સ્તનોના કદ, આકાર, રૂપરંગની સમસ્યાઓ
કેટલું સારું થાત કે આપણે સ્તન વિશે ખુલ્લી રીતે વાત કરી શકતાં હોત. મહિલાઓનાં મનમાં સ્તન વિશે અનેક પ્રકારનાં પ્રશ્નો ઊભા થતાં હોય છે, જેમ કે સ્તનનું સુડોળ હોવું, એક નાનું અને એક મોટું હોવું, બિલકુલ ચીકણું હોવું વગેરે.
અહીં પ્રસ્તુત છે એવા સાત સવાલ જેના વિશે મહિલાઓ ક્યારેય કોઈને પૂછતી નથી હોતી, પણ માત્ર પોતાની જાતને પૂછતી રહેતી હોય છે અને તેનો જવાબ જાણવા માટે તે હમેશાં ઉત્સુક રહેતી હોય છે.
શું બંને સ્તનો સરખાં ન હોય એ સામાન્ય સ્થિતિ છે?
જાણીતા તબીબો દ્વારા જણાવ્યા મુજબ આ બિલકુલ સામાન્ય સ્થિતિ છે. મોટાભાગની મહિલાઓનાં સ્તનનો આકાર એકસમાન નથી થતો. કોઈ કોઈ મહિલામાં આ અંતર એટલું વધુ હોય છે કે, એક સ્તન ડી આકારના કપ જેવો હોય છે તો બીજો બી આકારના કપ જેવો. આમ તો એનાથી કોઈ સમસ્યા ઊભી નથી થતી પણ સમસ્યાથી છૂટકારો મેળવવો હોય તો કોસ્મેટિક સર્જરી કરાવી શકો છો.
સ્તનની ડીંટડી પર ઉગેલા વાળને દૂર કરી શકાય છે?
ડીંટડીની ચારે બાજુ હેર ફોલિક્સ હોય છે. એના પર વાળ યુવાનીમાં સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરના સ્વરૂપે ઊગી નીકળે છે. સ્ત્રીઓ આવા વાળને એ રીતે સાફ કરી શકે છે જે રીતે શરીરના બીજા ભાગમાં ઉગેલા વાળને સાફ કરે છે, જેમ કે શેવિંગ ડિપિલટરી, ઈલેક્ટ્રોલિસિસ કે પ્લકિંગ દ્વારા. જો વાળ વધુ ઊગી નીકળ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
તાણ કે ખેંચાણથી સ્તન પર પડેલી લીટીઓ કે કાપાનાં નિશાનને દૂર કરવાનો કોઈ ઉપાય?
આવી લીટીઓ કે કાપા સંપૂર્ણ રીતે નથી નીકળી શકતા, પરંતુ તાજેતરના અભ્યાસથી જાણવા મળ્યું છે કે ગ્લોકોલિક એસિડ લગાવવાથી કાપાના નિશાન ૫૦ ટકા સુધી ઝાંખા પડી જાય છે. આમ તો ઓપરેશન એ તેનો બીજો ઉપાય છે. તેનાથી નિશાન નામમાત્ર જ રહી જાય છે.
સ્તનો પર ડાઘ, ખીલ, ફોડલીઓને કેવી રીતે દૂર કરી શકાય?
સ્તનો પરના ડાઘ, ખીલ, ફોડલીઓ એ સામાન્ય બાબત છે. એનું કારણ છે સ્તનોની ત્વચા પર તૈલીગ્રંથિઓનું વધવું. તેનો ઉપાય શક્ય છે. બે થી દસ ટકા બેન્ઝાઈલ પેરોક્સાઈડને થોડો થોડો લગાવી દેવાથી તે જતાં રહે છે. જો તેમ છતાં ડાઘ ન જાય તો કોઈ ડોક્ટરની સલાહ લેવી. તે કોઈ એન્ટીબાયોટિક્સની સલાહ આપી શકે છે.
શું ઊંધી થઈ ગયેલી ડીંટડીને સીધી કરી શકાય છે?
વિદેશોમાં પ્લાસ્ટિક સર્જરીથી આવું શક્ય છે. તેમાં માત્ર ૧૫ મિનિટનો સમય લાગે છે.
માસિકસ્ત્રાવ પહેલાંના સમયની તાણમાં સ્તનોની સ્થિતિ ઠીક કેમ નથી રહેતી?
આવામાં સ્તન પર સોજા આવી જાય છે. દુખાવો પણ થાય છે, પરંતુ ક્યારેક ક્યારેક તેની ઊલટી અસર પણ પડે છે. ખાદ્ય પદાર્થો અને ચિપ્સનું સેવન નહીં કરવું જોઈએ. માસિક સ્ત્રાવ શરૂ થતાં પહેલાંના એક કે બે અઠવાડિયાં અગાઉ ચટાકેદાર, તીખી વસ્તુઓ ઓછી ખાઓ, બ્રા પહેર્યા વિના ફરવુ નહીં.
શું મહિલાઓ પોતાનાં સ્તનોની તપાસ જાતે કરી શકે છે?
અમેરિકા સુધ્ધામાં પણ માત્ર પચ્ચીસ ટકા મહિલાઓ જ નિયમિત રીતે પોતાનાં સ્તનોની જાતે તપાસ કરે છે. મહિલાઓ આ બાબત તરફ ધ્યાન નથી આપતી. પરિણામે અનેક પ્રકારનાં તર્ક બાંધી લે છે, જેમ કે હું એટલી નાની છું કે મારે તેની જરૂર જ નથી. સારું તો એ છે કે ૧૮ વર્ષની ઉંમરથી જ પોતાનાં સ્તનોની તપાસ શરૂ કરી દેવામાં આવે અને જો તમને સ્તનકેન્સરની શંકા હોય તો ઉંમરનો વિચાર કર્યા વિના ડોક્ટરની સલાહ લેવામાં સંકોચ રાખશો નહીંં કારણ સ્તન કેન્સર કોઈપણ ઉંમરની મહિલાઓને થઈ શકે છે.
- ઈશિતા