Get The App

કેળાં ખવાય?: ડાયાબિટિકોને કાયમ કનડતો કોયડો

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
કેળાં ખવાય?: ડાયાબિટિકોને કાયમ કનડતો કોયડો 1 - image

- કરુણતા એ કે ડાયાબિટિકોએ શું ખાવું  એના કરતાં શું ન ખાવું એની યાદી મોટે ભાગે લાંબી હોય છે!

લાઈફ હાઈ સ્પીડ બનવા સાથે કેટલાક  રોગ વૈશ્વિક   સ્તરે સર્વસામાન્ય(કોમન) બની ગયા છે.આમાંનો એક રોગ તે ડાયાબિટીઝ અર્થાત મધુપ્રમેહ.ડાયાબિટીઝ લાંબો સમય  ચાલનારી ચયાપચય (ખોરાકને ઉર્જામાં   રુપાંતરિત કરતી રાસાયણિક પ્રતિક્રિયા  મેટાબોલિઝમ)ની ગંભીર બિમારી છે.  જેમાં,સ્વાદુપિંડ (પેનક્રિયાસ) જોઈતું   ઈન્સ્યુલિન બનાવતું નથી કે  શરીર બનેલા ઇન્સ્યુલિનનો અસરકારક રીતે ઉપયોગ કરી શકતું નથી.જેથી લોહીમાં ગ્લુકોઝ(સુગર)નું   પ્રમાણ સામાન્ય કરતાં વધી જાય છે.આ   સ્થિતિમાં,શરીરના કોષો(સેલ)ને પૂરતી ઉર્જા  (એનર્જી) મળતી નથી અને તે લાંબા ગાળે શરીરનાં વિવિધ અંગોને નુકસાન પહોંચાડી  શકે  છે.

બેઠાડું  જીવનશૈલી,મેદસ્વિતા(ખાસ કરીને પેટની ચરબી),વધુ ખાંડવાળો અને પ્રોસેસ્ડ   ફુડ જેવો અયોગ્ય  આહાર,વારસાગત  આનુવંશિકતા અને વધુ પડતો માનસિક તણાવ, અપૂરતી ઊંધ,ખરાબ  કોલેસ્ટ્રોલ જેવાં મુખ્ય કારણોથી આ બીમારી થાય છે.

નોંધપાત્ર બાબત એ છે કે ગર્ભાવસ્થામાં  પણ ડાયાબિટીઝ થઈ શકે છે.ગર્ભાવસ્થામાં  હોર્મોનલ ફેરફારોને કારણે શરીર પૂરતા પ્રમાણમાં ઈન્સ્યુલિન બનાવી શકતું  નથી. જેથી,સગર્ભા  સ્ત્રીઓમાં બ્લડ સુગરનું પ્રમાણ વધે છે.જોકે, સગર્ભા સ્ત્રીઓમાં જોવા મળતો ડાયાબિટીઝ   કામચલાઉ સ્થિતિ છે.

નિયમિતપણે બ્લડ સુગર(શર્કરા)નું પ્રમાણ માપવું,મોંથી લેવાની દવા અને ઈન્સ્યુલિન થેરાપી,તંદુરસ્ત આહાર,ખાંડ અને ગોળ  ટાળવાં અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ કે વ્યાયામ પૂર્વ ડાયાબિટીઝ સહિતના કોઈ પણ પ્રકારના ડાયાબિટીઝની સારવારમાં મહત્વનાં  છે.

આરોગ્ય  જળવાય,બગડે અને બગડેલું આરોગ્ય સુધરે એ સૌમાં આહાર મહત્વના સ્થાને છે.અનેક રોગ એવા છે કે જેના તબીબી ઉપચાર સાથે શું ખાવું અને શું ન ખાવું એની પરહેજી પાળવાની ભલામણ કરાય છે.

ખોરાકમાં સંયમ રખાય તો ઉપચારની ધારી અસર થાય અને રોગ ઝડપથી મટે.એમાં પણ  ડાયાબિટીઝ જેવી લાંબી ચાલનારી અને લગભગ અસાધ્ય તકલીફમાં કયા ખાદ્ય પદાર્થ ન ખવાય એનું ધ્યાન રાખવું  ઉપચાર જેટલું જ જરુરી છે.

આ માટે ડોક્ટરનું માર્ગદર્શન અધિકૃત છે.  છતાં,ડાયાબિટીઝ હોય તે(ડાયાબિટિક) વ્યક્તિએ સુગર ખૂબ હોય એવાં ફળ અને  ખાદ્ય પદાર્થ લેવા બાબતે તકેદારી રાખવી જોઈએ.કેમકે આવા પદાર્થો શરીરમાં શર્કરાનું  પ્રમાણ કદાચ વધારી શકે.પ્રાકૃતિક સ્વરૂપે બારે માસ મળતાં ફળોમાં કેળાંનો સમાવેશ થાય છે.પણ તે ગળ્યાં હોય છે એટલે તે  ખવાય કે ન ખવાય એ પ્રશ્ન ડાયાબિટિકને મૂંઝવતો હોય છે. આવી મૂંઝવણ કેટલી યોગ્ય તે નિશ્ચિત  કરવા કેળાંની એક ફળ તરીકેની વિશેષતા  જાણવી જોઈએ.પોષક તત્ત્વોથી ભરપૂર   ફળોમાં કેળાંની ગણના થાય છે.તેમાં પ્રોટિન્સ અને એન્ટીઓક્સિડન્ટ(ઓક્સિકરણને લીધે થતી હાનિથી શરીરના કોષોની રક્ષા કરતા પદાર્થ) ઉપરાંત અનેક વિટામિન્સ અને  મિનરલ્સ હોય છે.કેળાં  તંદુરસ્તીને  લાભકારી  કાર્બોહાઈડ્રેટનો ઉત્તમ સ્રોત છે અને એટલે જ મધુર અને ઉર્જાવાન કેળાં અલ્પાહાર  તરીકે પણ ખવાય છે.

પાકાં કેળાં ગળ્યાં હોય છે એટલે તે  ખવાય કે નહીં એવી દ્વિધા  ડાયાબિટિકો  અનુભવે છે.

આ સામે કેળાંની સ્વાસ્થ્યને થતા લાભ જાણવા જેવા છે.એક અભ્યાસ મુજબ  કાચાં કેળાંમાંના ફાઈબર ગ્લાયસીમિયા  (બ્લડ સુગર લેવલ)ધટાડવામાં મદદરૂપ થાય છે.પરિણામે,ટાઈપ ટુ ડાયાબિટીઝ થતો અટકે છે કે તેની સારવારમાં આ ફાઈબર સહાયરુપ થાય છે.  આ ઉપરાંત,કાચાં કેળાં પેટ તથા આંતરડાં  સંબંધીત રોગોના ઈલાજમાં,શારીરિક  વજનના નિયંત્રણમાં,કિડની તથા લિવરની  તકલીફમાં ઉપયોગી છે. રક્તવાહિની અને  હૃદય  સંબંધી રોગો તથા અન્ય હઠીલી  બિમારીઓને રોકે છે.જીઆઈ(ગ્લાયકેમિક ઇન્ડેક્સ)એટલે કયો ખોરાક કેટલી ઝડપથી  બ્લડ સુગર વધારે છે તે જાણવાનો માપદંડ છે.ડાયાબિટિકોના સ્વાસ્થ્ય માટે ઓછા(લો) જીઆઈ વાળો ખોરાક વધુ સારો માનવામાં  આવે છે.

મહત્વનું એ છે કે કેળાંનો જીઆઈ ઇન્ડેક્સ   લો છે એટલે તે ખાધા પછી બ્લડ સુગરમાં  એકાએક વધારો થતો નથી.ખોરાક ખવાય પછી તેમાંના કાર્બોહાઈડ્રેટસને ઈન્સ્યુલિન  ગ્લુકોઝમાં પરિવતત કરે છે.બાદમાં,ગ્લુકોઝ  ઉર્જામાં ફેરવાઈ જાય છે.પણ ડાયાબિટિકની  બાબતમાં આમ થતું નથી.તેમના કેસમાં, ઈન્સ્યુલિનના પ્રતિકારને કારણે શરીર ગ્લુકોઝનું ઉર્જામાં રુપાંતર કરી શકતું નથી.  પરિણામે ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે.આ સ્થિતિને કાબૂમાં રાખવા ડાયાબિટિકોએ કાર્બોહાઈડ્રેટસ ઓછા પ્રમાણમાં ખવાય તેનું  ધ્યાન રાખવું જોઈએ.

આ મુદ્દા પરથી  સ્પષ્ટ થાય છે કે શરીરમાં  ગ્લુકોઝનું પ્રમાણ વધે કે ધટે તેનું કારણ કેળાં નહીં પણ કાર્બોહાઈડ્રેટસનું પ્રમાણ છે.એક દિવસમાં ૨૩.૧ ગ્રામ કાર્બોહાઈડ્રેટસવાળું નાનું કેળું ડાયાબિટિક ખાય તે પછી વધુ  કાર્બોહાઈડ્રેટસવાળા પદાર્થ ન ખાઈને તેના કેલેરીના પ્રમાણને નિયંત્રણમાં રાખી શકે છે.

આમાં ડાયાબિટિકને બે લાભ છે ,  તેની કેળું   ખાવાની તલપ સંતોષાય તે એક લાભ.સાથે   કેળાંનાં પોષક તત્વો શરીરમાં જાય તે બીજો  લાભ!

કાર્બોહાઈડ્રેટસ ઓછું ખાવાની વાતના સંદર્ભમાં યાદ રાખવા જેવો મહત્વનો મુદ્દો એ કે શરીરનું કામકાજ રાબેતા મુજબ ચાલે એ માટે કાર્બોહાઈડ્રેટસ જરુરી છે. એટલે રોજિંદા ભોજનમાંથી તેને પૂર્ણપણે જાકારો  અપાય નહીં.અગત્યનું એ છે કે ડાયાબિટિકો  તેમની તબિયતને ધ્યાનમાં રાખીને મર્યાદિત પ્રમાણમાં કેળાં ખાય ત્યાં સુધી પોષક તત્વથી  ભરપૂર આ ફળ તેમના માટે સલામત મનાય છે.

- ડાયાબિટિકો માટે કેળાં સલામત ગણાય  એવાં અન્ય કારણો આ મુજબ છે : 

ફાઈબર : ડાયેટરી ફાઈબર એટલે કે રેષા  હોય તેવા ખાદ્યપદાર્થ કબજિયાત દૂર કરવા, વજન નિયંત્રણમાં રાખવા,બ્લડ સુગરનું પ્રમાણ જાળવવા અને પાચનતંત્રને સ્વસ્થ  રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.શરીર  દ્વારા ખોરાકમાંના કાર્બોહાઈડ્રેટસને શોષી  લેવાની પ્રક્રિયાને કેળાંમાંના ડાયેટરી ફાઈબર  ધીમી પાડે છે.આને લીધે પાચનક્રિયા પણ  ધીમી પડે છે.આનો લાભ એ કે લોહીમાં  ગ્લુકોઝનું પ્રમાણ એકાએક વધતું નથી અને એ રીતે ડાયાબિટિક સ્થિતિ એકંદરે કાબૂમાં  રહે છે.

રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ : અર્થાત પ્રતિરોધક સ્ટાર્ચ સામાન્ય સ્ટાર્ચ કરતાં એ રીતે અલગ  છે કે તે નાના આંતરડામાં પચતો નથી અને શોષાતો નથી.તે એક પ્રકારના ફાઈબર તરીકે કામ કરે છે.આતરડાંના સ્વાસ્થ્ય માટે,બ્લડ  સુગરને નિયંત્રિત કરવામાં  અને વજન ઓછું કરવામાં મદદ કરે છે.કાચાં કેળાંમાં સારા  પ્રમાણમાં રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ હોય છે.જે કોષોની  ઈન્સ્યુલિન પ્રત્યેની સંવેદનશીલતા વધારે છે.અર્થાત,કોષ ઈન્સ્યુલિનને સારો પ્રતિસાદ આપે છે.આમ,રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ  બ્લડ સુગરના પ્રમાણને એકાએક વધતાં અટકાવે છે.    ઊચ્ચ સંવેદનશીલતોનો અર્થ એ કે કોષો ગ્લુકોઝનો અસરકારક રીતે ઉપયોગ કરે છે. જે,લોહીમાં સુગરનું પ્રમાણ સામાન્ય રાખે છે.

સંવેદનશીલતા ઘટતાં કોષ ઈન્સ્યુલિનને યોગ્ય રીતે પ્રતિસાદ આપતા નથી.એથી બ્લડ સુગર અને ઈન્સ્યુલિનનું પ્રમાણ વધી  જાય છે.જે ડાયાબિટીઝ અને વજન વધવાનું  કારણ બને છે.

વિટામીન બી ૬ : હાઈ બ્લડ સુગરને  કારણે જ્ઞાાનતંતુઓને નુકસાન થાય છે આ સ્થિતિને ડાયાબિટિક ન્યુરોપથી કહે છે.આ સ્થિતિમાં વિશેષ તો હાથ અને પગના જ્ઞાાનતંતુ નબળા પડે છે.જેનાથી કળતર,  સુન્નતા કે તીવ્ર દુ:ખાવો થઈ શકે છે વળી પગમાં અલ્સર કે ઈન્ફેકશન થવાનું જોખમ વધારે છે.

આ પ્રકારના ડાયાબિટીઝમાં વિટામીન બી૬ની ઉણપ ઉભી થઇ શકે છે.કેળાંમાં આ વિટામીન બી૬ હોવા સાથે તે ડાયાબિટિક  ન્યુરોપથીમાં ઉપયોગી થઈ શકે છે.

- ડાયાબિટિક વ્યક્તિએ કેળાં ખાવા માટે ધ્યાન રાખવા જેવી બાબતો :

 *  પાકાં કેળાંની તુલનાએ કાચાં કેળાંનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ લો એટલે કે સુગરનું પ્રમાણ ઓછું હોય છે.એટલે કાચાં કેળાં  ખાવાનું પસંદ કરવું જોઈએ.

* શરીરમાં કાર્બોહાઈડ્રેટસ ઓછા પ્રમાણમાં જાય એ માટે બને એટલાં નાના કદનાં કળાં પસંદ કરો.

*  મધ્યમ કદનું કેળું ખાવ તે પછી ચકોતરું (ગ્રેપફ્ટ)કે ચેરી જેવાં લો ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા તથા કાર્બોહાઈડ્રેટસ ન હોય કે ઓછી માત્રામાં હોય તેવા પદાર્થ આરોગો.

* કેળાં ખાવાની અદમ્ય ઈચ્છા થાય તો એકી સાથે આખું કેળું ખાવાને બદલે તેનાં પતીકાં કરી સમયના થોડા થોડા અંતરે ખાવ.

* ડેઝર્ટમાં કેળાં હોય તો એ પછીના ભોજનમાં ઘણું ઓછું જમીને કેલેરીના પ્રમાણને નિયંત્રણમાં રાખો.

*  કેળાંની વેફર જેવાં કેળાંનાં બજારું ઉત્પાદન ખાવાનું ટાળવું જોઈએ.

પોતાની તબિયત અને તાસીરની અનુકૂળતા ધ્યાનમાં રાખીને ડોક્ટરની સલાહ મુજબ ડાયાબિટીઝના દર્દીઓ મર્યાદિત માત્રામાં કેળાં ખાઈ શકે.પણ,બ્લડ સુગરમાં વારંવાર  વધઘટની સમસ્યા હોય તો ડોક્ટર અથવા ડાયેટિશિયનનું માર્ગદર્શન જરુરી છે. ટૂંકમાં, કેળાંનું પ્રમાણ સીમિત હોય ત્યાં સુધી જ ડાયાબિટીઝમાં તે ખાવાં હિતાવહ છે.             ડાયાબિટીઝના દર્દીઓએ હાઈ સુગર હોય તેવાં ફળ અને વાનગીઓ ખાવા બાબતે હંમેશાં સાવચેત અને ચિંતિત પણ રહેવું પડે છે.પણ,એ સ્વાભાવિક છે કેમકે આ ગંભીર અને અસાધ્ય રોગને યોગ્ય આહાર અને વ્યવસ્થાપન દ્વારા કાબૂમાં રાખી શકાય એમ   છે.આ સાથે જાણવા જેવી પૂરક માહિતી એ કે  ૨૦૧૧માં થયેલા સંશોધન મુજબ કેળના ફૂલ ડાયાબિટીઝના દર્દીઓના બ્લડ   સુગરને નિયંત્રિત કરવામાં ફાયદાકારક જણાયાં છે.આ ફૂલ કાચાં કે શાક,સલાડ અને બારીક પીસીને બનાવેલી ચટણીના  સ્વરૂપે પણ ખાઈ શકાય.

નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશને ૨૦૧૩માં કરેલા સંશોધનમાં પણ  કેળના ફૂલના આ જ ગુણ જણાયા હતા.આ અભ્યાસ મુજબ કેળનાં ફૂલ ડાયાબિટીઝના દર્દીઓના શરીરમાં એક ખાસ પ્રકારના પ્રોટિનના ઉત્પાદનને મટાડે છે.આ એ જ પ્રોટિન છે જેનાથી સુગરનું પ્રમાણ વધી શકે છે.

તબીબી અભિપ્રાય અનુસાર ડાયાબિટિક  બધાં જ ફળ ખાઈ શકે પણ મર્યાદિત પ્રમાણમાં.એ મુજબ,અડધું કે એક નાનું કેળું  અઠવાડિયામાં ચારેક વખત લઈ શકાય.જોકે તે ખાલી પેટે ન ખવાય પણ બે વખતના ભોજનની વચ્ચેના સમયે લઈ શકાય.વળી, અતિશય પાકેલા કેળામાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે.જે સુગર લેવલ ઝડપથી વધારી શકે.એટલે આવાં કેળાં ખાવાનું ટાળવું. સૌથી   વધુ યોગ્ય તો એ કે નાસ્તા સ્વરુપે એકલાં કેળાં ખાવાને બદલે અન્ય ફાઈબર કે પ્રોટિન ધરાવતા પદાર્થ સાથે તે લેવું જોઇએ જેથી સુગર લેવલ  તરત  ન વધે.

ડાયાબિટીઝ થાય એટલે સૌથી પહેલાં  ભોજન પર નિયંત્રણ આવે.કરુણતા એ કે ડાયાબિટિકોએ શું ખાવું એના કરતા શું ન ખાવું એની યાદી મોટે ભાગે લાંબી હોય છે! પણ,વિવિધ પ્રકારના ખોરાકને અને તે ખાધા પછી બ્લડ સુગર પર તેની કેવી અસર થાય છે તે જાણી લેવાય તો ડાયાબિટિકો કોઈ પણ પણ પૂર્વગ્રહ વગર તેમનું  રોજનું ભોજન જાતે જ નક્કી કરી શકે.તેમને કંઈક ગળ્યું ખાવાનું મન થાય તો ખાંડવાળા પદાર્થને બદલે તાજા ફળના ટૂકડા પસંદ કરવા કેમકે ફળમાં ફળશર્કરા(ફ્ક્ટોઝ)હોય છે.જેને પચવામાં  ઈન્સ્યુલિનની જરુર પડતી નથી.આથી જ કેળાં જેવાં ફળ મર્યાદિત પ્રમાણમાં લેવાય ત્યારે શરીરમાં ભળતી તેની  ફળશર્કરા ઈન્સ્યુલિનની ગેરહાજરીમાં પણ  વપરાઈ જાય છે અને બ્લડ સુગરનુ પ્રમાણ  પણ વધતું નથી.યાદ રહે કે ડાયાબિટિકો માટે કેળાં કેટલાં પથ્ય એ વિશેની પ્રસ્તુત સર્વસામાન્ય માહિતીની તુલનાએ વ્યક્તિગત  અનુભવો અને તબીબી અભિપ્રાયો અલગ હોઈ શકે છે.શરીરના આવા ગંભીર વિકારમાં  ડાયાબિટિક માટે ડોક્ટરનું માર્ગદર્શન વધુ હિતાવહ  બની રહે.

- મહેશ ભટ્ટ