Get The App

ખાનપાનમાં ફેરફાર કરી સુખેથી વીતાવો વર્ષા ઋતુ

Updated: Jul 12th, 2021

GS TEAM

Google News
Google News
ખાનપાનમાં ફેરફાર કરી સુખેથી વીતાવો વર્ષા ઋતુ 1 - image


દરેક ઋતુમાં વર્ષા ઋતુને વધુ રોગકારક તરીકે વર્ણવી છે. શરીરની ત્રણ મુખ્ય ધાતુ વાત, પિત્ત અને કફ સપ્રમાણ હોય તો માણસ નિરોગી રહે છે. આ ત્રણ ધાતુમાંથી એકાદમાં પણ વધઘટ થાય તો શરીર બગડે છે. વર્ષા ઋતુમાં શરીરમાં વાતનો ખૂબ વધારો થાય છે. પણ આ વધારો હકીકતમાં આયોગ્ય આહારને લઇને જ થતો હોય છે.

''સમતોલ ખોરાકમાં જ આરોગ્યનું રહસ્ય છુપાયેલું છે.'' આ પાંચ સાત શબ્દના એક જ વાક્યમાં મોટી સમજ છૂપાયેલી પડી છે. પરંતુ આ જ વાક્યને આગળ વધારીને લખવું હોય તો એમાં ઉમેરવું પડે કે લાખોમાં કોઇ-કોઇને જ આ સમજ સાંપડે છે! આપણે આહારમાં વિવેક વર્તવાની વાતને અળગી રાખી દીધી છે. નાની કે મોટી કોઇ માંદગી ન આવે ત્યાં સુધી આહારને આરોગ્ય સાથેના સંબંધ વિશે કોઇ વિચાર કરવાની ટેવ જ નથી પાડી.

પ્રાકૃતિક જીવનના સમર્થકો માનવીને કુદરતમય જીવન વ્યતિત કરવાનું કહે છે. ફળાહાર, શાકાહાર, ખુલ્લામાં રહેવું અને સરળ જીવન જીવવું એ કુદરત તરફનું પુન:પ્રયાણ છે. જે આજના જીવનમાં દરેક માટે અશક્ય નહીં તો સરળ પણ નથી જ.

વાચકોને જાણીને નવાઇ લાગશે કે જર્મનીમાં તો પ્રાકૃતિક જીવનના ઉપાસકોએ મોટા-મોટા સ્વાસ્થ્ય ગૃહો અથવા આશ્રમો સદીઓ પહેલા કર્યાં છે. આ આશ્રમોમાં દરેક ઉમરના સ્ત્રી-પુરુષો સ્વાશ્રયી જીવન જીવતા, ફળાહાર કરતા જમીન પર સુતાં, પંચ મહાભૂતો સાથે સંસર્ગ રાખતા અને સંર્પૂણ નગ્નાવસ્થામાં વિહરતાં. આ પંથે જર્મનીમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી. ઇ.સ.૧૯૩૮માં હિટલરે આ લોકોને વસ્ત્રો પહેરવાની ફરજ પાડી ત્યારે દુનિયાને ખબર પડી કે એકલા જર્મનીમાં જ દશલાખ નિર્વસ્ત્ર નિસર્ગ વાદીઓ હતા!

ચોમાસાના ખાનપાન વિશે જાણતા પહેલા  નિસર્ગોપાસના (પ્રાકૃતિક જીવન)ના મૂળભૂત સિધ્ધાંતો જાણી લેવા જરૂરી છે. જર્મનીના ડૉ.એડેટલ્ફ જસ્ટે લખેલું પુસ્તક ''રિર્ટન ટુ નેચર'' પ્રાકૃતિક જીવનના હિમાયતીઓની ભગવદ્ગીતા છે. તેઓ કહે છે, ''સૃષ્ટિના બધા પ્રાણીઓનું અવલોકન કરો, એમના  નિત્યક્રમ તપાસો એમની જીવન ચર્યાનો અભ્યાસ કરો, બધા જ પ્રાણીઓની જીવન ચર્યામાં એક વસ્તુ સમાન રીતે જણાય છે કે તેઓ કુદરતને અનુસરે છે. અને સ્વાસ્થ્ય ભોગવે છે. કુદરતને અનુસરવાથી કુદરતે એમને ઉદાર હાથે સ્વાસ્થ્ય બક્ષ્યું છે. કુદરતની આ મહામૂલી બક્ષિસનો જો કોઇએ લાભ ન ઉઠાવ્યો હોય તો તે એક માત્ર માનવી જ છે.

ચોમાસામાં ખાનપાનના નિયમન દ્વારા તંદુરસ્ત રહેવા વિષે જાણવા માટે નિસર્ગોપચારક  ડૉ.દેસાઇને મળવાનું થયું. મેં એમની પાસે ચોમાસાના આહાર-વિહાર વિષે માહિતી માગી તો તેમણે કહ્યું  એકલું ચોમાસું જ શું કામ? અરે દરેક-મોસમ પ્રમાણે ખોરાક બદલાવા જોઇએ. શિયાળો, ઉનાળો અને ચોમાસું ઋતુ-ઋતુના ખોરાક અલગ-અલગ જ લેવા જોઇએ.

'શરીરના કોષો રાત દિવસ કામ કરતા ઘસાતા જાય છે. નવા કોષોને બનાવનાર આહાર જ છે. તેમ જ શારીરિક બળનું, બુધ્ધિનું અને ઓજસનું મૂળ પણ આહાર જ છે. એટલા માટે મનુષ્યે  એના રોજિંદા આહાર અંગેનું જ્ઞાાન પ્રાપ્ત કરીને શરીરને નિરોગી રાખવું જોઇએ.

''સામાન્ય માન્યતા એવી છે કે ચોમાસામાં ભૂખ ઓછી થઇ જાય છે. પણ ખરેખર આ સાચું નથી. આયુર્વેદે  દરેક ઋતુમાં વર્ષા ઋતુને વધુ રોગકારક તરીકે વર્ણવી છે. શરીરની ત્રણ મુખ્ય ધાતુ વાત, પિત્ત અને કફ સપ્રમાણ હોય તો માણસ નિરોગી રહે છે. આ ત્રણ ધાતુમાંથી એકાદમાં પણ વધઘટ થાય તો શરીર બગડે છે. વર્ષા ઋતુમાં શરીરમાં વાતનો ખૂબ વધારો થાય છે. પણ આ વધારો હકીકતમાં આયોગ્ય આહારને લઇને જ થતો હોય છે.

''ચોમાસામાં હલકો  ખોરાક લેવો જોઇએ. રોટલી કાયમ ખાતા હોઇએ તેની સંખ્યા ઓછી કરવી જોઇએ. ઘી ચોપડવાનું બંધ કરવું જોઇએ. સબ ડકા ભરીને દાળ પીતા હોઇએ તો ઓછી કરવી જોઇએ. દાળથી એસિડ વધારે થાય છે. ચોમાસામાં રાત્રે જમીને તુરત સઇ ન જવું જોઇએ. રાત્રે બહાર ફરવા જવું જોઇએ. ઘરમાં પણ આંટા મારી શકાય છે. કારણ કે રાત્રે જમ્યા પછી એના પાચન માટે ત્રણ કલાકનો સમય રાખનો જરૂરી હોય છે. ચોમાસામાં રાત્રે ખાધા પછી બીજી સવારે ખાટા ઓડકાર આવે તો સમજી જવું રાતનો ખોરાક બોલે છે! ચાવીને ખાવાની વાત, ચોમાસા પૂરતી નહીં પણ કાયમ માટે ગળે ઉતારવા જેવી છે.

ચોમાસામાં સવારે ઉકાળો પીવાનું રાખવું જોઇએ. ફૂદિનો, લીલી ચા, તુલસી, અજમાના પાન, આદુ, મેથીના દાણા અને ગોળના મિશ્રણ વડે તૈયાર કરેલો ઉકાળો એકવાર સવારે પીધા પછી રાત સુધી ચા કે કોફી કરતા વધારે સ્ફૂર્તિવાળા રાખે છે. ઉપરનો ઉકાળો પાણીમાં બનાવવાનો છે. એમાં દૂધનો ઉપયોગ નથી કરવાનો. ડૉ. દેસાઇએ કહ્યું અત્યારે હોટેલોને લીધે સલાડ ખાવાની ફેશન થઇ ગઇ છે એ સારી વાત છે પણ સલાડ ઉપર મીઠું મરી મસાલા છાંટવાની જરૂર નથી. ચોમાસામાં બે વાર સવાર-સાંજ એકલા સલાડ ઉપર પણ કાઢી શકાય છે. વાસી ખોરાક બિલકુલ ખાવો નહિ. રસોઇ ગરમ હોય ત્યારે જ ખાઇ લેવું. પાણીની શુધ્ધતા તપાસતા રહેવું જોઇએ. પાણીમાં તુલસીના પાન નાખીને વાપરવું.

ચોમાસામાં મચ્છરનો ઉપદ્રવ વધારે હોય છે. પણ જેનું લોહી અને પસીનો સ્વચ્છ હોય તેની પાસે મચ્છરો ઓછા આવે છે. કાકડી ટામેટાનો ઉપયોગ વધારવો જોઇએ. તેનાથી કિડની સાફ થાય છે. દાળ રોજ ન ખાવી જોઇએ. દાળને બદલે કઠોળને આખા પલાળીને અને ફણગાવીને ખાવા જોઇએ. મગની દાળને આખા મગને બાફીને ખાવા જોઇએ. પેટના રોગીએ તો ફોતરા વગરના કઠોળ કે દાળ  ખાવા ન જોઇએ. 

ચોમાસાનું શ્રેષ્ઠ ફળ કેળા છે. દળદાર અને ચુનકીવાળા કેળાનું નિયમિત સેવન કરવું જોઇએ. રાત્રીના દૂધ-કેળા રોજના ખોરાક જેટલું જ કામ કરે છે. ચોમાસામાં જૈન ધર્મમાં લીલોતરી શાકનો નિષેધ છે તે માટે  આશ્ચર્ય થાય છે. હકીકતમાં ચોમાસામાં એકલાં શાકભાજી લેવાય તો એનાથી વધુ સારો આહાર કોઇ નથી.  એમણે કહ્યું કે ચોમાસાની શાકભાજીમાં જીવાત વધારે હોય એટલે કદાચ જૈન ધર્મ એ વજર્ય કર્યું હશે પણ ખૂબ જ ચોક્સાઇપૂર્વક અને સાફ કરીને ખવાય તો હાનીકારક નથી જ. ડૉ.દેસાઇ એ કહ્યું એમને ત્યાં સારવાર માટે આવતા દર્દીઓમાં પચાસ ટકા ગુજરાતી છે અને એમાંનાં પંચોતેર ટકા જૈન છે!

દરેક માનવીના શરીરમાં કુદરતી રોગ પ્રતિકાર શક્તિ હોય છે જ. આ શક્તિ માણસને નિરોગી રાખવા ચોવીસ કલાક નિરંતર કાર્ય કર્યે જ રાખે છે. શરીરને નુકસાન કરનાર કે આરોગ્યનું નુકસાન કરનાર કોઇ પણ ખોરાક કે પદાર્થ શરીરમાં પ્રવેશે ત્યારે તેને બહાર ફેંકી દેવા જીવનશક્તિ પોતાનું કામ શરૂ કરી દે છે. ટૂંકમાં જો ખલેલ પહોંચાડવામાં ન આવે તો માનવીને તેની હયાતી સુધી નિરોગી રાખવાનું સામર્થ્ય આ શક્તિમાં છે જ.

ખાદ્ય પદાર્થના સંયોજન વિષે પણ જાણવા જેવું છે. આપણે જે ખોરાક લઇએ છીએ તે મુખ્યત્વે પ્રોટીન, ચરબી  અને કાર્બોહાઇડેટ્સનું પાચન મોઢામાં અને  નાના  આંતરડામાં થાય છે. પ્રોટીનનું પાચન જઠરમાં થાય છે. જ્યારે ચરબીનું પાચન આંતરડામાં થાય છે. આ દરેક ઘટકની પાચનક્રિયા જુદી-જુદી રીતે થાય છે.  આમ એક ભોજનમાં આ ત્રણેય પ્રકારના ઘટકો મોટા પ્રમાણમાં હોય તો પાચન યોગ્ય રીતે થાય  નહીં. ખોરાક પેટ કે આંતરડામાં સડવા લાગે અને આમ વિષ દ્રવ્ય ઉત્પન્ન થાય. ટૂંકમાં ખોરાકનું સંયોજન પણ વિચારવા જેવું છે. 

ખોરાકના સંયોજનની સાથે ખોરાકના પ્રમાણ વિષે પણ વિચાર કરવો જોઇએ. જીભના સ્વાદ માટે ખોરાક વધુ ખાવાની લાલચ રોકી શકાતી નથી. ઘરે જમવા આવેલા મહેમાનને કે લગ્ન પાર્ટીમાં મારા-સમ-તમારા સમ કરી-કરીને ખાવાનું પીરસાય છે તેની સામે લાલબત્તી ધરતા ડૉ.દેસાઇ કહે છે, વધુ પડતો  ખોરાક પાચન અવયવો માટે બોજા રૂપ થઇ પડે છે. એ પાચનક્રિયાને અસ્તવ્યસ્ત કરે છે. દિવસમાં વારંવાર ખાતા રહેવાથી પણ આવું જ પરિણામ આવે છે. એક વખત ખાધેલું પચ્યું ન હોય ત્યાં પાચન અવયવો પર નવા ખોરાક પચાવવાનો બોજો  નાખવો  એ કેટલી મુર્ખામી છે એની કોઇને જ પડી નથી.  નિરોગી રહેવા માટે થોડા ભૂખ્યા રહો. 

ખોરાક ચારે ખૂણે ભરવાનો નથી. પચવા માટે થોડી જગ્યા તો ખોલી જોઇએ કે નહીં? વળી કુદરતની કરામત એવી છે કે શરીર બોલે છે પણ એને સાંભળતા શીખવાનું ખૂબ જ મહત્વનું છે. ખાતા-ખાતા  માણસને ચોક્કસ ખબર પડે છે જ કે ઘણું થયું. શરીર જણાવે છે કે હવે બંધ કરો ભઇલા! પણ જીભના ચટકા રોકવા તૈયાર નથી. ઠાંસો ઠાંસ ખાવાનો ક્રમ નિત્ય થઇ જાય પછી શરીર બોલતું બંધ થઇ જાય છે!

ડૉ. ભમગરા ખાંડ  અને મીઠાનો વપરાશ ઓછો કરવાનું સૂચવે છે. તેમાં ખાંડાને બદલે ગોળનો વપરાશ વધારવાનું સૂચન કરે છે. જુના જમાનામાં રોજ ગોળનું દડબું ખોરાકમાં લેતા આપણા પૂર્વજો વધારે બુધ્ધિશાળી હતા નહીં?

ખાંડની જેમ મીઠાના વપરાશે પણ માઝા મૂકી છે. શાકદાવમાં પ્રમાણસર મીઠું નાખવાની વાત બરોબર છે પણ પછીની વધારાની વસ્તુમાં મીઠાની જરૂર જ નથી. દા.ત. છાસ  અને કચુંબર તો મીઠા વગરની હોય તે જરૂરી છે. વધારે મીઠું હૃદય અને કિડનીને નુકસાન કરે છે. માથાનો દુ:ખાવો, અનિદ્રા, યકૃતના રોગો, સ્થૂળતા જેવા રોગોમાં મીઠું કારણભૂત છે.

આપણી રોજની દૈનિકની ક્રિયામાં વ્યાયામનો ઉમેરો કરવો જોઇએ. દરેક  ઘરમાં લટકવાની કસરત માટે લોખંડનો એક પાઇપ કે સળિયો ક્યાંક લગાડવો જોઇએ. આની કસરતથી બાળકોની ઊંચાઇ બરોબર વધે અને મોટાઓની કરોડના મણકા વ્યવસ્થિત રહે.

માનસિક વલણ ઉપર તબીબો  ભાર મુકે છે. સ્પર્ધાત્મક જીવનની માનસિક તાણ માણસને પીડે છે. નકારાત્મક દ્રષ્ટિકોણની શરીર પર સીધી અસર પડે છે. સ્વસ્થ મનને હકારાત્મક અભિગમ રોગ જ ઊભા થવા દેતું નથી. માનસિક તાણ પાછળ અહમનું પ્રાબલ્ય, પદ, પ્રતિષ્ઠા કે ધન પાછળની દોટ વધારે હોય છે.

અંદરનું ખોખલાપણું દૂર કરવા માનવી બહાર મથે છે પણ સંતોષને બદલે તણાવ વધતો જ રહે છે. શરીરના ઉપવાસની જેમ મનના ઉપવાસની પણ જરૂર છે. જેવી રીતે શરીરને ન જોઇતો ખોરાક પેટમાં ઠાંસીએ છીએ એ પ્રમાણે મનને ન જોઇતા વિચારોના ખોરાકને પણ ઠાંસીને મનને બગાડીએ છીએ. ખોરાક  પાચન નહીં થતા કબજીયાત થાય છે. તેમ મનને પણ કબજીયાત થાય છે. મનનો કબજીયાત સાફ કરવા માણસે રોજ પંદર મિનિટ ધ્યાન કરવું જોઇએ.

આહાર વિશે  જેટલું બોલે છે એ બધું જાતે પાળે છે. પર્યાવરણવાદીઓ હવાના પ્રદૂષણનો દેકારો મચાવે છે. પણ વધારે પડતો અવાજ  એ પણ પ્રદૂષણ છે.

પૃથ્વી પર સિત્તેર ટકા પાણી અને ત્રીસ ટકા જમીન છે. તેમ શરીરમાં પણ સિત્તેર ટકા પાણી છે.  જો એ આપણાં શાકભાજી  અને ફળોમાંથી મેળવાયા તો માંદગીનો કોઇ પ્રશ્ન જ ન રહે. માનવીનો દ્રશ્યમાન શારીરિક ભાગ સોળ ટકા છે. અને અદ્રશ્ય યાને માનસિક માનવી ચોર્યાસી ટકા છે.

અદ્રશ્ય-માનવી જેટલો રૂગ્ણ છે તેટલો શારીરિક માનવી નથી. પરિણામે શરીરના રોગના ઉપચાર માટે અબજો રૂપિયા ખર્ચ થઇ રહ્યા છે પણ અંદરના  માનવીનો રોગ જાણવાની કે જોવાની કે તેના  નૈસર્ગિક ઉપચારો કરવાની અવહેલના જ કરતા આવ્યા છીએ. જેને આપણે ધર્મ માનીએ  છીએ એ બહુધા ધર્મ હોતા જ નથી. ધર્મ માનવીને માત્ર માનવી સાથે જ નહીં પણ પ્રાણી માત્ર સાથે અને કુદરત એટલે કે નિસર્ગ સાથે જોડનાર શક્તિ છે.

ફક્ત એકલા ચોમાસામાં જ નહીં પણ બારે  મહિના નિસર્ગની નજીક રહીને માણસ તંદુરસ્ત જીવન જીવી શકે છે. સવાલ છે ફક્ત માણસની ઇચ્છાનો! બોલો, તમારો શું વિચાર છે?

- નીપા

Tags :