For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેન્સર આયુર્વેદ સાથે : ભાગ-1

Updated: Mar 13th, 2023

Article Content Image

- આરોગ્ય સંજીવની- જહાનવીબેન ભટ્ટ 

બાળક જન્મે છે. ત્યારથી જ તે મરવાનું છે, તેવું દરેક માતા-પિતા જાણે જ છે છતા તેઓ બાળકના જન્મની ખુશી જ મનાવે છે. આટલા વર્ષ પછી બાળક મૃત્યુ પામશે તેવું તે વિચારતા નથી કે રડતાં પણ નથી કેમ ? કારણકે મૃત્યુ અનિવાર્ય છે. તે સૌ કોઈને આવે જ છે. આ વિધાન સૌ કોઈ જાણે છે. પ્રત્યેક માનવી એક ને એક દિવસ અચૂક મરવાનો છે. છતાં દરેક લોકો ખૂબ શાંતિથી જીવે છે, ઉજવણી કરે છે. મોજ કરે છે. તો પછી કોઈ રોગનું નામ પડતાં તે શું કામ ગભરાઈ જાય છે ? જાણો છો ? તે અજ્ઞાાતપણે પણ એટલું તો જરૂર જાણે છે કે મૃત્યુ તો આવવાનું જ છે. પણ આટલું જલદી ન હોતું ધાર્યુ. આટલું જલદી કેમ આવ્યું ? આ પ્રશ્ન જ તેને ગભરાવી મૂકે છે. પણ મનુષ્ય એ વાત નથી જાણતો કે, મૃત્યુ તો આયુષ્ય પૂરું થયે જ આવે છે.

કોઈપણ શરીર કોઈપણ નિમિત્તે જ મૃત્યુને પામે છે. આ શરીર શાંત થવાનું નિમિત્ત જો 'કેન્સર' નહીં હોય તો ભલેને કેન્સર થયું હોય તો પણ તે મારી શકવાનું નથી તેવી સમજ કેળવી તે શાંત ચિત્તે દવા કે સારવાર કરવી જોઈએ.

જેમ પ્રત્યેક શરીરને પોતાનું આગવું રૂપ હોય છે. તેમ કેન્સરને પણ પોતાનું આગવું રૂપ હોય છે.

કેન્સર આપણાં શરીરમાં જ આપણાં જ રક્ત, માંસ અને ધાતુથી પોષાઈને થતું હોવા છતાં તેનું પોતાનું આગવું રૂપ ધરાવે છે. વળી તો સમગ્ર શરીરમાં જીવનીય કોષોની બાજુમાં જ પોતાનાં કોષોની ગોઠવણી ક્યાં પછી જ કોઈ એક જગ્યાએ છતુ થાય છે. કેન્સર રોગની આ એક આગવી લાક્ષણીકતા છે. કેન્સર શરૂઆતમાં ભલે એક જ જગ્યાએ દેખાતું હોય પરંતુ તેણે શરીરનાં લગભગ તમામ મર્મભાગોમાં બધે જ પોતાનાં કોષો ગોઠવી દીધેલા હોય છે. આ બાબત સારવાર દરમિયાન ખાસ ધ્યાન રાખવી જોઈએ.

દુખિત વાત, પિત કે કફ આ ત્રણેયમાંથી કોઈપણ રક્ત, માંસ અને ધાતુને બગાડી કેન્સરનાં કોષો ઉત્પન્ન કરે છે. જે ભાગમાં કેન્સરનાં કોષો વધી જાય તે ભાગમાં તે ગાંઠ સ્વરૂપે દેખાવા લાગે છે. તેનો ફેલાવો ચામડીની નીચે હોય છે. તેથી નિદાન થવામાં પણ ઘણો સમય વહી જાય છે.

જે તે જગ્યાનું માંસ અને લોહી બગડીને જે ગાંઠ બને છે, તે ગાંઠ ગોળ હોય છે. સ્થિર હોય છે, અચલ હોય છે. તથા મોટા અને ઊંડા મૂળવાળી હોય છે. વળી આ ગાંઠ ખૂબ લાંબાગાળે વધે છે. તેમજ તેમાં પાક થતો નથી. આયુર્વેદમાં આ ગાંઠને 'અર્બુદા'ના નામે ઓળખવામાં આવે છે.

કેન્સરની ગાંઠને ઓળખવા માટે આયુર્વેદમાં ખૂબ સરળ વાત કરી છે કે, અન્ય ગાંઠ પાકવા વાળી હોય છે, જ્યારે કેન્સરની ગાંઠ પાકતી નથી.

કેન્સર નામ પડતાં જ વ્યક્તિ જીવનથી 'કેન્સલ' તેવો ભય દરેક પ્રકારનાં કેન્સરમાં યથાર્થ નથી. આયુર્વેદ કેન્સરનાં દર્દીને ધીરજપૂર્વક તેનાં ઉપાયો સૂચવે છે. વાત-પિત- કફનાં દૂષિત થવાથી થયેલાં કેન્સર આયુર્વેદનાં ઔષધપ્રયોગથી સાધ્ય બન્યાં હોય તેવાં ઘણાં દાખલા છે. છતાં પણ કેન્સરની જે ગાંઠ (૧) મર્મ સ્થાનમાં હોય સ્ત્રાવયુક્ત હોય, તથા સ્ત્રોતો મા થયેલ હોય તે કેન્સરની ગાંઠ અસાધ્ય ગણાવેલી છે. કેન્સર માત્ર પોતાની મેળે પાકતું નથી. કારણકે તેમાં કફ વધારે હોય છે. ઉપરાંત મેદ પણ અધિક હોય છે. વળી તેમાં દોષો સ્થિર થઈ ગયા હોય છે. કેન્સરમાં દોષો ગાંઠ રૂપ થઈ બંધાઈ જાય છે. જેથી તે જલદી પાકતાં નથી. પરંતુ શરીરમાં તે નવા-નવા કોષોને ફેલાવતું જાય છે. તેથી કેન્સર ગાંઠ રૂપે દેખાય તે જગ્યાએ જ માત્ર હોય છે. તેવું માની લેવાનું કોઈ કારણ નથી. તે શરીરનાં બીજા જીવિત કોષોને હણવામાં અને પોતાનાં કોષોને ઉભા કરવામાં યુધ્ધનાં ધોરણે કાર્યરત હોય છે.

આ કેન્સર કોઈ પણ ઉંમરે થઈ શકે છે. પરંતુ કોને અને ક્યારે થશે તે અનિશ્ચિત છે. કેન્સરની સારી બાબત એ છે કે, તે ચેપી નથી. તેમજ વારસાગત પણ નથી. એક જ કુટુંબમાં બે કે તેથી વધારે વ્યક્તિને પણ તે હોઈ શકે છે. છતાં વારસાગત રીતે આ રોગનો પ્રસાર થતો નથી. તે નિશ્ચિત વાત છે. એક જ કુટુંબમાં બે કે તેથી વધુ વ્યક્તિને પણ તે હોઈ શકે છે. છતાં વારસાગત રીતે આ રોગનો પ્રસાર થતો નથી. તે હકીકત છે. 

આ ઉપરાંત કેન્સર શરીરનાં કોઈપણ ભાગમાં થયેલ હોય છતાં પણ તે ચેપી નથી. છેલ્લે એક વાત ચોક્કસ છે કે, આયુર્વેદમાં એવાં ઘણાં જ અદ્ભૂત ઔષધો બતાવવામાં આવ્યાં છે, કે જેનો ઉપયોગ નિષ્ણાંતની સલાહમાં રહીને કરવામાં આવે તો પ્રાથમિક સ્ટેજમાં રહેલા ઘણાં બધા કેન્સરમાં અદ્ભૂત પરિણામ જોવા મળે છે. અને ખૂબ પ્રસરી ગયેલાં કેન્સર કદાચ ન મટે તો પણ પીડામાં તો રાહત અવશ્ય આપે જ છે.

હવે કેન્સર રોગનાં નિદાન, કારણો અને સારવાર વિશે આગલા અંકમાં વાત કરીશું.

(વધુ આવતા અંકે)

Gujarat