આપણે પડી જઈએ, કાંઈક વાગે કે અકસ્માતનો ભોગ બનીએ ત્યારે હાડકું ભાંગે છે અને એ બહુ પીડાદાયક હોય છે. હાડકામાં ફ્રેક્ચર થાય ત્યારે એ આપણી રોજિંદી પ્રવૃત્તિઓમાં મોટુ વિઘ્ન બની જાય છે. આપણાં અસ્થિપંજર (હાડપિંજર) અસ્થિઓ (હાડકાં)નું બનેલું છે અને હાડકાં દેહને આકાર આપે છે, અંગોની સુરક્ષા કરે છે અને આપણાં હલનચલનમાં મદદરૂપ બને છે.
એટલે દરેક વ્યક્તિએ પોતાના હાડકાં મજબુત અને સ્વસ્થ રાખવા અનિવાર્ય છે. ઘણી વાર વિવિધ કારણોસર હાડકાં નબળા પડી જાય છે અથવા એમાં ફ્રેક્ચર થાય છે. હાડકું ભાંગે ત્યારે એને સાજુ થઈને પાછું જોડાવામાં લાંબો સમય લાગે છે. અમુક કેસમાં હાડકું સહેલાઈથી પાછું જોડાતું નથી અને ત્યારે સર્જરીની જરૂર પડે છે. એલોપથીની દવાઓ અને સર્જરી ઉપરાંત એવા ઘણાં કુદરતી ઉપાયો છે, જે તુટેલા હાડકાં રિપેર કરી શકે છે. કુદરતી ઉપચાર અજમાવવા ફક્ત હેલ્દી ફુડ્સ (આરોગ્યપ્રદ આહાર)ની જરૂર છે. હેલ્દી ફુડ્સ એલોપથી દવાઓની જેમ કોઈ આડઅસર વિના હાડકાં સાજા કરી શકે છે.
હાડકું ભાંગવાના કારણો :
હાડકું ભાંગવાને મેડીકલ જારગોનમાં બોન ફેક્ચર કહેવાય છે અને એ ઘણાં કારણોસર થાય છે, જેમ કે :
* પડી જવાથી કે અકસ્માત નડે ત્યારે.
* રમતી વખતે.
* શારીરિક હુમલાથી.
* ઓસ્ટિયોપોરોસિસ જેવી બિમારીઓમાં પણ અસ્થિ નબળાં પડી જાય છે અને ફ્રેક્ચર થવાની સંભાવના રહે છે.
* બોન કેન્સરમાં પણ હાડકાં બટકણાં થઈ જતા સહેલાઈથી ભાંગી શકે છે.
આ બધા ઉપરાંત અનહેલ્દી ડાયટ અને એકસરસાઇઝ ન કરવા જેવી લાઈફસ્ટાઈલ હેબિટ્સ પણ હાડકાંને નબળા પાડી દે છે.
ફ્રેક્ચરની ટ્રિટમેન્ટ ન કરવાના જોખમો :
હાડકામાં ફ્રેક્ચર થાય ત્યારે ઓર્થોપિડીશ્યન પાસે જઈને અથવા તો કુદરતી ઉપચારોથી લાંબા સમય સુધી એની સારવાર ન કરીએ તો સ્વાસ્થ્ય પર એના ગંભીર પરિણામો થાય છે, જેમ કે :
* હાડકાં કે બોન મેરો (અસ્થિમજ્જા)માં ઇન્ફ્રેકશન્સ લાગે.
* શરીરના જે ભાગમાં બોન ફ્રેક્ચર થયું હોય એની નર્વસ (જ્ઞાાનતંતુઓ)માં સેન્સેશન ગુમાવી દેવાય.
* જે ભાગમાં ઈજા થઈ હોય એ બેડોળ થઈ જાય.
* તૂટેલા અસ્થિની આસપાસના મસલ્સ (મજ્જાતંતુઓ) અને અસ્થિબંધનો ડેમેજ થઈ જાય.
* એ ભાગ સુધી રક્ત પુરવઠો પહોંચતો બંધ થઈ જાય.
કુદરતી ઉપચારનું અનેરુ મહત્ત્વ :
નૈસર્ગિક વસ્તુઓ વાપરી કુદરતી ઉપચાર યોગ્ય રીતે અજમાવાય તો એ બહુ પાવરફુલ અને અસરકારક બની રહે છે. ભાંગેલા હાડકાંના સમારકામ (રિપેરીંગ) અને એનો મજબુત બનાવવા માટે પણ એવા ઘણાં ખાદ્ય પદાર્થો (ફુડ્સ) જે ડાયટમાં સામેલ કરવાથી લાભ થાય છે. કુદરતી ઉપચારોને પ્રાથમિકતા આપવી. ખાસ તો એટલા માટે હિતકારક છે એનાથી એન્ટીબાયોટિક દવાઓની જેમ સાઇડઇફેક્ટ્સ થવાનું જોખમ નથી રહેતું. અલબત્ત, હાડકાંનું ફ્રેક્ચર ગંભીર હોય તો પહેલા મેડીકલ ટ્રિટમેન્ટ લઈ પછીથી હેલ્દી ફુડ્સ લેવા વધુ સારા.
કુદરતી રીતે હાડકાં સાંધતા ફુડ્સ
- ડેરી ઉત્પાદનો : દૂધ, ચીઝ, દહીં, યોગહર્ટ વગેરે ડેરી પ્રોડકટ્સમાં કેલ્સિયમનું પુષ્કળ પ્રમાણ હોય છે. કેલ્સિયમ હાડકાં મજબુત બનાવવામાં અને જાતે કુદરતી રીતે સાજા થવાની એમની ક્ષમતા વધારવામાં સૌથી ઉપયોગી પુરવાર થાય છે.
- કોળાના બીજ : કોળુ કોઈને પણ પોસાય એવું સોંઘુ શાક છે. કોળાના બીમાં મિનરલ્સ (ખનિજો) હોવાથી એ રોજિંદા સલાડમાં ઉમેરી તૂટેલા હાડકાંને નૈસર્ગિક રીતે સાજુ કરી શકાય. બહુ ઓછા એ જાણે છે કે કોળાના બીમાં રહેલા મિનરલ્સ બીજા ખોરાકમાંથી મળેલા કેલ્સિયમને શોષવામાં શરીરને મદદરૂપ થાય છે.
- કાળા રાજમા : કાળા રાજમા હાડકાં અને મસલ્સ માટે અત્યંત હેલ્દી ફુડ છે. કાળા રાજમામાં મોટા પ્રમાણમાં મેરનેસિયમ અને પ્રોટિન હોય છે, જે હાડકાંની માંસપેશિયોને ઝડપથી સાજા થવામાં મદદરૂપ થાય છે.
- પાર્સલિ : પાર્સલિના પાનનો બહુ જ પોષણક્ષમ લીલા શાકભાજીમાં સમાવેશ થાય છે. એને રોજિંદા ભોજનમાં સામેલ કરવાના ઘણાં હેલ્થ બેનિફિટ્સ છે. પાર્સલિના પત્તામાં પુષ્કળ વિટામિન કે મળે છે, જે તૂટેલા હાડકાંને મજબુતી આપી ઝડપથી સાજા થવામાં મદદરૂપ થાય છે.
- કેપ્સિકમ : ખાસ કરીને લાલ કેપ્સિકમમાં વિટામિન સી ભરપુર માત્રામાં મળી રહે છે, જે હાડકામાં કોલેજનના ઉત્પાદનને વેગ આપવામાં સહાય કરે છે. અત્રે નોંદવું જોઈએ કે તૂટેલા અસ્થિને સાજા કરવામાં અને એના બે છેડાંને કુદરતી રીતે જોડવામાં કોલેજન બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે.
- ઇંડા : એગ્સ (ઇંડા)માં વિટામિન બી અને પ્રોટિનની મોટી માત્રા ઉપરાંત વિટામિન ડી અને નાની માત્રામાં કેલ્સિયમ મળે છે. ઇંડાના આ તમામ ઇન્ગ્રેડિયંટ્સ મળીને આપણાં હાડકાને મજબુત બનાવે છે અને નેચરલી સાજા થવા માટેનો એમનો માર્ગ મોકળો કરે છે.
- રમેશ દવે


