Get The App

લગ્નના પુષ્પોને આજીવન જાળવી શકાય?

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
લગ્નના પુષ્પોને આજીવન જાળવી શકાય? 1 - image

- ફેશન ડિઝાઇનરોએ કરી બતાવી આ કરામત

વિવાહનો દિવસ પ્રત્યેક નવયુગલ માટે ખાસ જ હોવાનો. જીવનના આ નવા આરંભને તેઓ આજીવન સંભારણું બનાવી રાખવા માગે તે સહજ છે. જો કે આધુનિક યુગલો તેમના આ દિવસને માત્ર સ્મૃતિમાં જ નહીં, અન્ય રીતે પણ સાચવી રાખવા માગે છે. તેને માટે તેમણે એક અનોખો માર્ગ શોધી કાઢયો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ તેમના લગ્નના હાર અને પુષ્પગુચ્છોને તદ્દન નવી રીતે સાચવી રહ્યા છે. તેમને આ કાર્યમાં કમર્શિયલી સહકાર આપતાં તજજ્ઞાો તેના વિશે જાણકારી આપતાં કહે છે....

પુષ્પોને આજીવન સંભારણું બનાવવું હોય તો તેને કાપડ પર ઉતારવા  પડે. અમે જે તે યુગલના હાર, પુષ્પગુચ્છો તેમ જ ડેકોરેશનમાં વપરાયેલા ફૂલોને ચંદેરી સિલ્ક, ઓરગેન્ઝા જદેવા ફેબ્રિક પર ઇકો- પ્રેસ કરીને છાપી લઇએ છીએ. તેને માટે તેમની પાસે આવેલા ફૂલોને ખુલ્લી હવામાં સુકવી દેવામાં આવે. ત્યાર પછી તેને ચોક્કસ પ્રકારની ટ્રીટમેન્ટ આપીને નેચરલ ફેબ્રિક પર ગોઠવવામાં આવે. છેવટે તેને ઇકો- પ્રેસ કરવામાં આવે જેથી તેની છાપ જે તે મટિરિયલ અથવા સાડી પર બેસી જાય. આ પ્રક્રિયા અત્યંત નજાકતથી કરવામાં આવે છે. દરેક યુગલ માટે બનાવવામાં આવતી આ ડિઝાઇન વેગવેગળા પ્રકારની હોય છે. નવવધૂઓ પોતાની સાડી પર ઇકો- પ્રિન્ટ કરવવાનું પસંદ કરે છે. જ્યારે પુરુષો પોતાના શર્ટ કે કુરતા માટેના મટિરિયલ પર ઇકો- પ્રિન્ટ કરાવે છે.

તેઓ વધુમાં કહે છે કે સામાન્ય રીતે તેને માટે ગુલાબ, મેરીગોલ્ડ, જાસ્મિન જેવા ફૂલો વધારે પસંદ કરવામાં આવે છે. આ પ્રકારના ફૂલોની છાપ કાપડ પર સારી રીતે દેખાય છે. આ કામ જટિલ અને મહેનત-માથા ઝીંક માગી લે તેવું હોવાથી જે તે યુગલે તેને માટે હજારો રૂપિયા ખર્ચ કરવો પડે છે. અને નવયુગલો હોંશે હોંશે નાણાની થેલી ખુલ્લી મૂકી દે છે. વાન ઇન્ટાગ્રામ પર તેની રીલ આવવા માંડી ત્યારથી તે આ ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે.

પોતાને માટે સાડી ઇકો- પ્રિન્ટ કરાવનાર એક નવવધૂ કહે છે કે હું મારા લગ્નના રજિસ્ટ્રેશન વખતે કોઇક અર્થપૂર્ણ પરિધાન ઇચ્છતી હતી. છેવટે મેં મારા માટે સાડી અને મારા પતિ માટે શો ઇકોપ્રિન્ટ કરાવવાનો નિર્ણય કર્યો. તેને માટે અમે અમારા લગ્નના હારનો ઉપયોગ કર્યો. હવે આ હારના પુષ્પો અમારા વસ્ત્રો પર કાયમ માટે છવાઇ ગયા છે.

તેમને માટે સાડી અને મટિરિયલ ઇકો- પ્રિન્ટ કરનાર તજજ્ઞા કહે છે કે આ કાર્ય કરતાં અમને ૧૦થી ૧૫ દિવસ જેટલો સમય લાગ્યો હતો. અલબત્ત, આ સાડી અને શર્ટ માટેનું મટિરિયલ એટલા સુંદર લાગતાં હતા કે પહેલી નજરે તે મનમાં વસી જાય.

અન્ય એક નવોઢા કહે છે કે મારી સગાઇ વખતે મારા ભાવિ પતિએ આપેલા પુષ્પો મેં સાડી પર છપાવી લીધાં. હવે તે મારા માટે આજીવન સંભારણું બનીને મારા હૈયાની નિકટ રહેશે.

તેની સાડી પ્રિન્ટ કરનાર દિલ્હી સ્થિત એક ડિઝાઇનર કહે છે કે લગ્ન કે સગાઇના કુસુમોને આ રીતે પહેરવા લાયક બનાવવાનો વિચાર જ કેટલો રોમાંચક છે. અને હવે તે ઝપાટાભેર વ્યવસાયમાં તબદીલ થઇ રહ્યો છે.

વાસ્તવમાં ચેન્નઇ સ્થિત એક ફેશન ડિઝાઇનરને પોતાના લગ્ન વખતે જ કાંઇક નોખું કરવાની ઇચ્છા થઇ અને તેના દિલોદિમાગમાં વિવાહના પુષ્પોને આ રીતે કાપડ પર છાપવાનો વિચાર આવ્યો. તેણે પોતાના ગઠબંધન વખતના કુસુમોમાંથી બે સાડી તૈયાર કરી અને હવે સોશ્યલ મીડિયાની મહેરબાનીથી તેનો આ બિઝનેસ ઝપાટાભેર વિકસી રહ્યો છે. અલબત્ત, આધુનિક નવયુગલોના આ ટ્રેન્ડ તરફનો ઝોકને પગલે.  

- વૈશાલી ઠક્કર