ગર્ભાશય, ઓવરી, ગોલ બ્લેડર કાઢી નાખ્યા પછી લેવાની કાળજી
સ્ત્રીના શરીરની કુદરતી રચના એવી છે કે સમસ્યા થાય તો અમુક અવયવ કાઢી શકાય છે. એનાથી એના શરીરની રચના પર કોઈ ફરક નથી પડતો. ગર્ભાશય, ઓવરી અથવા ગોલ બ્લેડરમાં કોઈ સમસ્યા સર્જાય તો તેને કાઢી નાખવા જ અંતિમ ઉપાય હોય છે. જો કે તે કાઢી નાખ્યા પછી મહિલાને કોઈ તકલીફ નથી થતી, પણ તેણે કેટલીક સાવધાની રાખવી જરૂરી થઈ પડે છે. પણ પહેલા કેવી સ્થિતિમાં આવ અવયવ કાઢી નાખવામાં આવે છે તેનો પણ વિચાર કરી લેવો જોઈએ.
ગર્ભાશય
ગર્ભાશય ત્યારે જ કાઢવામાં આવે છે જ્યારે તેમાં કોઈ અસાધ્ય તકલીફ થઈ રહી હોય. ગર્ભાશય કાઢી નાખ્યા પછી શરીરમાં કોઈ સમસ્યા નથી થતી. જાતીય આવેગ અથવા જાતીય ઉત્કંઠામાં પણ કોઈ ફરક નથી પડતો. મહિલાને માસિક ન આવવાથી મનોવૈજ્ઞાાનિક અસર જરૂર થાય છે, પણ શારીરિક રીતે બધું સામાન્ય રહે છે.
સ્ત્રીરોગ વિશેષજ્ઞા અનુસાર તાજેતરના વર્ષોમાં જે ટેકનીકથી ગર્ભાશય કાઢવામાં આવે છે તેમાં સર્જન મહિલાના વેજાઈનાની યોગ્ય સંભાળ રાખે છે. ગર્ભાશય લેપ્રોસ્કોપી દ્વારા કાઢવામાં આવે છે, એથી જાતીય જીવનમાં કોઈ ફરક નથી પડતો. પણ જો કોઈ કારણવશ વેજાઈનાની લંબાઈ ઓછી થઈ જાય તો જાતીય જીવનનાં ફરક પડી શકે છે.
ઓવરી: સર્જિકલ મેનોપોઝ
ઓવરી કાઢી નાખ્યા પછી અચાનક સર્જિકલ મેનોપોઝ આવી શકે છે. હોર્મોન ઓવરીમાં બનતા હોય છે. આથી જ જ્યારે ગર્ભાશય સાથે ઓવરી પણ કાઢી નાખવામાં આવે ત્યારે મહિલામાં મેનોપોઝના લક્ષણ આવે છે. વેજાઈનામાં બળતરા અથવા ડ્રાયનેસ અને યુરિનલ ચેપની શક્યતા પણ વધી જાય છે. કેટલાક કિસ્સામાં તો હાર્ટ અટેકની સંભાવના પણ વધી જાય છે. સ્ટ્રોક પણ આવી શકે છે. મહિલાને જ્યારે કુદરતી રીતે મેનોપોઝ આવે છે ત્યારે તે ધીમે ધીમે આવે છે. શરીરને સંતુલિત થવાની તક મળે છે અને જીવન શૈલીમાં થોડો ફેરફાર કરીને તે પોતાને સંભાળી લે છે. પણ સર્જિકલ મેનોપોઝથી શરીરમાં અચાનક હોર્મોનનું સંતુલન ખોરવાઈ જાય છે. આવી સ્થિતિમાં મહિલાની જાતીય ઉત્કંઠા જતી રહે છે. યુરિનના ચેપની ફરિયાદ સામાન્ય બાબત બની જાય છે.
સ્ત્રીરોગ વિશેષજ્ઞાના જણાવ્યા અનુસાર ઓવરીની સમસ્યા કોઈપણ વયે થઈ શકે છે. ઓવરીમાં ગાંઠ અથવા ચાંદુ પડે અને ખાસ કરીને કેન્સરની ગાંઠ થાય તો તેને કાઢી નાખવાનો જ ઉપાય અંતિમ હોય છે. સાદી ગાંઠ હોય તો ફક્ત ગાંઠ જ કાઢવામાં આવે છે, ઓવરી નહિ, પણ ગાંઠ કેન્સરની હોય તો ઓવરી કાઢી નાખવી જરૂરી બને છે. વિશેષ કરીને જ્યારે વય ઓછી હોય ત્યારે ઓવરીમાં કેન્સરની ગાંઠ હોય તો તેને કાઢી નાખવી એકમાત્ર ઉપાય રહે છે. ૪૫ વર્ષની વય પછી જો ગર્ભાશય કાઢવાની જરૂર પડે તો ઓવરી પણ કાઢી નાખવામાં આવે છે કારણ કે તેનું કાર્ય હવે ઓછું થઈ ગયું હોય છે.
ઓવરી કાઢી નાખવાથી હૃદય રોગની સમસ્યા, યાદદાસ્ત ઓછી થવી, પાર્કિન્સન, ડિપ્રેશન,ગ્લુકોમા અને ઓસ્ટિયોપોરોસીસનું જોખમ વધી જાય છે. હોર્મોનની ઓછપને કારણે ગભરાહટની સમસ્યા પણ વધી જાય છે. ઓવરીમાં બનતા હોર્મોન વર્ષો સુધી હાડકા, મગજ, હૃદય, આંખ વગેરેનું આરોગ્ય જાળવી રાખવામાં સહાય કરે છે. આથી જ આવા અવયવ કાઢવા અગાઉ ખૂબ જ વિચાર અને કાળજી કરવામાં આવે છે.
ગર્ભાશય અને ઓવરી બંને કાઢી નાખવાથી મહિલાને થાક, નબળાઈ, ગેસ, પેટ ફુલવું, પેડુમાં દર્દ, યોનિમાં ડ્રાયનેસ જેવી સમસ્યા થાય છે. સૂકી ત્વચા, બ્રેસ્ટમાં ઢીલાપણું, રેશીસ, મૂડ સ્વિંગ, ચિડિયાપણુ જેવી માનસિક સમસ્યા પણ થઈ શકે છે.
આ તમામ સમસ્યાના સમાધાન માટે મહિલાએ કેટલીક તકેદારી રાખવી પડતી હોય છે.
* વજ્રાસન, સૂર્ય નમસ્કાર, પવન મુક્તાસન, હલાસન જેવા યોગાસનોથી લાભ થાય છે. અનુલોમ-વિલોમ, કપાલભાતિ અને ભ્રામરી પ્રાણાયામથી ટેન્શન દૂર થાય છે.
* નિયમિત વ્યાયામ કરવા, આરોગ્યપ્રદ ડાયટ કરવું. જે મહિલાની ઓવરી કાઢી નાખવામાં આવી છે તેણે પોતાના ડાયટનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. તેણે પોતાના ડાયટમાં ફાઈટો એસ્ટ્રોજેન સામેલ કરવા જેમાં કુદરતી રીતે એસ્ટ્રોજેન હોય. સોયાબીનનું સેવન હોર્મોનના અસંતુલનથી સર્જાતી તકલીફોને દૂર કરવામાં સહાયક સાબિત થયું છે. જે મહિલાઓ એચઆરટી (હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી) નથી લેતી, તેણે આયર્ન અને કેલ્શિયમ યુક્ત આહાર લેવો. એના માટે તેણે લીલા શાકભાજી, રાજમા, દાળ જેવા કઠોળ લેવા જોઈએ. એનાથી શરીરમાં લોહના સ્તરને જાળવવામાં મદદ મળે છે. આવા સમયે મહિલાના શરીરમાં વિટામીન સીની પણ જરૂર પડે છે, જે ખાટા ફળોમાંથી મળી શકે છે. દૂધ અને લીલા શાકભાજીને ખોરાકમાં સામેલ કરવાથી કેલ્શિયમની ઉણપ નથી રહેતી. મહિલાઓએ કોબી, ગાજર, ચેરી, મટર, બટેટાને આહારમાં સામેલ કરવા જેનાથી હાડકાને મજબૂતી મળે છે. સોયા દૂધ, સોયા લોટ, ટોફુનો ઉપયોગ થઈ શકે. વિટામીન ડી માટે સવારે તડકામાં બેસવું.
ઓવરી જ્યારે નાની વયે કાઢી નાખવામાં આવે ત્યારે એચઆરટી આપવામાં આવે છે. એચઆરટીમાં મોજુદ એસ્ટ્રોજેન ત્વચા અને વેજાઈનાના સ્વાસ્થ્યને જાળવી રાખે છે અને ડ્રાયનેસ નથી થવા દેતી. જો કે એને સતત પાંચથી વધુ વર્ષથી લેવામાં આવે તો બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધી જાય છે. એથી જ હોર્મોનલ થેરપી ડોક્ટરની સલાહ અને દેખરેખ હેઠળ લેવી જરૂરી છે.
ગોલ બ્લેડર
ખોરાકની પાચનની ક્રિયામાં ગોલ બ્લેડરની એક વિશિષ્ટ ભૂમિકા છે. નાસપતિના આકારનું આ અંગ લિવરની નીચે પેટમાં જમણી બાજુએ ઉપર તરફ હોય છે. એનું કામ ખોરાકના રસને અલગ કરીને તેને આંતરડામાં મોકલવાનું છે, જેથી ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સ અને પોષક તત્વો લોહીમાં શોષાઈ જાય. પિત્તાશયમાં સોજો અને પથરી હોય ત્યારે ખૂબ જ પીડા થાય છે. એના લક્ષણોમાં ઉલટી, ગભરાહટ, તાવ, ઝાડા, કમળો જેવી સમસ્યા થાય છે. ત્યારે ગોલ બ્લેડરને કાઢવાનો જ એકમાત્ર ઉપાય બચે છે. જો કે ગોલ બ્લેડર કાઢી નાખ્યા પછી તેના કામ લિવર પોતાની મેળે કરવા લાગે છે. ગોલ બ્લેડર કાઢી નાખ્યા પછી કેટલાક દરદીને અપચો થઈ શકે છે. ગોલ બ્લેડર કાઢી નાખ્યા પછી મહિલાએ કેટલીક તકેદારી રાખવી જરૂરી છે.
* પિત્તાશય કાઢી નાખ્યા પછી મહિલાને મસાલેદાર અને તળેલો ખોરાક પચાવવામાં તકલીફ પડે છે. આથી તેને હળવો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે.
* આવા દરદીઓએ નિયમિત વ્યાયામ કરવો જરૂરી છે જેથી શરીર સક્રિય રહે અને સ્થૂળતા ન આવે.
* ગોલ બ્લેડર કાઢવામાં આવ્યું હોય તેવી મહિલાએ સારી રીતે રાંધેલો ખોરાક ખાવો. કાચો ખોરાક અથવા કાચા શાકભાજી તેમને નુકસાન કરી શકે છે.
* આવી મહિલાને છાલવાળી દાળ પચવામાં મુશ્કેલી થઈ શકે છે. તેમણે પચવામાં હળવી દાળ લેવી પણ રાજમા, માંસ, ચણા અથવા અડદની દાળથી દૂર જ રહેવું. વજન ન વધે તેનું તેમણે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે.
* તેમણે થોડું થોડું ભોજન અનેકવાર કરવું. તેમણે વાસી ખોરાક લેવાનું ટાળવું.
* રેષાયુક્ત ખોરાક અગાઉ ગોલ બ્લેડરથી પસાર થતો હોવાથી તે પચી જતો. પણ હવે ગોલ બ્લેડર ન હોવાથી આ ખોરાક સીધો આંતરડામાં જાય છે. આથી તેમણે હળવો ખોરાક લેવો.
* મહિલાએ પોતાના ખોરાકમાં ખીર, બીન્સ, સ્પ્રાઉટ્સ, પપૈયા જેવા નરમ ફળો તેમજ અન્ય ફળોનો રસ સામેલ કરવો.
- ઉમેશ ઠક્કર