અમેરિકામાં જ્યારે ફિલ્મ આઉટ ઓફ સાઇટ રજૂ થઇ ત્યારે ફિલ્મી વિવેચકોએ એકી અવાજે ફિલ્મનાં વખાણ કર્યા. પણ ફિલ્મ કરતાંયે વધુ તેમને ફિલ્મની હિરોઇન જેનીફર લોપેઝની આકર્ષક દેહાકૃતિએ આકર્ષિત કર્યા હતા. ખાસ તો, જેનીફરનાં નિતંબ, આજકાલ ચર્ચાનો વિષય બની ગયા છે. જેનીફર સારી અભિનેત્રી હોવા છતાં તેના મોટા નિતંબને કારણે તેને કામ મેળવવામાં તકલીફ પડતી નથી. આજે એજ નિતંબને કારણે તે દુનિયાભરમાં પ્રખ્યાત બની ગઇ છે.
વાત પણ સાચી છે તમે તમારી પૂંઠ ન જોઇ શકો તો એનો અર્થ એવો તો નથી કે એ બીજાઓને પણ ન દેખાય. આપણા શરીરનો મોટામાં મોટો સ્નાયુ ત્યાં રહેલો છે, જ્યાં આપણને અણગમતી ચરબીઓનાં થર જામેલા હોય. આમ તો મોટા ભાગની ભારતીય સ્ત્રીઓને સપાટ અને ચરબી વગરનાં કુલાની અપેક્ષા હોય છે. પણ તેઓનાં નિતંબ મોટે ભાગે ભારેખમ જ રહેતા હોય છે. એવું લાગે, જાણે જેટલું ખાધું પીધું હોય તે ચરબી બનીને ત્યાં જ જમા થતું હોય. એ કદરૂપાં વળાંકોને છુપાવવા આપણે ખૂબ મહેનત કરીએ છીએ જરૂર પડયે પતિ કે ભાઇ પાસેથી મોટી સાઇઝનું શર્ટ પણ માંગીને પહેરતાં હોઇએ. પણ હવે આવું બધું કરવાની જરૂર નથી. ચરબીના થર પર થોડી કસરતોનાં પ્રહાર કરી તેને સુંદર અને સુડોળ અંગઉપાંગ બનાવી શકાય.
જો તમે એવું માનતા હો કે હાથ, પગ કે નિતંબની કસરત કરવાથી માત્ર તે જગ્યાની ચરબી જ ઘટી જશે, તો તે માન્યતા ભૂલ ભરેલી છે. કુલાની ચરબી ઘટાડવા તમારે એરોબિક અથવા તો કોઇ પણ થોડો શ્વાસ ચઢે તેવી કસરત અપનાવવી પડશે. ઝડપથી ચાલવું, સાયકલ ચલાવવી, તરવું,દાદર ચઢવા, સ્ટેપર નામની કસરત કરવી કે ગમે તે કરો, એક વાત ધ્યાનમાં રાખવી કે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ વીસ મિનિટ સુધી આ કસરતો નિયમિત રીતે કરવી.
કસરત કરો ત્યારે આહાર ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. ઋતુમાં મળતાં ફળોથી વધુમાં વધુ વિટામીન, ખનિજ અને રેસા મળી રહે છે. કોર્બોહાઇડ્રેટ અને પ્રોટીન પણ સાથે લેવા એટલાં જ જરૂરી છે. શરીરની રોજિંદી જરૂરિયાતને પહોંચી વળવા ૬૦ ટકા કાર્બોહાઇડેટ્સ, ૩૦ ટકા પ્રોટીન અને ૧૦ ટકા ચરબી શરીરમાં જવી જોઇએ. મલાઇ વગરનાં દૂધમાંથી બનાવેલું દહીં વાપરવું. માંસાહારી જમણનો શોખ હોય તો ગ્રીલ કરેલું ચીકન અથવા માછલી ખાઇ શકાય. એટલે સમોસા અને કેકને બાજુ પર રાખીને જ તમે સુંદર નિતંબ મેળવી શકો.
વજન ઓછું કરો કે ન કરો, ભરાવદાર નિતંબને સુડોળ બાનાવવા જ જોઇએ. નિતંબનાં હાડકા ઉપર ત્રણ સ્નાયુઓ હોય છે. ગ્લુટીયસ મેક્ઝીમસ, ગ્લુટીયસ મીડિયસ અને ગ્લુટીયસ મીનીઅસ. નીચે આપેલી કેટલીક કસરતો દ્વારા તમે તમારા નિતંબ સુડોળ બનાવી શકો. આમ તો અહીં ઘણી બધી કસરતો દર્શાવાઇ છે, જેમાંની ચારથી પાંચનો તમે ૧૨ એકાંતરા દિવસે પ્રયોગ કરી શકો. દરેક કસરત પાંચથી દસવાર કરવી અને ધીમે ધીમે વધારતાં જવી. અલગ અલગ કસરતોમાંથી અમુક કસરત તમે સોમવારે, બુધવારે અને શુક્રવારે પસંદ કરી શકો. એજ પધ્ધતિઓમાંની બીજી કસરતો તમે બીજી વખત વાપરી શકો, જેથી એક જ સ્નાયુઓને અલગ અલગ રીતે કસરત દ્વારા સુડોળ બનાવી શકાય.
સ્કવેટ: આ કસરત કરવા માટે તમારે જમીન ઉપર અધ્ધર એવી રીતે બેસવાનું હોય છે. જાણે તમે ખુરશી પર બેઠા હો. ખભા, બેઠકનાં હાડકાથી થોડાક આગળ ઝુકેલા હોવા જોઇએ અને પીઠ તથા પેટનાં સ્નાયુઓ ખેંચેલા હોવા જોઇએ. એ વાતનું ધ્યાન રાખો કે તમારા ઘૂંટણ ૯૦ ડિગ્રીનાં કાટખૂણેથી વધુ વળેલા ન હોવા જોઇએ. નિતંબ પરનાં સ્નાયુઓ પર વજન રાખવાનો પ્રયત્ન કરો. નીચે બેસતી વખતે શ્વાસ લો અને ઊભા થતી વખતે શ્વાસ છોડો.
(૧) ટૂંકા સ્કવેટ: બે પગની વચ્ચે બે ઇંચનું અંતર રાખી સ્કવેટ કરો.
(૨) લાંબા સ્કવેટ: બે પગની વચ્ચે તમારા બે ખભા જેટલું અંતર રાખી સ્કવેટ કરો. ઘૂંટણ અને પગનાં આંગળા બહારની તરફ હોવા જોઇએ.
(૩) ફોસ સ્કવેટ: આંગળાઓ પર વજન આવે તે રીતે એક પગ બીજા પગની પાછળ રાખો અને બીજા પગ ઉપર સમગ્ર શરીરનું વજન આવે તે રીતે સ્કવેટ કરો.
લંગ કસરત: આ કસરતમાં એક પગ શરીરથી આગળ રાખી (અથવા પાછળ, આજુ-બાજુ કે ક્રોસ કરીને) ઘૂંટણ જમીન તરફ લઇ જવાય છે અને આ કસરત કરતી વખતે લાંબા કરાયેલા પગ ઉપર શરીરનું વજન અપાય છે. વાંકા વળેલા પગનો ઘૂંટણ પગની પીંડીથી વધારે આગળ ન જવો જોઇએ.
(૧) સ્થિર લંગ કસરત: આગળ મોટું પગલું ભરી ત્યાં જ ઊભા રહો અને ઘૂંટણને જમીન તરફ વાળવાનો પ્રયત્ન કરો. સીધાથાઓ અને ફરીથી કસરત કરો. બંને પગ પર ૧૦ થી બાર વખત કરો.
(૨) ચોરસ લંગ કસરત: પગ ભેગાં કરી ઊભા રહો અને નિતંબ ચોરસ રહે તે રીતેે વાળી અને ઘૂંટણને જમીન પર અડાડો.
(૩) વોકિંગ લંગ કસરત: એક પગ આગળ લો અને લંગ કસરત કરો એ પછી પણ પાછળની તરફ લઇ જઇ કસરત કરો. આમ દસથી બાર વખત કરો.
ઉભા રહેવાની રીત: હંમેશા ઊભા રહેતી વખતે તમારી પીઠ ટટ્ટાર રાખો, પેટ અંદર ખેંચેલું રાખો અને ઘૂંટણ સહેજ વળેલો રાખો પણ બીજા પગ ઉપર ચઢાવી ન દો. કસરત કરતી વખતે ક્યારેય પીઠને વળાંકમાં ન વાળો. શરૂઆતમાં કદાચ તમને ખુરશી કે દીવાલનો ટેકો લેવાની જરૂર પડશે પણ પછી એની મદદ વગર પણ કસરત કરી શકશો.
(૧) હીપ એકસટેન્શન: ઉપર જણાવ્યા પ્રમાણે ઊભા રહી તમારો જમણો પગ ઉચકી પાછળની તરફ સુવિધા રહે ત્યાં સુધી ખેંચો એ પછી એને નીચે લાવો અને જમીનને ન અડાડતાં ફરીથી પાછળની તરફ ખેંચો. આ પ્રક્રિયા સહન કરી શકાય ત્યાં સુધી કરો. પછી પણ બદલીને ફરીથી કસરત કરો.
(૨) ડાયાગોનલ હીપ એકસટેન્શન: ઉપર જણાવ્યા પ્રમાણે કસરતો કરો પણ પગ પાછળનાં ભાગમાં ક્રોસ રહે તે રીતે કરવું.
ઘૂંટણ અને હાથ કોણીથી વાળો. તમારી પીઠ સપાટ હોવી જોઇએ અને પેટ અંદર ખેંચેલું રાખવું. આ પ્રકારે કસરત કરી શકાય અથવા પેટ પર ઉંધા સૂઇ જવું અને માથું જમીન પર અથવા એક તરફ રાખવું.
(૧) આ રીતે સૂઇને એક ઘૂંટણ વાળી ઉપરની તરફ ખેંચવો અને નીચેની તરફ ખેંચવો પછી ધીમેથી જમીન પર લાવવો.
(૨) ઘૂંટણ લાંબા કરી પગ ઊંચો કરવો અને નિતંબની સપાટી સુધી લાવવો પણ જમીનને અડવા દેવું નહીં. આ રીતે બંને પગ સાથે દસથી બાર વખત કસરત કરવી.
(૩) દર્શાવ્યા પ્રમાણે કસરત કરતી વખતે ઘૂંટણ નિતંબને સપાટ રાખવાને બદલે ચોરસ આકારમાં રાખવા.
જેમ જેમ તમે આ કસરતોમાં આગળ વધતા જશો તેમ તેમ તમે હાથમાં ડમ્બેલ કે બારબેલ ઉપર પણ આજ રીતે શરીર રાખી કસરત કરતાં રહેવાની આદત કેળવી શકશો એટલે, નિતંબની વધેલી ચરબીથી ચિતિંત થવાને બદલે કસરત દ્વારા તેને સુડોળ બનાવવાની બાબત અઘરી તો નથી જ.
મેદસ્વી નિતંબથી ચિંતિત માનુનીઓ
માનુનીઓને તેમના સૌંદર્યની બાબતમાં સૌથી વધુ સતાવતી ચિંતા છે તેમના ભરાવદાર નિતંબ. તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં પણ આ વાતને સમર્થન મળ્યું હતું.
અભ્યાસમાં જણાઇ આવ્યું હતું કે પોતાના દેખાવ પ્રત્યે સભાન મોટાભાગની રમણીઓ તેમની સખીઓને પૂછતી હોય છે કે તેમના નિતંબ ઝાઝા ભરાવદાર તો નથી લાગતાં ને? સહેલીઓને આ સવાલ પૂછવાનું કારણ એ છે કે તેઓ તેમના શરીરનો પાછળનો ભાગ સરખી રીતે જોઇ નથી શકતી.
વસ્ત્રોની એક જાણીતી બ્રાન્ડે ૧,૮૦૦ પામેલાઓને પૂછેલા પ્રશ્નમાંથી અડધાથી પણ વધુ માહિલાઓએ કહ્યું હતું કે તેમને તેમના વક્ષ:સ્થળ કે પેટ કરતાં પણ નિતંબની ચિંતા વધુ સતાવે છે.
એક ફેશન ડિઝાઇનર કહે છે કે અમે નોંધ્યું છે કે મોટાભાગની માનુનીઓ એવી જિન્સ ખરીદવાનો આગ્રહ રાખે છે જેમાં તેમના પુષ્ટ નિતંબ ઉપસેલાં ન દેખાય. તેઓ ટ્રાયલ માટે જિન્સ પહેર્યા પછી આગળ-પાછળ ફરીને જોવાનો પ્રયત્ન કરે છે કે તેમાં ક્યાંક તેમના નિતંબ મોટા તો નથી લાગતાં ને? આમ છતાં સંતોષ ન થતાં પોતાની સહેલી અથવા સેલ્સ પર્સનને આ સવાલ પૂછીને ખાતરી કરે છે.
તેઓ ભરાવદાર નિતંબ ધરાવતી માનુનીઓને સલાહ આપતાં કહે છે કે તેમણે શક્યત: ઘેરા રંગના જિન્સ-ટ્રાઉઝર કે સ્કર્ટ પહેરવા જોઇએ. તેનાથી તેમના નિતંબ થોડાં નાના હોય એવો આભાસ ઊભો થાય છે. તેમણે ક્યારેય નીચેનું વસ્ત્ર પેટર્નવાળું ન પહેરવું. તેનાથી લોકોનું ધ્યાન તે તરફ દોરાય છે. આ સિવાય જિન્સ ઉપર લાંબા, એટલે કે નિતંબથી થોડી નીચે સુધીની લંબાઇના ટોપ પહેરવાથી પણ ભરાવદાર નિતંબ ઢંકાઇ જાય છે.


