ચામગ ચીં ચીંનો ચેરાપૂંજી વરસાદ ક્યાં ?
- અંતર- રક્ષા શુક્લ
ભીતર પાક્કો પરવાનો છે,
તોય તને આ ડર શાનો છે ?
સાવ ભૂલી જા, કોરી વાતો,
રંગબિરંગી અરમાનો છે !
પળમાં દરિયો શાંત છે મનનો,
પળમાં પાછાં તોફાનો છે !
પાછીપાની છોડ, મુસાફર,
લાખ ભલેને વ્યવધાનો છે !
કોણ 'કિરીટદ અહીંનું રહેવાસી ?
અહિંયા તો સૌ મહેમાનો છે.
- કિરીટ ગોસ્વામી
પહેલાના સમયમાં ઘરના આંગણે કે કોઈ ચોકમાં જોવા મળતા ચબૂતરા આજે કેમ દેખાતા નથી ? ચબૂતરા હતા ત્યારે કે આંગણામાં પંખીઓનો મેળો જામે ત્યારે સાથે તેમની દાદાગીરી, તેમનું કેટવોક, તેમનું સમુહગાન કે પ્રિયપાત્ર સાથે થતા નખરા પણ સુપેરે જોવા મળે. ચબૂતરામાં જો દાણા ન નાખ્યા હોય તો આપણા ઘરની શાંતિને ચકલી, કાબર કે પોપટ હરી લે એવી પૂરી શક્યતા ! પણ ચકીબેનનું એ ચીં ચીં આપણો દિવસ આખાનો થાક હરી લે. ક્યારેક તો આપણને બાળપણમાં ય ખેંચી જાય. હોસ્પીટલના બીલ ઓછા કરવા હોય તો માણસે કુદરતની વધુ નજીક જઈને પંખીઓના ગાન અને ટહુકાઓને ગજવે કરી કાનને પવિત્ર કરવા જોઈએ. ચકલીનું ચીં ચીં સાંભળી જો આભ ઈર્શાદ કહેતું હોય તો ચાલો, આપણે પણ દાદનો દરબાર સજાવીએ. પેલા બાળગીતની જેમ બાગમાં નિશાળ બાંધીએ તો ઘણા પંખીઓ ભણવા આવી શકે.
આપણા આ ચપળ ચકીબેન આમ તો માણસવલ્લા હો ! તાર પર કપડાં સુકવીએ ત્યારે જો તાર પર અડ્ડો જમાવ્યો હોય તો ચાર ઈંચ ડાબે ખસે...છ ઇંચ જમણે...લગરીક આમતેમ ઉડે પણ મેદાન છોડીને જાય એ બીજા.. પૂરી દાદાગીરીથી તાર પરનો પોતાનો હક્ક સાબિત કરે. માળાની આસપાસ ઉડે ને બોડી બિલ્ડરની જેમ દેહ ફુલાવી રોફ મારે. માણસે રોજ રોજ સામે દેખાતી ચકલીને નગણ્ય માની લીધી-ર્ર્ાં ૈા ર્કિ યચિહાીગ ! હે માનવ, આવી નિર્દોેષ ચકલી માટે પણ 'અતિ પરિચયાત અવજ્ઞાા ભવેત' ? ન ચાલે યાર, પૃથ્વી પરના જીવનચક્ર-ઈકોસીસ્ટમ માટે કોઈ ઝીણકુડું જીવ-જંતુ કે પશુપક્ષી પણ દરેક પ્રાણીના નિભાવ માટે અત્યંત જરૂરી છે. આજે સ્વાર્થી માણસ આંખ આડા કાન કરી મીડિયામાં રમમાણ છે ત્યારે પર્યાવરણના નાશથી સર્જાયેલું ડરામણું વાસ્તવ માણસને કોરોનાકાળ પછી પણ દેખાતું નથી. નાનકડી ચકલીને સમજાતું નથી કે એ કેવી રીતે હુંકાર કરે, ગૂગલના દ્વાર કેમ ખખડાવે. ચાંચમાં તરણું લઇ, ઘાંઘી બનેલી ચકલી વૃક્ષોના લીલુડાં લાડ શોધેે છે. થાકેલી ચકલીના કંઠેથી રાડ પણ નીકળી શકતી નથી. વોટ્સેપની વાતુડી વાડમાં એ કણસે છે. વાતાવરણને ભરી દેતું એનું મીઠું ચકચક માણસના કાનને કચકચ લાગ્યું, ખલેલ પહોચાડનારું લાગ્યું. પણ ચકલીનું આ 'ચીં ચીં' તો જગતનું શ્રેષ્ઠ દ્વિઅક્ષરી કાવ્ય છે જેનું કર્ણપ્રિય સ્વરાંકન શ્રેષ્ઠ ગીતકાર ગોવિંદે (કૃષ્ણએ સ્તો !) કરેલું છે. સવારે સાંભળીએ તો આ એમાં રાગ તોડી, બપોરે રાગ ભીમપલાસી અને સાંજે રાગ મધુવંતીની છાયા કળાશે.
ચકીબેન, પેલા બાળગીતમાં તો ભલેને સૌ ગાય કે 'તમે આવો તો બેસવાને પાટલો 'ને સૂવાને ખાટલો આપીશું' પણ હું તો સુપેરે જાણું છું કે તમે આવા માનપાન કદી નથી માગ્યાં. તમે તો સાવ સરળ..માત્ર ભાવના ભૂખ્યા. જો તમને ઘરના છજા પર કે આંગણામાં, પોર્ચમાં કે ઓસરીમાં જરા..ક જેટલી જગા મળે, મીઠો આવકાર મળે તો તમે એ ઘરને તમારા ચામગ ચીં ચીં થી ભરીને ઘરની જડતામાં જાન જરૂર ફૂંકો.. હા, કૃતજ્ઞાતા રૂપે જ સ્તો ! તો ચકીરાણી, આજે તો થાય છે કે તમારી આસપાસ જ ઊડું 'ને તમારી જ વાતો કરું.
બગીચામાં ચક્લીબાઈનો માળો તો ક્યાંય દૂર હોય પણ જો બિલ્લીબાઈ પ્રવેશ કરે તો રાડારાડી ને દેકીરો કરતા ચકીબેન તમને ઘર બહાર નીકળવા મજબૂર કરે...જાણે કહેતા હોય કે 'હેલ્પ હેલ્પ...' જો કે બિન્દાસ બિલ્લીબાઈ પણ ગભરાયા વિના ઇત્મિનાનથી આંટા મારે જાણે બાપીકું ઘર. ને વાત પણ વિચારવા જેવી. આપણું ઘર માત્ર ને માત્ર આપણું જ કેવી રીતે હોય શકે ? એમાં તો કીડી-મકોડા, માખી-મચ્છર, ગરોળી કે બિલ્લી જેવા આપણા ઈશ્વરદત્ત વાલીડાઓનો વણલખ્યો હક્ક કબૂલ રાખવો પડે. મણિલાલ હ. પટેલ 'ચકલી તો મારી લાગણીનું નામ છે' નિબંધમાં લખે છે: 'ગામડા ગામમાં તો ચકલીઓ ઘરનાં મનેખ જેમ ઘરની પાક્કી હક્કદાર. ચોખા-ખીચડીમાં એમનો હક્ક પહેલો'.
પક્ષીઓ આપણા સફાઈ કામદારો છે. પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, ખેતીમાં નુકશાનકારક જીવાતોની સફાઈ કરવામાં એમનો ઘણો મોટો ફાળો છે. એકાદ વર્ષ પહેલા જ મીડિયામાં સમાચાર હતા કે ૧૯૫૮માં ચીનના કોમ્યુનિસ્ટ પાર્ટીના ચેરમેન માઓ ઝીડોંગે ચીનના આથક વિકાસ તેમજ લોકોની જીવનશૈલી સુધારવા માટે કેટલાક અભિયાન હાથ ધર્યા હતા. તેમાંનું એક ચકલીઓને ચીનમાંથી નાબુદ કરવાનું હતું. તેમાં લાખોની સંખ્યામાં ચકલીઓને મારવામાં આવી હતી. પરંતુ તેના બીજા જ વર્ષે ખેતરોમાં જીવાતની સંખ્યા વધતા પાકનો નાશ થવા લાગ્યો. પાક ન ઉગતા આથક અરાજક્તા સાથે દુષ્કાળ પડયો જેથી ત્રણ વર્ષમાં લાખો લોકો મોતને ભેટયા હતા. મોટા પ્રમાણમાં થઈ રહેલી જાનહાનિને અટકાવવા માઓએ છેલ્લે ચકલીને મારવાનો આદેશ પાછો ખેંચીને ચકલીને પરત લાવવા માટેના પ્રયત્નો શરુ કર્યા હતા. એ વખતે મૃત્યુ પામેલી ચકલીઓના દુભાયેલા જીવમાંથી જ કોરોના વાયરસનો શ્રાપ ફૂટયો હશે એમ લાગે છે.
ચકલીની આજુબાજુ ઘણી વાયકા કે કહેવત પણ વણાયેલા છે. એક વાયકા એવી છે કે ચકલી ધૂળમાં ન્હાય ત્યારે ચોમાસું નજીક હોય. કોઈ નાનું બાળક હોમવર્ક કે બીજી કોઈ વાતનું વધુુ ટેન્શન રાખે તો આપણે કહીએ છીએ કે 'ચકલી નાની ને ફડકો મોટો'. પરિવારની વ્હાલી દીકરી માટે આપણે લાડમાં 'ચકલી' શબ્દ વાપરીએ છીએ. સાસરે જતી દીકરી માટે ગીતોમાં 'ચરકલડી' જેવો વ્હાલસોયો શબ્દ પણ વપરાયેલો જોવા મળે છે. જે સમય આવતા પિયરથી દૂર ઉડી જાય છે. મોર પંખીઓમાં સૌથી સુંદર ગણાય છે. તેની કલગીથી એ ખૂબ શોભે છે. એ ચાલે ત્યારે એનો ઠસ્સો જોવા જેવો હોય. કળા કરે ત્યારે એની સુંદરતા ઓર નિખરે છે. આટલી સુંદરતા હોવા છતાં આપણે 'જહાઁ ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા' જેવા ગૌરવપૂર્ણ શબ્દોથી ભારતની ઓળખ આપીએ છીએ 'ડાલ ડાલ પર સોને કા મોર...' એવું નથી કહેતા.
દર્પણનું સત્ય ન જાણતી નાનકડી ભોળુડી ચકલીને અરીસામાં દેખાતા પોતાના જ પ્રતિબિંબ સાથે ઝગડો વહોરી લેતી તો સૌએ જોઈ હશે. નાના હોઈએ ત્યારે થોડીવાર તો વિસ્મયથી એની એ નાદાન ક્રિયાને જોયા કરતા પણ થોડીવાર પછી એની ચાંચ દુખવાની કે બટકવાની ચિંતામાં અરીસા આડે કોઈ ટુવાલ કે નેપકીન ઢાંકી દેતા એવુંય યાદ આવે. હલકીફૂલ ચકલી મોર માટે દિલગીરી અનુભવતી હશે કે બિચારા મોરને કેટલા વજનદાર અને લાંબા પીંછાનો ભાર ઉપાડવો પડે છે ! સાહિત્યની બધી વિધઓમાં ચકલી દેખા દે છે. 'ખોવાયું ચકલીનું ચીંચીં રે. બેઠા સૌ આંખોને મીંચી રેદ આ શબ્દોના મર્મને નહીં સમજીએ તો કોઈ દધિચી ષિ પણ પૃથ્વીને વિનાશથી નહીં બચાવી શકે. જે ફળિયામાં 'ચીં ચીંદનું ચોમાસું સર્વોેપરી સત્તા ભોગવતું હોય ત્યાં દુ:ખનો દુષ્કાળ કદી ન ફરકી શકે. એટલે જ રમેશ પારેખ 'રાજા રાજાદ થતા એ સુખને આમ વર્ણવે છે.
'તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.'
ફળિયે ચકલી બેસે ને રાજાપાઠમાં આવી જતા ગીતોના આ રાજવી કવિ રમેશ પારેખના એક બાળકાવ્ય સંગ્રહનું તો નામ જ 'ચીં' છે. પંખીનો કલરવ સાવ નાના બાળકોને પણ કેવો લાગે એવું અહીં કવિ પ્રતીત કરાવે છે. તેના 'કચ કચ' કાવ્યમાં ચકા-ચકીની રકઝકમાંથી સુંદર રમૂજ પ્રગટે છે. એના 'ઉજાણી' કાવ્યમાં 'ચકલી બોલે ચીં ચીં ચીં, ઉજાણી કરીએ જી જી જીદની રવાનુગતિ બાળકની આંખમાં ખુશીની ચમક લાવે છે. ચકલી શબ્દ બોલીએ ને તરત 'ફર્રર્રર્રર....' રવ કાનમાં સંભળાય જે ચકલીને 'ફરકલડી' કહેવા પ્રેરે. બાળક ચકલીબાઈને 'ચીં'ના નામથી જ ઓળખે છે.
મોબાઇલ ફોન અને તેના ટાવરોમાંથી નીકળનારા ભયજનક electromagnetic field emissions પર્યાવરણ, મનુષ્યો અને પ્રાણીઓ માટે ખતરનાક છે. ચકલીની દિશા શોધવાની આંતરસૂઝને આ તરંગો પ્રભાવિત કરી રહ્યાં છે જેની એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે. તેથી ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઈ રહી છે. રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ '૨.૦'માં દેખાડવામાં આવ્યું છે કે, મોબાઈલ સવસ અને ટાવર પર્યાવરણ પર ખરાબ અસર પાડી રહ્યું છે. ચકલી માઈગ્રેટરી બર્ડ નથી. એ મોટેભાગે કસ્બાઓ, ગામડાંઓ અને ખેતરોની આસપાસ જોવા મળે છે. ચકલીને ખોરાક તરીકે જીવાત ઉપરાંત ઘાસનાં બીજ ખૂબ જ પસંદ પડે છે, જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે. ઘોંઘાટ હોય ત્યાં માળા બાંધવાનું ચકલી પસંદ કરતી નથી. સ્પેરોમેન જગત કિનખાબવાલા કહે છે કે 'મારું એક રિસર્ચ એવું પણ છે કે ચકો કે ચકી મેટિંગ માટે જે ઈન્વિટેશનલ કોલ આપે છે તે ઘોંઘાટને કારણે એકબીજા સુધી પહોંચતો નથી, આના લીધે પણ ચકલીની સંખ્યા ઘટતી જાય છે'. કિનખાબવાલા છેલ્લા એક દાયકાથી ચકલીઓને બચાવવા માટે કેમ્પેઈન ચલાવે છે. આ ક્ષેત્રે તેમની પ્રસિધ્ધિ એટલી વધી ગઈ છે કે લોકો તેમને 'સ્પેરો મેન' તરીકે ઓળખવા માંડયા છે. તેમના પુસ્તક ‘Save the Sparrows’માં ચકલી બચાવવા વિશેની અનેક વાતો વણી લેવાઈ છે. શિકારી પક્ષીઓથી બચવા ચકલી ક્યારેય વૃક્ષ પર માળો બાંધતી નથી. એ મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલાં ઘરોની આસપાસ રહેવાનું પસંદ કરતી હોય છે. ચકલીની ઓછી થતી વસ્તીના મુખ્ય કારણમાં માણસજાત દ્વારા થતું વૃક્ષોનું નિકંદન, જમાના પ્રમાણે બદલાઈ રહેલી મકાનની ડિઝાઇન, ખોરાક-પાણી વગેરે ઘણું ગણાવી શકાય.
વિશ્વમાં અનેક પ્રકારની ચકલી જોવા મળે છે. જેમાં હાઉસ સ્પેરો, યુરેશિયન ટ્રી સ્પેરો, રસેટ સ્પેરો, સિંડ સ્પૈરો, ડેડ સી સ્પેરો વગેરેનો સમાવેશ થાય છે. ચકલીઓના સંરક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષો ઉગાડી ચકલી માટે ઘરની બહાર કે બાલ્કનીમાં સ્પેશ્યલ ડિઝાઇન કરવામાં આવેલા ચકલીના માળા, પૂંઠાંના બોક્ષ કે માટલી મૂકવા જોઈએ. તેના ખોરાક માટે ચણ અને પીવા માટે પાણી પણ મૂકી રાખવું જોઈએ. ચકલીને માફક આવે એવા દાણાઓ જેમ કે બાજરા, કણકી જેવું અનાજ બર્ડ ફીડરમાં મૂકીને બાલ્કનીમાં રાખી શકાય. અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં 'ઢાળની પોળ'માં ચકલીનું એક સ્મારક આવેલું છે. તેના પરની તખ્તીમાં બીજી માર્ચ, ૧૯૭૪ના નવનિર્માણના આંદોલનમાં સાંજે પાંચ વાગ્યે પોલીસ ગોળીબારમાં એક ચકલી 'શહીદ' થઈ હોવાનું લખાયેલું છે. આજે પ્રદૂષણના પહાડ નીચે અનેક ચકલીઓ મરી રહી છે.
આપણી સંસ્કૃતિ કીડિયારું પૂરનારી છે. આજે પણ કેટલાય લોકો ગામડાંમાં નખ કાપીને ખુલ્લામાં નથી ફેકતા, ભૂલમાં ચકી ચોખા સમજીને ખાઈ લે તો ? ભારતીય પ્રજાની ધામક લાગણી કબૂતરને ચણ નાખવાની વાતને વધુમહત્વ આપે છે. એ બાબતમાં ચકલીનું નસીબ થોડું વાંકુ છે. ચકલીના અસ્તિત્વ બાબત જો જાગૃત નહીં થઈએ, તો ચોખાનો દાણો લેવા ગયેલી ચકી ક્યારેય પાછી નહીં આવે. ને ચકીબેન ન આવે તો ચકાભાઈ તો...No way. પછી તો આવનારી પેઢીને પ્રાણીસંગ્રહાલયમાં ચકલી બતાવવાની તૈયારી સૌ રાખજો...બીજું શું !
ઇતિ
તમે અમને મોહનદાસ કરમચંદ ગાંી મોકલ્યા અને અમે એમને મહાત્મા બનાવીને તમને પાછા મોકલ્યા.- નેલ્સન મંડેલા