Get The App

પાર્ટનરની પસંદગીમાં શરીરની ગંધ અગત્યનું પરિબળ

Updated: Aug 11th, 2025

GS TEAM

Google News
Google News
પાર્ટનરની પસંદગીમાં શરીરની ગંધ અગત્યનું પરિબળ 1 - image


એક સર્વેક્ષણના તારણ પ્રમાણે મોટાભાગના સસ્તન વર્ગના પ્રાણીઓની જેમ મનુષ્ય પણ જીવનસાથીની પસંદગી વખતે જાણેઅજાણે શરીરના ગંધના આધારે અંતિમ નિર્ણય લે છે

વૈજ્ઞાાનિકો સંશોધનના આધારે અત્યાર સુધી ખબર હતી કે ઉંદર તથા સસ્તન વર્ગના અમુક પ્રાણીઓ સંવવન વખતે પાર્ટનરની પસંદગી તેના શરીરમાંથી આવતી ગંધના આધારે કરે છે, પણ હવે આ યાદીમાં મનુષ્યનું નામ પણ મુકવામાં આવે છે એવા સંજોગો ઉજળા બન્યા છે. બીજા પ્રાણીઓની જેમ મનુષ્ય પણ તેના જીવનસાથીની પસંદગી શરીરની ગંધના આધારે કરે છે એ મુદ્દે અત્યાર સુધી વિજ્ઞાાનીઓમાં મતમતાંતર હતા, પણ તાજેતરમાં વિયેનામાં ભરાયેલી યુરોપિયન સોસાયટી ફોર હ્યુમન જિનેટીક્સની વાષક મિટિંગમાં આ મુદ્દાને ધ્યાનમાં રાખીને કરાયેલા સંશોધનનો એક અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો.

આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે વ્યક્તિની આ પ્રકારની વર્તણુંકના મૂળ તેના જનીનોમાં રહેલા છે. સંશોધકના કહેવા પ્રમાણે સંક્રાતિકાળ દરમિયાન બીજા બધા સજીવોની જેમ મનુષ્યોનો પણ વિકાસ થયો અને તેના રોગ સામે લડવા માટેના સક્ષમ રોગ પ્રતિકારક તંત્રના વિકાસ માટે ખાસ વ્યવસ્થાનું નિર્માણ થયું. આ વ્યવસ્થા અંતર્ગત સસ્તન વર્ગના પ્રાણીઓના છઠ્ઠા રંગસુત્ર પર મેજર હિસ્ટોકોમ્પીટીબીલીટી કોમ્પ્લેક્સ (એમએસસી) નામના ખાસ જનીનિક હિસ્સાનું નિર્માણ થયું. આ એમએચસી મનુષ્યમાં રોગપ્રતિકારક તંત્રની સક્ષમતા નક્કી કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે. દરેક વ્યક્તિમાં આ એમએચસી અલગઅલગ પ્રકારનું હોય છે. મનુષ્યોમાં જો માતા-પિતામાં અલગઅલગ પ્રકારના એમએચસી હોય તો તેમના સંતાનનું રોગપ્રતિકારક તંત્ર વધારે મજબુત હોય છે તેમજ અલગઅલગ પ્રકારના એમએચસી ધરાવતા દંપતિને સંતાન મેળવવામાં કોઈ તકલીફ નથી પડતી. આ સિવાય મનુષ્યની શરીરની ગંધના આધારે પાર્ટનરની પસંદગી કરવાની વર્તણુંકનો તંતુ પણ આ એમએચસી સાથે જોડાયેલો છે. મનુષ્યો અલગઅલગ એમએચસી ધરાવતા પાર્ટનરને પસંદગી વખતે અગ્રતાક્રમ આપે છે કે કેમ એ ચકાસવા સંશોધકોએ નેવું જેટલા પરિણીત દંપતિઓના એમએચસીની તપાસ કરી હતી અને તેમને તારણ મળ્યું હતું કે દરેક વ્યક્તિ જીવનસાથીની પસંદગી વખતે જાણ્યે- અજાણ્યે તેના કરતા અલગ પ્રકારના એમએચસી ધરાવતા અને અલગ પ્રકારની શારીરિક ગંધ ધરાવતી વ્યક્તિને પસંદગીમાં અગ્રતાક્રમ આપે છે.

સંશોધકો મનુષ્યોની આ પ્રકારની વર્તણુંક માટે જવાબદાર કારણોની ચર્ચા કરતા કહે છે કે ''આનું કારણ કદાચ કુદરતમાં જ સમાયેલું છે. શક્ય છે કે એક જ કુટુંબના, સમાન એમએચસી ધરાવતા અને સમાન શારીરિક ગંધ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે શારીરિક આકર્ષણ ન ઉદ્ભવે એ માટે કુદરતે જ આ પ્રકારની ખાસ રચના કરી હોય.

 સામાન્ય રીતે વ્યક્તિ જીવનસાથીની પસંદગી માટે અલગ પ્રકારના એમએચસી ધરાવતી વ્યક્તિને અગ્રતાક્રમ આપે છે જેના પરિણામ દંપતિનું જનીનિક બંધારણ અલગઅલગ જ હોય છે. આ પ્રકારની વ્યસ્થાને કારણે એક જ કુટુંબમાં અંદરોઅંદર લગ્ન થવાનું અને પરિણામે જનીનિક રીતે નબળી સંતતિનો ઉદ્ભવ થવાનું પ્રમાણ ઘટે છે. આમ, કદાચ ઉત્ક્રાંતિકાળ દરમિયાન વધારે ને વધારે સશક્ત પેઢીના ઉદ્ભવ માટે કુદરતે જ એમએચસી જેવી ખાસ રચનાનું સર્જન કર્યું હોય એવું બની શકે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે વ્યક્તિ જીવનસાથી તરીકે પોતાના જેવા જ લક્ષણો ધરાવતી વ્યક્તિની પસંદગી કરે છે, પણ હકીકતમાં વાત અલગ જ છે. હકીકતમાં એકબીજાથી સાવ અલગ જજનીનિક ધારણ ધરાવતી વ્યક્તિઓ જ મળીને આદર્શ દંપતિ બની શકે છે અને સ્વસ્થ સંતાનને જન્મ આપી શકે છે.''

એમએચસીની અસર ચકાસવા માટે હાથ ધરાયેલા અન્ય પ્રયોગોના સંશોધનના તારણોના આધારે સંશોધકો કહે છે કે ''એમએચસીના અભ્યાસને કારણે ગર્ભધારણ, ફળદ્રુપતા ને ગર્ભપાત જેવા મુદ્દાઓને સમજવાનું સરળ બન્યું છે. અભ્યાસના આધારે ખબ૨ પડી છે કે જો દંપતિ સમાન એમએચસી ધરાવતું હોય તો તેમના બાળકો વચ્ચે બહુ અંતર હોય છે અને તેમને સંતાન મેળવવા માટે ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે અને વારંવાર ગર્ભપાતની પીડામાંથી પસાર થવું પડે છે. અમે માનીએ છીએ કે પાર્ટનરની પસંદગી વખતે માત્ર જનીનોની અસરને જ ધ્યાનમાં લેવામા નથી આવતી, પણ બીજા અનેક સામાજિક મુદ્દાઓનું પણ ધ્યાન રાખવામાં આવે છે. જોકે આ મુદ્દાને કારણે ઉત્ક્રાંતિ વખતે કુદરતે મનુષ્યમાં પાર્ટનરની પસંદગી કરવા માટે જે વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે એના પ્રત્યે દુર્લક્ષ સેવી ન શકાય.''

Tags :