Get The App

સૌને ગમી જતી વ્યક્તિની ખાસિયતો

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
સૌને ગમી જતી વ્યક્તિની ખાસિયતો 1 - image

માનવ માત્ર સામાજીક પ્રાણી છે. તેને  આસપાસના વાતાવરણમાં હળવું ભળવું પસંદ  હોય છે. પરંતુ દરેક વ્યક્તિ પ્રત્યેક વાતાવરણમાં  અનુકૂળતા સાધી શકતી નથી અને અંતે બધાને અણગમતી થઈ પડે છે.  સુંદર દેખાવ, સુઘડતા, બોેલવા  ચાલવાની  આગવી છટાંથી કોઈપણ વ્યક્તિ પ્રિય બનતી નથી પરંતુ તેનામાં  રહેલી સહૃદયતા,   પરિસ્થિતિપ્રદ ગાંભીર્ય, સહકારની ભાવના અને નિસ્વાર્થપણું માણસને પ્રિય બનાવતું હોય છે. આસપાસના વાતાવરણને અનુકૂળ થઈ બધાને ગમી જતા અને ગમતા રહેતા માણસોના સદ્ગુણો વિશે થોડી વાતો જાણીએ.

ઉત્તમ શ્રોતા હોય છે  : 

સામેવાળાની વાતને તેઓ શાંતિથી સાંભળતા  હોય છે. વાતને વચ્ચેથી કાપતાં નથી. તેઓ ફક્ત સાંભળતા જ નહીં  પણ તે શું કહેવા માગે છે તે તરફ લક્ષ કેન્દ્રિત કરતા હોય છે. વાતના હાર્દને પકડતાં હોય છે. શક્ય હોય ત્યાં સામી વ્યક્તિને સવાલો પણ પૂછો જેથી તેઓ રસપૂર્વક વાત સાંભળી રહ્યા છે એની પ્રતીતિ થાય છે. 

તેમના ફોન બાજુ પર મુકાઈ જાય છે  :  

કોઈપણ વ્યક્તિ સાથે વાત કરતી વખતે તેઓ પોતાનો ફોન બાજુ પર મૂકી દે છે અને ફક્ત વાતચીત પર ધ્યાન આપે છે. ક્યારેક નકામા  ફોન કોલ્સને ટાળી દેતા  હોય છે.  તેઓ યંત્ર કરતા પોતાની સાથેની વ્યક્તિને પ્રાધાન્ય  આપતા હોય છે.

વિશ્વસનીયતા જાળવે છે :  

સૌને ગમતી વ્યક્તિનો સૌથી  અચ્છો ગુણ તેમની પ્રામાણિકતા  હોય છે. દરેક માણસ જાણે છે કે એ વ્યક્તિ વિશ્વાસને  પાત્ર છે. કોઈના ચહેરા પર તેની વિશ્વસનીયતા કે પ્રામાણિકતા લખેલી નથી હોતી પરંતુ તે અનુભવ પરથી જ ખબર પડે છે. ગમતા  માણસો તરફથી સાંપડેલા પ્રામાણિક અને વિશ્વનીયતાના અનુભવો સમાજમાં તેમને પ્રિય બનાવે છે.

દુનિયાને બીજાની નજરે જોતાં હોય છે : 

આ વ્યક્તિએ  ક્યારેય બીજાઓ માટે પોતાના મનમાં ચોક્કસ ગ્રંથિઓ  બાંધી લેતા નથી. તેઓ હમેશાં ઓપન માઈન્ડેડ હોય છે. વાસ્તવિક સમય સાથે તાલ મિલાવીને તેઓ દુનિયા સાથે ચાલે છે. તેઓ દુનિયાને પોતાની કુપમંડુક નજરે જોતા નથી. તેમના વિશે ખોટાં વિચારો કરતાં નથી. પરંતુ સામી વ્યક્તિની પરિસ્થિતિ સમજી લઈ  સોહાર્દપૂર્ણ વર્તન કરતા હોય છે.

તેમને ક્યારેય અટેન્શનની જરૂર લાગતી નથી : 

આવી હકારાત્મક વ્યક્તિઓને ક્યારે  પણ એક્સ્ટ્રા અટેન્શનની જરૂર લાગતી નથી. તેઓએ પોેતાની જાતને ખુલ્લાં વિચારોવાળી, ફ્લેક્સિબલ, મળતાવડી બનાવી દિધી હોય છે. આ જ  કારણે આસપાસના લોકો તેમની તરફ જાણે અજાણે ખેંચાતા હોય છે. તેઓ હંમેશા એવા માણસો પ્રત્યે ધ્યાન  આપે છે  જેઓ આ વ્યક્તિને હમેશાં મદદરૂપ થાય છે. નાનામાં નાની વ્યક્તિનું પણ તેઓ જાતે ધ્યાન  રાખે છે.  

દરેક પરિસ્થિતિને તટસ્થતાથી મુલવે છે : આ  વ્યક્તિઓ બધાને એ કારણે વધુ ગમે છે કે તેઓ દરેક પરિસ્થિતિને તટસ્થતાથી મુલવે છે.  એક બાજુનો ગુસ્સો   બીજી બાજુ નથી ઊતારતા કે  એકની વાત બીજાને નથી કરતાં. તેઓ ક્યારેય પક્ષપાતમાં માનતા  નથી અને સત્યનો સાથ આપતા હોય છે.

બોડી લેંગ્વેજ :

 આ વ્યક્તિઓની બોડી લેંગ્વેજ, તેમના હાવભાવ, અવાજ, અવાજનો ટોન અન્ય વ્યક્તિને તેમના તરફ ખેંચે છે. મૃદુ ભાષી હોવાની સાથે તેમનો ચહેરો હમેશાં હસતમુખ હોય છે. હસતો ચહેરો બધાને ગમતો હોય છે. નાનકડી વાતમાં પણ આ માણસો ખૂબ  જ આનંદીત થઈ જાય છે, અને આસપાસના વાતાવરણને ઊત્સાહપૂર્ણ બનાવી દેતા હોય છે  તેથી જ તેઓ પ્રિય હોય છે.

સ્ટ્રોંગ ફર્સ્ટ ઈમ્પ્રેશન : 

 તેઓ પહેલીવાર જ એવી સકારાત્મક ઊર્જા સાથે કોઈને મળે છે કે મેળાપની  પ્રથમ સાત સેકંડમાં જ તેઓ તમને ગમી જાય છે. તેમની  હકારાત્મક બોડી લેંગ્વેજ, આંખો દ્વારા પ્રદર્શિત થતો ઊમળકાનો ભાવ, તમારી તરફ આગળ વધવાની તેમની ઝડપ અને તેમના અવાજની મૃદુતા તેમના સુંદર આંતરીક વ્યક્તિત્વને દર્શાવે છે.

સામી વ્યક્તિને નામ દઈ બોલાવે છે  :   આવા માણસો પોતાની આસપાસની વ્યક્તિઓને હમેશાં નામ દઈને બોલાવે છે. જ્યારે કોઈ તમને તમારું નામ લઈ બોલાવે ત્યારે તમે એ વ્યક્તિની ખૂબ જ નજીક છો એ વાત  છતી  થાય છે.

હસતો ચહેરો  : 

 હસતો ચહેરો સૌને ગમતો હોય છે.  હકારાત્મક વ્યક્તિઓ  દરેકને  હસતે મોઢે ઊમળકાથી મળે છે. તેથી વધુ પ્રિય હોય છે.

યોગ્ય સ્પર્શ  : 

 વાતચીત દરમિયાન આવા સારા માણસો સામી વ્યક્તિને કયે સમયે એને કેવો સ્પર્શ કરવો તે બરોબર જાણતા હોય છે. દુ:ખી વ્યક્તિને સાંભળતી વખતે તેઓ ખૂબ જ નરમાશપૂર્વક સામી વ્યક્તિના હાથને સ્પર્શ કરશે અથવા ફક્ત તેના ખભાને અડશે અને સાંત્વન આપશે.  ખોટી  બડબડ કે વજૂદ વગરની સલાહો આપવાથી તેઓ દૂર રહેશે. આનંદી વ્યક્તિને ખભે ધબ્બો મારી અથવા ગળે મળી પોતાના આનંદી પ્રતિભાવ વ્યક્ત  કરશે. પરંતુ સમય  આવ્યો પોતાનું દુ:ખ તેઓ બરાબર છુપાવી જાણે છે. હમેશાં મદદ  કરવા તત્પર  રહેતા હોય છે. નિ:સ્વાર્થી વલણ અપનાવતા હોય છે.

ઊપરોક્ત કારણોને લીધે આ વ્યક્તિઓ ''મોસ્ટ લાઈકેબલ પર્સન્સ'' ની હરોળમાં  ગણાય છે. 

-  હેમા