ઘણીવાર એવું બને છે કે તહેવારો ઊજવવા માટે લોકો ઉધાર લેતાં પણ નથી અચકાતાં. 'આખું વર્ષ જેની રાહ જોઈએ છીએ તેવો આ દિવસ છે, તો પછી ખર્ચ તો કરવો જ જોઈએ.' એવું વિચારનારા લોકો પાછળથી ઘણી મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે.
દિવાળી પહેલાં ઘરનું રંગરોગાન, ધનતેરસના દિવસે નવાં વાસણો ખરીદવાનાં અને દિવાળીના દિવસે જુગાર રમવાનું શુભ માનવામાં આવે છે. બાળકોને મીઠાઈઓની સાથે સાથે ફટાકડા પણ લાવી આપવાના હોય છે. સાથે નવાં કપડાં અને મહેમાનોની દેખરેખ માટે પણ પૈસાની જરૂર હોય છે.
આટલી બધી જરૂરિયાતો હોય ત્યારે ખર્ચ કરવાનું સૌકોઈને પોસાય તેવું નથી હોતું. કદાચ એ કારણને લીધે જ લોકો તહેવારના સમયે દેવું કરતાં અચકાતાં નથી. પણ તમે ક્યારેય એવું વિચાર્યું છે ખરું કે ઓછા ખર્ચમાં પણ વધુ સારી રીતે દિવાળી ઊજવી શકાય છે...
ઓછા ખર્ચમાં વધુ આનંદ
ખરેખર તો ઓછો ખર્ચ કરીને પણ દિવાળી સારી રીતે એન્જોય કરી શકાય છે, કેવી રીતે? આવો, જાણીએ:
* ઘરને રંગરોગાન કરાવતાં પહેલાં સફાઈનું કામ જાતે જ પૂરું કરો. તેનાથી રંગરોગાનના ખર્ચમાં કાપ મૂકી શકાશે.
* જો પૈસાની અછત વધુ લાગે તો રંગરોગાનનું કામ પણ થોડી સાવચેતી રાખીને જાતે કરી શકાય છે.
* પોતાનાં ઘરની સજાવટ પોતે જ કરે તો વધુ સારી થઈ શકે છે, એટલે ઘરની સજાવટ પણ જાતે જ કરવાનો પ્રયત્ન કરો.
* એવું નથી હોતું કે તહેવારોની મજા માત્ર નવાં કપડાંથી જ મળી શકે છે. બરાબર ધોઈને પ્રેસ કરેલાં સુતરાઉ કપડાંમાં દિવાળી વધુ સલામત પણ રહે છે.
* તહેવારો વખતે બજારમાં ઘણી વખત મોંઘી જ નહીં, ભેળસેળ વાળી મીઠાઈઓ પણ મળે છે. ત્યારે બહારથી જ મીઠાઈ મંગાવવી જરૂરી નથી. ઘરમાં જ સ્વચ્છ અને સ્વાદિષ્ટ મીઠાઈઓ ઓછા ખર્ચમાં તૈયાર કરી શકાય છે.
* ખોટી માન્યતાઓમાં ફસાઈને જુગાર, દારૂ વગેરેનું સેવન કરવાનું શુભ ન માનશો. એવું નથી કે આ બધું કરવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થઈ જશે, ઊલટું તમારી સાથે સાથે બાળકો પણ આવી ખરાબ ટેવોનો ભોગ બની જશે.
* દિવાળીના તહેવારમાં રોશની કરવાની પરંપરા તો છે, પરંતુ તે માટે ફટાકડાઓ પાછળ ખોટો ખર્ચ કરવાની જરૂર નથી. આજે ફટાકડા એટલાં મોંઘા થઈ ગયા છે કે તે દરેક જણથી ખરીદી શકાય તેમ નથી. આવી પરિસ્થિતિમાં જરૂરી એ છે કે બાળકોને તેના નુકસાન વિશે જણાવો, સાથે તેનાથી દૂર પણ રાખો.
સાવચેતી જરૂરી
જો તમને એવું લાગતું હોય કે બાળકોએ ફટાકડા ફોડવા જોઈએ તો એવો પ્રયત્ન કરો કે તે નાના અને હલકાફુલકા હોય. તેનાથી કોઈ અકસ્માત થવાની શક્યતા ન હોય. તેમ છતાં, તમારી હાજરી બાળકોની સાથે હોવી જરૂરી છે. આવો, ફટાકડા ફોડતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો તે વિશે જાણીએ:
* ફટાકડા હવા અને અવાજનું પ્રદૂષણ તો ફેલાવે જ છે, સાથે જ અકસ્માતનું કારણ પણ બની શકે છે, એટલે તેનાથી દૂર રહેવામાં જ સમજદારી છે. પણ જરૂરી એ છે કે બાળકોને તેની ખરાબ અસરો વિશે સમજાવીને તેમને પણ તેમ કરવા માટે સંમત કરી લો.
* તેમ છતાં તેઓ ફટાકડા ફોડવા માંગતા હોય તો તમે તેમની સાથે ઊભા રહીને સાવચેતીથી ફટાકડા ફોડો.
* ધ્યાન રાખો કે બાળકો ફટાકડા નીચા નમીને ન સળગાવે પણ દૂર થી સીધા ઊભા રહીને સળગાવે. નહીં તો અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે.
* ફટાકડા ખુલ્લી અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં જ ફોડો. ખૂબ સાવચેતી રાખવા છતાં જો અકસ્માત થાય તો દાઝ્યા હોય તે જગ્યા ઉપર ઠંડું પાણી નાખતા રહો. તેના પર એન્ટિસેપ્ટિક ક્રીમ જેવાં કે બર્નોલ, વિકો ટર્મરિક વગેરે લગાવી શકો છો. પણ પ્રયત્ન કરો કે દાઝ્યા પછી દર્દને બને તેટલો જલદી હોસ્પિટલમાં લઈ જવાય. આ બધી જ બાબતોનું ધ્યાન રાખશો તો આ વખતની તમારી દિવાળી હશે સલામત અને યાદગાર.
- નયના


