હોળીનો પર્વ રંગોની બહાર લઈને આવે છે. વિવિધ રંગો અને રંગીન વાતાવરણ કોને ન ગમે? વળી હોળીના દિવસે રંગોથી રમવાની મજા જ કાંઈક ઓર હોય છે. પણ હોળીના રંગો તમારી ત્વચા, તમારા કેશની દાટ વાળી નાખી શકે, જો તે રસાયણયુક્ત હોય તો. છેલ્લા ઘણાં વર્ષોથી બજારમાં સર્વત્ર કેમિકલયુક્ત રંગો જ જોવા મળે છે. આ રંગોમાં ધાતુની કાટ, ઉદ્યોગોમાં વપરાતી ડાઈનો ઉપયોગ થાય છે. તેમાં રહેલા રસાયણો ત્વચા અને વાળ સાથે આંખોને પણ ભારે ઇજા પહોંચાડી શકે છે.
બજારમાં મળતા લીલા રંગમાં કોપર સલ્ફેટ હોય છે. આ રસાયણ આંખોને નુકસાન પહોંચાડે છે. જ્યારે જાંબુડી રંગમાં રહેલું ક્રોમિયમ આયોડાઈડ અસ્થમા તેમ જ શ્વસનતંત્રને લગતા રોગને નિમંત્રણ આપે છે. તેવી જ રીતે રૂપેરી રંગમાં કાર્સિનોજેનિક નામે ઓળખાતું એલ્યુમિનિયમ બ્રોમાઈડ હોય છે.
બજારમાં મળતાં કોરા રંગોમાં એસ્બેસ્ટોસ, સિલ્લિકા, એસિડ, અલ્કલિ, કાચનો પાઉડર જેવા રસાયણો ભળેલાં હોય છે. આ રસાયણો આપણી ત્વચાને હાનિ પહોંચાડે છે. તેનાથી દ્રષ્ટિ ઝાંખી થવાની કે શ્વસનતંત્રને લગતી વ્યાધિ ઉદ્દભવવાની સંભાવના પણ રહે છે.
તો પછી કરવું શું? આનો વિકલ્પ છે વનસ્પતિમાંથી બનાવવામાં આવેલા પ્રાકૃતિક રંગોનો વપરાશ. વાસ્તવમાં આ રંગો આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પુરવાર થાય છે. ઘણી કંપનીઓ હોળી માટે ખાસ પ્રાકૃતિક રંગો બનાવે છે. છેલ્લા થોડાં વર્ષો દરમિયાન રાસાયણિક રંગો પ્રત્યે આવેલી જાગૃતિને કારણે ઘણાં લોકો ઓર્ગેનીક રંગોથી હોળી રમતાં થયા છે. નવેક વર્ષ પહેલા 'નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ' (એનબીઆરઆઈ)એ આપણા આયુર્વેદિક ગ્રંથોનો ઉપયોગ કરીને વનસ્પતિમાંથી ગુલાલ બનાવવાનો આરંભ કર્યો છે. આ ઓર્ગેનિક ગુલાલ જે વનસ્પતિમાંથી બનાવવામાં આવે તેના છોડ સુદ્ધાં સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવે છે. આ છોડ પર રાસાયણિક દવાઓનો છંટકાવ પણ કરવામાં આવતો નથી.
એનબીઆરઆઈ ગુલાલ બનાવવા માટે ચંદન કાષ્ટ, વિવિધ પ્રકારના ફૂલોની પાંખડીઓ અને વનસ્પતિનો ઉપયોગ કરે છે. જ્યારે અન્ય એક કંપની સેન્દ્રિય ખાતરમાં ઉગાડેલી તુલસી અને હળદરમાંથી ગુલાલ બનાવે છે. તેમાં સુગંધ ભેળવવા માટે પણ વનસ્પતિનો ઉપયોગ જ કરવામાં આવે છે.
આપણા દેશમાં હોળી સર્વત્ર ખેલાય છે. પણ લખનઉમાં હોળીનો અલગ જ મહિમા છે. અગાઉ અહીંના લોકો રાસાયણિક રંગોથી હોળી રમતાં. પણ જ્યારથી 'ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટોક્સિકોલોજી રિસર્ચ (આઈઆઈટીઆર)એ કેમિકલ યુક્ત રંગોના વપરાશથી થતા નુકસાનથી અહીંના લોકોને જાગૃત કર્યાં છે, ત્યારથી તેઓ એકદમ ચેતી ગયાં છે. આ ગુલાલ બજારમાં પણ મળે છે, તેમ જ તેને ઓનલાઈન પણ ખરીદી શકાય છે. લીલો રંગ તુલસીમાંથી અને પીળો રંગ હળદરમાંથી તૈયાર કરવામાં આવે છે.
આમ છતાં હોળી રમવા જવાથી પહેલા ચોક્કસ બાબતોની કાળજી લેવાથી રંગોથી થતાં નુકસાનથી બચી શકાય છે. સ્વાભાવિક રીતે જ તમે એ વાતથી સંપૂર્ણપણે અજાણ હો છો કે તમારી ઉપર ઉડનારા રંગો રસાયણયુક્ત છે કે પ્રાકૃતિક. હોળી રમવા જવાથી પહેલા વાળમાં નાળિયેર તેલ માલીશ કરો. માત્ર ઉપર ઉપરથી તેલ લગાવવાથી નહીં ચાલે. તેલ કેશના મૂળ સુધી, એટલે કે માથાની ત્વચા સુધી સારી રીતે જવું જોઈએ. તેલ લગાવેલા વાળ પર રંગ ઊડે તોય રંગ સીધો વાળ પર ચોંટી નથી જતો. નાળિયેર તેલ કેશ અને કલર વચ્ચે દીવાલનું કામ કરે છે. પરિણામે વાળને ઓછું નુકસાન થાય છે.
વાસ્તવમાં નાળિયેર તેલ ૯૦ ટકા સુધી વાળમાં સમાઈ જતું હોવાથી કેશની આસપાસ એક સુરક્ષા કવચ ઊભું કરે છે. પરિણામે વાળને રંગ, ધૂળ તેમ જ ગરમીથી પણ બચાવી શકાય છે. જ્યારે ત્વચાની સુરક્ષા માટે સન ટન લોશન લગાવી લો. સ્વાભાવિક રીતે જ તમે હોળી રમો ત્યારે તમને તડકો લાગે. આ ઉપરાંત નખ, પગના તળિયા, કોણી, ઘુંટી જેવા શુષ્ક ભાગમાં વેસેલીન ઉપયુક્ત ગણાશે. નખ ઉપર નેલ પોલીશ લગાવી રાખવાથી પણ નખને રંગોથી બચાવી શકાય છે.
હોળી રમીને આવ્યા પછી શરીર પરથી રંગો દૂર કરવા ઘણાં લોકો સાબુથી ઘસી ઘસીને સ્નાન કરે છે, જે ભૂલભરેલું છે. ત્વચા પરથી રંગ દૂર કરવા સોયાબીનના લોટમાં અથવા બેસનમાં પાણી નાખી પેસ્ટ બનાવો. આ પેસ્ટ હળેવ હાથે ચામડી પર ઘસો. ત્યાર પછી ત્વચા પર ઝાંખા બચી ગયેલા રંગને મોઈશ્ચરાઈઝરયુક્ત સાબુથી ધુઓ. આ સિવાય ક્રીમયુક્ત કિલન્ઝર અથવા બેબી ઓઈલનો વપરાશ પણ કરી શકાય.
જો તમે હોળી પછી ચહેરા પર બ્લીચ કે ફેશ્યલ કરાવવા માગતા હો તો એકાદ અઠવાડિયું રાહ જુઓ.
હોળી રમવાની મઝા જરૂર લો. પણ ચોક્કસ પ્રકારની સાવધાની સાથે. નહીં તો મઝા ક્યાંક સજામાં ન ફેરવાઈ જશે.


