બ્રાઉન) રંગ દરેકને શોભે છે. જો કે યુવાન ત્વચા પર રાખોડી રંગના શેડ્સ વધુ શોભે છે.
* તમારી ત્વચા તૈલી હોય તો આઇશેડો લગાડતા પૂર્વે પોપચા પર પાવડર લગાડો અને હા, આઇશેડો હળવાશથી લગાડો. આંખની આસપાસનો વિસ્તાર ઘણો સંવેદનશીલ છે એ વાત ભૂલાવી જોઇએ નહીં.
* આંખોને ચમકીલી બનાવવા આંખના અંદરના ખૂણામાં સફેદ હાઇલાઇટર વાપરો. નીચલા પોપચાની અંદરની કિનારી પર કાળો રંગ લગાડવાથી તમારા લોચનો નાના હોવાનો આભાસ થશે. આ જ રીતે સફેદ રંગ વાપરવાથી આંખો મોટી હોવાનું લાગશે.
* પાંપણ ઘટ્ટ લાગે એ માટે મસ્કરા લગાડતા પૂર્વે પાંપણ પર પાવડર લગાડો. આ ઉપરાંત પાંપણના મૂળ પર આઇ પેન્સિલ વડે એક ઝીણી રેખા દોરો.
* લેન્સના રંગ સાથે આઇશેડો મેચ થાય એવો આગ્રહ રાખવાની ભૂલ કરતા નહીં.
તમારી આંખના આકાર અનુસાર મેકઅપ કરો-
* બે આંખો વચ્ચેનું અંતર ઓછું હોય તો બહારના ખૂણા પર વધુ ભાર આપો. નાક નજીક હળવો શેડ લગાડો.
નાની આંખો મોટી લાગે એ માટે પોપચા પર ફિક્કો શેડ લગાડો અને આંખના ખાડા પર ડાર્ક તેમજ વિરોધી શેડનો ઉપયોગ કરો.
ગોળ આંખોને બદામી આકાર આપવા માટે આખા પોપચા પર ફિક્કા રંગનો આઇશેડો લગાડી ઉપરની પાંપણના ઉપલા હિસ્સા પર એક કાળી રેખા દોરો.
આગળ ધસી આવતી હોય એવી આંખોને ઊંડી અને ડાર્ક બનાવવા માટે સ્મોકી રંગ વાપરો.
સાંકડા પોપચાને પહોળા બનાવવા માટે હળવા પરંતુ બ્રાઇટ આઇશેડોના સ્ટ્રોક આખા પોપચા પર લગાડો.
આંખો અને પોપચા ઉપરાંત આંખની સુંદરતામાં ભમ્મર પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ભમરને સુંદર બનાવવા માટે આઇબ્રો પ્લક કરવી જરૂરી છે. પ્રથમવાર આઇબ્રો પ્લક કે થ્રેડ કરાવવા માટે બ્યુટિશિયન પાસે જવાની સલાહ સૌંદર્ય નિષ્ણાતો આપે છે. જો કે પ્લકિંગ કે થ્રેડિંગ કરતા પૂર્વે કુશળતાની જરૂર છે. હા, ભમ્મર પર ક્યારે પણ વેક્સનો ઉપયોગ કરવો નહીં.
ભમ્મરને પાવડર અથવા પેન્સિલની મદદથી વધુ આકર્ષક બનાવી શકાય છે. ભમર પર પાવડર લગાડવા માટે કડક અને ખૂણાવાળું બ્રશ વાપરવું. સૌ પ્રથમ વધારે પાવડર દૂર કરવો અને ત્યાર પછી ભમરની રેખાની દિશામાં આગળ વધવું. વાળ વધે છે એ દિશામાં સ્ટ્રોક કરવા માટે અણીવાળી પેન્સિલ વાપરવી. મોટાભાગની આઇબ્રો પેન્સિલમાં બ્રશ હોય છે આથી પેન્સિલ લગાડી આઇબ્રો પર એ બ્રશ ફેરવી દેવું. આ પછી 'બ્રો' સિલર' લગાડવું. તમે ટુથ બ્રશ દ્વારા જેલ કે હેર સ્પ્રે પર લગાડી ઓછો થશે.
સ્નાન કર્યા પછી ત્વચા નરમ હોવાથી આ જ સમયે આઇબ્રો થ્રેડ અથવા પ્લક કરવામાં આવે તો વેદના થતી નથી. આઇબ્રો કરતા પૂર્વે બરફનું ચોસલું લગાડવાથી પણ દુ:ખાવો થશે નહીં.
એક નાના આઇબ્રો બ્રશ વડે ભમ્મરને ઉપર અને નીચે બ્રશ કરવી જેથી તમને તમારી કુદરતી રેખાનો ખ્યાલ આવશે.
દૂર કરવા જેવા વાળ પર સફેદ આઇ લાઇનર લગાડવું. વધુ પડતા લાંબા વાળને મેનિક્યોર કરવા માટે વપરાતી કાતરથી કાપો. પ્લક કરતા પૂર્વેત્વચાને ટાઇટ પકડો. એક સમયે બે કે ત્રણ વાળ પ્લક કરો. ભમ્મરની ઉપર પ્લક કરવાનું ટાળો. આ તો થઇ મેકઅપની વાત. પરંતુ આંખોની સુંદરતા જાળવી રાખવા માટે બીજી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારી આંખો સૂજેલી કે લાલ હશે તો આ બધો મેકઅપ પાણીમાં જશે. આથી ચમકતી અને તેજસ્વી આંખો માટે...
* પૂરતું પાણી પીઓ
* પૂરતી ઉંઘ લો.
* પ્રદુષિત તેમજ ધુમાડિયા વાતાવરણથી દૂર રહો. પરંતુ આ જમાનામાં આ વાત શક્ય નથી. આથી એલોવેરાના ટીપા હાથવગા રાખો. આ ઉપરાંત તમે એલોવેરાના રસમાં રૂના પૂમડાં ડુબાડી તમારા બંધ પોપચા પર મૂકી શકો છો.
* આંખો પરનું દબાણ ઓછું કરવા માટે તમારા લમણા પર અંગુઠો મૂકો તેમજ ભમ્મર પર આંગળીઓ રાખો. ધીરે ધીરે શ્વાસ અંદર લો. એક્યુપ્રેશર પોઇન્ટને ઉત્તેજીત કરવા આંગળીઓના ટેરવા વડે ભમ્મર દબાવો. આંગળીઓને મૂળ પરિસ્થિતિમાં પાછી લાવો ત્યારે શ્વાસ બહાર કાઢો. આ વ્યાયામ ત્રણથી ચારવાર કરો.
* મસ્કરા દૂર કરતી વખતે ત્વચાને નુકસાન થાય નહીં એ વાતનું ધ્યાન રાખો. મેકઅપ દૂર કરતા પૂર્વે એકાદ મિનિટ સુધી આઇ મેકઅપ રિમુવર રહેવા દો.
* પાણી સામે રક્ષણ આપે એવું મસ્કરા વાપરવાનો આગ્રહ રાખો.
* આંખોના રક્ષણ માટે જેલયુક્ત ઉત્પાદનો વાપરો.
આ સૂચનાનો અમલ કરવામાં થોડી માથાકૂટ જરૂર કરવી પડશે. પરંતુ ધીરજ અને મહેનતના ફળ મીઠાં હોવાની સાબિતી પણ મળી જશે. અને આમ પણ કશું પામવા માટે મહેનત કરવી જ પડે છે અને આટલી મહેનત કર્યા પછી તમારી નજરના તીરથી ઘાયલ થયેલા દિલની સંખ્યા જોઇને થયેલો આનંદ આ થાક ક્ષણભરમાં દૂર કરી દેશે એ વાત સોનાના પતરાં પર લખી આપવામાં કોઇ વાંધો નથી.


