Get The App

માતાનું દેહલાલિત્ય પાછું લાવે સ્તનપાન

Updated: Feb 21st, 2022

GS TEAM

Google News
Google News
માતાનું દેહલાલિત્ય પાછું લાવે સ્તનપાન 1 - image

- શિશુના સર્વાંગિણ વિકાસ સાથે

- પ્રસૂતિ પછી એક માસ સુધી બ્રા ન પહેરવી જોઈએ, પરંતુ તે સમયે સ્તન નીચે ઢળેલા ન રહે તેને આધાર મળી રહે તેવી ઢીલી બ્લાઉઝ પહેરવી. ટૂંકમાં, બ્લાઉઝ ટાઇટ કે ફિટિંગ વગરની લઘરવઘર ન પહેરવી જોઈએ. 

'સ્તન એ સ્ત્રીનો શૃંગાર કહેવાય છે આથી કેટલીક માતા પોતાનું સૌંદર્ય જાળવી રાખવા માટે બાળકને સ્તનપાનથી વંચિત રાખે છે.   

સામાન્ય રીતે આ અંગે આજકાલ સરકાર તો ઘણો પ્રચાર કરે છે. ઉપરાંત હવે તો દૂધના તૈયાર ડબ્બા કે બેબીફૂડના ડબ્બા પર પણ 'માતાનું દૂધ બાળક માટે શ્રેષ્ઠ આહાર છે.' તેમ લખવું તે કાયદેસર રૂપ ધારણ કરે છે તો તે શા માટે? કારણ કે આજકાલના ફેશન અને દેખાદેખીના જમાનામાં નવા જમાનાની માતાને એક તો બાળક સ્તનપાન કરે તે લપ જેવું લાગે છે. બીજું કે તેને કારણે સ્તન સંકોચાઈ જશે કે ઢીલાં પડી જશે વગેરે બીક પણ તેના મનમાં ઘર કરી ગઈ છે  માટે જ બાળક ૬ કે ૮ દિવસનું થાય ત્યારથી જ તેને ડબ્બાનું દૂધ આપવાનું શરૂ કરી દેવામાં આવે છે. પરિણામે બાળક પૂરતું પોષણ મળવી શકતું નથી અને તે જાતજાતના રોગનો ભોગ બને છે કે બાળક નબળું રહી જાય છે. બીજી બાજુ વિચારીએ તો શું બાળકને સ્તનપાન કરાવવામાં ન આવે છતાંયે સ્ત્રીનું સ્તન સૌંદર્ય અકબંધ રહે છે ખરું? શું જેને ક્યારેય સ્તનપાન કરાવવાનો વારો ન આવ્યો હોય તેવી બાળક વિનાની સ્ત્રી કે કુંવારી છોકરીનું સ્તન સૌંદર્ય શું હંમેશા સારું જ હોય છે? ના, તેવું નથી બાળકના સ્તનપાન સાથે સ્તન સૌંદર્યને કોઈ નિસ્બત નથી.

ખરેખર તો સ્તન એ સ્ત્રીનો શૃંગાર કહેવાય છે. આ પરિભાષા તો નવા જમાનાના આપણે જ સ્તન માટે આપેલી છે. ખરેખર તો સ્તન એ બાળકના પોષણ માટે તથા માતાના વાત્સલ્યના પ્રતીક રૂપે છે પછી તે સ્ત્રીની શોભાનું સ્થાન ગણી શકાય છે  તેથી જ જે સ્ત્રી પોતાની શોભા માટે બાળકને સ્તનપાન કરાવતી નથી તે ખરેખર તો સ્ત્રી કહેવડાવવાને લાયક નથી.

સ્તનપાન કરાવવાથી ખરેખર સ્તનનું સૌંદર્ય ઘટતું નથી, પરંતુ વધે છે. હા, જો સ્તનપાન કરાવવાની રીત જો માતાને આવડતી ન હોય તો જ સ્તન સંકોચાઈ જાય છે. તેમાં માતાનો વાંક છે  તેથી બાળકને તેની સજા આપવા કરતા તેના વિષે જ્ઞાાન મેળવવું જરૂરી છે. પહેલાંના જમાનાની સ્ત્રીઓ ૨-૩ વર્ષ સુધી બાળકને સ્તનપાન કરાવતી છતાંયે તેમનાં સ્તનો હાલની સ્ત્રીઓ કરતાં પુષ્ટ હતાં, તે તો દેખીતું જ છે. જો કે તે પણ સ્તનપાનની સાચી પદ્ધતિ જાણતી હશે તેવું નથી, પરંતુ હાલની જેમ તેમને બાળકને સ્તનપાન કરાવવાનો છોછ, નફરત કે બીક ન હતી, પરંતુ તે સમયે તેમને સ્તનપાન કરાવતી વખતે બાળક પર વધુ વાત્સલ્ય ઊભરાતું. તેથી જ તેમના હોર્મોન્સ વધુ સારી રીતે કામ કરતાં, પરિણામે સ્તન વધુ પુષ્ટ બનતા. સૌ પ્રથમ તો સ્તન સૌંદર્ય બગાડવામાં માનસિક બીક વધુ કારણભૂત બને છે. બાકી કુદરતની રચના એવી છે કે સ્તનપાન કરાવતી સમયે અથવા સ્તનપાનનો સમય થાય તેના લગભગ અડધો કલાક અથવા એક કલાક પહેલાંથી જ શરીરમાં અમુક હોર્મોન્સના ફેરફારો થાય છે, જે સ્તન તથા તેની દુગ્દગ્રંથિઓને વધુ પુષ્ટ બનાવે છે. ઉપરાંત બાળક જ્યારે જીભ નીચે નિપલ દબાવી સ્તનપાનની જે પ્રક્રિયા કરે છે, તેથી સ્તનના સ્નાયુઓ તથા નસોને અમુક પ્રકારની કસરત મળે છે અને સ્તન વધુ સારાં અને પુષ્ટ બને છે  માટે સ્તનપાનથી સૌંદર્ય બગડે છે, એ માન્યતા સાવ ખોટી છે. બલ્કે સ્તનપાનથી સ્તન સૌંદર્ય ખીલે છે. આ ઉપરાંત સ્તનપાન કરાવવાથી સ્ત્રીઓને બીજા ઘણા લાભ થાય છે. જેમકે બાળક જ્યારે દુગ્ધપાન કરે છે ત્યારે માતાના ગર્ભાશયમાં તાલબદ્ધ સંકોચન થવા માંડે છે. પ્રસૂતિ પછી માતાનું ગર્ભાશય ખૂબ મોટું અને ઢીલું થઈ ગયેલું હોય છે. તે આ સંકોચનને કારણે ધીમે ધીમે નાનુ થાય છે. પછી પોતાનો કુદરતી આકાર મેળવી લે છે. આ સંકોચનને કારણે પ્રસૂતિ પછી લાંબા સમય સુધી થતો રક્તસ્ત્રાવ પણ બંધ થઈ જાય છે. સ્તનપાનને કારણે શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઓગળવા માંડે છે. પરિણામે સ્થૂળતા ધીમે ધીમે ઓછી થવા માંડે છે. શરીરમાંની અંત:સ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવમાં પણ સ્તનપાન કરાવવાથી ફેરફાર થવા લાગે છે. પરિણામે ઋતુચક્ર નિયમિત બને છે. સ્તનપાન તંદુરસ્ત અને સ્વસ્થ જાતીયજીવનમાં પણ સહાયરૂપ બને છે. સ્તનપાન કરાવનાર સ્ત્રીઓમાં સ્તનનું કેન્સર થવાની શક્યતા નહિવત્ છે. આમ, સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના શારીરિક સૌંદર્ય કે આકૃતિને હાનિ થઈ હોય કે અંદરથી આકૃતિમાં અનિચ્છનીય ફેરફારો થયા હોય તો સ્તનપાન કરાવવાથી આ બધું સામાન્ય થઈ જાય છે.

આમ, સ્તનપાન કરાવવું માતા અને બાળક બંને માટે ખૂબ હિતકર જ નહિ, પરંતુ ખૂબ જરૂરી છે સ્તનપાનથી માતાના શરીરમાં જે રોગપ્રતિકારશક્તિ હોય છે તે દૂધ દ્વારા બાળકને મળે છે. બાળકમાં પણ રોગોનો સામનો કરવાની શક્તિ પેદા થાય છે. નવજાત બાળકનું જઠર અને આંતરડાં ઘણાં નબળાં હોય છે. તેની પાચનશક્તિ પણ ખૂબ જ નબળી હોય છે. તેથી તે માતાના દૂધ સિવાયની કોઈ પણ વસ્તુ જલ્દી પચાવી શકતું નથી. ગાય-ભેંસના દૂધમાં કે બેબીફૂડના પાઉડરમાં પ્રોટીન અને ચરબીનું પ્રમાણ માતાના દૂધમાંના પ્રોટીન અને ચરબી કરતાં બમણું હોય છે. જે બાળક પચાવી શકતું નથી, પરિણામે પાચનક્રિયા વધુ નબળી પડે છે. તેને ઊલટી થાય, ઝાડા થાય કે બીજા જાતજાતના રોગો લાગુ પડે છે જ્યારે માતાના દૂધમાંથી બાળકને જોઈતા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન્સ, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે મળી રહે છે જે બાળકના ઉછેરમાં તથા શારીરિક બંધારણમાં મદદરૂપ બને છે. આમ, માતાનું દૂધ સંપૂર્ણ તત્ત્વો ધરાવે છે. જે બાળક માટે અનુકૂળ અને વધુ સુપાચ્ય છે. માતાના સ્તનમાંથી  બાળકને દૂધ સીધેસીધું મળે છે તેથી બાળકને કોઈ ચેપ લાગવાનો ભય પણ રહેતો નથી. અધૂરાં માસે જન્મેલાં કે નાજુક બાળકોની અત્યંત નાજુક પાચનશક્તિ માટે પણ માતાનું દૂધ જ શ્રેષ્ઠ આહાર બની રહે છે.

માતાના સ્તનમાંથી દૂધ પીવા માટે બાળક પોતાના હોઠ અને જડબા દ્વારા સ્તનની નિપલને દબાવે છે આનાથી બાળકના જડબા તથા જીભને એક પ્રકારનો વ્યવસ્થિત વ્યાયામ મળે છે. પરિણામે તેનાં જડબાં અને મોઢાનો આકાર વ્યવસ્થિત બને છે. બાળકને દાંત વ્યવસ્થિત અને તકલીફ વિના આવે છે. જીભને કસરત મળવાથી બાળકના બોલવાના  વિકાસમાં પણ સ્તનપાન લાભદાયી નીવડે છે. આમ, સ્તનપાનથી બાળકનું શારીરિક બંધારણ તંદુરસ્ત અને સ્વસ્થ બને છે. તેના દાંત, હાડકાં મજબૂત બને છે. બાળકમાં રોગપ્રતિકારશક્તિ વધે છે પરિણામે બાળક જાતજાતના રોગોનો ભોગ બનતું અટકે છે.

શારીરિક સ્વસ્થતાની જેમ સ્તનપાનથી બાળક તથા માતાની માનસિક તાકાત પણ વધે છે. સ્તનપાન સાથે તો બાળકનો સંબંધ માત્ર શારીરિક નથી, લાગણીનો પણ છે. આ લાગણી તંતુનું સંચાલન મગજના 'હાયપોથેલેમસ' કેન્દ્ર દ્વારા થાય છે. સ્તનપાન કરાવવાથી માતા અને બાળક વચ્ચે એક લાગણી, ખેંચાણ, મમતા સ્થાપિત થાય છે. બાળકમાં સ્તનપાનને કારણે સલામતીની ભાવના વિકસે છે, જે ભવિષ્યમાં તેના માનસિક વિકાસ માટે ખૂબ ફાયદાકારક છે.

સ્ત્રીએ પોતાના સ્તનની જાળવણી માટે, સ્તન નાનાં અને ઢીલાં ન બને તે માટે તથા બાળકના યોગ્ય માનસિક અને શારીરિક વિકાસ માટે શાંત અને પ્રફુલ્લિત મનથી સ્તનપાન કરાવવું તેટલું જ અગત્યનું છે. માતા જો સ્તનપાન દુ:ખી હૃદયે, રઘવાટથી કે ઉદ્વેગ સાથે કરાવે તો શરીરમાં હોર્મોન્સના અમુક ફેરફારો થાય છે. પરિણામે સ્તનમાં દૂધની ઉત્પત્તિ ઓછી થવા લાગે છે તથા સ્તન સંકોચાવા લાગે છે માટે પોતાનંી સૌંદર્ય જાળવી રાખતી સ્ત્રીઓએ સ્તનપાન કોઈ પણ ભય વિના પ્રફુલ્લિત મનથી અને આનંદપૂર્વક શાંતચિત્તે કરાવવું જોઈએ, જે માતા અને બાળક બંને માટે ખૂબ લાભદાયક છે.

સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ગર્ભનિરોધક ગોળીઓ લેવી ન જોઈએ કારણ કે આ ગોળીઓથી શરીરમાં હોર્મોન્સના ફેરફાર થાય છે, જેની અસર માતાના દૂધ દ્વારા બાળકને થાય છે જે બાળક માટે નુકસાનકર્તા છે. ઉપરાંત આ તબક્કામાં હોર્મોન્સના આવા ફેરફારોને કારણે સ્તન સંકોચાઈ જવાનો ભય રહે છે માટે આ તબક્કામાં ગર્ભનિરોધક સાધનો વાપરવાં વધુ હિતાવહ છે, પરંતુ ક્યારેય ગર્ભનિરોધક ગોળીઓ ન લેવી સલાહભરેલી છે.

સ્તનનું સૌંદર્ય લાંબો સમય સ્તનપાન કરાવ્યા છતાંય અકબંધ જળવાઈ રહે તે માટે સ્તનપાન કઈ રીતે કરાવવું તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે.

પ્રસૂતિ પછી બાળકને સ્તનપાન કરાવતી વખતે રાખવાની કાળજી :

સામાન્ય રીતે પ્રસૂતા પોતાના બાળકને સ્તનપાન કરાવવા અધીરી બની જતી હોય છે, પણ આ માટે ઉતાવળ ન કરતા તથા તરત જન્મેલું બાળક કોઈ ચેપનો ભોગ ન બને તેની કાળજી પણ લેવાવી જોઈએ.

માતાએ પોતાના સ્તનને નર્સની મદદથી બરાબર સ્વચ્છ કરવા જરૂરી બને છે. નિપલને બરાબર સ્વચ્છ તથા જંતુમુક્ત કર્યા બાદ જ તેનો ઉપયોગ સ્તનપાન માટે કરાવવો હિતાવહ છે. સ્તનપાન બાદ બન્ને નિપલનું જંતુઓથી રક્ષણ કરવા યોગ્ય પેડનું આવરણ આપવું જરૂરી બને છે જેથી નાનું બાળક અન્ય બીમારીનો ભોગ ન બને.

સ્તનપાનની રીત :

બાળકને ક્યારેય સૂતા સૂતા સ્તનપાન ન કરાવવું. હંમેશા બાળકને ખોળામાં સુવાડી તેના માથા નીચે હાથ મૂકી તેનું માથું થોડું સ્તન તરફ ઊંચું લઈ સ્તનપાન કરાવવું જેથી બાળકના મોં તથા નિપલ વચ્ચે વધુ અંતર ન રહે. પરિણામે સ્તનના સ્નાયુઓ વધુ ખેંચાય નહિ. સ્તનપાન સમયે સ્તનને બાળકના મોં પરના ભાગ પરથી આંગળીઓ વડે દબાવી રાખવું, જેથી સ્તનપાન સમયે બાળકનું નાક ખુલ્લું રહે અને બાળક ગૂંગળાઈ ન જાય  જેથી સંતોષપૂર્વક પેટ ભરીને બાળક સ્તનપાન કરી શકે. દરેક સ્તનપાન વખતે વારાફરતી બંને સ્તન પર બાળકને સ્તનપાન કરાવવું જોઈએ, કોઈ એક સ્તન પર નહિ. એક જ સ્તન પર વધુ વખત સુધી કે વારંવાર સ્તનપાન કરાવવાથી સ્તન નાનાં મોટાં કે ઢીલાં બની જાય છે.

બાળકને રાત્રે ક્યારેય સ્તનપાન ન કરાવવું. કારણ કે રાત્રે બાળકની પાચનક્રિયા વધુ મંદ પડે છે તેથી તે દૂધ બરાબર પચાવી શકતું નથી માટે રાત્રે ૧૦-૧૧ વાગ્યે સારી રીતે સ્તનપાન કરાવી બાળકને સુવાડી દેવું તથા સવારે પાંચ વાગ્યા પછી સ્તનપાન કરાવવું. જો રાત્રે બાળક ભૂખ્યું થાય કે રડે તો ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવડાવવું, જેથી બાળકને સંતોષ થશે.

સ્તનની સંભાળ :

સ્તનપાન અંગેની સાચી રીત જાણી તે રીતે સ્તનપાન કરાવવાથી સ્તન સૌંદર્ય બગડતું નથી. છતાંય આ તબક્કામાં સ્તનની વિશિષ્ટ કાળજી પણ લેવી પડે છે. આ તબક્કામાં સ્તન ખૂબ ભારે થયેલાં હોય છે તેથી તેને આધાર મળવો ખૂબ જરૂરી છે. છતાંય પ્રસૂતિ પછી એક માસ સુધી બ્રા ન પહેરવી જોઈએ, પરંતુ તે સમયે સ્તન નીચે ઢળેલા ન રહે તેને આધાર મળી રહે તેવી ઢીલી બ્લાઉઝ પહેરવી. ટૂંકમાં, બ્લાઉઝ ટાઇટ કે ફિટિંગ વગરની લઘરવઘર ન પહેરવી જોઈએ. એક માસ બાદ યોગ્ય માપની એટલે કે વધુ ફીટ નહિ કે વધુ ઢીલી નહિ તેવી બ્રા પહેરવી જોઈએ. આ સમયે ઢીલી બ્રા કે બ્લાઉઝ પહેરવાથી સ્તન ઢીલાં બની લટકી જાય છે તથા ચુસ્ત બ્રા કે બ્લાઉઝ પહેરવાથી સ્તન સંકોચાઈ જાય છે તથા દૂધ પણ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતું નથી.

સ્તન સૌંદર્ય જાળવી રાખવા માટે આ તબક્કામાં ક્યારેય દૂધની ઉત્પત્તિને કે સ્તનપાનને કંટાળાજનક ન માનતા હંમેશા આનંદમાં રહેવું પણ તેટલું જ જરૂરી છે. નહિ તો સ્તન સંકોચાઈ જાય છે. જો દૂધ વધુ ઉત્પન્ન થતું હોય તો પોલા હાથથી દબાવી વારંવાર કાઢી નાખવું, પરંતુ તે માટે કંટાળવું નહિ. તે જ રીતે શક્ય હોય ત્યાં સુધી બ્રેસ્ટ પંપ કે દૂધ સૂકવવાની ગોળીઓ કે ઇન્જેક્શન ન લેવાં. તેનાથી પણ સ્તન કાયમ માટે સંકોચાઈ જાય છે.

સ્તનપાનના સમયગાળા દરમિયાન સ્તન પર વધુ વજન ન અપાય તેનું ધ્યાન રાકવું, નહિ તો સ્તન ઢીલાં પડી જાય છે. આ સમય દરમિયાન તથા સ્તનપાન છોડાવ્યા પછીના ત્રણથી ચાર માસ સુધી સામાન્ય સ્તનવાળી સ્ત્રીઓએ પણ રોજ રાત્રે સ્તન પર બદામનું તેલ, ઓલિવ આઈલ, કોપરેલ કે ચોખ્ખા ઘીથી સ્તન પર હળવે હાથે ગોળાકાર માલિશ કરવું. રાત્રે બાળકને સ્તનપાન કરાવવાનું હોતું નથી, તેથી તે સમયે માલિશ કરી સૂઈ જવું. સવારે સ્તનપાન કરાવતા પહેલાં સ્તનોને પાણી તથા સાબુ વડે સારી રીતે સાફ કરી લેવાં, જેથી બાળકના સ્વાસ્થ્ય માટે કોઈ ભય રહેતો નથી.

જેને પહેલેથી જ સ્તન નાનાં હોય તેવી યુવતીઓએ આ સમય દરમિયાન અશ્વગંધા તેલથી રોજ માલિશ કરવું જોઈએ, જેથી સ્તન વધી શકે  કારણ કે આ સમય દરમિયાન હોર્મોન્સના ફેરફાર થવાને કારણે સ્તન ઝડપથી વધવાનો ચાન્સ રહે છે. ભેંસના દૂધમાં માખણ ફીણી કે ભેંસના દૂધમાં બદામનું તેલ ઉમેરી સ્તન પર માલિશ કરવાથી પણ સ્તનનો વિકાસ સારો થાય છે.

સ્તનનું સૌંદર્ય અકબંધ જળવાઈ રહે તે માટે સ્તનપાન છોડાવતા સમયે પણ યોગ્ય ધ્યાન આપવું જોઈએ.

સ્તનની યોગ્ય જાળવણી માટે તથા સ્તન પુષ્ટ બને તે માટે અને બાળકના હિત માટે એક વર્ષ સુધી તથા ઓછામાં ઓચું આઠથી નવા માસ સુધી બાળકને સ્તનપાન કરાવવું ખૂબ જરૂરી છે. જો કે આઠ-નવ  માસ સુધી ફક્ત સ્તનપાનથી બાળકનું પેટ ભરાતું નથી, તેથી સ્તનપાનની સાથે સાથે ભોજન, ઉપરનું દૂધ વગેરે આપવું જોઈએ. જ્યારે સ્તનપાન બંધ કરાવવું હોય ત્યારે એકદમ દૂધ છોડાવી દેવાને બદલે સ્તનપાન ધીમે ધીમે બંધ કરાવવું જોઈએ. શરૂઆતમાં દૂધની માત્રા અને દૂધ પીવડાવવાનો સમય ધીમે ધીમે ઓછો કરી નાખવો જોઈએ. દા.ત. તે સમયે આખા દિવસમાં પાંચથી છ વખત સ્તનપાન કરાવતા હો તો તેને બદલે ત્રણથી ચાર વખત કરાવવું. એક સમયમાં સ્તનપાન જો દશ મિનિટ કરાવતા હો તો પાંચ જ મિનિટ કરાવવું. આમ, ધીમ ે ધીમે સ્તનપાન બંધ કરાવવું જોઈએ, જેથી દૂધની જરૂરિયાત ઘટતાં અંદરથી કુદરતી રીતે જ દૂધની ઉત્પત્તિ ઓછી થતી જાય છે.

 સ્તન પર તેની અસર પડતી નથી. અચાનક સ્તનપાન બંધ કરાવવાથી પહેલાં સ્તનમાં દૂધનો ભરાવો થાય છે, પછી તે દૂધ સુકાવા લાગે છે. પરિણામે સ્તન પણ સુકાય છે તથા ઢીલાં બની જાય છે.

મહત્ત્વની વાત :

સ્તનપાન કરાવતી સમયે જો માતાના સ્તનમાં દૂધનો ભરાવો ખૂબ થાય તે પણ સ્તન માટે હાનિકારક છે. તે જ રીતે દૂધ ઓછું આવે તે તો તેનાથીય વધુ હાનિકારક છે. આનાથી સ્તનની બેડોળતા વધે છે માટે તેનું પણ ધ્યાન આપવું તેટલું જ જરૂરી છે.

(૧) તે માટે પ્રસૂતિ બાદ ત્રણથી ચાર માસ સુધી દશમૂળકવાથ (કસ્તુરીયુક્ત) દરેક યુવતીએ પીવો જોઈએ, જેથી વાયુ શાંત થાય છે. પરિણામે દૂધની ઉત્પત્તિની સમતુલા બરાબર રહે છે. સાથે સાથે દૂધ પચવામાં હલકું બને છે.

(૨) જો દૂધ વધુ આવતું હોય અને બાળક તેટલું પી ન શકતું હોય તેવી સ્ત્રીઓએ ખોરાકમાં ચરબીવાળો તથા વધારે ગળ્યો ખોરાક ઓછો કરી દેવો જોઈએ.

(૩) દૂધ વધુ આવતું હોય તો ચંપાના ફૂલને વાટી તેની લૂગદી સ્તન પર બેથી ચાર કલાક બાંધવાથી દૂધની ઉત્પત્તિ ધીમે ધીમે ઓછી થાય છે.

(૪) દૂધ જો ઓછું આવે તે પણ બાળકના પોષણ તથા માતાના સ્તન સૌંદર્ય માટે ખૂબ જ હાનિકર્તા છે માટે તેવી સ્ત્રીઓએ તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. સામાન્ય રીતે શોક, ક્રોધ, ગુસ્સો અને અવાત્સલ્યથી દૂધ ઓછું આવે છે. તેથી તે કારણ દૂર કરવું જોઈએ.

(૫) માતાને પોષણનો અભાવ હોય તો દૂધ ઓછું આવે છે માટે પૌષ્ટિક આહાર, દૂધ વગેરે વધુ લેવું જોઈએ.

(૬) પિચ્યુટરી ગ્લેન્ડના હોર્મોનનો સ્રાવ ઓછો થાય તો પણ દૂધ ઓછું આવે છે માટે આરામ લેવો, મન પ્રસન્ન રાખવું, વાત્સલ્ય ભાવ રાખવો. આનાથી પણ સ્રાવ વધે છે.

(૭) ઘઉં, જવ, તલ, ચોખા, શિંગોડા, કમળકાકડી, લસણ, વરિયાળી, જીરું વગેરે ખોરાકમાં વધુ લેવું.

(૮) દૂધ વધારે આવે તે માટે જેઠીમધ, શતાવરી, વિદારીકંદ ચૂર્ણ ૧-૧ ચમચી રોજ બેથી ત્રણ વખત દૂધ સાથે પીવું.

(૯) મખાણાને ઘીમાં તળીને ખાવા કે મખાણાને દૂધમાં ઉકાળી સાકર નાખી રોજ બે વખત પીવાથી દૂધ વધુ આવે છે સાથે સાથે સ્તન પણ પુષ્ટ બને છે.

(૧૦) શતાવરી ૨ ચમચી દૂધમાં ઉકાળી સાકર તથા એલચી મેળવી પીવાથી પણ દૂધની ઉત્પત્તિ વધે છે.

આમ, સ્તનપાન લાંબો સમય કરાવ્યા છતાંય સ્તન સૌંદર્ય અકબંધ જાળવી શકાય છે. અરે, નાના સ્તન પણ આવી કાળજી લેવાથી મોટાં બનાવી શકાય છે.

તો બોલો, જે માતાએ સ્તન સૌંદર્ય જાળવી રાખવા માટે પોતાના બાળકને સ્તનપાન ન કરાવ્યું હોય તેમને આ અંગે શું સાચું જ્ઞાાન હતું? કે તેમણે જ્ઞાાન મેળવવાનો પ્રયત્ન કર્યો હતો ખરો? કંઈ નહિ. 

હવે જાગ્યા ત્યાંથી સવાર ગણી બહેનોએ મગજમાંથી સ્તનપાન કરાવવાથી સૌંદર્ય હણાય છે, તેવો વિચાર કાઢી નાખી ઉપરોક્ત કાળજી સાથે બાળકને સ્તનપાન કરાવવું જોઈએ, જેથી સ્ત્રીઓ પણ સૌંદર્યમય રહી શકે  સાથે સાથે પોતાના નવજાત શિશુને પણ સૌંદર્યમય રાખી તંદુરસ્ત બનાવી શકે છે.