Get The App

નવરાત્રિની જ્વેલરીમાં બદલાયેલો ટ્રેન્ડ

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
નવરાત્રિની જ્વેલરીમાં બદલાયેલો ટ્રેન્ડ 1 - image

- રોડિયમ ફિનિશિંગવાળી સિલ્વર જ્વેલરીમાં કુંદન, રંગીન સ્ટોન તથા રંગબેરંગી ઘૂઘરીઓનું ચલણ

સોનલ ગરબો શિરે અંબે માં ચાલે   ધીરે ધીરે', ''માડી તારા મંદિરીયામાં ઘંટારવ વાગે, ઊંચે ઊંચે ડુંગરીયે માડી તું બિરાજે'' જેવા પારંપારિક ગરબે અને ''પરી હું મૈં, મુજે ના છુંના'' જેવા પોપગીતોના તાલે ઝુમતી યુવતી અને યુવાનો નવરાત્રિના ઉન્માદમાં તન-મનને મસ્તીથી ભરી દે છે.

આજની આ યુવા પેઢી પ્રત્યેક તહેવારને પારંપારિક અને આધુનિક પધ્ધતિનું ફ્યુઝન કરી ઉજવવાનું પસંદ કરે છે. અને તેમનો મનપસંદ તહેવાર છે 'નવરાત્રિ'. નવરાત્રિમાં રાસ-ગરબે ઘુમતા તેઓ પોતાની જુવાનીના જોશની કસોટી કરતા હોય છે.

નવરાત્રિના આગમન પૂર્વે બે મહિનાથી તેઓ નવરાત્રિની તૈયારી કરવા લાગે છે. નવરાત્રિના ખાસ ચણિયા-ચોળી, તેને અનુરૂપ જ્વેલરી, મોજડી તથા મેક-અપ વગેરે બધાની તૈયારીમાં ખાસ્સો સમય નીકળી જાય છે. આજે ચણિયા-ચોળીમાં પણ નીતનવી ડિઝાઇન્સ આવી છે. તે જ પ્રમાણે જ્વેલરીમાં પણ નવો ટ્રેન્ડ શરૂ થયો છે.

છેલ્લા થોડા વર્ષોથી નવરાત્રિમાં ચણિયાચોળીની સાથે ઓક્સિડાઇઝની હાંસડી, હાર, પાટલા કે બંગડીઓ, બાજુબંધ, ટીક્કો, દામણી,કાનની લટકણી બુટ્ટીઓ, પગની પાયલ વગેરે જ્વેલરી ચાલતી હતી. તે ઉપરાંત છેલ્લા બે વર્ષથી કોડી જડેલા હાર તથા હાથમાં ભરવાડણો પહેરે તેવા સફેદ બલોયા પહેરવાની પણ ફેશન હતી. ભરવાડણોની જેમ છુંદણાને બદલે મેકઅપથી જ હાથ અને ચહેરા ઉપર છુંદલાની ડિઝાઇન કરવામાં આવતી હતી. તે જ પ્રમાણે પહેલા ઘુઘરીવાળો કમરપટ્ટો તથા ઘુઘરીવાળા ઝાંઝર પહેરવાનું ચલણ વધારે હતું.

ઓક્સાઈડ્ઝ જ્વેલરીની જેમ જ સફેદ મેટલની જ્વેલરીનું ચલણ પણ ખૂબ જ છે. ચાંદી જેવી દેખાતી આ ધાતુની પાતળી બંગડીઓથી ભરેલા હાથ ખૂબ જ સુંદર લાગે છે. પગમાં પણ પાયલ કે ઝાંઝરને બદલે સફેદ મેટલના મોટા મોટા કડા પહેરવામાં આવે છે.

ભાતીગળ ડિઝાઇનના ઘેરદાર ચણિયાચોળીમાં હવે સીક્વન્સનો ટ્રેન્ડ વધ્યો છે. તે જ પ્રમાણે આ વર્ષે જ્વેલરીમાં સ્ટોન અને કુંદનનું ચલણ વધારે રહેશે. ઓક્સિડાઈઝ્ડ  કે કોડીને બદલે જે રંગના ચણિયાચોળી હોય તેને અનુરૂપ રંગના કુંદનના સેટ, અથવા રંગીન સ્ટોન જડેલા સેટની ફેશન ચાલે છે. તે જ પ્રમાણે મોટા-મોટા બીડ્સના સેટનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે. જે ચણિયાચોળી ઉપર ખરેખર સુંદર લાગે છે.

માંગ ટિક્કામાં પણ મોટા બોરિયાના ટિક્કાને બદલે નાજુક સ્ટોન જડિત ટિક્કા આવ્યા છે. ટિક્કાને બદલે ખાસ પ્રકારની લાંબી પેટર્નવાળી બીંદી આવે છે, જે ચહેરા પર શોભે છે. કાનમાં લટકતી બુટ્ટીઓ સાથે વાળમાં પીનઅપ કરી શકાય તેવી લાંબી સેર પણ છે. હાથમાં રંગબેરંગી બંગડીનો સેટ અને જો તે ન પહેરવો હોય તો ખાસ પ્રકારના રંગીન તૈયાર ટેટુઓ આવે છે જે કાંડા, બાજુ કે પીઠ ઉપર લગાડવામાં આવે પછી અન્ય કોઇ દાગીના પહેરવાની જરૂર નથી રહેતી.

સિક્કાનગર ખાતે આવેલા  એક શોરૂમમાં ખાસ નવરાત્રિ માટે જાતજાતના ટેટુ અને  બિંદીની વેરાયટીઓ બનાવવામાં આવી છે. તેની માહિતી આપતા રાજેશભાઇ   જણાવે છે કે, ''આજકાલ દુંટી અને નખ, સજાવવાની ફેશન ચાલુ છે. એટલે નવરાત્રિ માટે અમે ખાસ નેઇલ ટેટુ અને બેલી ટેટુ બહાર પાડયા છે.'' નખના આકારના આ નેઇલ ટેટુ ખૂબ જ આકર્ષક દેખાય છે. વિવિધ રંગમાં મળતા આ ટેટુ નવરાત્રિ માટે ખૂબ જ ઉપયોગી છે. આજકાલ ડ્રેસ સાથે મેચ થતા રંગની નેઇલ પોલિશ લગાડવાનો ટ્રેન્ડ છે. દરરોજ જુદા જુદા રંગના ચણિયાચોળી સાથે મેળ ખાતા રંગની નેઇલ પોલિશ લગાડવાને બદલે ડિઝાઇનર નેઇલ ટેટુ ખૂબ જ સુંદર દેખાય છે. અને રોજેરોજ નેઇલ પોલિશ કાઢવાની અને લગાડવાની ઝંઝટમાંથી પણ છુટકારો મળે છે.

આજે શરીરનાં  વિવિધ અંગ વીંધવાની ફેશન છે તે પ્રમાણે દુંટી વિંધવાનું ચલણ વધ્યું છે. જો કે બધી જ છોકરીઓ ફેશનઘેલી થઇને દુંટી વીંધાવતી નથી. પણ તેમને દુંટી સજાવવાની ઇચ્છા તો હોય જ છે. આવી યુવતીઓ માટે પણ   રંગીન આકર્ષક બેલી ટેટુ  ઉપલબ્ધ છે. આ ટેટુને દુંટીની આસપાસ લગાડવાથી દુંટીની શોભા વધી જાય છે. તે જ પ્રમાણે ઘણી વખત હાથમાં ભારે બલોયા કે બંગડીઓ પહેરેલી હોય ત્યારે દાંડિયા રાસ રમતા દાંડિયો વાગે તો બહુ દુઃખે છે. આ વર્ષે બંગડીની ઝંઝટમાંથી છુટકારો મેળવવો હોય તો ફેશનેબલ રંગીન ટેટુ પણ ઉપલબ્ધ છે. તે ઉપરાંત બાજુબંધને બદલે પણ આ ટેટુ લગાડી શકાય છે. તે જ પ્રમાણે હોઠ તથા હડપચી ઉપર પણ લગાડવા નાના બીંદી ટેટુ આવે છે. જે લગાડતા   તમે પરંપરાગત અને આધુનિકતા મિશ્રિત સુંદરતાની મૂર્તિ બની જશો.

ઘેરદાર રંગીન ચણિયાચોળી સાથે અનુરૂપ જ્વેલરી પહેરવાથી તમે ખરેખર ગામડાની ગોરી બની જશો. તે જ પ્રમાણે આજકાલ બેકલેસ ચોલીનું ચલણ વધી ગયું છે. યુવતીઓ બ્યુટી પાર્લરમાં જઇને પોતાની પીઠને વેક્સીંગ કરાવીને સુંદર બનાવે છે. અને આ બેકલેસ ચોળી સાથે પીઠ ઉપર રંગીન ટેટુ ખૂબ જ સુંદર લાગે છે.

આ વખતે પાયલમાં પણ બીડ્સનો ટ્રેન્ડ શરૂ થયો છે. નાના બીડ્સની પાયલ પહેરવાથી ખૂબ જ સુંદર લાગે છે. બીડ્સના સેટ સાથે ટેટુનો સમન્વય કરવાથી ખરેખર તમે નવરાત્રિની બ્યુટી બની જશો. રોજરોજ નીતનવી  જ્વેલરી કંઇ બધા જ ન ખરીદી શકે પણ એક જ્વેલરી સાથે રોજેરોજ પહેરવાના રંગીન ટેટુથી તમે તમારી નવરાત્રિને  રંગીન બનાવી શકશો.

પહેલાંના જમાનામાં તો બે કે ત્રણ તાળીના સાદા ગરબા જ રમાતાં. હવે તો ખેલૈયાઓએ ગરબા પણ વિવિધ નૃત્યોના સ્ટેટસનો સમાવેશ કર્યો છે. તેથી રમવામાં અવરોધરૂપ થતી જ્વેલરીના સ્થાને લાઇટ વેઇટ આભૂષણો ઘડવાનો વિચાર આવ્યો.''

ઓક્સિડાઈઝ્ડ જ્વેલરીના સ્થાને એક  ઝવેરીએ રોડિયમ ફિનિશિંગવાળી સિલ્વર જ્વેલરી  બનાવી છે. આ જ્વેલરી ખેલૈયાઓના વસ્ત્રો સાથે પણ મેચ થાય તેનું ખાસ ધ્યાન તેમણે રાખ્યું છે. એટલું જ નહીં ગળામાં પહેરાતી ચુસ્ત (ટાઇટ) હાંસડીની સાથે ગળામાં લાંબા પહેરાતા હારમાં માદળિયાની  અનેક આકર્ષક ડિઝાઇન બનાવી છે.

હાથમાં પહેરવાના ચૂડલાઓની ડિઝાઇન તેઓએ અમરેલીના સોની પાસે તૈયાર કરાવી છે. લાલચૂડીઓ સાથે એક ગ્રામ સોનાનાં કડાં નવરાત્રિ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. આ ચૂડલાંઓની પણ એક વિશેષતા એ છે કે તે ચાવીવાળા બનાવવામાં આવ્યા છે તેથી સાઇઝની માથાકૂટ થવાની શક્યતા રહે નહીં એટલું જ નહીં એકબીજા સાથે સરળતાથી અદલાબદલી પણ કરી શકાય અને આ રીતે યુવતીઓને રોજ નવા ચૂડલાઓ પહેરવાનો મોકો પણ મળી રહે. હાથના કડલાઓમાં પરંપરાગત ચાલી આવતી હાથીના મુખની ડિઝાઇનની પ્રથા પણ તેમણે જાળવી રાખી છે.

બાવડામાં પહેરાતો બાજુબંધ જુઓ તો મુખમાંથી વાહ શબ્દ સરી જ પડે. રોડિયમ ફિનિશિંગવાળા આ સિલ્વર બાજુબંધને તેમણે રંગબેરંગી ઘૂઘરીઓથી સજાવ્યો છે. તો વળી ટીકડો પણ ભાવને આકર્ષક બનાવી દેશે. ટીકડાની સાથે વાળની લટોને શણગારતી દામડી પહેરવાથી નવરાત્રિની સુંદરી બની જવાશે એવું કહીએ તો અતિશયોક્તિ નહીં લાગે.

કમરને લચકઆપી ગરબે ઘૂમતી નારીના કેડે લટકતો કંદોરો દરેકનું ધ્યાન ખેંચી જશે તેમાં શંકાને સ્થાન નથી.

ખેલૈયાઓના થિરકતા પગને તાલ આપતાં રંગબેરંગી ઘૂઘરીઓવાળાં જાડા પાયલ યુવતીઓના પગને જરૂર આકર્ષક બનાવશે.