એ દિવસો ગયા, જ્યારે તમે કોઈ નવી વસ્તુ ખરીદતા અને તમને પ્લાસ્ટિકની સાદી થેલી કે પછી બોક્સમાં રાખીને વસ્તુ આપી દેવાતી. હવેનો જમાનો ડિઝાઈનર કેરી બેગનો છે. કદાચ તમને પોતાને ખ્યાલ નહીં આવે પણ જો તમે સ્ટાઈલિશ બેગમાં વસ્તુ નાખીને નીકળો, ત્યારે એ બેગ જોનાર સામી વ્યક્તિ ઉપર તેનો જબરો પ્રભાવ પડતો હોય છે. વળી, આ બેગો દેખાય તેના કરતાં વધુ વજન ઊંચકી શકતી હોવાને કારણે તમે લાંબા સમય સુધી વાપરી પણ શકો છો.
વળી, વ્યક્તિ ક્યાંથી અને કેવી રીતે ખરીદી કરે છે, તે આજના દેખાડાના જમાનામાં વધુ અગત્યનું બની જાયછે. શોપિંગ બેગ ઉપર જાણીતી દુકાનનો માત્ર એકાદ શબ્દ પણ ચીતરેલો હોય તો એ વસ્તુ ક્યાંથી ખરીદાઈ છે. તે જોનાર સમજી જાય છે. એને કારણે તમારી જાણ બહાર જ તમે એ વસ્તુ અને દુકાનનો વ્યાપક પ્રમાણમાં પ્રચાર કરતાં હોવ છો. આ સિવાય દરેક વ્યક્તિને પોતાનો મોભો જળવાતો હોવાનો અહમ્ પણ સંતોષાય છે કે પોતે ચીલાચાલુ પ્લાસ્ટિકની કોથળી લઈને ફરતાં નથી.
ખરીદાયેલા ઉત્પાદન જેટલી જ તેને સાચવનાર 'કેરીબેગ' હોય, તેનું ખાસ ધ્યાન રખાતું હોય છે. પણ દુકાનદારો તો બેગની ડિઝાઈન કરાવવા માટે ખાસ ડિઝાઈનરોની સલાહ લેતા હોય છે. એટલે જ ઉત્પાદનનું મહત્ત્વ પુરવાર કરતી શોપિંગ બેગને ઘણી કંપનીઓ વધારે પડતું મહત્ત્વ આપેછે. તેમ કહીએ તો ચાલે. આમ પણ, એક સામાન્ય પ્રથા દરેક વ્યક્તિના આચરણમાં જોવા મળતી હોય છે કે તમે જ્યારે કોઈને અમુક વસ્તુ ભેટ આપો ત્યારે તે વસ્તુ શેમાં પેક કરીને અપાય છે. કેવી રીતે અપાય છે. તે બાબત તરફ વ્યક્તિ પહેલું ધ્યાન આપે છે. એટલે જ દુકાનદારો એક વાત બરાબર સમજે છે કે ઉત્પાદન શેમાં પેક કરાયું છે તે બાબતથી ઉત્પાદનનું વેચાણ સફળ કે નિષ્ફળ થઈ શકે છે.
મૂળભૂત રીતે ખરીદનાર વ્યક્તિની પણ વૃત્તિ હોય છે કે પોતે ક્યાંથી ખરીદી કરી તે જાણીતા કે અજાણ્યા દરેકને ખબર પડવી જોઈએ. ઘણા ઉત્પાદકો પોતાની 'કેરી બેગ' ને એકદમ સાદી રાખવાનું પસંદ કરે છે. અમુક લોકો એવી બેગ પસંદ કરે છે, જેના પર પોતાની કંપનીનું નામ સ્પષ્ટપણે વંચાય તે રીતે લખાયેલું હોય.
અમુક ઉત્પાદકો પ્લાસ્ટિકની થેલીઓને 'કેરીબેગ' તરીકે પસંદગી આપે છે. તો કેટલાંક પ્લાસ્ટિકની અવેજીમાં વપરાતી વસ્તુઓને પસંદ કરી પોતાને 'પર્યાવરણ પ્રિય' પણ કહેવડાવે છે.
કોલકત્તાની એક મોટી જાણીતી દુકાનમાં સાડીઓ પેક કરીને આપવા માટે કંતાનની ડિઝાઈનર બેગો વપરાય છે. કોલકાતામાં શણ મોટા પ્રમાણમાં મળે છે. અને તેનાથી રાજ્યને પણ આડકતરી રીતે નફો કરાવી આપતા હોવાનું ઉત્પાદકોનું કહેવું છે. વળી, આવી બેગ ટકવામાં ખૂબ મજબૂત હોવાથી લાંબો સમયે ટકે છે અને વધુ વજન ઊંચકી શકે છે.
અમુક ઉત્પાદકો પોતાની બેગમાં હેન્ડલને સ્થાને ડિઝાઈનર દોરીઓ કે અન્ય વસ્તુઓ રાખી તેને આકર્ષક બનાવે છે, જેથી ખરીદનારને વસ્તુ સિવાય કાંઈક અનન્ય બીજી વસ્તુ મેળવ્યાનો પણ આનંદ થાય. ઉત્પાદકો એ બાબતનું ખાસ ધ્યાન રાખે છે કે તેમની બેગ જોતાં જ સામા માણસને કંપની અને ઉત્પાદન વિશેની માહિતી મળી જાય. દિલ્હીમાં પોતાનું હર્બલ વસ્તુઓનું વેચાણ કરનાર જાણીતી બ્યુટીશીયને અલગ અલગ વસ્તુઓ માટે અલગ અલગ બેગ રાખી છે. જેમ કે, લીમડામાંથી બનેલું કોઈ પણ ઉત્પાદન ખરીદનારને લીમડાની ડિઝાઈન ધરાવતી ખાસ બેગ આપવામાં આવે. અમુક ઉત્પાદકોવાળી ત્રણ-ચાર જાતની શોપિંગ બેગ રાખે છે અને ખરીદનારે કેટલા રૂપિયાની ખરીદી કરી. તેના આધારે તેને જે તે ડિઝાઈનર બેગ આપવામાં આવે છે.
પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિકની અવેજીમાં ઘણા ઉત્પાદકો રિસાયકલ (ફરીથી વાપરી શકાય) થઈ શકે તેવી કાગળની થેલીઓ આપે છે, જેને માટે થેલી કરતાં પણ 'ડિઝાઈનર બેગ' શબ્દ વધુ બંધ બેસતો થાય. આ બેગો દેખાવમાં પણ એટલી જ સુંદર હોય છે.
પણ ઘણા ઉત્પાદકોની ફરિયાદ હોય છે કે ગ્રાહકો તેમની પાસે એક કરતાં વધુ બેગ માગતા હોય છે. જો કે, ઘણી જગ્યાએ વધુ બેગ માટે ગ્રાહકને ક્યારેય નારાજ કરાતા નથી કારણ કે ઉત્પાદકોનાં મતે વસ્તુનો વધુમાં વધુ પ્રચાર થાય તે વાત અગત્યની છે, એટલે ખરીદનારનો કક્કો ખરો પુરવાર કરતી આ ડિઝાઈનર બેગો સાથે સાથે પોતાની સફળતાની ગાથાઓ પણ કહેતી હોય છે.


