- તમારા જીવનસાથી સાથે નવા વર્ષમાં પ્રેમની એક નવી શૈલી લખવાનો ઈરાદો હોય તો ક્યાક્યા સ્થળ તેના માટે યોગ્ય છે, તે વિશે અમે તમને જણાવીએ છીએ...
વિશ્વમાં કેટલાક એવા રોમેન્ટિક સ્થળ છે જ્યાંની આબોહવામાં જ પ્રેમ છલકે છે અને જો આ સ્થળે તમે તમારા પાર્ટનર સાથે જશો તો પ્રેમના નવા રંગમાં ભીંજાઈ જ જશો. આવો, અમે તમને જણાવીએ કેટલીક એવી જગ્યા વિશે જ્યાં જઈને તમે અને તમારા સાથી એકબીજામાં એવા ખોવાઈ જશો કે પાછા ફરવાનું મન જ નહીં થાય.
ગોવા :
અહીંની સ્વચ્છંદ અને ઉન્મુક્ત જીવનશૈલી પ્રવાસીઓને વારંવાર અહીં ખેંચી લાવ છે. જો તમે પણ તમારા સાથી સાથે થોડીક અંગત પળો વિતાવવા ઈચ્છો છો તો ગોવા ખૂબ જ ઉત્તમ સ્થળ છે. વોટર સ્પોર્ટ્સ માટે પણ ગોવા ખૂબ જ પ્રસિદ્ધ છે. દરિયાની લહેરો પર તમે વોટર સફગ, પેરાસેલિંગ, વોટર સ્કીઇંગ, સ્કૂબા ડાઇવિંગ, વોટર સ્કૂટર વગેરેનો આનંદ માણી શકો છો. રોમાંચના ચાહકોને તો સમુદ્રની છાતીને ચીરીને દોડતા વોટર સ્કૂટરની સવારી ખૂબ જ આકષત કરે છે.
ગોવાના કેટલાક પ્રસિદ્ધ બીચ ડોના પાઉલા, કોલબા, કલંગૂટ, મીરામાર, અંજુના, બાગાતાર છે, પણજી, મયુસા મડગાંવ વગેરે ગોવાના મુખ્ય શહેર છે.
પેરિસ :
પેરિસ વિશ્વભરમાં પ્રવાસીઓ માટે એક સ્વપ્નનગરી છે. દર વર્ષે લગભગ દોઢ કરોડથી પણ વધારે લોકો પ્રેમનગર પેરિસને જોવા આવે છે. તેને પ્રેમની નગરી એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે અહીંની સીન નદી પર બનાવવામાં આવેલો સૌથી જૂનો પુલ પોંટ ન્યૂફ પ્રેમી યુગલમાં સારો એવો લોકપ્રિય છે. અહીં પ્રેમી યુગલ દ્વારા લવલોક લગાવવામાં આવે છે. આમ તો, અહીંના મ્યુઝિયમ પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે જેમ કે વેક્સ મ્યુઝિયમ વગેરે. એટલું જ નહીં, પેરિસની ઉત્તરમાં ૧૩૦ મીટર ઊંચી મોંટમા પહાડી પર પ્રેમની દીવાલ આવેલી છે. ૪૦ વર્ગ મીટરની આ દીવાલ પર કલાકારોએ ૬૧૨ ટાઈલ્સ પર ૩૦૦ ભાષામાં 'આઈ લવ યૂ' લખ્યું છે. તેને જોવા માટે પણ પ્રવાસીઓની ભારે ભીડ અહીં ભેગી થાય છે.
સિડની :
સિડની ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું અને સૌથી જૂનું શહેર છે. સિડની શહેરનું નામ આવતા જ પ્રવાસીઓના મનમાં શંખની આકૃતિ ધરાવતા ઓપેરા હાઉસની ઈમારત અચૂક નજરમાં આવી જ જાય છે. સિડનીના બેનિલોંગ પોઈન્ટ પર આવેલી આ ઈમારત પોતાની ઓપન અને સુંદરતાના કારણે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ છે.
ઓપેરા હાઉસની બાજુમાં સિડની હાર્બર બ્રિજ આવેલો છે. તેની પર ન્યૂ યર સેલિબ્રેશનની રોનક જ અલગ હોય છે. પ્રેમથી લોકો આ બ્રિજને કોટ હેન્ગરના નામથી ઓળખે છે. પૂરા વિશ્વમાં પોતાનામાં જ અનોખો તે એકમાત્ર પુલ છે.
થાઈલેન્ડ :
થાઈલેન્ડનું નામ લેતા જ પાર્ટી અને બીચ યાદ આવવા લાગે છે, લાખો પ્રવાસીઓ થાઈલેન્ડની રંગીન રાત્રિની મજા માણવા અહીં આવે છે.
થાઈલેન્ડ વિશે બીજી પણ એક ખાસ વાત એ છે કે અહીંના લોકો માથાને સૌથી વધારે પવિત્ર અંગ માને છે. હૃદયથી પણ વધારે. તેમનું માનવું છે કે વ્યક્તિત્વની સાચી ઓળખ માત્ર મસ્તિષ્કથી જ મળે છે. તેથી અહીં એક વાત એ પણ જોવા મળે છે કે અહીં આવતી ભારતીય પત્નીઓ હમેશાં પોતાના પતિને માથા પર કિસ કરવાની વિનંતી અચૂક કરતી હોય છે. આમ કરવું તેમના માટે રોમેન્ટિક ક્ષણ તો હોય છે, સાથે સન્માનજનક વાત પણ હોય છે. તે ઉપરાંત અહીંનો ફીફી આયર્લેન્ડ પણ મંત્રમુગ્ધ કરી દેનાર સ્થળ છે. અહીંની કુદરતી સુંદરતામાં પોતાના સાથી સાથે સમય પસાર કરવો યાદગાર બની જાય છે.
મોરેશિયસ :
સન એન્ડ સેન્ડ વચ્ચે રોમાંસ કરવો હોય તો આ ટાપુથી વધારે સુંદર બીજી કોઈ જ જગ્યા નથી. હનીમુનર્સ પેરેડાઈસ કહેવાતા મોરેશિયસમાં ઠેરઠેર કુદરતી સુંદરતા ઊડીને આંખે વળગે છે. આ જ કારણસર મોરેશિયસને ડ્રીમલેન્ડના નામે પણ ઓળખવામાં આવે છે. મોરેશિયસ એક એવો ટાપુ છે જ્યાં સુંદર રેતાળ બીચ પ્રવાસીઓને સંમોહિત કર્યા વિના રહેતા નથી. અહીં મળતો આનંદપ્રમોદ પ્રવાસીઓને અહીં આવવા વારંવાર ઉત્સાહિત કરે છે. મોરેશિયસમાં પેરીબેરી, ગ્રાન્ડબાઈ, બ્લૂ બે જેવા અનેક મનમોહક બીચ છે. અહીં સમુદ્રમાં છુપાયેલી દુનિયાની મજા માણવા માટે બ્યૂ સફારી સબમરીન પણ છે.
પોર્ટલુઈ મોરેશિયસની રાજધાની છે, જે દેશની કલાસંસ્કૃતિની જીવંત તસવીર છે. અહીંના ધમધમતા બજારમાં પણ શોપિંગ માટે ઘણું બધું છે. અહીં સૂકી માછલીઓમાંથી બનેલા ઘરેણાં, ટીશર્ટ, શોપીસ જેવી અનેક ચીજવસ્તુઓ મળે છે. અહીંનો પંપલમુજ બોટનિકલ ગાર્ડન ખાસ પ્રકારના વોટર લિલીના ફૂલ માટે પ્રખ્યાત છે.
સિંગાપુર :
સિંગાપુર સાઉથ ઈસ્ટ એશિયાના સૌથી મોંઘા શહેરમાંથી એક છે, પરંતુ તે હનીમૂન અથવા તો રજાઓ ગાળવા માટે હમેશાં પ્રવાસીઓની પ્રથમ પસંદ રહ્યું છે. સિંગાપુરના બસકર્સ ફેસ્ટિવલ, સિંગાપુર આર્ટ ફેસ્ટિવલ, મોજિએક મ્યૂઝિક ફેસ્ટિવલ, લૂનર ન્યૂ યર ખૂબ જ ખાસ હોય છે. અહીં તમે મ્યૂઝિક, આર્ટ ઈંસ્ટોલેશન્સ અને લાઈટ શોઝનો વિનામૂલ્યે આનંદ માણી શકો છો, પરંતુ આ ફેસ્ટિવલનો આનંદ માણવા માટે તમારે તમારી ટ્રીપનું પ્લાનિંગ સિંગાપુરના કેલેન્ડર પ્રમાણે કરવું પડશે.
સ્વિટ્ઝર્લેન્ડ :
અહીંની સફેદ બરફથી ઢંકાયેલી આલ્પ્સની પહાડીઓ, ચોમેર લીલોતરી, મદ્હોશ કરતી નદીઓ અને તળાવ, સુંદર ફૂલ, રંગબેરંગી પાંદડાંવાળા વૃક્ષો સૌ કોઈને આકષત કરે છે. અહીં માઈલો લાંબી સુરંગ અને કુદરતી દ્રશ્યો પણ જોવા મળશે. ટિટલિસ પર્વત પર કેબલ કાર દ્વારા પૂરા ગ્લેશિયરની સુંદરતા નિહાળી શકાય છે. આ વિશ્વનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં રિવોલ્ડિંગ કેબલ કાર છે. વિશ્વ પ્રસિદ્ધ કોફી નેસકેફેનું મુખ્યાલય પણ અહીં જ છે. અહીં પ્રેમી યુગલ કોફીનો આનંદ અચૂક માણે છે અને નવરાશની થોડીક સુખદ પળો વિતાવે છે. યુરોપનું સૌથી ઊંચું રેલવે સ્ટેશન જંગફા પણ જોવાલાયક સ્થળોમાંનું એક છે. અહીં રેલવેના ૨ નહીં, પરંતુ ૩ પાટા છે. વચ્ચેના પાટા સાઈકલની ચેન જેવા છે જેની પર ટ્રેનની નીચે લગાવેલી ગરગડીના દાંતા ચાલે છે. એવું એટલા માટે છે કે સીધા ઊંચાઈ પર જવા છતાં પણ ટ્રેન નીચેની તરફ જતી નથી.
ટોકિયો :
'લે ગઈ દિલ ગુડિયા જાપાન કી...' આ ગીત ખૂબ જ જૂનું છે, પરંતુ જાપાન પર બરાબર બંધ બેસે છે. જાપાનની છોકરીઓ ખરેખર ઢીંગલી જેવી જ દેખાતી હોય છે અને અહીંની રાજધાની ટોકિયો એવું સ્થળ છે જે કોઈપણ અહીં એક વાર આવે તો તેને પ્રેમ થઈ જ જાય. જાપાનમાં એવી હોટલ છે જે વિશેષ કપલ્સની પ્રાઈવેસીને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે. આ હોટલ્સને લવ હોટલ્સના નામથી ઓળખવામાં આવે છે. અહીં રોકાતા લોકો એક કલાક માટે પણ રૂમ બુક કરાવી શકે છે.
ટોકિયોમાં વિશ્વનું સૌથી ઊંચું ટાવર સ્કાઈટી આવેલ છે. આ ટાવરમાં ૩૧૨ મીટર સુધી શોપિંગ, રેસ્ટોરન્ટ, ઓફિસ, એક્વેરિયમ અને પ્લેનેટોરિયમ આવેલા છે. ૩૫૦ મીટરની ઊંચાઈ પર ઓબ્ઝર્વેશન ટાવર છે, જ્યાં રાજધાની ટોકિયો અને આસપાસનો વિસ્તાર જોઈ શકાય છે.
દુબઈ :
વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા દુબઈમાં જ છે. દુબઈનો જુમેરાહ બીચ વિશ્વનો સૌથી સુંદર બીચમાંથી એક છે. અહીંની સુંદરતા સૌ કોઈને પોતાના દીવાના બનાવ્યા વિના રહી શકતી નથી. દુબઈ ક્રીક પણ શાનદાર છે. અહીં બોટિંગ કરવાની અલગ જ મજા છે.
હોંગકોંગ :
ચીનના દક્ષિણ કિનારે વસેલો આ દેશ ક્યારેય ઊંઘતો નથી. અહીંના ઝગમગતા રસ્તા તથા ઈમારત દિવસરાત વચ્ચે કોઈ ફરક રહેવા દેતી નથી. અહીંના ડિઝની લેન્ડ, ક્લોક ટાવર, ડ્રેસર બેંક ટેલ તથા હોંગકોંગ મ્યુઝિયમ ખૂબ જ પ્રખ્યાત છે.
હોંગકોંગની મુલાકાત માટે ક્રૂઝનો ઉપયોગ પણ કરી શકાય છે, આ ક્રૂઝ એક પ્રકારની ફરતી ફાઈવ સ્ટાર હોટલ જેવી છે, જેમાં પ્રવાસીઓની જરૂરિયાતનો બધો જ સામાન ઉપલબ્ધ હોય છે.
માલદીવ :
અહીંના સમુદ્રના ઘેરા આસમાની રંગના પાણીમાં વીંટીઓની જેમ વિખેરાયેલા નાના નાના ટાપુને જોઈને દિલ ખુશીથી નાચી ઊઠે છે. અહીંની ધરતી સુંદરતાના માપદંડ પર કુદરતની કોઈ અજાયબીથી જરા પણ ઊણી ઊતરે તેવી નથી. કરોડો વર્ષોથી પરવાળાના એકત્ર થવાના કારણે બનેલા આ ટાપુઓ પર ઉપરથી જોતા હળવા આસમાની રંગની ચાદર નજરે પડે છે અને સફેદ રેતીવાળા ટાપુના કિનારા જાણે સમુદ્રમાં ભળી જતા હોય તેવું અનુભવાય છે.
કેરલ :
જો તમે પાણીમાં રોમેન્ટિક પળો વિતાવવા ઈચ્છતા હોય તો તમારા માટે કેરળના બેકવોટર બેસ્ટ ઓપ્શન છે. અહીં તમે અલપુજ્જા, કોલ્લમ, તિરૂવલ્લમ જેવા સ્થળની મુલાકાત હાઉસબોટ દ્વારા કરી શકો છો. કેરળના બેકવોટર્સમાં ૯૦૦ કિલોમીટરથી પણ વધારે વિસ્તારમાં પ્રવાસનો આનંદ માણી શકાય છે. નદી અને સમુદ્રનું પાણી મળીને બેકવોટર એરિયા બને છે. આ જ કારણસર અહીં બધા જ પ્રકારના વૃક્ષો, લીલા ખેતર ઉપરાંત મરીન લાઈફને પણ ખૂબ નજીકથી જોઈ શકાય છે.
કાશ્મીર :
અહીં દેવદાર અને ચીડના વૃક્ષો પરથી પડતા બરફના ટુકડા આપણને એક નવી દુનિયામાં આવી ગયા હોવાની અનુભૂતિ કરાવે છે. કાશ્મીરમાં ફરવા માટે આમ તો ઘણ બધા સ્થળ છે, પરંતુ ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામ, શ્રીનગરની મુલાકાત લીધા વિના કાશ્મીરની મુલાકાત અધૂરી ગણાશે. ગુલમર્ગમાં સ્કીઇંગ, ગોલ્ફ કોર્સ, વિશ્વની સૌથી ઊંચાઈએ આવેલી કેબલ કાર અને ટ્રેકિંગની સુવિધા છે. પહેલગામની નજીક અરૂ વેલી ચંદનવાડી અને બેતાબ વેલી છે જ્યાં અનેક ફિલ્મના શૂટિંગ પણ કરવામાં આવ્યા છે.
ડેલહૌજી :
૫ પહાડ - કઠલોંગ, બકરોટી અને બલૂન પર આવેલા આ પર્વતીય સ્થળ હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આવેલું છે. આમ તો ડલહૌજી શહેર ધોલાધાર પર્વતની સામે આવેલું છે, જે પૂરું વર્ષ બરફના નવા નવા પડ ઓઢતું રહે છે. ચારે બાજુ છવાયેલા કુદરતી દ્રશ્યોની વચ્ચે દૂરદૂર સુધી પ્રસરેલી નિરવતામાં મુક્તમને ફરી શકાય છે. અહીં ભીડભાડના બદલે ખૂબ જ શાંત વાતાવરણ હોય છે, લાંબું વેકેશન પસાર કરવા તેમજ જેમને એકાંત પ્રિય છે તેવા લોકો અહીં ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે.
આંદામાન નિકોબાર ટાપુ :
જો તમે તમારા પાર્ટનર સાથે કોલાહલથી દૂર એકાંતમાં શાંતિપૂર્ણ સમય પસાર કરવા ઇચ્છો છો તો આ સ્થળ તમારા માટે બેસ્ટ છે. તમારા માટે આ સ્થળથી વધારે રોમેન્ટિક સ્થળ બીજું કોઈ ન હોઇ શકે. આંદામાન અને નિકોબાર પોતાના સમુદ્રી કિનારા અને સ્કૂબા ડાઈવિંગ માટે જ નહીં, પરંતુ અહીંના ગાઢ જંગલમાં જોવા મળતી વિવિધ પ્રજાતિ જેમ કે પક્ષીઓ અને સુંદર ફૂલ પણ જાણીતા છે. તેને જોવાનો આનંદ જ ખાસ અનુભૂતિ કરાવશે.
કૌસાની :
કૌસાનીને ભારતનું સ્વિટ્ઝર્લેન્ડ પણ કહેવામાં આવે છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે કૌસાની પૃથ્વી પરનું સ્વર્ગ છે. બરફથી ઢંકાયેલા શિખરથી ઘેરાયેલું કૌસાની સૂર્યોદય અને સૂર્યાસ્તના અદ્ભુત દ્રશ્ય માટે પણ પ્રસિદ્ધ છે. અહીંથી ચૌખંભા, ત્રિશૂલ, નંદાદેવી, પંચચૂલી તથા નંદાકોટ સહિત બીજા પવર્તના શિખર પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
દાર્જિલિંગ :
દાજલિંગ ખૂબ જ સુંદર રોમેન્ટિક પ્રવાસન સ્થળ છે. અહીંની તાજગીસભર ઘાટીઓ હનીમૂનમાં ચાર ચાંદ લગાવી દે છે. દાજલિંગને પહાડની રાણી પણ કહેવામાં આવે છે. અહીં બરફથી ઢંકાયેલા શિખર જોવા મળશે. ખળખળ વહેતા ઝરણા, દેવદારના વૃક્ષો અને અહીંની કુદરતી સુંદરતા તમારું મન અચૂક મોહી લેશે. અહીંની સુંદરતાને જોઈને તો તમને અચૂક લાગશે જાણે કુદરતે પોતાની બધી સુંદરતા અહીં જ વિખેરી દીધી ન હોય.
દાજલિંગમાં સૌથી ખૂબસૂરત દ્રશ્ય છે, વિકટોરિયા ઝરણું. જે લોકોનું મન મોહી લે છે. તે ઉપરાંત સૈંથલ તળાવ અને રોક ગાર્ડનની સુંદરતા જોઈને પણ લોકો આશ્ચર્યચકિત થયા વિના રહી શકતા નથી.


