ડોમેસ્ટિક વાયોલન્સના કેસો વધી રહ્યા છે ત્યારે...
- લોકડાઉનમાં સર્વત્ર .
પા રિવારિક વિખવાદ, કૌટુંબિક ઝઘડો, ઘરના વિખવાદ કે ઘરેલું હિંસા જેવા અનેકવિધ શબ્દોનો અર્થ ઓછેવત્તે અંશે કે પૂરેપૂરો ડોમેસ્ટિક વાયોલન્સમાં સમાવિષ્ઠ છે, પણ આ ડોમેસ્ટિક વાયોલન્સ જ એક એવો શબ્દ છે જેનો અર્થ આજે બધા જ બહુ સારી રીતે સમજે છે. જોકે આજે આ શબ્દ વધુ ને વધુ ઘુંટાઈને ભારપૂર્વક બોલાય રહ્યો છે. આ શબ્દના પડઘાં વિશ્વભરમાં સંભળાઈ રહ્યા છે અને તેનું એક કારણ છે કોવિડ-૧૯ રોગચાળાને કારણે માત્ર ભારતમાં જ નહીં, પણ વિશ્વભરમાં અનેક દેશોમાં અમલી છે તે લોકડાઉન આ લોકડાઉનને કારણે ઘરમાં પૂરાઈને લોકો કંટાળી ગયા છે અને ગળે આવી ગયા છે, પણ આનો અન્ય કોઈ ઉકેલ નથી. લોકડાઉનને લીધે ઉદ્ભવેલી મુશ્કેલીઓ અને નાણાંભીડને કારણે સમાજનો પુરુષ વર્ગ બેબાકળો થયો છે અને કોઈ માર્ગ દૂર દૂર સુધી નહીં દેખાતો એ ઘરમાં બાળકો અને ખાસ કરીને પત્ની પર રોષ ઉતારી રહ્યો છે. આ રોષ ઘણીવાર હિંસકરૂપ ધારણ કરે છે અને સર્જાય છે ડોમેસ્ટિક વાયોલન્સ! આજે સર્વત્ર ડોમેસ્ટિક વાયોલન્સનું પ્રમાણ અમર્યાદિતપણે વધી ગયું છે, જેની સીધી અસપ કુટુંબ અને સમાજ પર પડે છે.
જો કે આનો યોગ્ય રીતે ઉલ્લેખ કરવો હોય તો તેને મહામારીનો પડછાયો કહી શકાય. કારણે વિશ્વભરમાં કોવિડ-૧૯ ને કારણે લોકડાઉન પ્રવર્તે છે અને તેને કારણે ડોમેસ્ટિક વાયોલન્સન બનાવો ધારદાર અણી સાથે બહાર આવી ગયા છે. ઉદાહરણ તરીકે ઈટાલી, ચીન, અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં તો આવી ઘટના બેફામ બની રહી છે. આથી જ તો સંયુક્ત રાષ્ટ્રસંઘે એપ્રિલ મહિના પર ટ્વીટર પર અપીલ કરી હતી કે લોકડાઉનમાં ઘણી મહિલાઓએ કોવિડ-૧૯ નો હિંસા સાથે મુકાબલો કરવો પડી રહ્યો છે. તેઓ ક્યાં સલામત રહી શકે છેઃ તેના ઘરમાં... હું બધી જ સરકારોને વિનંતી કરું છું કે મહિલાઓની સલામતી સૌ પહેલાં અને એ પણ જ્યારે વૈશ્વિક મહામારીનો મુકાબલો કરી રહી છે ત્યારે.' આ વિનંતી કરી હતી યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે!
સંયુક્ત રાષ્ટ્રસંઘના પોપ્યુલેશન ફંડ્સ (યુએનએફપીએ)ના નવા ડેટા મુજબ એવું ધારવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ મહિનામાં લોકડાઉન દરમિયાન યુ.એન. ના કુલ ૧૯૩ સભ્ય દેશોમાં ઘરેલું હિંસાના પ્રમાણમાં ૨૦ ટકાનો વધારો થયો છે. એવું માનવામાં આવે છે કે દર ત્રણ મહિને આવા ૧.૫૦ કરોડ કેસોનો વધારો થશે. નેશનલ કમિશન ફોર વિમેન (એનસીડબ્લ્યુ) જે વોટ્સએ પર લૉન્ચ થઈ અને તેનો નં.(૭૨૧૭૭૩૫૩૭૨) છે અને તેના પર તાજેતરમાં ડોમેસ્ટિક વાયોલેન્સનાં ઘણાં કેસો નોંધાયા. માર્ચથી અત્યાર સુધીમાં કુલ ૪૦૦ ફરિયાદ ઓનલાઈન પર અને વૉટ્સએપ પર નોંધવામાં આવી છે. ગયા વર્ષના ઑગસ્ટ મહિનાથી અત્યાર સુધીમાં આ ફરિયાદ સૌથી વધુ છે.
ભારતભરની સેલિબ્રિટિઝે આ પ્રકારના વાયોલન્સ વિરુદ્ધ લોકજાગૃતિ કેળવવા હાથ મિલાવ્યા છે અને તેને 'ઈન્ટિમેટ ટેરિરિઝમ' તરીકે ઓળખાવ્યું છે, તેમણે તેમની ચિંતાના અવાજને સોશિયલ મીડિયા પર ગજાવ્યો છે. આ માટેના અગાઉ રચાયેલા ગુ્રપ દ્વારા એક વીડિયો 'લોકડાઉન ઑન ડોમેસ્ટિક વાયોલન્સ બનાવાયો હતો જેમાં બોલીવૂડનાં વિદ્યા બાલન, માધુરી દીક્ષિત, અનુષ્કા શર્મા, કરણ જોહર જેવા સંખ્યાબંધ કલાકારોએ હિસ્સો લીધો હતો અને લોકોને ઘરેલું હિંસા બંધ કરવા જણાવ્યું હતું. આ પછી બીજો પણ વીડિયો 'બસ કુછ દિન ઔર' બનાવાયો હતો. જેમાં રિચા ચઢ્ઢા, કાલ્કી કોચલીન અને અલી ફજલ તથા અન્યોએ ઉલટભેર ભાગ લીધો હતો અને લોકોને ઘરેલું સૌહાર્દતા કેળવવા જણાવ્યું હતું અને પોતાની મુશ્કેલીઓની વાત પત્ની અને ઘરના સભ્યોને પણ જણાવવા વિનંતી કરી હતી. દક્ષિણ અને મરાઠી ફિલ્મોની અભિનેત્રીઓએ ડોમેસ્ટિક વાયોલન્સ વિરુદ્ધ જાગરુકતા ફેલાવવા સક્રિય ભાગ લીધો હતો અને વીડિયોને વિભિન્ન ભાષામાં ડબ પણ કર્યો હતો.
મહિલા-બાળકો માટે હેલ્પલાઈન હોવી જોઈએ
રિચા ચઢ્ઢા: 'આ આંચકાજનક છે, પણ ડોમેસ્ટિક એબ્યૂઝ આટલા મોટા પ્રમાણમાં વધી ગયું તેનું આશ્ચર્ય નથી થતું. પુરુષો તેમની નિષ્ફળતા-હતાશા તેમની પત્નીઓ અને બાળકો પર ઉતારે છે. આ બાબત આર્થિક, તકની ઉણપ અથવા તો દારૂ પીવાની આદતને કારણે ઉદ્ભવે છે. આ લોકડાઉન ખાસ કરીને મહિલાઓ માટે ઘણું મુશ્કેલ છે કેમ કે તેમના પર કામનો ભાર વધી ગયો છે. દરેકે જાગરુક બનવું જોઈએ અને તેમના પાડોશ કે તેની આસપાસ બનતી ઘટનાઓ અને કેસો પર બરાબર ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત મહિલાઓ અને બાળકો માટે હેલ્પલાઈન પણ હોવી જોઈએ.'
વધુ જાગરુક બનો
તાપસી પન્નુ: એક સમય એવો હતો જ્યારે કોઈ વ્યક્તિ બધું જ ગુમવવાની તૈયારી હોય ત્યારે તે ઘરમાં ચાર દીવાલની વચ્ચે પોતાની મુશ્કેલીઓનો ખુલ્લા મને એકરાર કરતો. હવે આર્થિક બાબતો અને મૂંઝવણ વધી જતાં મહિલાઓ ફોન ઉપાડી તેમની ફરિયાદ નોંધાવે એવું હું નથી માનતી. અરે એ ઘરમાંથીય બહાર નીકળવાની હિંમત નથી દાખવી શકતી. તેના માટે બચવાનો કે ભાગી છૂટવાનો કોઈ માર્ગ જ રહ્યો નથી. હું માત્ર એટલી આશા રાખી શકું કે એ ત્યાંથી બહાર નીકળે અને કોઈ માર્ગ શોધવાના પ્રયત્ન કરે. હું પણ વધુ જાગરુક અને મારી આસપાસ શું બને તે બાબતની જાણ રાખું છું.
અભિગમ બદલવાની જરૂર
શ્રેયસ તલપડે: ઘરેલું નિંદાની નોંધ ન લેવાય એવું ન બનવું જોઈએ. કોઈકનો એવો એટીટયૂડ હોય અને કહે કે 'આવું બન્યું' અને 'આ તો ફેમિલીની આંતરિક બાબત છે, તેના આવા અભિગમને બદલવાની જરૂર છે, જો તમે કશું સહન કરતાં હો, ફરિયાદ કરો, જો તમે કોઈને સહન કરતાં નિહાળો તો તેનો પણ રિપોર્ટ કરો. સાચા કે ખોટાને મદદરૂપ થવામાં કોઈ ગભરાટ નહીં રાખો.
૪૨ ટકા: ભારતીય પુરુષો તેમની પત્નીઓને માર મારવામાં કશું ખોટું નથી સમજતાઃ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ.
૭૦૦: ઘરેલું હિંસાના આટલા કેસો પંજાબમાં લોકડાઉન વેળા નોંધાયાઃ પોલીસના ડેટા મુજબ.
૪૦૦: માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ઘરેલું હિંસાની આટલી ફરિયાદ ઑનલાઈન અને વોટ્સએપ પર નોંધાઈઃ નેશનલ કમિશન ફોર વિમેનના જણાવ્યા મુજબ.
તમારી નિંદાને છૂપાવો નહીં:
અભિનેત્રી શાન્વી શ્રીવાસ્તવ: હજુ થોડા દિવસ પહેલાં જ દક્ષિણની અભિનેત્રી શાન્વી શ્રીવાસ્તવે એક ફીચર રિલિઝ કર્યું જેમાં તેણે ડોમેસ્ટિક એબ્યૂસ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને હેલ્પલાઈન નંબર બધાને આપ્યો. તેણે કહ્યું, 'માર્ચ અને એપ્રિલ મહિનામાં કર્ણાટકમાં ડોમેસ્ટિક એબ્યૂસની ઘટનામાં મોટો વધારો થયો એવું મારી જાણમાં આવ્યું છે. આની વિરુદ્ધ બોદાવાની મહિલાઓને જરૂર છે. મને એ વાતની જાણ છે કે ઘણી જગ્યાએ પુરુષો પણ ભોગ બને છે. આ વાઈરસ સામે પણ એકત્ર થઈને લડવાની જરૂર છે.
ઘરેલું હિંસા વિરુધ્ધ ઉઠતો અવાજ
માધુરી દીક્ષિત: આપણે વૈશ્વિક મહામારીનો મુકાબલો કરી રહ્યા છે ત્યારે ડોમેસ્ટિક વાયોલન્સના કેસોમાં વધારો થઈ રહ્યો છે એ જાણીને દુઃખ થાય છે. ચાલો બધા, આપણી આસપાસ આવી કોઈ ઘટના બને તો તેની સામે અવાજ ઉઠાવીએ. હવે એ સમય આવી ગયો છે કે આપણે બધાએ એકત્ર થવાની જરૂર છે, અને સંપર્ક કરીએઃ 'લોકડાઉન ઓનડોમેસ્ટિક વાયોલન્સ' અને 'ડાયલ ૧૦૦'.
અમિરા દસ્તુર: હું દ્રઢપણે માનું છું કે ડોમેસ્ટિક વાયોલન્સ વધી રહ્યું છે કેમ કે મહિલાઓ પર થતા અત્યાચાર સામે મદદરૂપ થવા આપણે મજબૂત માતા અને શક્તિશાળી બહેન તરીકે આગળ આવવાની જરૂર છે. હું વાસ્તવમાં નિઃસહાય અને એકલી હતી ત્યારે મેં આવો સામનો કર્યો જ છે. આપણે માનસિક રીતે બદલાવાની જરૂર છે.
સોનાલી કુલકર્ણી: મોં ખોલો! ડોમેસ્ટિક એબ્યૂસ જેવા ગુના હવે આપણે સહન કરીશું નહીં. મદદ માટે પોલીસ અથવા સત્તાવાળાઓ સુધી દોડી જાવ. જો તમે તમારા પાડોશમાં આવું કંઈક જુઓ તો તેને મદદરૂપ બનો. આ તમારી નૈતિક ફરજ છે. પોલીસને રિપોર્ટ કરો.
- ભૂપેન્દ્ર પટેલ
કોવિડ-૧૯ ના સમયે ડોમેસ્ટિક વાયોલન્સનો જુવાળ કેમ આવ્યો?
- સાથીદારના છળકપટથી અળગાપણું
- મોટી નાણાંકીય ભીડ
- અનિશ્ચિતતાને કારણે ચિંતા
તમે જાણો છો?
જ્યારે તે અથવા તેણી 'માસ્ક-૧૯' પૂછે ત્યારે ડોમેસ્ટિક વાયોેલન્સનો શિકાર બનેલાને ઓળખી કાઢી તેમને તાલીમ આપવાનું કામ સ્પેન અને ફ્રાન્સમાં કરવામાં આવે છે. 'માસ્ક-૧૯' એક કોડ છે અને જે વ્યક્તિ તેની પરિસ્થિતિ અંગે ખુલ્લા મને જણાવી નહીં શકે તે આ 'કોડ'નો ઉપયોગ કરી પરિસ્થિતિથી લોકોને વાકેફ કરે છે...